Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં ભારત મંડપમ્‌માં અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્‌ઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં ભારત મંડપમ્‌માં અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્‌ઘાટન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં ભારત મંડપમ્‌માં અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્‌ઘાટન કર્યું હતું. તે યોગાનુયોગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ત્રીજી વર્ષગાંઠ સાથે છે. તેમણે પીએમ શ્રી યોજના હેઠળ ભંડોળનો પ્રથમ હપ્તો પણ જારી કર્યો હતો. 6207 શાળાઓને પ્રથમ હપ્તો કુલ રૂ. 630 કરોડ સાથે મળ્યો હતો. તેમણે 12 ભારતીય ભાષાઓમાં અનુવાદિત શિક્ષણ અને કૌશલ્ય અભ્યાસક્રમનાં પુસ્તકોનું પણ વિમોચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનને પણ લટાર મારી નિહાળ્યું હતું.

સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ રાષ્ટ્રનું ભાગ્ય બદલી શકે તેવાં પરિબળોમાં શિક્ષણની પ્રાથમિકતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, “21મી સદીનું ભારત જે લક્ષ્યાંકો સાથે આગળ વધી રહ્યું છે, તેને હાંસલ કરવામાં આપણી શિક્ષણ વ્યવસ્થાની બહુ મોટી ભૂમિકા છે.” અખિલ ભારતીય શિક્ષા સમાગમનાં મહત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શિક્ષણ માટે ચર્ચા અને સંવાદ મહત્ત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીએ ગયાં વર્ષે વારાણસીનાં નવનિર્મિત રૂદ્રાક્ષ સંમેલન કેન્દ્ર અને આ વર્ષે નવાનક્કોર ભારત મંડપમ્‌માં યોજાઈ રહેલા અખિલ ભારતીય શિક્ષા સમાગમનાં યોગાનુયોગનો ઉલ્લેખ કર્યો હતો. મંડપમ્‌નું ઓપચારિક ઉદ્‌ઘાટન થયાં પછી આ પહેલો કાર્યક્રમ છે.

કાશીનાં રૂદ્રાક્ષથી આધુનિક ભારત મંડપમ્‌ સુધી, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અખિલ ભારતીય શિક્ષા સમાગમની પ્રાચીન અને અર્વાચીન જોડાણની યાત્રામાં એક છૂપો સંદેશ છે. તેમણે કહ્યું કે, એક તરફ ભારતની શિક્ષણ વ્યવસ્થા દેશની પ્રાચીન પરંપરાઓનું જતન કરી રહી છે તો બીજી તરફ વિજ્ઞાન અને ટેક્નૉલોજી ક્ષેત્રે દેશ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. પ્રધાનમંત્રીએ અત્યાર સુધી થયેલી પ્રગતિ બદલ શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન આપનારાં લોકોને અભિનંદન પાઠવ્યાં હતાં. આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી થઈ રહી છે એ બાબતની નોંધ લઈને પ્રધાનમંત્રીએ બૌદ્ધિકો, શિક્ષણશાસ્ત્રીઓ અને શિક્ષકોનો આભાર માન્યો હતો કે, તેમણે આ નીતિને એક અભિયાન તરીકે અપનાવી છે અને અપાર પ્રગતિમાં યોગદાન આપ્યું છે. આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શન વિશે બોલતા પ્રધાનમંત્રીએ કૌશલ્ય અને શિક્ષણ તથા નવીન ટેકનિકોનાં પ્રદર્શન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે દેશમાં શિક્ષણ અને શાળાકીય શિક્ષણના પરિવર્તનશીલ ચહેરાને સ્પર્શ્યો હતો, જ્યાં નાનાં બાળકો રમતિયાળ અનુભવો દ્વારા શીખી રહ્યાં છે અને તેના માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે મહેમાનોને પ્રદર્શનને નિહાળવા માટે વિનંતી પણ કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, યુગપ્રવર્તનના ફેરફારોમાં થોડો સમય લાગે છે. એનઇપીનાં ઉદ્‌ઘાટન પ્રસંગે આવરી લેવામાં આવેલાં વિશાળ કૅનવાસને યાદ કરીને પ્રધાનમંત્રીએ તમામ હિતધારકોની નવી વિભાવનાઓને અપનાવવાની કટિબદ્ધતા અને ઇચ્છાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, એનઇપીમાં પરંપરાગત જ્ઞાન અને ભવિષ્યલક્ષી ટેક્નૉલોજીને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેમણે દેશમાં પ્રાથમિક શિક્ષણમાં નવા અભ્યાસક્રમ, પ્રાદેશિક ભાષાઓમાં પુસ્તકો, ઉચ્ચ શિક્ષણ માટે અને સંશોધન પ્રણાલીને મજબૂત કરવા માટે શિક્ષણ જગતના હિતધારકોની આકરી મહેનતનો ઉલ્લેખ કર્યો હતો.  તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ હવે સમજે છે કે 10+2 સિસ્ટમની જગ્યાએ હવે 5+3+3+4 સિસ્ટમ કાર્યરત છે. સમગ્ર દેશમાં એકરૂપતા લાવવા માટે ૩ વર્ષની ઉંમરે શિક્ષણ શરૂ થશે. તેમણે એ પણ માહિતી આપી હતી કે કૅબિનેટે સંસદમાં નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બિલ રજૂ કરવાની મંજૂરી આપી દીધી છે.  એન.ઈ.પી. હેઠળ રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું ટૂંક સમયમાં આવશે. 3-8 વર્ષના વિદ્યાર્થીઓ માટેનું માળખું તૈયાર છે. આખા દેશમાં એક સમાન અભ્યાસક્રમ હશે અને એનસીઇઆરટી આ માટે નવા અભ્યાસક્રમનાં પુસ્તકો તૈયાર કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ પ્રદાન થવાનાં પરિણામે વિવિધ 22 ભાષાઓમાં ધોરણ 3થી 12 માટે આશરે 130 વિવિધ વિષયોનાં નવાં પુસ્તકો આવી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, કોઈ પણ વિદ્યાર્થીને સૌથી મોટો અન્યાય તેમની ક્ષમતાને બદલે તેમની ભાષાને આધારે તેમને પારખવાનો છે. માતૃભાષામાં શિક્ષણ ભારતમાં વિદ્યાર્થીઓ માટે ન્યાયનાં એક નવાં સ્વરૂપની શરૂઆત કરી રહ્યું છે. સામાજિક ન્યાયની દિશામાં પણ આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.” દુનિયામાં અનેક ભાષાઓ અને તેનાં મહત્વને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિશ્વના ઘણાં વિકસિત દેશોને તેમની સ્થાનિક ભાષાને કારણે આ સિદ્ધિ મળી છે. યુરોપનું ઉદાહરણ ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મોટા ભાગના દેશો તેમની પોતાની માતૃભાષાનો ઉપયોગ કરે છે. તેમણે દુ:ખ વ્યક્ત કર્યું હતું કે ભારતમાં સ્થાપિત ભાષાઓની શ્રેણી હોવા છતાં, તેને પછાતપણાની નિશાની તરીકે રજૂ કરવામાં આવી હતી, અને જેઓ અંગ્રેજી બોલી શકતા ન હતા તેમની અવગણના કરવામાં આવી હતી અને તેમની પ્રતિભાને માન્યતા આપવામાં આવી ન હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આનાં પરિણામે ગ્રામીણ વિસ્તારોનાં બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યાં છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનાં આગમન સાથે દેશે હવે આ માન્યતાથી દૂર રહેવાનું શરૂ કર્યું છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, “સંયુક્ત રાષ્ટ્રમાં પણ હું ભારતીય ભાષામાં બોલું છું.”

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સામાજિક વિજ્ઞાનથી લઈને એન્જિનિયરિંગ સુધીના વિષયો હવે ભારતીય ભાષાઓમાં ભણાવવામાં આવશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “જ્યારે વિદ્યાર્થીઓને કોઈ પણ ભાષામાં આત્મવિશ્વાસ હશે, ત્યારે તેમની કુશળતા અને પ્રતિભા કોઈ પણ પ્રકારનાં અવરોધો વિના ઉભરી આવશે.” તેમણે એમ પણ ધ્યાન દોર્યું હતું કે, જેઓ તેમનાં પોતાનાં સ્વાર્થી હિતો માટે ભાષાનું રાજકારણ કરવાનો પ્રયાસ કરે છે તેઓએ હવે તેમની દુકાનો બંધ કરવી પડશે. તેમણે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દેશની દરેક ભાષાને યોગ્ય આદર અને શ્રેય આપશે.”

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે અમૃત કાલનાં આગામી 25 વર્ષમાં ઊર્જાવાન નવી પેઢીનું સર્જન કરવાનું છે. ગુલામીની માનસિકતાથી મુક્ત પેઢી, નવીનતાઓ માટે ઉત્સુક અને વિજ્ઞાનથી લઈને રમતગમત સુધીનાં ક્ષેત્રોમાં ખ્યાતિ મેળવવા માટે તત્પર, 21મી સદીની જરૂરિયાતો મુજબ પોતાને કૌશલ્ય પ્રદાન કરવા તૈયાર, કર્તવ્યની ભાવનાથી ભરેલી પેઢી. તેમણે કહ્યું હતું કે, “એનઇપી આમાં મોટી ભૂમિકા ભજવશે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુણવત્તાયુક્ત શિક્ષણના વિવિધ માપદંડોમાં ભારતનો મોટો પ્રયાસ સમાનતા માટે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “એનઇપીની પ્રાથમિકતા એ છે કે ભારતના દરેક યુવાનને સમાન શિક્ષણ અને સમાન તક મળવી જોઈએ.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ માત્ર શાળાઓ ખોલવા સુધી મર્યાદિત નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે શિક્ષણની સાથે સંસાધનો સુધી સમાનતાનો વિસ્તાર થવો જોઈએ. તેમણે કહ્યું કે, આનો અર્થ એ છે કે દરેક બાળકને પસંદગી અને ક્ષમતા અનુસાર વિકલ્પો મળવા જોઈએ. તેમણે કહ્યું હતું કે, “શિક્ષણમાં સમાનતાનો અર્થ એ છે કે કોઈ પણ બાળક સ્થળ, વર્ગ, ક્ષેત્રને કારણે શિક્ષણથી વંચિત નથી.” તેમણે ધ્યાન દોર્યું હતું કે, પીએમ-શ્રી યોજના હેઠળ હજારો શાળાઓનું અપગ્રેડેશન થઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, “5જીના યુગમાં આ આધુનિક શાળાઓ આધુનિક શિક્ષણનું માધ્યમ બનશે.” તેમણે આદિવાસી ગામડાઓમાં એકલવ્ય શાળાઓ, ગામડાઓમાં ઇન્ટરનેટ સુવિધાઓ અને દીક્ષા, સ્વયં અને સ્વયંપ્રભા જેવાં માધ્યમો મારફતે શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “હવે, ભારતમાં, શિક્ષણ માટે જરૂરી સંસાધનોની ખાઈને ઝડપથી આવરી લેવામાં આવી રહી છે.”

પ્રધાનમંત્રીએ વ્યાવસાયિક શિક્ષણને સામાન્ય શિક્ષણ સાથે સંકલિત કરવાનાં પગલાં તથા શિક્ષણને વધારે રસપ્રદ અને ઇન્ટરેક્ટિવ બનાવવાના માર્ગો પર પ્રકાશ પાડ્યો હતો. પ્રયોગશાળાઓ અને પ્રેક્ટિકલની સુવિધા અગાઉ કેટલીક શાળાઓ પૂરતી મર્યાદિત હતી એ બાબત તરફ ધ્યાન દોરતા પ્રધાનમંત્રીએ અટલ ટિંકરિંગ લેબ્સ પર પ્રકાશ પાડ્યો હતો, જ્યાં 75 લાખથી વધારે વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને નવીનતા વિશે શીખી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વિજ્ઞાન દરેક માટે પોતાની જાતને સરળ બનાવી રહ્યું છે. આ યુવા વૈજ્ઞાનિકો જ મહત્ત્વપૂર્ણ પરિયોજનાઓનું નેતૃત્વ કરીને દેશનાં ભવિષ્યને આકાર આપશે અને ભારતને વિશ્વનું સંશોધન કેન્દ્ર બનાવશે.”

શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “કોઈ પણ સુધારા માટે સાહસની જરૂર હોય છે અને સાહસની હાજરી નવી શક્યતાઓના જન્મ તરફ દોરી જાય છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિશ્વ ભારતને નવી શક્યતાઓની નર્સરી તરીકે જોઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ સોફ્ટવેર ટેક્નૉલોજી અને સ્પેસ ટેક્નૉલોજીનાં ઉદાહરણો આપ્યાં હતાં અને કહ્યું હતું કે, ભારતની ક્ષમતા સાથે સ્પર્ધા કરવી સરળ નથી. સંરક્ષણ ટેક્નૉલોજી વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ‘ઓછી કિંમતેઅને શ્રેષ્ઠ ગુણવત્તાનું ભારતનું મૉડલ સફળ થશે એ નિશ્ચિત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતની ઔદ્યોગિક પ્રતિષ્ઠા અને સ્ટાર્ટઅપ વૃદ્ધિ ઇકોસિસ્ટમમાં વધારા સાથે દુનિયામાં ભારતની શિક્ષણ વ્યવસ્થા માટેનાં સન્માનમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે નોંધ્યું હતું કે, તમામ વૈશ્વિક રૅન્કિંગમાં ભારતીય સંસ્થાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તથા ઝાંઝીબાર અને અબુધાબીમાં આઇઆઇટીનાં બે સંકુલો શરૂ થવાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “અન્ય ઘણા દેશો પણ અમને તેમના પોતાના દેશોમાં આઇઆઇટી કૅમ્પસ ખોલવા વિનંતી કરી રહ્યા છે.” તેમણે શિક્ષણ ઇકોસિસ્ટમમાં આવતા સકારાત્મક ફેરફારોને કારણે ભારતમાં તેમનાં કૅમ્પસ ખોલવા ઇચ્છુક ઘણી વૈશ્વિક યુનિવર્સિટીઓ વિશે પણ વાત કરી. તેમણે માહિતી આપી હતી કે, ઑસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટીઓ ગુજરાતના ગિફ્ટ સિટીમાં તેમનાં કૅમ્પસ ખોલવાની તૈયારીમાં છે. શ્રી મોદીએ શૈક્ષણિક સંસ્થાઓને સતત મજબૂત કરવા અને તેમને ભવિષ્ય માટે તૈયાર કરવા કામ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે ભારતની સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, શાળાઓ અને કૉલેજોને આ ક્રાંતિનું કેન્દ્ર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “સક્ષમ યુવાનોનું નિર્માણ એ મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરવાની સૌથી મોટી ગૅરેન્ટી છે” અને તેમાં માતા-પિતા અને શિક્ષકો મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમણે શિક્ષકો અને માતાપિતાને અપીલ કરી છે કે તેઓ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસપૂર્ણ ઉત્સુકતા અને કલ્પનાની ઉડાન માટે તૈયાર કરે. “આપણે ભવિષ્ય પર નજર રાખવી પડશે અને ભવિષ્યની માનસિકતા સાથે વિચારવું પડશે. આપણે બાળકોને પુસ્તકોનાં દબાણમાંથી મુક્ત કરવા પડશે,” એમ તેમણે કહ્યું.

પ્રધાનમંત્રીએ એ જવાબદારી વિશે વાત કરી હતી કે, મજબૂત ભારતમાં વધતી જતી વૈશ્વિક જિજ્ઞાસા આપણા પર નિર્ભર છે.  તેમણે વિદ્યાર્થીઓને યોગ, આયુર્વેદ, કળા અને સાહિત્યનાં મહત્વથી પરિચિત થવાની યાદ અપાવી હતી. તેમણે વર્ષ 2047માં વિકસિત ભારતની ભારતની સફરમાં વિદ્યાર્થીઓની વર્તમાન પેઢીનાં મહત્ત્વ વિશે શિક્ષકોને યાદ અપાવીને સમાપન કર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ તથા ઉદ્યોગસાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચાદભૂમિકા

પ્રધાનમંત્રીનાં વિઝનથી પ્રેરિત થઈને એનઇપી 2020ની શરૂઆત યુવાનોને તૈયાર કરવા અને અમૃત કાલમાં દેશનું નેતૃત્વ કરવા માટે તૈયાર કરવાના હેતુથી કરવામાં આવી હતી. તેનો હેતુ તેમને તેમને મૂળભૂત માનવ મૂલ્યોમાં જમીન પર રાખી ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે તૈયાર કરવાનો છે. તેનાં અમલીકરણનાં ત્રણ વર્ષ દરમિયાન આ નીતિએ શાળા, ઉચ્ચ અને કૌશલ્ય શિક્ષણનાં ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવ્યું છે. 29 અને 30 જુલાઈના રોજ આયોજિત આ બે દિવસીય કાર્યક્રમ શિક્ષણવિદો, ક્ષેત્રના નિષ્ણાતો, નીતિ ઘડવૈયાઓ, ઉદ્યોગના પ્રતિનિધિઓ, શાળાઓ, ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય સંસ્થાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓને એનઇપી 2020નાં અમલીકરણમાં તેમની આંતરદૃષ્ટિ, સફળતાની ગાથાઓ અને શ્રેષ્ઠ પદ્ધતિઓ વહેંચવા અને તેને આગળ વધારવા માટેની વ્યૂહરચનાઓ ઘડવા માટે એક મંચ પૂરો પાડશે.

અખિલ ભારતીય શિક્ષા સમાગમમાં 16 સત્રો યોજાશે, જેમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને શાસનની સુલભતા, સમાન અને સર્વસમાવેશક શિક્ષણ, સામાજિક-આર્થિક રીતે વંચિત જૂથના મુદ્દાઓ, રાષ્ટ્રીય સંસ્થા રૅન્કિંગ ફ્રેમવર્ક, ભારતીય જ્ઞાન વ્યવસ્થા, શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ વગેરે વિષયો પર ચર્ચા થશે.

કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ પીએમ શ્રી યોજના હેઠળ ભંડોળનો પ્રથમ હપ્તો બહાર પાડ્યો હતો. આ શાળાઓ વિદ્યાર્થીઓને એવી રીતે પોષણ આપશે કે તેઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) 2020 દ્વારા કલ્પના કરવામાં આવેલા સમાન, સર્વસમાવેશક અને બહુસંખ્ય સમાજનાં નિર્માણ માટે રોકાયેલા, ઉત્પાદક અને યોગદાન આપતા નાગરિકો બની શકે. પ્રધાનમંત્રીએ 12 ભારતીય ભાષાઓમાં અનુવાદિત શિક્ષણ અને કૌશલ્ય અભ્યાસક્રમનાં પુસ્તકોનું વિમોચન પણ કર્યું હતું.

 

 

CB/GP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com