Seychelles Interview
Q1- રજાના સમયમાં તમારું મનપસંદ સ્થળ કયું છે? |
---|
A. આ પ્રશ્ન પૂછવા બદલ આભાર. હકીકતમાં, આ પ્રશ્ન ઘણી બધી યાદો પાછી લાવે છે.
મારા જીવનના 40થી વધુ વર્ષો સુધી, મેં એક્ઝિક્યુટિવ હોદ્દો સંભાળ્યો તે પહેલાં, હું સંગઠનાત્મક કાર્ય સાથે સંકળાયેલો હતો અને જેના કારણે મને ભારતના પ્રત્યેક ખૂણામાં ફરવાની તક મળી હતી. દરેક જગ્યા ખાસ રહી છે, દરેક સ્થળ એક નવો અનુભવ લાવે છે જેની તમે મજા માણો છો.
Q2- કયા પુસ્તકે તમારું જીવન બદલી નાખ્યું? |
A. જીવનના અનેક પાસાઓ હોય છે. માત્ર એક પાસું બદલાવાથી જીવન નથી બદલાઈ જતું. જીવનની યાત્રા એ પ્રકૃતિમાં ક્રાંતિકારી હોવા કરતાં વધુ તે એક ઉત્ક્રાંતિની પ્રક્રિયા છે, .
આપણી સંસ્કૃતિમાં, આપણને ચારે બાજુથી શ્રેષ્ઠ વિચારોને આત્મસાત કરવાનું, ગ્રંથો, શાસ્ત્રોની વિશાળ શ્રેણીમાંથી, આદરણીય દ્રષ્ટાઓ, સંતો અને અન્ય જાણકાર પુરુષો અને સ્ત્રીઓ પાસેથી શીખવાનું શીખવવામાં આવે છે. હું ભાગ્યશાળી છું કે લોકો પાસેથી મને વિવિધ વિચારો અને મત સાંભળવાનો અવસર મળ્યો છે. હું એક ઉત્સુક વાચક પણ છું. મને લાગે છે કે સકારાત્મક અને નવીન વિચારો તેમજ પ્રેરણાદાયી સંદેશાઓ મારા મનના તાર સાથે જોડાઈ જાય છે.
Q3- તમે આરામ કઈ રીતે કરો છો? |
A. સમયસર અને સંપૂર્ણ રીતે પૂર્ણ થયેલું કાર્ય – તેનાથી વધારે મને રાહત આપતું બીજું કંઈ જ નથી.
હું જાણું છું કે આરામ કરવાની એક રીત એ પણ છે કે વ્યક્તિ પોતાની આસપાસના વાતાવરણમાં પ્રયાસ કરે અને પરિવર્તન લાવે – કામમાંથી થોડી પળોનો વિરામ લે અથવા કામ કરવાનું વાતાવરણ બદલી નાખે. ઘણા લોકોને આમ કરવાનું ગમતું પણ હોય છે.
અનુભવ વડે હું યોગઃ કર્મસુ કૌશલમ્ – કાર્યમાં શ્રેષ્ઠતા એ યોગ છે તેમાં માનું છું. આ સિદ્ધાંતને આત્મસાત કરવાથી મને સંતોષ મળે છે. કામથી મને સંતોષ મળે છે અને આ સંતોષ મારી માટે ખુબ જ આરામપ્રદ છે.
![]() |
Q4- શું તમને રસોઈ બનાવતા આવડે છે? |
A. હા! મોટે ભાગે, હું કંઈક અંશે સંયમિત જીવન જીવ્યો છું, હંમેશા ચાલતા રહેવું અને આત્મનિર્ભર બનીને રહેવું. આનો અર્થ એ થયો કે મારે રસોઈ બનાવતા શીખવું પડ્યું હતું અને પછીથી તે આદત બની ગઈ.
સ્વભાવથી, મને એક વસ્તુ સારી રીતે કરવી ગમે છે, અને મેં રસોઇ બનાવવાનો પ્રયાસ કરતી વખતે પણ આમ જ કરવાનો પ્રયાસ કર્યો હતો! પરંતુ હવે 15-20 વર્ષ થઈ ગયા છે. તેમ છતાં, હું જ્યારે મારા ગૃહ રાજ્યનો મુખ્યમંત્રી હતો ત્યારે એકાદ વાર મેં રસોઈ બનાવી હતી.
Q5- તમને શું લાગે છે કે તમારા મુખ્ય ગુણો કયા છે? |
A. આપણી સંસ્કૃતિમાં, અને આપણા પવિત્ર ગ્રંથોના જણાવ્યા અનુસાર, એવું માનવામાં આવે છે કે વ્યક્તિ પોતાના બાહ્ય વિશ્વને સરળતાથી શોધી શકે છે અને સંશોધન કરી શકે છે, પરંતુ વ્યક્તિ માટે પોતાની જાતની અંદર ઉતરી તેને શોધવી અઘરી હોય છે. અને એકવાર જો કોઈ વ્યક્તિ પોતાની જાતને શોધી લે છે, તો પછી તેની પાસે શીખવા માટે બીજું કંઈ બાકી રહેતું નથી, અને તેણે આ પ્રક્રિયા દરમિયાન શું શીખ્યું છે તેના વિષે લોકોને જણાવવું એ પણ તેને જરૂરી નથી લાગતું.
આજે પણ હું મારી જાતને શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું અને મારા મિત્રો અને શુભેચ્છકોની મદદથી હું મારી જાતને શોધતો રહું છું.
Q6- તમને કોઈ શોખ છે? |
A. મને લોકોને મળવાનું ગમે છે, વાસ્તવમાં, વિશાળ શ્રેણીના લોકોને મળવું અને તેમના અનુભવો વિશે જાણવાનું મને ગમે છે. મને એકાંતમાં આત્મનિરીક્ષણ કરવામાં સમય વ્યતીત કરવાનો પણ ગમે છે.
Q7- ભારતમાં તમારું મનપસંદ સ્થળ કયું છે? |
A. હિમાલય
Q8-તમે કયા રાજકારણીની સૌથી વધુ પ્રશંસા કરો છો? |
A. ભારતને સંગઠિત અને એકીકૃત કરવાના તેમના પ્રયાસો માટે, હું સરદાર વલ્લભભાઈ પટેલની ખૂબ પ્રશંસા કરું છું.
હું ભગતસિંહ જેવા લોકોની રાષ્ટ્ર માટે બહાદુરી, બલિદાન અને શહીદી માટે પ્રશંસા કરું છું, અને તે પણ ખૂબ જ નાની ઉંમરે.
જનતાની ચેતનાને પ્રજ્વલિત કરવા અને તેમને સ્વતંત્રતાની લડતમાં એકીકૃત કરવા માટે મહાત્મા ગાંધી.
બીજા પણ એવા કેટલાય મહાન પુરુષો અને સ્ત્રીઓ છે જેમના જીવનની મારા મન પર ઊંડી અસર પડી છે. આ દુનિયાને વધુ સારી જગ્યા બનાવવાની આપણી શોધ દરમિયાન આપણે તેમની પાસેથી શીખવું જોઈએ.
Q9- તમારી સૌથી જૂની સ્મૃતિ શું છે? |
A. જ્યારે મારા દેશને તાજેતરમાં જ આઝાદી મળી હતી ત્યારે મારા ગૃહ રાજ્યના એક નાના શહેરમાં ઉછર્યાની મારી યાદો છે. હું બહુ શ્રીમંત પરિવારમાંથી નથી આવતો તેથી મોટા થતા સમયે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે યાદ છે. અન્ય બાબતોની સાથે સાથે મને તે સમય યાદ છે કે જ્યારે હું સ્થાનિક રેલવે સ્ટેશન પર મારા પિતાની ચાની કીટલી પર ચા વેચતો હતો. મને એ સમય યાદ આવે છે કે જ્યારે આપણો દેશ યુદ્ધ લડી રહ્યો હતો ત્યારે હું રસ્તામાં આવતા જતા સૈનિકોને ચા પીરસતો હતો. મારા મનમાં બીજી એક સ્મૃતિ એ છે કે એકસમયે જ્યારે મેં અને મારા મિત્રોએ ખાણીપીણીની નાની દુકાન લગાવી હતી અને તેમાંથી જે આવક થઇ હતી તે બધા જ પૈસા અમે સ્થાનિક પૂરમાં નુકસાન પામેલા લોકોને આપી દીધા હતા.
Q10 તમારો સુપર પાવર શું હશે? |
A. મારે સુપર પાવર વિશે વિચારવું જોઈએ કે સર્વોચ્ચ શક્તિ વિષે?! હું માનું છું કે આપણે બધા પરમ ભગવાનની કૃપાળુ નજર હેઠળ છીએ. તે પરમ તત્વ શું છે… ના તો હું તેમને જાણું છું અને ના તો હું તેમનું વર્ણન તમારી સામે કરી શકું તેમ છું.
Q11- જીવને તમને સૌથી મહત્ત્વનો પાઠ કયો શીખવ્યો છે? |
A. મારી મુશ્કેલીઓમાંથી, હૃદય જે કામ કરે છે અને હાથ જે પહોંચાડે છે.
Q12- તમારો સૌથી મોટો ભય શું છે? |
મારા જીવનની યાત્રા એવી રહી છે કે મારા જીવનમાં ભય માટે કોઈ ખાસ સ્થાન નથી.
પરંતુ, મારા મનની પાછળ હંમેશા એ વાત હોય છે કે મારા છેલ્લા શ્વાસ સુધી હું કોઈની ઉપર બોજ ના બનું. મને તેવી શક્યતા (કોઈપણ વ્યક્તિ પર બોજ બનવાનો)ના વિચારથી પણ ભય લાગે છે.
![]() |
Q 13- લોકોની કઈ વાત તમને સૌથી વધારે તકલીફ આપે છે? |
A. મારા સ્વભાવ પ્રમાણે મને ગુસ્સો આવતો નથી. આવું કરવું મારી શૈલીમાં નથી. પણ હા, મેં અગાઉ કહ્યું તેમ જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન નથી આપતો ત્યારે મને તે ગમતું નથી. નિષ્ફળતાની ચિંતા ન કરો ફક્ત તમારા પ્રયત્નો કરો.
લોકોના બેવડા ધોરણો હોય એ જોઈને પણ મને તે ગમતું નથી. વ્યક્તિ જેવી હોય તેવી દેખાય એ ખૂબ જરૂરી છે.
Q14- જ્યારે તમે નાના હતા ત્યારે મોટા થઈને શું બનવાનું સપનું જોયું હતું? |
A. હું એવા વાતાવરણમાં જન્મ્યો અને મોટો થયો છું કે, જેમાં ગરીબોને સપના જોવા એ પણ પોસાય તેમ ન હતા. આ સાથે જ, મને એક આંતરિક ખેંચાણ અનુભવાતું હતું કે વ્યક્તિએ ફક્ત પોતાના માટે જ નહીં પણ બીજા માટે જીવવું જોઈએ. જો કે, મારી આંતરિક ઈચ્છાઓને સમજવા માટે મારે આગળ કયો માર્ગ લેવો તે વિષે ચોક્કસ નહોતો. કોઈ પણ સમયે ભાગ્ય મને જે પણ રસ્તે આગળ ધકેલતું હતું, હું તેની સાથે જતો હતો. આમ છતાં, એક વસ્તુ કે જે હંમેશા મારી સાથે રહી તે એ હતી કે બીજા લોકોની સેવામાં જીવન જીવવાનું હતું.
Q15- તમારી મનપસંદ ફિલ્મ કઈ છે? શા માટે? |
A. મારો સામાન્ય રીતે ફિલ્મો તરફનો ખાસ ઝુકાવ છે નહિ. પરંતુ હું મારી યુવાનીમાં ફિલ્મો જોતો હતો, અને તે પણ માત્ર એ જિજ્ઞાસા ખાતર કે જે ફક્ત યુવાનીમાં જ આવે છે. તે સમયે પણ માત્ર મનોરંજન માટે ફિલ્મો જોવી એ મારો સ્વભાવ ક્યારેય નહોતો. તેના બદલે, તે ફિલ્મોની વાર્તાઓમાંથી જીવનના પાઠ શોધવાની મારી આદત હતી. મને યાદ છે કે, એકવાર હું મારા કેટલાક શિક્ષકો અને મિત્રો સાથે પ્રખ્યાત હિન્દી ફિલ્મ ગાઈડ જોવા ગયો હતો. તે આર કે નારાયણની એક નવલકથા પાર આધારિત હતી. મારી દલીલ એ હતી કે આ ફિલ્મમાં કેન્દ્રીય સંદેશ એ હતો કે આખરે દરેક વ્યક્તિ પોતાના આંતરિક આત્મા વડે માર્ગદર્શન પ્રાપ્ત કરે છે. પરંતુ કારણ કે તે સમયે હું ખૂબ નાનો હતો એટલે મારા મિત્રોએ મારી વાતને ગંભીરતાથી લીધી નહિ.
Q16- તમારા જીવનની ફિલ્મમાં, તમે તમારી ભૂમિકા ભજવવા માટે કોને પસંદ કરશો? |
A. દરેક જીવનની પોતાની એક ફિલસૂફી હોય છે. મારા ગયા પછી લોકો મને યાદ કરે એવી ઈચ્છા મારે શા માટે રાખવી જોઈએ? જો તેમણે કંઈ યાદ રાખવું જ હોય તો તે આપણું કામ હોવું જોઈએ, બીજાની સેવામાં આપણે આપેલું યોગદાન હોવું જોઈએ. અને, જો તમારું જીવન કાર્ય યોગ્ય છે, તો જે કોઈ પણ વ્યક્તિ તેને આગળ લઈ જઈ શકે છે તે મારા જીવનની ભૂમિકા અને તેના જીવનની ભૂમિકા ભજવશે!
Q17- જો તમે સમયના ચક્રમાં પાછા જઈ શકતા હોત તો તમે ક્યાં જશો? |
A. આ બહુ જૂનો પ્રશ્ન છે. દરેક વ્યક્તિ બાળપણને ખૂબ પ્રેમથી યાદ કરે છે; એ નિર્દોષતા, એ બેફિકર જીવન, શેરીમાં રમવાનું, તળાવમાં ડૂબકી મારવાનું!
Q18- જો તમારા ઘરમાં આગ લાગી હોય, તો એવી કઈ એક વસ્તુ હશે કે જેને તમે બચાવશો? |
A. મારી સહજ પ્રતિક્રિયા એ જોવાની હશે કે આગ આસપાસની કોઈપણ વસ્તુમાં ફેલાય નહિ. જો મારાથી એ થઇ જશે તો ઘણું બધું આપોઆપ બચી જશે.
Q19- જો તમે કોઈપણ ત્રણ લોકોને, મૃત કે જીવંત, રાત્રિભોજન માટે આમંત્રિત કરી શકો, તો તેઓ કોણ હશે? |
A. સ્વભાવથી, હું આધ્યાત્મિક હેતુઓ માટે ઉપવાસ કરવામાં માનનારો માણસ છું. તેથી, આ યાત્રામાં, જો મને કોઈ મારા જેવી વ્યક્તિ મળી જાય તો તેઓ મારી પહેલી પસંદ હશે, જેમ કે સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ અને મહર્ષિ રમણ જેવા વ્યક્તિત્વો. આ બધા અત્યંત ઉન્નત આત્માઓ છે કે જેમને રાત્રિભોજનની જરૂર નથી!
Q20: તમારું મનપસંદ ઉદ્ધરણ કયું છે? |
A. મારું પ્રિય ઉદ્ધરણ છે: “સત્યમેવ જયતે, સત્યનો જ વિજય થાય છે.”.”