પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રાષ્ટ્રીય રોજગાર મેળાને સંબોધન કર્યું હતું તથા આ મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવી ભરતી થયેલા ઉમેદવારોને વિવિધ પદો પર નિમણૂકનાં આશરે 71,000 પત્રોની વહેંચણી કરી હતી.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એકત્ર થયેલા યુવાનોને સંબોધન કરીને નવા ભરતી થયેલા ઉમેદવારો અને તેમના પરિવારજનોને શ્રેષ્ઠ શુભેચ્છા પાઠવી હતી. તેમણે ગુજરાત જેવા રાજ્યોમાં તાજેતરમાં આયોજિત થયેલા રોજગાર મેળાઓને યાદ કર્યા હતા અને આસામમાં ટૂંક સમયમાં આયોજિત આગામી રોજગારી મેળા વિશે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને ભાજપ-શાસિત રાજ્યોમાં આ મેળાઓ સરકારની યુવા પેઢીને અર્થસભર રોજગારી પ્રદાન કરવા માટેની કટિબદ્ધતા દર્શાવે છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં 9 વર્ષ દરમિયાન સરકારે ભરતી પ્રક્રિયાને ઝડપી, પારદર્શક અને તટસ્થ બનાવવા પ્રાથમિકતા આપી છે. ભરતીની પ્રક્રિયામાં ઉમેદવારોને પડતી મુશ્કેલીઓને યાદ કરીને પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, અગાઉ સ્ટાફ સિલેક્શન બોર્ડ નવા ઉમેદવારોને ભરતી કરીને બોર્ડ પર લેવા માટે અંદાજે 15થી 18 મહિનાનો સમય લેતું હતું, જેની સરખામણીમાં હાલ ફક્ત 6થી 8 મહિનામાં આ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થાય છે. તેમણે એવી જાણકારી પણ આપી હતી કે, અગાઉ ભરતની પ્રક્રિયા જટિલ હતી, જેમાં ઉમેદવારોને અરજી માટેના ફોર્મ પ્રાપ્ત કરવાથી લઈને પોસ્ટ મારફતે તેને રજૂ કરવા પડતાં હતાં. પણ હવે આ પ્રક્રિયા સરળ બની ગઈ છે, જેમાં સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન થઈ ગઈ છે અને ઉમેદવારોને સેલ્ફ-એટેસ્ટેડ (સ્વયંપ્રમાણિત) ડોક્યુમેન્ટ્સ કે દસ્તાવેજો રજૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ એવું પણ ઉમેર્યું હતું કે, સરકારે ગ્રૂપ સી અને ગ્રૂપ ડી માટે ઇન્ટરવ્યૂ લેવાની પ્રથા પણ બંધ કરી દીધી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પ્રથા બંધ કરવાનો સૌથી મોટો ફાયદો એ થયો છે કે સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન ભાઇ-ભત્રીજાવાદ કે સગાસંબંધીઓને પ્રાધાન્ય આપવાની કુપ્રથાનો અંત આવી ગયો છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ આજે 16 મેને એક મહત્વપૂર્ણ દિવસ ગણાવ્યો હતો, કારણ કે આજથી બરોબર 9 વર્ષ અગાઉ આ જ દિવસે લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. એ દિવસના ઉત્સાહને યાદ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ના જુસ્સા સાથે શરૂ થયેલી સફર વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે હાલ અગ્રેસર થઈ રહી છે. પ્રધાનમંત્રીએ એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે, આજનો દિવસ સિક્કિમની એક રાજ્ય તરીકે સ્થાપનાનો દિવસ પણ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ 9 વર્ષના સમયગાળા દરમિયાન સરકારી નીતિઓ રોજગારીની સંભવિતતાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી. આધુનિક માળખાગત સુવિધા, જીવનની મૂળભૂત જરૂરિયાતોમાં વધારો કે ગ્રામીણ વિસ્તારોમાં સુવિધાઓમાં વધારો કરવાના ક્ષેત્રોમાં વિવિધ પહેલોમાં ભારત સરકારની દરેક નીતિ યુવા પેઢી માટે નવી તકોનું સર્જન કરે છે.
પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, છેલ્લાં 9 વર્ષ દરમિયાન સરકારે મૂડીગત ખર્ચ અને મૂળભૂત સુવિધાઓના સર્જન પર આશરે 34 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ચાલુ વર્ષના બજેટમાં પણ મૂડીગત ખર્ચ માટે 10 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ ફાળવણીથી નવા રાજમાર્ગો, નવા એરપોર્ટ, નવા રેલવે રુટ, પુલો વગેરે જેવી આધુનિક માળખાગત સુવિધા ઊભી થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, આ સુવિધાઓના સર્જનનાં પરિણામે મોટા પાયે નવી રોજગારીઓનું સર્જન થઈ રહ્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે ભારતમાં કામગીરી જે ઝડપે અને જેટલાં મોટાં પાયે થઈ રહી છે, એ સ્વતંત્ર ભારતનાં ઇતિહાસમાં અસાધારણ છે. તેમણે જાણકારી આપી હતી કે, છેલ્લાં 9 વર્ષ દરમિયાન 40 હજાર કિલોમીટરની લંબાઈ ધરાવતી રેલવે લાઇનોનું ઇલેક્ટ્રિફિકેશન થયું હતું, જ્યારે અગાઉના સાત દાયકામાં ફક્ત 20 હજાર કિલોમીટરનું ઇલેક્ટ્રિફિકેશન થયું હતું. દેશમાં મેટ્રો રેલ નેટવર્કનો સંદર્ભ ટાંકીને પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, વર્ષ 2014 અગાઉ દરરોજ ફક્ત 600 મીટરની મેટ્રો લાઇન પાથરવામાં આવતી હતી, જેની સરખામણીમાં અત્યારે દરરોજ અંદાજે 6 કિલોમીટરની મેટ્રો રેલ લાઇનનું નિર્માણ થઈ રહ્યું છે.
વર્ષ 2014 અગાઉ 4 લાખ કિલોમીટરથી ઓછી લંબાઈ ધરાવતા ગ્રામીણ માર્ગો હતાં, જે અત્યારે 7.25 લાખ કિલોમીટરની લંબાઈ ધરાવે છે. વળી વર્ષ 2014માં એરપોર્ટની સંખ્યા 74 હતી, જે અત્યારે વધીને લગભગ 150 થઈ ગઈ છે. એ જ રીતે, છેલ્લાં 9 વર્ષમાં ગરીબો માટે 4 કરોડ મકાનોનું નિર્માણ થયું છે, જેનાં પગલે મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન થયું છે. ગામડાઓમાં 5 લાખ કોમન સર્વિસ સેન્ટર ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીઓ પ્રદાન કરી રહ્યાં છે. ગામડાઓમાં 30 હજારથી વધારે પંચાયત ભવનોનું નિર્માણ થયું છે અને 9 કરોડ ઘરોમાં પાઇપ વાટે પાણી પહોંચ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ તમામ કામગીરીઓને પરિણામે મોટા પાયે રોજગારીનું સર્જન થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં વિદેશી રોકાણ હોય કે ભારતની નિકાસમાં વધારો હોય – આ તમામ કામગીરીઓ રોજગારી માટે અનેક તકોનું સર્જન કરે છે અને દેશમાં સ્વરોજગારીનું નિર્માણ પણ કરે છે.
પ્રધાનમંત્રીએ પોતાની વાત આગળ વધારતાં જણાવ્યું હતું કે, છેલ્લાં 9 વર્ષ દરમિયાન રોજગારીની પ્રકૃતિઓમાં પણ મોટા પાયે પરિવર્તનો થયાં છે, જેનાં કારણે દેશની યુવા પેઢી માટે નવા ક્ષેત્રો વિકસ્યાં છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, કેન્દ્ર સરકાર આ નવા ક્ષેત્રોને સતત ટેકો આપી રહી છે. તેમણે દેશમાં સ્ટાર્ટઅપ ક્રાંતિનો સંદર્ભ પણ ટાંક્યો હતો. તેમણે જાણકારી આપી હતી કે, દેશમાં વર્ષ 2014 અગાઉ સ્ટાર્ટઅપની સંખ્યા 1,000 હતી, જે અત્યારે વધીને 1 લાખથી વધારે થઈ ગઈ છે, જેમાં 10 લાખથી વધારે યુવાનોને રોજગારી મળી છે.
ટેકનોલોજી ક્ષેત્રમાં થયેલા વિકાસથી લોકોનું જીવન અગાઉ કરતાં વધારે સરળ થઈ ગયું છે એના પર પ્રકાશ ફેંકીને પ્રધાનમંત્રીએ શહેરો માટે જીવનરેખા બની ગયેલી એપ-આધારિત ટેક્ષી સેવાઓ, રોજગારીમાં વધારો કરનાર અસરકારક ઓનલાઇન ડિલિવરી સિસ્ટમ્સ, જંતુનાશકોના છંટકાવથી લઈને દવાઓની ડિલિવરી કરવામાં મદદરૂપ થતાં ડ્રોન ક્ષેત્રને પ્રોત્સાહન, 60થી 600 શહેરોમાં પહોંચેલી શહેરી ગેસ વિતરણ વ્યવસ્થાનાં વિસ્તરણનાં ઉદાહરણો આપ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ વિશેષ જાણકારી આપી હતી કે, છેલ્લાં 9 વર્ષ દરમિયાન સરકારે મુદ્રા યોજના અંતર્ગત 23 લાખ કરોડથી વધારે રૂપિયાની લોન આપી છે. આ યોજના નાગરિકોને નવા વ્યવસાયો સ્થાપિત કરવામાં, ટેક્ષીઓ ખરીદવામાં કે તેમના હાલના વ્યવસાયોમાં વધારો કરવામાં મદદરૂપ થઈ રહી છે. પ્રધાનમંત્રીએ એવી માહિતી પણ આપી હતી કે, મુદ્રા યોજના અંતર્ગત લોનનો લાભ લીધા પછી અંદાજે 8થી 9 કરોડ નાગરિકો પહેલી વાર કે પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકો બન્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આત્મનિર્ભર ભારત અભિયાન દેશમાં ઉત્પાદન ક્ષેત્ર મારફતે રોજગારીનું સર્જન કરવા પર આધારિત છે.” તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારે પીએલઆઇ યોજના અંતર્ગત ઉત્પાદન ક્ષેત્ર માટે આશરે રૂ. 2 લાખ કરોડની સહાય પ્રદાન કરી છે.
પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, દેશમાં ઝડપથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓ વિકસી રહી છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, વર્ષ 2014થી વર્ષ 2022 વચ્ચે દર વર્ષે એક નવી આઇઆઇટી અને એક નવી આઇઆઇએમ ઊભી થઈ છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં 9 વર્ષમાં દર અઠવાડિયે એક યુનિવર્સિટીનું ઉદ્ઘાટન થયું છે અને દરરોજ સરેરાશ બે કોલેજો શરૂ થઈ છે. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, જ્યારે વર્ષ 2014 અગાઉ દેશમાં આશરે 720 યુનિવર્સિટીઓ હતી, ત્યારે હાલ એની સંખ્યા વધીને 1100થી વધારે થઈ છે. દેશમાં તબીબી શિક્ષણ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 7 દાયકામાં દેશમાં ફક્ત 7 એઈમ્સ બની હતી, જેની સરખામણીમાં છેલ્લાં 9 વર્ષમાં સરકારે 15 નવી એઈમ્સ વિકસાવી છે. તેમણે એવું પણ ઉમેર્યું હતું કે, દેશમાં તબીબી કોલેજોની સંખ્યા 400થી વધીને 700 થઈ છે, જ્યાં એમબીબીએસ અને એમડીની બેઠકો આશરે 80 હજારથી વધીને 1 લાખ 70 હજારથી વધારે થઈ છે.
પ્રધાનમંત્રીએ વિકાસમાં આઇઆઇટીની ભૂમિકાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, “છેલ્લાં 9 વર્ષમાં દરરોજ એક આઇટીઆઇની સ્થાપના થઈ છે.” તેમણે જાણકારી આપી હતી કે, દેશની જરૂરિયાતો મુજબ 15 હજાર આઇઆઇટીમાં નવા અભ્યાસક્રમો શરૂ થયા છે અને પીએમ કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત 1.25 કરોડથી વધારે યુવાનોને કૌશલ્ય મેળવ્યું છે. ઇપીએફઓનું ઉદાહરણ આપીને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, ઇપીએફઓના નેટ પેરોલનાં આંકડા મુજબ, વર્ષ 2018-19 પછી 4.5 કરોડ નવી ઔપચારિક રોજગારીઓનું સર્જન થયું છે, જે ઔપચારિક રોજગારીમાં સતત વૃદ્ધિનો સંકેત આપે છે. સ્વરોજગારી માટેની તકોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનાં ઉદ્યોગ અને દેશમાં રોકાણ કરવા માટે અસાધારણ સકારાત્મકતા પ્રવર્તે છે. તાજેતરમાં વોલમાર્ટના સીઇઓ સાથે પોતાની બેઠકને યાદ કરીને પ્રધાનમંત્રીએ દેશમાંથી 80 હજાર કરોડ રૂપિયાનાં મૂલ્યની ચીજવસ્તુઓ સુધીની નિકાસને લઈને ભારતમાં સીઇઓના વિશ્વાસ વિશે જાણકારી આપી હતી. આ લોજિસ્ટિક્સ અને પુરવઠાની સાંકળના ક્ષેત્રોમાં કાર્યરત યુવાનો માટે મોટા સમાચાર છે. તેમણે સિસ્કોના સીઇઓ સાથે તેમની બેઠકને પણ યાદ કરી હતી, જેમનો લક્ષ્યાંક ભારતમાંથી 8 હજાર કરોડ રૂપિયાનાં મૂલ્યનાં ઉત્પાદનોની નિકાસ કરવાનો છે. વળી એપલના સીઇઓએ ભારતમાં મોબાઇલ ઉત્પાદન ઉદ્યોગ વિશે આશા વ્યક્ત કરી હતી. સેમિકંડક્ટર કંપની એનએક્સપીના ટોચના એક્ઝિક્યુટિવે પણ ભારતની સેમિકંડકટર ઇકોસિસ્ટમ ઊભી કરવાની ક્ષમતા માટે સકારાત્મકતા દર્શાવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ફોક્સકોને પણ હજારો કરોડો રૂપિયાનું રોકાણ કરવાની શરૂઆત કરી છે. પ્રધાનમંત્રીએ આગામી અઠવાડિયામાં વિશ્વની અગ્રણી કંપનીઓના સીઇઓ સાથે તેમની બેઠકો વિશે જાણકારી આપીને કહ્યું હતું કે, આ તમામ સીઇઓ ભારતમાં રોકાણ કરવાનો ઉત્સાહ ધરાવે છે. તેમણે ભાર મૂક્યો હતો કે, આ પ્રકારના પ્રયાસો ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં રોજગારીની નવી તકોનું સર્જન કરશે.
પ્રધાનમંત્રીએ તેમના સંબોધનને અંતે નવા ભરતી થયેલા ઉમેદવારોને ઉપયોગી સલાહસૂચનો કર્યા હતા અને દેશના વિકાસ માટે હાલ ચાલુ મહાયજ્ઞમાં તેમની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. આ મહાયજ્ઞ આગામી 25 વર્ષમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનાં સંકલ્પને પાર પાડવા ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રીએ ભરતી થયેલા ઉમેદવારોને આ તકોનો પૂરેપૂરો ઉપયોગ કરવા અપીલ કરી હતી અને ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ આઇગોટ કર્મયોગી મોડ્યુલ મારફતે સરકાર પોતાના કર્મચારીઓના કૌશલ્ય વિકાસ પર ભાર મૂકી રહી છે એવી જાણકારી આપી હતી.
પૃષ્ઠભૂમિ
સમગ્ર દેશમાં અત્યાર સુધી 45 કેન્દ્રો કે શહેરોમાં રોજગાર મેળાનું આયોજન થયું છે, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયાની પહેલને ટેકો મળ્યો છે. સમગ્ર દેશમાંથી પસંદ થયેલા આ નવા ભરતી થયેલા ઉમેદવારો વિવિધ હોદ્દાઓ/પદો પર જોડાશે, જેમ કે ગ્રામીણ ડાક સેવકો, ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ, કમર્શિયલ-કમ-ટિકિટ ક્લાર્ક, જૂનિયર ક્લાર્ક-કમ-ટાઇપિસ્ટ, જૂનિયર એકાઉન્ટ્સ ક્લાર્ક, ટ્રેક મેઇન્ટેનર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, લોઅર ડિવિઝન ક્લાર્ક, સબ ડિવિઝનલ ઓફિસર, ટેક્ષ આસિસ્ટન્ટ્સ, આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર, ઇન્સ્પેક્ટર્સ, નર્સિંગ ઓફિસર્સ, આસિસ્ટન્ટ સીક્યોરિટી ઓફિસર્સ, ફાયરમેન, આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ ઓફિસર, આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, ઓડિટર, કોન્સ્ટેબ્લ, હેડ કોન્સ્ટેબ્લ, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, પ્રિન્સિપલ, ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, આસિસ્ટન્ટ પ્રોફેસર વગેરે.
રોજગાર મેળા રોજગારીના સર્જનને સૌથી વધુ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રી કટિબદ્ધતા પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે. રોજગાર મેળા રોજગારીના સર્જનને વેગ આપવા તથા યુવા પેઢીના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે તેમને અર્થસભર તક આપવા પ્રેરકબળ તરીકે કામ કરશે એવી અપેક્ષા છે.
નવા ભરતી થયેલા ઉમેદવારોને વિવિધ સરકારી વિભાગોમાં નવનિયુક્ત થયેલા તમામ ઉમેદવારો માટે ઓનલાઇન ઓરિએન્ટેશન કોર્સ કર્મયોગી પ્રારંભ મારફતે પોતાને તાલીમ આપવાની તક પણ મળશે.
Rozgar Mela is our endeavour to empower the youth and strengthen their participation in national development. https://t.co/nzn9JTwhWk
— Narendra Modi (@narendramodi) May 16, 2023
बीते 9 वर्षो में भारत सरकार ने सरकारी भर्ती प्रक्रिया को ज्यादा तेज करने, ज्यादा पारदर्शी और निष्पक्ष बनाने को भी प्राथमिकता दी है: PM @narendramodi pic.twitter.com/ZCZPy3js0B
— PMO India (@PMOIndia) May 16, 2023
सबका साथ-सबका विकास के मंत्र के साथ कदम बढ़ाने वाला भारत, आज विकसित भारत बनने के लिए प्रयास कर रहा है। pic.twitter.com/jzcV97FFZF
— PMO India (@PMOIndia) May 16, 2023
9 वर्षों में देश ने स्टार्ट अप कल्चर की नई क्रांति देखी है। pic.twitter.com/HkWMbVU4i1
— PMO India (@PMOIndia) May 16, 2023
*****
DS/TS
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Rozgar Mela is our endeavour to empower the youth and strengthen their participation in national development. https://t.co/nzn9JTwhWk
— Narendra Modi (@narendramodi) May 16, 2023
बीते 9 वर्षो में भारत सरकार ने सरकारी भर्ती प्रक्रिया को ज्यादा तेज करने, ज्यादा पारदर्शी और निष्पक्ष बनाने को भी प्राथमिकता दी है: PM @narendramodi pic.twitter.com/ZCZPy3js0B
— PMO India (@PMOIndia) May 16, 2023
सबका साथ-सबका विकास के मंत्र के साथ कदम बढ़ाने वाला भारत, आज विकसित भारत बनने के लिए प्रयास कर रहा है। pic.twitter.com/jzcV97FFZF
— PMO India (@PMOIndia) May 16, 2023
9 वर्षों में देश ने स्टार्ट अप कल्चर की नई क्रांति देखी है। pic.twitter.com/HkWMbVU4i1
— PMO India (@PMOIndia) May 16, 2023