Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુજરાતના ગાંધીનગર ખાતે યોજાયેલા અખિલ ભારતીય શિક્ષા સંઘ અધિવેશનમાં ભાગ લીધો

પ્રધાનમંત્રીએ ગુજરાતના ગાંધીનગર ખાતે યોજાયેલા અખિલ ભારતીય શિક્ષા સંઘ અધિવેશનમાં ભાગ લીધો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક સંમેલન અખિલ ભારતીય શિક્ષા સંઘ અધિવેશનમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે યોજવામાં આવેલા પ્રદર્શનમાં પણ લટાર મારી હતી. આ અધિવેશનની થીમ શિક્ષણ પરિવર્તનના હાર્દમાં શિક્ષકો રાખવામાં આવી છે.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ ભારત જ્યારે અમૃતકાળમાં વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે તેવા સમયે તમામ શિક્ષકોના વિરાટ યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પ્રાથમિક શિક્ષકોની મદદથી શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન લાવ્યા તે અનુભવોને વાગોળતા, તેમણે એ બાબત પર સૌનું ધ્યાન દોર્યું હતું કે, અત્યારે રાજ્યમાં શાળા છોડવાનો દર 40 ટકાથી ઘટીને 3 ટકાથી ઓછો થઇ ગયો હોવાની ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માહિતી આપી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષકો સાથેના તેમના અનુભવે તેમને રાષ્ટ્રીય સ્તરે પણ મદદ કરી છે અને નીતિ માળખું ઘડવામાં પણ તેનાથી મદદ મળી છે. તેમણે છોકરીઓ માટે શાળાઓમાં મિશન મોડમાં શૌચાલયનું નિર્માણ કરવાનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે આદિવાસી વિસ્તારોમાં વિજ્ઞાનનું શિક્ષણ શરૂ કરવાની વાત પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ વૈશ્વિક નેતાઓના દિલમાં ભારતીય શિક્ષકો પ્રત્યે જે ઉચ્ચ આદરભાવ છે તેના વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે તેઓ કોઇ વિદેશી મહાનુભાવોને મળે છે ત્યારે તેમને ઘણી વાર આ બાબતે સાંભળવા મળે છે. પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, તેઓ જ્યારે ભૂતાન અને સાઉદી અરેબિયાના રાજાઓ અને WHOના મહાનિદેશકને મળ્યા ત્યારે તેમણે પોતાના ભારતીય શિક્ષકો વિશે ખૂબ વાતો કરી હતી.

પ્રધાનમંત્રીએ પોતે એક સદાય વિદ્યાર્થી હોવાનું ગૌરવ લેતા કહ્યું હતું કે, સમાજમાં જે પણ થઇ રહ્યું છે તેને તેઓ અવલોકન કરવાનું શીખ્યા છે. પ્રધાનમંત્રીએ શિક્ષકો સાથે પોતાના અનુભવો શેર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, 21મી સદીના બદલાઇ રહેલા સમયમાં ભારતની શિક્ષણ વ્યવસ્થા, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં પરિવર્તન આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, અગાઉના સમયમાં સંસાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા પડકારો હતા છતાં વિદ્યાર્થીઓએ અનેક પડકારો સામે પણ ઝુક્યા નહોતા. હવે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધનને પડકારોને ધીમે ધીમે ઉકેલવામાં આવી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓમાં અમાપ જિજ્ઞાસાઓ જોવા મળી રહી છે. આ આત્મવિશ્વાસુ અને નીડર યુવાન વિદ્યાર્થીઓ શિક્ષકોને પડકાર આપે છે અને ચર્ચાને પરંપરાગત મર્યાદાઓથી આગળ વધીને નવા દૃશ્યો સુધી લઇ જાય છે. વિદ્યાર્થીઓ પાસે માહિતીના અનેક સ્રોતો હોવાથી હવે શિક્ષકોએ નાછૂટકે તમામ બાબતોથી અપડેટ રહેવું પડે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણી શિક્ષણ પ્રણાલીનું ભાવિ શિક્ષકો દ્વારા આ પડકારોનો કેવી રીતે ઉકેલ લાવવામાં આવે છે તેના પર નિર્ભર છે. તેમણે આગળ કહ્યું હતું કે, આ પડકારોને શિક્ષકોએ તેમની સમક્ષ આવેલી વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ માટેની તકો તરીકે જોવા જોઇએ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પડકારો આપણને શીખવાની, બિનજરૂરી હોય તેને છોડવાની અને ફરીથી શીખવાની તક આપે છે.

પ્રધાનમંત્રીએ શિક્ષકોને શિક્ષક બનવાની સાથે સાથે વિદ્યાર્થીઓના માર્ગદર્શક અને પથદર્શક બનવા પણ અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, વિશ્વમાં એવી કોઇપણ ટેકનોલોજી નથી જે કોઇપણ વિષયની ઊંડી સમજ કેવી રીતે મેળવવી તે અંગે શીખવી શકે અને જ્યારે માહિતીનું ભારણ હોય ત્યારે મુખ્ય વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવું વિદ્યાર્થીઓ માટે એક પડકાર બની જાય છે. શ્રી મોદીએ આ બાબતના ઊંડા અભ્યાસ દ્વારા તાર્કિક નિષ્કર્ષ પર પહોંચવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આથી, 21મી સદીમાં વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષકોની ભૂમિકા પહેલાંના સમય કરતાં પણ વધુ અર્થપૂર્ણ બની ગઇ છે. તેમણે કહ્યું હતું કે, દરેક માતા-પિતાની ઇચ્છા હોય છે કે તેમના સંતાનોને શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવે અને તેમની આશા સંપૂર્ણપણે તેમના પર જ ટકેલી હોય છે.

શિક્ષકની વિચારસરણી અને વર્તનથી વિદ્યાર્થીઓ પર કેવી રીતે અસર પડે છે તે વાતને રેખાંકિત કરતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, વિદ્યાર્થીઓ માત્ર તેમને ભણાવવામાં આવતા વિષયની સમજણ જ નથી મેળવતા પરંતુ કેવી રીતે ધીરજ, હિંમત, સ્નેહ અને નિષ્પક્ષ વર્તન સાથે સંવાદ કરવો અને પોતાના મંતવ્યોને રજૂ કરવા તે અંગે પણ તેઓ શીખે છે. પ્રધાનમંત્રીએ પ્રાથમિક શિક્ષકોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને ઉલ્લેખ કર્યો હતો કે, તેઓ પરિવાર સિવાયના એવા પ્રથમ વ્યક્તિઓ પૈકી છે જેઓ બાળક સાથે સૌથી વધુ સમય વિતાવે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષકની જવાબદારીઓની અનુભૂતિ રાષ્ટ્રની ભાવિ પેઢીઓને વધુ મજબૂત બનાવશે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે વાત કરતાં, પ્રધાનમંત્રીએ આ નીતિ તૈયાર કરવામાં લાખો શિક્ષકોએ આપેલા યોગદાન બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત આજે 21મી સદીની જરૂરિયાતો અનુસાર નવી પ્રણાલીઓનું નિર્માણ કરી રહ્યું છે અને તેને ધ્યાનમાં રાખીને જ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવામાં આવી છે. તેમણે આગળ કહ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જૂની અપ્રસ્તુત શિક્ષણ પ્રણાલીના સ્થાને અમલમાં મૂકવામાં આવી રહી છે જેણે વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીયું જ્ઞાન પૂરતા મર્યાદિત કરી દીધા હતા. આ નવી નીતિ વ્યવહારિક સમજ પર આધારિત છે. પ્રધાનમંત્રીએ બાળપણથી તેમના કંઇક નવું શીખવાના અંગત અનુભવોને યાદ કર્યા હતા અને શીખવાની પ્રક્રિયામાં શિક્ષકની વ્યક્તિગત સામેલગીરીના સકારાત્મક લાભો પર ભાર મૂક્યો.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણ માટેની જોગવાઇ કરવામાં આવી છે તેના પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ સૌનું ધ્યાન દોર્યું હતું કે, ભારતમાં 200 વર્ષથી વધુ સમય સુધી અંગ્રેજોએ શાસન કર્યું હતું, તેમ છતાં અંગ્રેજી ભાષા હજી મુઠ્ઠીભર વસતિ સુધી મર્યાદિત હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, જે શિક્ષકો પ્રાદેશિક ભાષાઓમાં તેમનો વેપાર કરવાનું શીખ્યા હતા તેમને અંગ્રેજીમાં શીખવાની પ્રાધાન્યતાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ વર્તમાન સરકારે પ્રાદેશિક ભાષાઓમાં શીખવાની રજૂઆત કરીને તેમાં પરિવર્તન લાવી દીધું છે, જેનાથી પ્રાદેશિક ભાષાઓ પસંદ કરતા શિક્ષકોની નોકરીઓ બચી ગઇ છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, સરકાર પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ પર ખાસ ભાર આપી રહી છે જેનાથી શિક્ષકોનું જીવન પણ સુધરશે.

પ્રધાનમંત્રીએ એવો માહોલ બનાવવાની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો કે, જ્યાં લોકો શિક્ષક બનવા માટે આગળ આવે. તેમણે શિક્ષકના દરજ્જાને વ્યવસાય તરીકે આકર્ષક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, દરેક શિક્ષક તેના દિલના ઉંડાણમાંથી શિક્ષક હોવો જોઇએ.

પ્રધાનમંત્રીએ જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા તે વખતની તેમની બે અંગત ઇચ્છાઓને યાદ કરી હતી. તેમની પ્રથમ ઇચ્છા હતી, તેમના શાળાના મિત્રોને મુખ્યમંત્રીના નિવાસસ્થાને બોલાવવા અને બીજી એ કે, તેમના તમામ શિક્ષકોનું સન્માન કરવું. શ્રી મોદીએ કહ્યું હતું કે, આજે પણ તેઓ તેમની આસપાસના શિક્ષકોના સંપર્કમાં છે. તેમણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનું વ્યક્તિગત બંધન ઘટી રહ્યું છે તે અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જો કે, રમતગમતના ક્ષેત્રમાં આ બંધન હજુ પણ મજબૂત જોવા મળે છે. તેવી જ રીતે, પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ અને શાળા વચ્ચેના જોડાણની પણ નોંધ લીધી કારણ કે વિદ્યાર્થીઓ શાળા છોડ્યા પછી તેના વિશે ભૂલી જાય છે. તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ, કે મેનેજમેન્ટને પણ સંસ્થાની સ્થાપનાની તારીખની ખબર નથી હોતી. તેમણે કહ્યું હતું કે, શાળાના સ્થાપના દિવસની ઉજવણી શાળાઓ અને વિદ્યાર્થીઓ વચ્ચેના અંતરને દૂર કરશે.

શાળાઓમાં આપવામાં આવતા ભોજનના મહત્વ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર સમાજ એક બનીને ભેગો થઇ રહ્યો છે જેથી શાળામાં કોઇપણ બાળક ભૂખ્યું ન રહે. તેમણે ગામડાંના વડીલોને તેમના મધ્યાહન ભોજન દરમિયાન વિદ્યાર્થીઓને ભોજન પીરસવા માટે આમંત્રિત કરવાનું પણ સૂચન કર્યું જેથી કરીને બાળકોમાં પરંપરાઓ કેળવાય અને તેમને પીરસવામાં આવતા ભોજન વિશે શીખવા માટે તેમને સંવાદાત્મક અનુભવ મળે.

બાળકોમાં સ્વચ્છતાની આદતો કેળવવાના મહત્વ વિશે બોલતા પ્રધાનમંત્રીએ આદિવાસી વિસ્તારમાં એક શિક્ષિકાએ આપેલા યોગદાનનો કિસ્સો યાદ કર્યો હતો. તે શિક્ષિકા બાળકો માટે રૂમાલ બનાવવા માટે તેમની જૂની સાડીના નાના-નાના ટૂકડા કરી નાખતા હતા જેથી તેમના વસ્ત્રો સાથે પિન લગાવીને બાંધી શકાય અને વિદ્યાર્થીઓ પોતાનો ચહેરો અથવા નાક સાફ કરવા માટે તેનો ઉપયોગ કરી શકે. તેમણે આદિવાસી શાળાનું એક એવું દૃશ્ટાંત પણ શેર કર્યું હતું જ્યાં શિક્ષકે વિદ્યાર્થીઓ માટે તેમના એકંદર દેખાવનું મૂલ્યાંકન કરવા માટે અરીસો મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ નાના એવા પરિવર્તને બાળકોના આત્મવિશ્વાસને વધારવામાં ઘણો મોટો તફાવત લાવ્યો છે.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરતી વખતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, શિક્ષકો દ્વારા કરવામાં આવેલું એક નાનું પરિવર્તન યુવાન વિદ્યાર્થીઓના જીવનમાં વિરાટ પરિવર્તનો લાવી શકે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તમામ શિક્ષકો ભારતની એવી પરંપરાઓને આગળ વધારશે જેમાં શિક્ષકને સર્વોચ્ચ માન આપવામાં આવે છે અને તેનાથી વિકસિત ભારતનું સપનું સાકાર થશે.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદ સભ્ય શ્રી સી. આર. પાટીલ, કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા, કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. મુંજપરા મહેન્દ્રભાઇ, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી રામપાલસિંહ, સંસદ સભ્યો અને ગુજરાત સરકારના મંત્રીઓ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

****

DS/TS

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com