Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રાજસ્થાનના આબુ રોડ ખાતે બ્રહ્મા કુમારીના શાંતિવન સંકુલમાં વિવિધ પરિયોજનાઓના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

રાજસ્થાનના આબુ રોડ ખાતે બ્રહ્મા કુમારીના શાંતિવન સંકુલમાં વિવિધ પરિયોજનાઓના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ


ઓમ શાંતિ!

આદરણીય રાજયોગિની દાદી રતન મોહિનીજી, બ્રહ્માકુમારીના તમામ વરિષ્ઠ સભ્યો અને આ સભામાં ભારતના ખૂણે ખૂણામાંથી આવેલા મારા પ્રિય ભાઇઓ અને બહેનો!

મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે કે, મને અનેક વખત તમારી વચ્ચે આવવાનો અવસર પ્રાપ્ત થયો છે. જ્યારે પણ હું અહીં આવું છું, આપ સૌની વચ્ચે હું આવું છું, ત્યારે મને હંમેશા આધ્યાત્મિક અનુભૂતિ થાય છે. અને છેલ્લા કેટલાક મહિનામાં આ બીજી વખત એવો પ્રસંગ, જ્યારે મને બ્રહ્મા કુમારીના કાર્યક્રમમાં જોડાવવાનો અવસર મળ્યો છે. અગાઉ, ફેબ્રુઆરીમાં જ તમે મને જલ જન અભિયાનશરૂ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. પછી મેં વિગતવાર યાદ કર્યું કે, કેવી રીતે બ્રહ્મા કુમારીઓ સાથેના મારા સંબંધમાં સાતત્ય જળવાયેલું રહ્યું છે. આની પાછળ, પરમપિતા પરમાત્માના આશીર્વાદ અને રાજયોગિની દાદાજી તરફથી મળેલો પ્રેમ પણ છે.

આજે, અહીં સુપર સ્પેશિયાલિટી ચેરીટેબલ ગ્લોબલ હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આજે શિવમણી હોમ્સ અને નર્સિંગ કોલેજના વિસ્તરણનું કામ પણ શરૂ કરવામાં આવી ગયું છે. આ તમામ કાર્યો માટે હું બ્રહ્મા કુમારી સંસ્થા અને તેના તમામ સભ્યોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.

મિત્રો,

આઝાદીના આ અમૃતકાળમાં ભારતની તમામ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓની મોટી ભૂમિકા રહી છે. આઝાદીનો આ અમૃતકાળ દેશના દરેક નાગરિક માટે કર્તવ્યકાળ છે. આ કર્તવ્યકાળનો અર્થ એવો થાય છે કે આપણે જે ભૂમિકા નિભાવીએ છીએ તેનું 100% પરિણામ આપીએ! અને સાથે સાથે, સમાજના હિત, દેશના હિતમાં તમારા વિચારો અને જવાબદારીઓનો વિસ્તરણ પણ કરો! મતલબ કે, આપણે જે કંઇ કરી રહ્યા છીએ તે સંપૂર્ણ નિષ્ઠાથી કરીએ છીએ ત્યારે આપણે એ પણ વિચારવું પડશે કે આપણે આપણા દેશ માટે આનાથી વધુ શું કરી શકીએ?

આપ સૌ કર્તવ્યકાળની પ્રેરણા જેવા છો. બ્રહ્મા કુમારી એક આધ્યાત્મિક સંસ્થા તરીકે સમાજમાં નૈતિક મૂલ્યોને મજબૂત કરવાનું કામ કરે છે. પરંતુ સાથે સાથે, તમે સમાજ સેવાથી માંડીને વિજ્ઞાનનો પ્રચાર કરવા, શિક્ષણને પ્રોત્સાહન આપવા અને સામાજિક જાગૃતિ વધારવા માટે સંપૂર્ણપણે સમર્પિત છો.

માઉન્ટ આબુમાં તમારું ગ્લોબલ હોસ્પિટલ રિસર્ચ સેન્ટર ખરેખર તેનું ઉત્તમ ઉદાહરણ છે. અને મને જણાવવામાં આવ્યું છે કે, આ સંસ્થા દ્વારા આજુબાજુના ગામોમાં આરોગ્ય શિબિર અને રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવે છે. હવે સુપર સ્પેશિયાલિટી ચેરીટેબલ ગ્લોબલ હોસ્પિટલનો તમે સંકલ્પ લીધો છે તે પણ આ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સુધારવામાં મદદ કરશે. તમે બધા આ માનવીય પ્રયાસ માટે અભિનંદનને પાત્ર છો.

મિત્રો,

આજે આપણો આખો દેશ આરોગ્ય સુવિધાઓમાં પરિવર્તનના તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. છેલ્લા 9 વર્ષમાં પહેલીવાર દેશના ગરીબમાં ગરીબ લોકોને પણ એ વાતનો અહેસાસ થયો છે કે દેશની હોસ્પિટલો તેમના માટે પણ સરળતાથી ઉપલબ્ધ થઇ રહી છે. અને આમાં આયુષ્માન ભારત યોજનાએ મોટી ભૂમિકા ભજવી છે. આયુષ્માન ભારત યોજનાએ ગરીબો માટે માત્ર સરકારી જ નહીં પરંતુ ખાનગી હોસ્પિટલોના દરવાજા પણ ખોલી દીધા છે.

તમે એ પણ જાણો છો કે આ યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની સારવારનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. દેશના 4 કરોડથી વધુ ગરીબ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. જો આયુષ્માન ભારત યોજના ન હોત તો તેમણે આ સારવાર માટે પોતાના ખિસ્સામાંથી 80,000 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા હોત. તેવી જ રીતે જન ઔષધિ કેન્દ્રો પર સસ્તી દવાઓ ઉપલબ્ધ થવાથી ગરીબ અને મધ્યમ વર્ગ માટે 20 હજાર કરોડ રૂપિયાની બચત થશે.

અને, જો તમે દેશના દરેક ગામડે ગામડે આપણી બ્રહ્માકુમારી સંસ્થાના જેટલા એકમો છે, ત્યાં જો લોકોને જાણ કરો કે સરકાર દ્વારા આવા જન ઔષધિ કેન્દ્રો ચલાવવામાં આવે છે, ત્યાં પ્રમાણભૂત દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, બહાર જે દવાઓ તમને 100 રૂપિયાની મળે છે તે અહીં માત્ર 10-15 રૂપિયામાં ઉપલબ્ધ છે, તો તમે કલ્પના કરી શકો છો કે ગરીબોની કેટલી મોટી સેવા થશે. તેથી આપણા તમામ એકમો, પછી ભલે તે બ્રહ્મા કુમારો હોય કે બ્રહ્મા કુમારીઓ, તેઓએ લોકોમાં આ જાગૃતિ લાવવી જોઇએ અને આ જન ઔષધિ કેન્દ્રો દેશમાં અલગ અલગ સ્થળોએ સ્થાપિત કરવામાં આવ્યા તેની જાણ કરવી જોઇએ છે. તમારા સંપર્કમાં આવનાર લોકો હંમેશા તમને આશીર્વાદ આપશે.

હવે, ઉદાહરણ તરીકે જોઇએ તો, જો કોઇ પરિવારમાં કોઇ વૃદ્ધ વ્યક્તિ ડાયાબિટીસથી પીડિત હોય, તો દવાઓનો ખર્ચ 1200, 1500, 2000 રૂપિયા સુધી જાય છે. પરંતુ જો તે આ જન ઔષધિ કેન્દ્રમાંથી દવા લેશે તો કદાચ તે ખર્ચ 1500, 1000 રૂપિયાથી ઘટીને 100 રૂપિયા જેટલો થઇ જશે. તેમના જીવનમાં આનાથી ખૂબ સારી મદદ થશે. એટલે કે તમે આ વાત દૂર દૂર સુધી પહોંચાડી શકો છો.

મિત્રો,

તમે બધા આટલા વર્ષોથી આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા છો. તમે સૌ સારી રીતે જાણો જ છો કે આરોગ્ય ક્ષેત્રનો એક પડકાર ડૉક્ટરો, નર્સો અને અન્ય તબીબી કર્મચારીઓની અછત પણ છે. છેલ્લા 9 વર્ષોમાં દેશમાં આ ઉણપને દૂર કરવા માટે અભૂતપૂર્વ કામ કરવામાં આવ્યું છે. છેલ્લા 9 વર્ષમાં દર મહિને સરેરાશ 1 નવી મેડિકલ કોલેજ ખોલવામાં આવી છે છે. 2014 પહેલાંના 10 વર્ષમાં 150થી ઓછી પણ મેડિકલ કોલેજો બની હતી.

છેલ્લા 9 વર્ષમાં, દેશમાં 300થી વધુ નવી મેડિકલ કોલેજો બનાવવામાં આવી છે. 2014 પહેલાં આપણા આખા દેશમાં MBBSની સીટો લગભગ 50 હજાર હતી. 50 હજાર વિદ્યાર્થીઓ માટે જગ્યા હતી. આજે દેશમાં MBBSની સીટો વધીને એક લાખ કરતાં વધુ થઇ ગઇ છે. 2014 પહેલાં PGમાં પણ માત્ર 30 હજાર સીટો હતી. હવે PGની સીટોની સંખ્યા પણ વધારીને 65 હજારથી વધુ કરવામાં આવી છે. જ્યારે ઇરાદો સારો હોય, સમાજ સેવાની ભાવના હોય ત્યારે આવા સંકલ્પો લેવામાં આવે છે અને સંકલ્પો સિદ્ધ પણ કરવામાં આવે છે.

મિત્રો,

આજે, ભારત સરકાર આરોગ્ય ક્ષેત્રમાં જે પ્રયાસો કરી રહી છે, તેની એક બીજી મોટી અસર આવનારા દિવસોમાં જોવા મળશે. દેશમાં આઝાદીના સાત દાયકામાં જેટલા ડૉક્ટરો બન્યા છે, એટલા જ ડૉક્ટરો આગામી એક દાયકામાં પણ બનશે. અને અમારું ધ્યાન માત્ર મેડિકલ કોલેજો કે ડૉક્ટરો પૂરતું મર્યાદિત નથી. આજે જ અહીં નર્સિંગ કોલેજના વિસ્તરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

ભારત સરકાર પણ નર્સિંગ ક્ષેત્રમાં યુવાનોને નવી તકો આપી રહી છે. તાજેતરમાં જ, સરકારે દેશમાં 150થી વધુ નવી નર્સિંગ કોલેજોને મંજૂરી આપી છે. આ અભિયાન હેઠળ રાજસ્થાનમાં પણ અહીં 20થી વધુ નવી નર્સિંગ કોલેજો શરૂ કરવામાં આવશે. ચોક્કસપણે તમારી સુપર સ્પેશિયાલિટી ચેરીટેબલ ગ્લોબલ હોસ્પિટલને પણ તેનો લાભ મળવાનો છે.

મિત્રો,

ભારતમાં હજારો વર્ષોથી, આપણી આધ્યાત્મિક અને ધાર્મિક સંસ્થાઓએ શિક્ષણથી લઇને સમાજમાં ગરીબ અને અસહાય લોકોની સેવા કરવા સુધીની દરેક બાબતો પર ધ્યાન આપ્યું છે. હું તો ગુજરાતના ભૂકંપના સમયથી અને તે પહેલાંના સમયથી પણ આપ સૌની નિષ્ઠા અને આપણી બહેનોની મહેનતનો પોતે જ સાક્ષી રહ્યો છુ. આપ લોકો જે રીતે કામ કરો છો તેને મેં ખૂબ જ નજીકથી જોયું છે. કચ્છના ભૂકંપની કટોકટી વખતે તમે જે સેવાભાવનાથી કામ કર્યું તે મને યાદ છે, તે આજે પણ પ્રેરણાદાયી છે.

એવી જ રીતે, વ્યસનમુક્તિ માટેની તમારી ઝુંબેશ હોય, પર્યાવરણના સંરક્ષણની દિશામાં બ્રહ્મા કુમારીના પ્રયાસો હોય કે પછી જલ-જન અભિયાન જેવું કોઇ મિશન હોય, એક સંસ્થા દરેક ક્ષેત્રમાં એક જન ચળવળ કેવી રીતે ઊભી કરી શકે છે તે બ્રહ્મા કુમારીએ કરી બતાવ્યું છે. ખાસ કરીને, જ્યારે પણ હું તમારી વચ્ચે આવ્યો છું, ત્યારે દેશ માટે તમારી પાસેથી જે અપેક્ષાઓ રાખવામાં આવી છે તેને પૂરી કરવામાં તમે ક્યારેય કોઇ કસર છોડી નથી.

તમે જે રીતે આખા દેશમાં આઝાદીના અમૃત મહોત્સવને લગતા કાર્યક્રમોનું આયોજન કર્યું છે, જ્યારે તમે સમગ્ર વિશ્વમાં યોગ શિબિરોનું આયોજન કર્યું છે, જ્યારે દીદી જાનકીજી સ્વચ્છ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા, જ્યારે તમામ બહેનોએ સ્વચ્છ ભારતની કમાન સંભાળી, ત્યારે તેના કારણે અનેક લોકોને દેશ માટે કામ કરવાની પ્રેરણા મળી છે.

આપ સૌના આવા કાર્યોથી બ્રહ્મા કુમારીમાં મારો વિશ્વાસ અનેક ગણો વધુ દૃઢ થયો છે. પરંતુ, આપ સૌ જાણો છો કે જ્યારે વિશ્વાસ વધે છે, ત્યારે અપેક્ષાઓ પણ વધે જ છે. અને તેથી, સ્વાભાવિક છે કે, તમારા પ્રત્યેની મારી અપેક્ષાઓ પણ થોડી વધી હોય. આજે ભારત શ્રી અન્ન એટલે કે મિલેટ્સ અંગે વૈશ્વિક ચળવળને આગળ ધપાવી રહ્યું છે. આજે દેશમાં આપણે પ્રાકૃતિક ખેતી જેવા અભિયાનોને આગળ વધારી રહ્યા છીએ. આપણે આપણી નદીઓને સ્વચ્છ બનાવવાની છે. આપણે ભૂગર્ભ જળનું સંરક્ષણ કરવાનું છે. આ બધા જ વિષયો એવા છે કે, ક્યાંક ને ક્યાંક આપણી હજારો વર્ષ જૂની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાયેલા છે. આથી, આ પ્રયાસોમાં આપ સૌનો જેટલો વધુ સહકાર મળશે, તેટલી જ વધુ વ્યાપક રીતે દેશની સેવા થશે.

મને આશા છે કે, રાષ્ટ્ર નિર્માણ સાથે જોડાયેલા નવા વિષયોને બ્રહ્મા કુમારી ઇનોવેટીવ રીતે આગળ ધપાવશે. વિકસિત ભારતનું નિર્માણ કરીને આપણે દુનિયા માટે સર્વ ભવન્તુ સુખિનઃનો મંત્ર સાક્ષાત કરીશું. અને તમે સૌ જાણો જ છો કે, તાજેતરમાં જ અહીં G-20 મંત્રણાની વાત કરવામાં આવી હતી. અમે G-20 શિખર મંત્રણામાં પણ વિશ્વની સામે, જ્યારે દુનિયા મહિલા વિકાસની વાત કરી રહી છે, ત્યારે અમે G-20માં દુનિયાની સામે મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસને લઇ જઇ રહ્યા છીએ. મહિલાઓના નેતૃત્વમાં વિકાસ, તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. મને પૂરો વિશ્વાસ છે કે, આપ સૌનું ખૂબ જ ઉમદા સંગઠન, વ્યાપક રીતે ફેલાયેલું સંગઠન, દેશની પ્રાથમિકતાઓ સાથે જોડીને નવી શક્તિ અને સામર્થ્ય સાથે પોતાનું વિસ્તરણ કરશે અને રાષ્ટ્રનો વિકાસ પણ કરશે.

આ મહેચ્છા સાથે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપ સૌએ મને અહીં બોલાવ્યો, મને આવવાનું આમંત્રણ આપ્યું. હું હંમેશા પ્રયાસ કરુ છુ કે જેટલો પણ સમય ફાળવી શકું, ત્યારે તમારી સૌની વચ્ચે આવવાનો પ્રયત્ન કરું છું. કારણ કે જ્યારે હું અહીં આવું છું, ત્યારે અહીંથી કંઇક લઇને પાછો જઉં છુ. પછી ભલે તે આશીર્વાદ હોય, પ્રેરણા હોય, ઉર્જા હોય જે મને દેશ માટે કામ કરવા માટે દોડાવે છે, મને નવી શક્તિ આપે છે. તો, મને અહીં આવવાનો અવસર આપવા બદલ હું આપ સૌનો આભાર માનું છું!

શાંતિ!

YP/GP/JD