Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી રામકૃષ્ણ મઠની 125મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લીધો

પ્રધાનમંત્રીએ શ્રી રામકૃષ્ણ મઠની 125મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લીધો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના ચેન્નાઇમાં આવેલા વિવેકાનંદ હાઉસ ખાતે શ્રી રામકૃષ્ણ મઠની 125મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ સ્થળ પર પહોંચ્યા પછી, પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને સ્વામી વિવેકાનંદના ઓરડામાં જઇને પૂજા અને ધ્યાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પવિત્ર ત્રિપુટી પર એક પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું.

સ્વામી રામકૃષ્ણાનંદ દ્વારા 1897માં ચેન્નાઇમાં શરૂ કરવામાં આવેલો રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન એ આધ્યાત્મિક સંસ્થાઓ છે, જે માનવતાવાદી અને સામાજિક સેવા પ્રવૃત્તિઓના વિવિધ સ્વરૂપોમાં સંકળાયેલી છે.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ ચેન્નાઇમાં રામકૃષ્ણ મઠની સેવાની 125મી વર્ષગાંઠના અવસર પર ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થવા બદલ ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, તેમના જીવનમાં રામકૃષ્ણ મઠનું ઊંડું સન્માન રહેલું છે. તમિલવાસીઓ, તમિલ ભાષા, તમિલ સંસ્કૃતિ અને ચેન્નાઇના વાતાવરણ પ્રત્યેનો તેમનો સ્નેહ અને પ્રેમ વ્યક્ત કરતી વખતે પ્રધાનમંત્રીએ ચેન્નાઇમાં સ્વામી વિવેકાનંદના ઘરની મુલાકાત લીધી તેનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં તેઓ પશ્ચિમની તેમની યાત્રાએથી પાછા ફર્યા પછી રોકાયા હતા. તેમણે ટિપ્પણી કરી કે આ ઘરમાં ધ્યાન કર્યું તે તેમના માટે ખૂબ જ વિશેષ અનુભવ રહ્યો હતો અને તેમને અંદરથી હવે પ્રેરિત અને ઉર્જાવાન હોવાનો અનુભવ થઇ રહ્યો છે. પ્રધાનમંત્રીએ ટેક્નોલોજી દ્વારા યુવા પેઢીઓ સુધી પ્રાચીન વિચારોની પહોંચ વિશે ખુશી વ્યક્ત કરી હતી.

તેમના એક શ્લોકમાંથી તિરુવલ્લુવરને ટાંકીને, પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, આ દુનિયા અને ભગવાનની દુનિયા બંનેમાં દયા જેવું કંઇ નથી. તમિલનાડુમાં રામકૃષ્ણ મઠના સેવાના ક્ષેત્રો પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ શિક્ષણ, પુસ્તકાલયો, રક્તપિત્ત અંગે લોકજાગૃતિ અને પુનર્વસન, આરોગ્ય સંભાળ, નર્સિંગ અને ગ્રામીણ વિકાસના ઉદાહરણોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એ બાબતે પણ સૌનું ધ્યાન દોર્યું હતું કે, પહેલાંના સમયમાં રામકૃષ્ણ મઠની સેવા, સ્વામી વિવેકાનંદ પર તમિલનાડુની અસર હતી જે સામે આવી હતી. તેમણે સમજાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદને તેમના જીવનનો ઉદ્દેશ્ય કન્યાકુમારીના પ્રસિદ્ધ ખડક પર મળ્યો હતો જેણે તેમનામાં પરિવર્તન લાવી દીધું હતું અને તેની અસર શિકાગોમાં જોવા મળી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સ્વામી વિવેકાનંદે તમિલનાડુની પવિત્ર ભૂમિ પર પ્રથમ પગ મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રામનાદના રાજાએ તેમને ખૂબ આદર સાથે આવકાર આપ્યો હતો અને નોબેલ પુરસ્કાર વિજેતા ફ્રેન્ચ લેખક રોમેન રોલેન્ડે આ પ્રસંગને એક ઉત્સવ તરીકે વર્ણવ્યો હતો, જ્યાં સત્તર વિજય કમાનો ઊભી કરવામાં આવી હતી અને જાહેર જીવન એક અઠવાડિયા સુધી સ્થગિત થઇ ગયું હતું.

સ્વામી વિવેકાનંદ મૂળ તો બંગાળના હતા પરંતુ ભારતની આઝાદીના ઘણા સમય પહેલાં તમિલનાડુમાં તેમનું એક મહાન નાયક તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું, તે પ્રસંગની નોંધ લઇને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રના લોકોમાં હજારો વર્ષોથી એક રાષ્ટ્ર તરીકે ભારતનો ખ્યાલ ખૂબ જ સ્પષ્ટ હતો જે એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંકેત આપે છે. પ્રધાનમંત્રીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, રામકૃષ્ણ મઠ, એવી જ ભાવના સાથે કામ કરી રહ્યો છે, અને સમગ્ર ભારતમાં ફેલાયેલી તેમની અનેક સંસ્થાઓ લોકોની નિઃસ્વાર્થ સેવા કરતી હોવાનો તેમણે પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ કાશી-તમિલ સંગમમની સફળતા પર પણ પ્રકાશ પાડ્યો હતો અને માહિતી આપી હતી કે, સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ પણ થવા જઇ રહ્યું છે. તેમણે ભારતની એકતાને આગળ વધારવા માટેના આવા તમામ પ્રયાસોને મોટી સફળતા મળે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, અમારું સુશાસન સ્વામી વિવેકાનંદની વિચારધારાથી જ પ્રેરિત છે”. જ્યારે વિશેષાધિકાર તૂટે છે અને સમાનતા સુનિશ્ચિત કરવામાં આવે છે ત્યારે સમાજ પ્રગતિ કરે છે તેવી સ્વામી વિવકાનંદની દૂરંદેશી સાથે સામ્યતા દર્શાવતા, પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, સરકારના તમામ મુખ્ય કાર્યક્રમોમાં સમાન દૃષ્ટિકોણ લાગુ પડે છે. તેમણે ટાંક્યું હતું કે, અગાઉના સમયમાં, મૂળભૂત સુવિધાઓને પણ વિશેષાધિકારોની જેમ ગણવામાં આવતી હતી અને માત્ર મુઠ્ઠીભર લોકો જ અથવા નાના જૂથોને તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવતી હતી. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું કે, પરંતુ હવે વિકાસના દરવાજા દરેક વ્યક્તિ માટે ખોલી દેવામાં આવ્યા છે. તેમણે માહિતી આપી હતી કે મુદ્રા યોજના, અમારી સૌથી સફળ યોજનાઓમાંની એક છે, અને આજે તેની 8મી વર્ષગાંઠની ઉજવણી થઇ રહી છે અને તેમણે તમિલનાડુના એવા નાના ઉદ્યમીઓના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો જેમણે રાજ્યને આ યોજનામાં અગ્રેસર બનાવ્યું છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, “નાના ઉદ્યોગ સાહસિકોને લગભગ 38 કરોડ જામીન મુક્ત લોન આપવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને સમાજના હાંસિયામાં ધકેલાઇ ગયેલા લોકોનો સમાવેશ થાય છે”. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, વ્યવસાય માટે બેંક લોન મેળવવી એ અગાઉ એક વિશેષાધિકાર માનવામાં આવતો હતો, પરંતુ હવે તેની સુલભતા ઘણી વ્યાપક બની ગઇ છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, તેવી જ રીતે ઘર, વીજળી, LPG કનેક્શન, શૌચાલય અને બીજી તો આવી કેટલીક મૂળભૂત સુવિધાઓ અને વસ્તુઓ દરેક પરિવાર સુધી પહોંચી રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદ પાસે ભારત માટે એક ભવ્ય દૂરંદેશી છે. આજે, મને વિશ્વાસ છે કે સ્વામી વિવેકાનંદ ગૌરવપૂર્વક ભારતને તેમની દૂરંદેશી પરિપૂર્ણ કરવા માટે કામ કરતું જોઇ રહ્યા છે”, અને પોતાની જાતમાં તેમજ આપણા દેશમાં વિશ્વાસ વિશેના તેમના કેન્દ્રીય સંદેશની તેમણે નોંધ લીધી હતી. તેમણે ધ્યાન દોર્યું હતું કે, દરેક ભારતીયને લાગે છે કે હવે આપણો સમય આવ્યો છે અને ઘણા નિષ્ણાતો સૂચવે છે કે આ ભારતની સદી હશે. તેમણે ઉમેર્યું હતું કે, “આપણે દુનિયા સાથે વિશ્વાસ અને પરસ્પર આદરની સ્થિતિથી જોડાયેલા છીએ”.

મહિલાઓને મદદ કરી શકીએ એવા આપણે તો કંઇ જ નથી અને જ્યારે મહિલાઓને એક યોગ્ય પ્લેટફોર્મ મળે, ત્યારે તેઓ સમાજનું નેતૃત્વ કરશે અને સમસ્યાઓનું નિરાકરણ જાતે જ કરશે તેવા સ્વામીજીએ આપેલા ઉપદેશોને યાદ કરીને, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજનું ભારત મહિલાઓના નેતૃત્વમાં વિકાસ કરવામાં માને છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “વાત ચાહે સ્ટાર્ટઅપ્સની હોય કે રમતગમતની હોય, સશસ્ત્ર દળો હોય કે પછી ઉચ્ચ શિક્ષણ હોય, દરેક ક્ષેત્રમાં મહિલાઓ અવરોધોનું બંધન તોડી રહી છે અને વિક્રમો સ્થાપિત કરી રહી છે”. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સ્વામીજી ચારિત્ર્યના વિકાસ માટે રમતગમત અને ફિટનેસને નિર્ણાયક પરિબળ માનતા હતા અને તેમણે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, આજે સમાજે રમતગમતને માત્ર ઇતર પ્રવૃત્તિ તરીકે જોવાને બદલે વ્યાવસાયિક પસંદગી તરીકે જોવાનું શરૂ કર્યું છે. તેમણે ટાંક્યું હતું કે, યોગ અને ફિટ ઇન્ડિયા હવે જન આંદોલન બની ગયા છે. તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર પણ સ્પર્શ કર્યો હતો જેણે ભારતમાં વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ લાવવા માટે શિક્ષણ ક્ષેત્રમાં સુધારો કર્યો છે અને સ્વામીજીની માન્યતાનો ઉલ્લેખ કર્યો હતો કે, શિક્ષણ દ્વારા સશક્તિકરણ પ્રાપ્ત કરી શકાય છે અને તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે ટેકનિકલ તેમજ વૈજ્ઞાનિક શિક્ષણની અત્યારની જરૂરિયાત છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે, કૌશલ્ય વિકાસને અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે. આપણા પાસે વિશ્વની સૌથી વાઇબ્રન્ટ ટેક અને સાયન્ટિફિક ઇકોસિસ્ટમ પણ છે.

માત્ર પાંચ વિચારોને આત્મસાત કરવા અને તેમને સંપૂર્ણ રીતે જીવવું પણ ખૂબ જ શક્તિશાળી બાબત છે તેવા સ્વામી વિવેકાનંદે કહેલા શબ્દોને યાદ કરીને, પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો કે, આપણે હમણાં જ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી અને રાષ્ટ્રએ આગામી 25 વર્ષને અમૃતકાળ તરીકે બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ અમૃતકાળનો ઉપયોગ પંચપ્રણ પાંચ વિચારોને આત્મસાત કરીને મહાન સિદ્ધિઓ અને ચીજો પ્રાપ્ત કરવા માટે કરી શકાય. આ એક વિકસિત ભારતના લક્ષ્યો છે, બ્રિટિશ સામ્રાજ્યના સમયની માનસિકતાના કોઇપણ નિશાનને દૂર કરવા, આપણા વારસાની ઉજવણી કરવી, એકતાને મજબૂત કરવી અને આપણી ફરજો પર ધ્યાન કેન્દ્રિત કરવું.પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરતી વખતે દરેકને આ પાંચ સિદ્ધાંતોનું પાલન કરવાનો સામૂહિક અને વ્યક્તિગત રીતે સંકલ્પ લેવાનો અનુરોધ કર્યો હતો. શ્રી મોદીએ સમાપનમાં કહ્યું હતું કે, “જો 140 કરોડ લોકો આવો સંકલ્પ લેશે, તો આપણે 2047 સુધીમાં વિકસિત, આત્મનિર્ભર અને સર્વસમાવેશી ભારતનું નિર્માણ કરી શકીશું”.

આ પ્રસંગે તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર. એન. રવિ, રામકૃષ્ણ મઠના ઉપાધ્યક્ષ શ્રીમત સ્વામી ગૌતમાનંદજી અને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રી એલ. મુરુગન સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

YP/GP/JD