1. ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદી અત્યારે જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી શિન્ઝો અબેના આમંત્રણ પર જાપાનની સત્તાવાર મુલાકાતે છે. બંને પ્રધાનમંત્રીઓએ આજે 11 નવેમ્બર, 2016ના રોજ સવારે ટોકિયોમાં વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચાવિચારણા કરી હતી, જે દરમિયાન તેમણે 12 ડિસેમ્બર, 2015ના રોજ આયોજિત “ઇન્ડિયા એન્ડ જાપાન વિઝન 2025″માં જણાવ્યા મુજબ વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીની વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ-સપ્ટેમ્બર, 2014માં જાપાનની મુલાકાત લીધી ત્યારથી અત્યાર સુધી છેલ્લા બે વર્ષ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ પર બંને પ્રધાનમંત્રીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
ભાગીદારીને વધુ મજબૂત બનાવવી
2. બંને પ્રધાનમંત્રીઓએ બંને દેશોના લોકો વચ્ચે વિસ્તૃત સાંસ્કૃતિક જોડાણોની પ્રશંસા કરી હતી, જેમાં બૌદ્ધ વિચારોનો સહિયારો વારસો સામેલ છે. તેમણે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ હાંસલ કરવા માટેના મુખ્ય મૂલ્યો તરીકે લોકશાહી, ઉદારતા અને કાયદાના શાસન પર ભાર મૂક્યો હતો. તેમણે બંને દેશોના રાજકીય, આર્થિક અને વ્યૂહાત્મક હિતોમાં ઊંચા સમન્વયને આવકાર આપ્યો હતો, જે લાંબા ગાળાની ભાગીદારી માટે શાશ્વત આધાર પ્રદાન કરે છે.
3. બંને પ્રધાનમંત્રીઓએ દુનિયાની સમૃદ્ધિના મુખ્ય સંચાલક બળ તરીકે એશિયા-પ્રશાંત વિસ્તારના વધી રહેલા મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે એશિયા-પ્રશાંત વિસ્તારની સર્વસમાવેશક વૃદ્ધિ અને વિવિધતામાં એકતાને સાકાર કરવા માટે ઉચિત વાતાવરણ ઊભું કરવા લોકશાહી, શાંતિ, કાયદાનું શાસન, સહિષ્ણુતા અને પર્યાવરણ માટેના સન્માનના મુખ્ય મૂલ્યો પર ભાર મૂક્યો હતો. આ સંદર્ભમાં પ્રધાનમંત્રી અબેએ પ્રધાનમંત્રી મોદીની “એક્ટ ઇસ્ટ પોલિસી” હેઠળ સક્રિય ભાગીદારીની પ્રશંસા કરી હતી અને પ્રધાનમંત્રી મોદીને “ફ્રી એન્ડ ઓપન ઇન્ડો-પેસિફિક સ્ટ્રેટેજી” પર જાણકારી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ આ વ્યૂહરચના હેઠળ વિસ્તારમાં જાપાનની મોટી ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે કથિત નીતિ અને વ્યૂહરચના વચ્ચે દ્વિપક્ષીય સહકાર અને સમન્વયને વધારવાની સંભવિતતા વ્યક્ત કરી હતી.
4. તેમણે ભારત-પ્રશાંત વિસ્તારને મુક્ત અને ખુલ્લો બનાવીને એશિયા અને આફ્રિકા વચ્ચે જોડાણ વધારવા પર ભાર મૂક્યો હતો અને આ જોડાણને સંપૂર્ણ વિસ્તારની સમૃદ્ધિ માટે આવશ્યક ગણાવ્યું છે. તેમણે ભારતની “એક્ટ ઇસ્ટ” પોલિસી અને જાપાનની ગુણવત્તાયુક્ત માળખા માટે “વિસ્તૃત ભાગીદારી” વચ્ચે સમન્વય સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો, જે માટે વધુ સંકલન સ્થાપિત કરવામાં આવશે, દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવામાં આવશે અને અન્ય ભાગીદારો સાથે સંબંધ મજૂબત કરવામાં આવશે. વળી પ્રાદેશિક સંકલન અને જોડાણને સુધારવામાં આવશે તથા પારસ્પરિક ચર્ચા અને વિશ્વાસના સિદ્ધાંતોને આધારે ઔદ્યોગિક નેટવર્ક ઊભું કરવામાં આવશે.
5. આંતરનિર્ભરતા અને વૈશ્વિક એજન્ડાની જટિલતાની સમીક્ષા કરવા બંને પ્રધાનમંત્રીઓએ આબોહવામાં ફેરફાર, આતંકવાદ અને હિંસક ચરમપંથનો સામનો કરવા, સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના સુધારા, સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં સભ્યપદ તેમજ કાયદાના આધારે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની જાળવણી જેવા વૈશ્વિક પડકારો પર સહકાર સ્થાપિત કરવાનો અને સામાન્ય હિતો પર સંકલન વધારવાનો નિર્ણય પણ કર્યો હતો.
6. જાપાનની મૂડી, નવીનતા અને ટેકનોલોજી સાથે ભારતના ઊંચા વૃદ્ધિ કરતા અર્થતંત્રમાં ઉપલબ્ધ માનવ સંસાધન અને આર્થિક તકોનો સમન્વય કરવા પ્રચૂર સંભવિતતાને ધ્યાનમાં રાખીને બંને પ્રધાનમંત્રીઓએ અત્યાધુનિક ટેકનોલોજી, અવકાશ, સ્વચ્છ ઊર્જા અને ઊર્જા ક્ષેત્રના વિકાસ, માળખાગત સુવિધા અને સ્માર્ટ સિટીઝ, જૈવટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ્સ, આઇસીટી તેમજ શિક્ષણ અને કૌશલ્ય સંવર્ધન માટે તેમની વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને મજબૂત કરવાની જરૂરિયાતો પર ભાર મૂક્યો હતો.
સુરક્ષિત અને સંતુલિત દુનિયા માટે મજબૂત ભાગીદારીનું નિર્માણ
7. ભારત-પ્રશાંત વિસ્તારમાં સંતુલન અને સમૃદ્ધિ માટે ભારત અને જાપાનની ભૂમિકા પર ભાર મૂકીને બંને પ્રધાનમંત્રીઓએ તેમના સુરક્ષા અને સલામતી સહકારને વધુ મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સંરક્ષણ ઉપકરણ અને ટેકનોલોજીના હસ્તાંતરણ અને વર્ગીકૃત લશ્કરી માહિતીના સંરક્ષણ માટે સુરક્ષા સંબંધિત પગલા સાથે સંબંધિત બે સંરક્ષણ માળખાગત કામગીરી સમજૂતીના અમલને આવકાર આપ્યો હતો. તેમણે સંરક્ષણ ઉપકરણ અને ટેકનોલોજી સહકાર પર સંયુક્ત કાર્યકારી જૂથ મારફતે ચોક્કસ ચીજવસ્તુઓ નક્કી કરવા તાત્કાલિક ચર્ચાવિચારણા કરીને દ્વિમાર્ગીય જોડાણ અને ટેકનોલોજી ક્ષેત્રમાં સહકાર, સહવિકાસ અને સહઉત્પાદન વધારીને સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
8. બંને પ્રધાનમંત્રીઓએ નવી દિલ્હીમાં આયોજિત સફળ વાર્ષિક સંરક્ષણ મંત્રીમંડળીય સંવાદ, મલબાર કવાયતમાં જાપાનની નિયમિત સહભાગીતા અને વિશાખાપટનમના કિનારે કાફલાની આંતરરાષ્ટ્રીય સ્તરની સમીક્ષાની પ્રશંસા કરી હતી. તેમણે “2+2”સંવાદ, સંરક્ષણ નીતિગત સંવાદ, બંને દેશો વચ્ચે સૈન્ય સ્તરીય વાટાઘાટ અને તટરક્ષક દળો વચ્ચે સહકાર મારફતે દ્વિપક્ષીય સુરક્ષા અને સંરક્ષણ સંવાદોને વધારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે ચાલુ વર્ષની શરૂઆતમાં યોજાયેલ વાયુદળના અધિકારીઓ વચ્ચે વાટાઘાટની શરૂઆતને પણ આવકારી હતી તથા હવે બંને દેશોએ સેનાની ત્રણેય પાંખોને આવરી લેવા વિસ્તૃત સંવાદ વ્યવસ્થાને સંસ્થાકીય સ્વરૂપ આપ્યું છે. બંને પ્રધાનમંત્રીઓએ માનવીય સેવા અને આપત્તિમાં રાહત (એચએ/ડીઆર) કવાયતોમાં નિરીક્ષકોના આદાનપ્રદાનને આવરી લેવા સંરક્ષણ ક્ષેત્રમાં સંવાદ અને સહકાર તથા અન્ય ક્ષેત્રોમાં અધિકારીઓના આદાનપ્રદાન અને તાલીમને વધારવાનો ઇરાદો પણ વ્યક્ત કર્યો હતો.
9. પ્રધાનમંત્રી મોદીએ યુએસ-2 એમ્ફિબિયન વિમાન જેવા સંરક્ષણના આધુનિક પ્લેટફોર્મ પ્રદાન કરવા જાપાનની તૈયારીની પ્રશંસા પણ કરી હતી. તે બંને દેશો વચ્ચે ઊંચા ભરોસા તથા સંરક્ષણ ક્ષેત્રે દ્વિપક્ષીય આદાનપ્રદાનોને આગળ વધારવામાં બંને દેશોએ અત્યાર સુધી ખેડેલી સફરનું પ્રતીક છે.
સમૃદ્ધિ માટે ભાગીદારી
10. પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી અબેને “મેક ઇન ઇન્ડિયા”, “ડિજિટલ ઇન્ડિયા”, “સ્કિલ ઇન્ડિયા”, “સ્માર્ટ સિટી”, “સ્વચ્છ ભારત” અને “સ્ટાર્ટ-અપ ઇન્ડિયા” જેવી નવીન પહેલો મારફતે આર્થિક વિકાસને વેગ આપવાના પ્રયાસો અંગે જાણકારી આપી હતી. પ્રધાનમંત્રી અબેએ તેમની આધુનિક કુશળતા અને ટેકનોલોજી વહેંચીને આ પહેલો માટે જાપાનનું સમર્થન પણ જાહેર કર્યું હતું, જે માટે ઓડીએ મારફતે જાપાનના સરકારી અને ખાનગી ક્ષેત્રના રોકાણોને ઊભા કરવાની પ્રક્રિયા સામેલ છે. બંને પ્રધાનમંત્રીઓએ ભાર મૂક્યો હતો કે આ પહેલો ભારત અને જાપાનના ખાનગી ક્ષેત્રો વચ્ચે જોડાણ વધારવા માટે નોંધપાત્ર તકો ઊભી કરે છે.
11. બંને પ્રધાનમંત્રીઓએ બંને દેશો વચ્ચે વર્ષ 2016માં સંયુક્ત સમિતિની ત્રણ વખત યોજાયેલી બેઠકોમાં ચર્ચાવિચારણા મારફતે મુખ્ય પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ (એમએએચએસઆર) પ્રોજેક્ટમાં સતત પ્રગતિને આવકારી હતી.
12. બંને પ્રધાનમંત્રીઓએ એમએએચએસઆર પ્રોજેક્ટના લક્ષ્યાંકની યાદી પણ નોંધી હતી, જેમાં જનરલ કન્સલ્ટન્ટ ડિસેમ્બર, 2016માં તેમની કામગીરી શરૂ કરશે, નિર્માણ કાર્ય વર્ષ 2018ના અંત સુધીમાં શરૂ થશે અને વર્ષ 2023માં ઓપરેશન શરૂ થશે.
13. બંને પ્રધાનમંત્રીઓએ “મેક ઇન ઇન્ડિયા” અને ટેકનોલોજીના તબક્કાવાર હસ્તાંતરણ માટે નક્કર યોજના વિકસાવવા બંને દેશોના પ્રતિનિધિનો સમાવતા કાર્યદળની રચના કરવાના નિર્ણયને પણ આવકાર્યો હતો. બંને પક્ષો હાઇ સ્પીડ રેલવેમાં ભાગીદારીને વધુ મજબૂત કરવાની તકોને શોધશે. બંને પ્રધાનમંત્રીઓએ હાઇ સ્પીડ રેલ ટેકનોલોજી, આયોજિત રીતે કામગીરી અને સારસંભાળમાં માનવ સંસાધન વિકાસના નોંધપાત્ર મહત્વ પર ભાર મૂક્યો હતો, જેમાં એચએસઆર ઇન્સ્ટિટ્યૂટ અને તેના તાલીમ કાર્યક્રમના વિકાસ પર પ્રાથમિક કાર્ય શરૂ કરવાનું સામેલ છે. બંને પ્રધાનંત્રીઓએ એમએએચએસઆર પ્રોજેક્ટને વેગ આપવાનું મહત્વ સ્વીકાર્યું હતું, જેનું શીલારોપણ વર્ષ 2017માં થશે. બંને પ્રધાનમંત્રીઓએ ભારતમાં પરંપરાગત રેલવે સિસ્ટમના આધુનિકરણ અને વિસ્તરણમાં ભારત અને જાપાન વચ્ચે વધતી ભાગીદારી પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
14. બંને પ્રધાનમંત્રીઓએ “ઉત્પાદન કૌશલ્ય હસ્તાંતરણ સંવર્ધન કાર્યક્રમ” મારફતે ભારતમાં માનવ સંસાધન વિકાસ પર સહકાર સ્થાપિત કરવાનો નિર્ણય પણ લીધો હતો. આ કાર્યક્રમ ભારતમાં ઉત્પાદનના આધારનું સંવર્ધન કરશે તથા સરકારી અને ખાનગી ક્ષેત્રો વચ્ચે સહકાર સ્થાપિત કરીને ભારતમાં જાપાનીઝ કંપનીઓ દ્વારા પસંદ થયેલી એન્જિનીયરિંગ કોલેજોમાં જાપાન-ભારત ઉત્પાદન સંસ્થા (જેઆઇએમ) અને જાપાનીઝ એન્ડાઉ કોર્સીસ (જેઇસી)ની સ્થાપના મારફતે જાપાનીઝ શૈલીમાં ઉત્પાદન કૌશલ્ય અને પદ્ધતિઓ સાથે આગામી 10 વર્ષમાં 30,000 વ્યક્તિઓને તાલીમ મારફતે “મેક ઇન ઇન્ડિયા” અને “સ્કિલ ઇન્ડિયા”માં પ્રદાન કરશે. આ કાર્યક્રમ હેઠળ પ્રથમ ત્રણ જેઆઇએમ ગુજરાત, કર્ણાટક અને રાજસ્થાનમાં વર્ષ 2017ના ઉનાળામાં શરૂ થશે.
15. બંને પ્રધાનમંત્રીઓએ જાપાન-ભારત રોકાણ સંવર્ધન ભાગીદારી હેઠળ પાંચ વર્ષમાં 3.5 ટ્રિલિયન યેનનું ભારતમાં સરકારી અને ખાનગી ધિરાણ કરવા સાતત્યપૂર્ણ પ્રગતિને આવકારી હતી. તેમણે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડીએફસી), દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોર (ડીએમઆઇસી) અને ચેન્નાઈ બેંગાલુરુ ઔદ્યોગિક કોરિડોર (સીબીઆઇસી) પ્રોજેક્ટ્સમાં પ્રગતિને પણ આવકારી હતી. બંને પ્રધાનમંત્રીઓએ ઓડીએ પ્રોજેક્ટ્સના ઉચિત અમલીકરણના સુરક્ષાના મહત્ત્વની પણ પુષ્ટિ કરી હતી.
16. પ્રધાનમંત્રી મોદીએ ભારતમાં માળખાગત સુવિધાના વિકાસ અને આધુનિકરણમાં જાપાની ઓડીએના નોંધપાત્ર પ્રદાનની પ્રશંસા કરી હતી. આ સંબંધમાં બંને પ્રધાનમંત્રીઓએ શહેરી પરિવહન ક્ષેત્રમાં ઓડીએ પ્રોજેક્ટ્સની પ્રગતિને આવકારી હતી, જેમાં ચેન્નાઈ અને અમદાવાદ મેટ્રો, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક પ્રોજેક્ટ અને દિલ્હીમાં ઇસ્ટર્ન પેરિફેરલ હાઇવેને સમાંતર ઇન્ટેલિજન્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમની શરૂઆત જેવા પ્રોજેક્ટ સામેલ છે. પ્રધાનમંત્રી અબેએ ગુજરાતના ભાવનગર જિલ્લામાં અલંગના જહાજના સમારકામની ગોદીનું આધુનિકરણ કરવા સમર્થન આપવાના જાપાનનો ઇરાદો પણ વ્યક્ત કર્યો હતો.
17. બંને પ્રધાનમંત્રીઓએ ઉત્તર પૂર્વ ભારતમાં માર્ગ જોડાણ વધારવા માટે હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ્સની પ્રગતિને આવકારી હતી અને જોડાણ વધારવા સંયુક્તપણે કામ કરવા તેમની મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે કાર્યદક્ષ અને અસરકારક રીતે સ્માર્ટ ટાપુઓના વિકાસને સુલભ બનાવવા ટેકનોલોજી, માળખું, વિકાસની વ્યૂહરચનાઓ અને વ્યવસ્થાપન પ્રક્રિયાઓ ઓળખવા ચર્ચાવિચારણા શરૂ કરી સ્માર્ટ ટાપુઓ વિકાસવવા સ્માર્ટ સિટીઝના ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવાનો નિર્ણય પણ લીધો હતો.
18. પ્રધાનમંત્રી મોદીએ ઝારખંડમાં સિંચાઈ પ્રોજેક્ટ, ઓડિશામાં વન સંસાધનોના વ્યવસ્થાપન માટે પ્રાથમિક સર્વે તૈયાર કરવા તથા રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં સિંચાઈ વ્યવસ્થામાં સુધારો કરવા ને ઓડીએ લોનની જોગવાઈની પ્રશંસા કરી હતી.
19. પ્રધાનમંત્રી મોદીએ વારાણસીમાં કન્વેન્શન સેન્ટરના નિર્માણને સમર્થન આપવા અને દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાની નિશાની સ્વરૂપે તેના પ્રતીકાત્મક મહત્ત્વને ઓળખવા જાપાના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
20. પ્રધાનમંત્રી અબેએ પ્રધાનમંત્રીના ભારતમાં વેપારવાણિજ્ય માટેના વાતાવરણને સુધારવા માટેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી તથા રોકાણ નીતિઓના ઉદારીકરણ, સરળીકરણ અને ચીજવસ્તુઓ અને સેવા વેરાના કાયદા (જીએસટી)ને પસાર કરીને કરવેરાની વ્યવસ્થાને તાર્કિક બનાવવા, નાદારી અને દેવાળિયાપણાની આચારસંહિતા વગેરે માટે લીધેલા પગલાને આવકાર્યા હતા.
21. પ્રધાનમંત્રી અબેએ ભારતમાં વેપારવાણિજ્યને વેગ મળે એ માટે વાતાવરણ સુધારવા અને જાપાની રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ હાથ ધરેલી પહેલોને આવકારી હતી. પ્રધાનમંત્રી મોદીએ જાપાન ઔદ્યોગિક વસાહતો (જેઆઇટી)ની સ્થાપના માટે પ્રધાનમંત્રી અબેની પહેલની પ્રશંસા કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વસાહતોની સ્થાપના થવાથી ભારતમાં ઉત્પાદન ક્ષેત્રમાં ટેકનોલોજી, નવીનતા અને શ્રેષ્ઠ પદ્ધતિ આવશે. બંને પ્રધાનમંત્રીઓએ જેઆઇટી સાથે સંબંધિત પ્રગતિને આવકારી હતી, જેમાં પ્રાયોગિક અમલીકરણ અને વિશેષ રોકાણ પ્રોત્સાહનો માટે બાર જેઆઇટીમાંથી થોડા ક્ષેત્રોની પસંદગી કરવા કેન્દ્રીત યોજના સામેલ છે. તેઓ જેઆઇટીના વિકાસમાં ચર્ચાવિચારણા અને સહકારમાં ભાગીદારીને ચાલુ રાખવા પણ સંમત થયા હતા.
22. પ્રધાનમંત્રી અબે ભારતમાં જાપાનીઝ કંપનીઓ માટે “જાપાન પ્લસ” દ્વારા પ્રદાન કરેલી સુવિધા અને જાપાન-ભારત રોકામ સંવર્ધન ભાગીદારીની સુવિધા માટે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં “કોર ગ્રૂપ” દ્વારા સંકલન સ્થાપિત કરવાની પહેલ પર પણ પ્રશંસા વ્યક્ત કરી હતી. ચાલુ વર્ષે દ્વિપક્ષીય વ્યૂહાત્મક આર્થિક સંવાદ, નાણાકીય પરિસંવાદ અને વિસ્તૃત આર્થિક ભાગીદારી સમજૂતી (સીઇપીએ) પર બેઠકો ચાલુ વર્ષે સફળતાપૂર્વક યોજાઈ હતી, જેના પર બંને પ્રધાનમંત્રીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો તથા તેમણે દ્વિપક્ષીય સહકારને મજબૂત કરવા આ સંવાદો અને તેમની પેટાસમિતિઓના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ઓક્ટોબર, 2016માં સામાજિક સુરક્ષા પર સમજૂતીને લાગુ કરવા પ્રવેશને પણ આવકાર્યો હતો, જે વ્યવસાયના ખર્ચમાં ઘટાડો કરશે તથા ભારત અને જાપાન વચ્ચે માનવીય અને આર્થિક આદાનપ્રદાનને વધુ સુલભ કરશે.
23. બંને પ્રધાનમંત્રીઓએ ભારતમાં જાપાનીઝ કંપનીઓના પ્રત્યક્ષ રોકાણને પ્રોત્સાહન આપવા નિપ્પોન એક્ષ્પોર્ટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્યોરન્સ (એનઇએક્સઆઇ) અને જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન (જેબીઆઇસી) દ્વારા 1.5 ટ્રિલિયન યેન સુધીની “જાપાન-ઇન્ડિયા મેક-ઇન-ઇન્ડિયા સ્પેશ્યલ ફાઇનાન્સ સુવિધા”ના અમલીકરણના મહત્વની પુષ્ટિ કરી હતી. તેમણે રાષ્ટ્રીય રોકાણ અને માળખાગત ફંડ (એનઆઇઆઇએફ) અને પરિવહન અને શહેરી વિકાસ માટે જાપાન ઓવરસીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન (જેઓઆઇએન) વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)ને આવકાર આપ્યો હતો, જેનો ઉદ્દેશ ભારતમાં માળખાગત પ્રોજેક્ટ્સ માટે ફંડની તકો શોધવાનો છે.
સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ ભવિષ્યનું નિર્માણ કરવા સંયુક્ત કામગીરી
24. બંને પ્રધાનમંત્રીઓએ બંને દેશોની આર્થિક વૃદ્ધિ માટે વિશ્વસનિય, સ્વચ્છ અને વાજબી ઊર્જાની સુલભતા સ્વીકારી હતી તથા આ સંબંધે તેમણે જાન્યુઆરી, 2016માં આયોજિત જાપાન-ભારત વચ્ચે આઠમા ઊર્જા સંવાદ દ્વારા શરૂ થયેલી જાપાન-ભારત ઊર્જા ભાગીદારીની પહેલને આવકાર આપ્યો હતો. તેમણે દ્વિપક્ષીય ઊર્જા સહકારને વધુ મજબૂત કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી, કારણ કે તે બંને દેશો વચ્ચે ઊર્જા વિકાસમાં પ્રદાન કરવાની સાથે વૈશ્વિક સ્તરે ઊર્જા સુરક્ષા, ઊર્જાની સુલભતા અને આબોહવામાં ફેરફારની સમસ્યાનું સમાધાન પણ કરશે. તેમણે ગંતવ્યની જોગવાઈની નાબૂદી સહિત લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી)ના પારદર્શક અને વૈવિધ્યકૃત બજારને પ્રોત્સાહન આપવાના ઇરાદાની પુનઃ પુષ્ટિ પણ કરી હતી.
25. બંને પ્રધાનમંત્રીઓએ આબોહવામાં ફેરફાર પર પેરિસ સમજૂતી લાગુ કરવા વહેલાસર પ્રવેશને આવકાર આપ્યો હતો અને સમજૂતીના સફળ અમલ માટે નિયમો વિકસાવવા સંયુક્તપણે કામ કરવા તેમની પ્રતિબદ્ધતાને પ્રતિપાદિત કરી હતી. તેમણે જોઇન્ટ ક્રેડિટિંગ મિકેનિઝમ (જેસીએમ) પર વધારે ચર્ચા કરવા વહેલામાં વહેલી તક ઇરાદો પણ જાહેર કર્યો હતો.
26. પ્રધાનમંત્રી અબેએ પ્રધાનમંત્રી મોદીના અક્ષય ઊર્જાના ક્ષેત્રમાં પ્રયાસોને આવકાર્યા હતા, જેમાં આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનની રચના સામેલ છે.
27. બંને પ્રધાનમંત્રીઓએ પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગમાં સહકાર માટે જાપાનની સરકાર અને પ્રજાસત્તાક ભારતની સરકાર વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષરને આવકાર આપ્યો હતો, જે સ્વચ્છ ઊર્જા, આર્થિક વિકાસ તથા શાંતિપૂર્ણ અને સુરક્ષિત દુનિયા માટે પારસ્પિક વિશ્વાસ અને વ્યૂહાત્મક ભાગીદારીના નવા સ્તરને પ્રતિબિંબિત કરે છે.
28. પર્યાવરણને લાભદાયક ઊર્જાને અનુકૂળ કાર્યદક્ષ ટેકનોલોજીમાં સરકારી અને ખાનગી કંપનીઓ વચ્ચે વધતા સહકારને આવકારી બંને પ્રધાનમંત્રીઓએ કોલસાની સ્વચ્છ ટેકનોલોજીઓ અને હાઇબ્રિડ વાહનો, ઇલેક્ટ્રિક વાહનો વગેરે સહિત પર્યાવરણને અનુકૂળ વાહનોની લોકપ્રિયતા વધારવા જેવા ક્ષેત્રોમાં સહકારને વધારવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
29. બંને પ્રધાનમંત્રીઓએ સલામત અને પર્યાવરણને અનુકૂળ જહાજના મજબૂત રિસાઇકલિંગ, 2009 માટે હોંગકોંગ આંતરરાષ્ટ્રીય સંમેલનના વહેલાસર સમાપન માટે તેમનો ઇરાદો વ્યક્ત કર્યો હતો.
ભવિષ્યલક્ષી ભાગીદારીનો પાયો નાંખવો
30. બંને પ્રધાનમંત્રીઓએ સમાજમાં મૂળભૂત પરિવર્તન લાવવા વિજ્ઞાન અને ટેકનોલોજીમાં દ્વિપક્ષીય સહકારને ગાઢ બનાવવા વધારે સંભવિતતાની ઓળખ પણ કરી હતી. તેમણે અવકાશી ક્ષેત્રમાં સહકારના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો અને જાક્સા અને ઇસરો વચ્ચે સમજૂતીકરારને આવકાર્યો હતો. તેમણે અર્થ સાયન્સ મંત્રાલય અને જેમસ્ટેક વચ્ચે સહકારના કરાર (એમઓસી) મારફતે દરિયાઈ, પૃથ્વી અને વાતાવરણીય વિજ્ઞાનના ક્ષેત્રમાં સહકાર વધારવવા પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ પર દ્વિપક્ષીય સંયુક્ત કાર્યકારી જૂથ મારફતે દ્વિપક્ષીય આઇટી અને આઇઓટીમાં પ્રગતિ, જેટ્રો અને વિજ્ઞાન અને ટેકનોલોજી પર સંયુક્ત સમિતિ સાથે સહકારમાં જાપાન-ભારત આઇઓટી રોકાણ પહેલની નોંધ પણ લીધી હતી.
31. બંને પ્રધાનમંત્રીઓએ આપત્તિ જોખમ ઘટાડા પર ત્રીજી સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પરિષદ પછી નવી દિલ્હીમાં “આપત્તિ જોખમ ઘટાડા 2016 પર એશિયાના રાષ્ટ્રોની મંત્રીમંડળીય પરિષદ”ના સફળ આયોજનને આવકાર આપ્યો હતો. તેમણે આપત્તિ વ્યવસ્થાપન અને આપત્તિ જોખમ ઘટાડાના ક્ષેત્રમાં સહકાર માટે સંભવિતતાને ઓળખ કરી હતી. તેમણે જોખમોની જાગૃતિ વધારવા, વધારે સમજણને પ્રોત્સાહન આપવા તથા તેનું સમાધાન કરવા ટૂલ્સ વિકસાવવા વર્લ્ડ સુનામી જાગૃતિ દિવસના મહત્ત્વને પણ સ્વીકાર્યું હતું.
32. બંને પ્રધાનમંત્રીઓએ સૂક્ષ્મ જીવાણુ પ્રતિરોધક, સ્ટેમ સેલ સંશોધન, ફાર્માસ્યુટિકલ્સ અને તબીબી ઉપકરણો સહિત હેલ્થકેરના વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે થયેલી પ્રગતિને પણ આવકાર આપ્યો હતો. તેમણે ભારત અને જાપાનીઝ ફાર્માસ્યુટિકલ કંપનીઓ વચ્ચે ભાગીદારી માટે તકોની નોંધ પણ લીધી હતી, જે જાપાનમાં જેનેરિક દવાઓના પ્રમાણના હિસ્સા સાથે સંબંધિત લક્ષ્યાંકને અનુરૂપ છે.
સ્થાયી ભાગીદારી માટે જનભાગીદારીને પ્રોત્સાહન
33. બંને પ્રધાનમંત્રીઓએ પ્રવાસન, યુવાનોના આદાનપ્રદાન અને શૈક્ષણિક જોડાણ માટેની તકોને વધારે મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તથા વર્ષ 2017ને સંસ્કૃતિ અને પ્રવાસનના ક્ષેત્રમાં ઇન્ડિયા-જાપાન મૈત્રીપૂર્ણ આદાનપ્રદાનનાં વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. તેમણે સાંસ્કૃતિક આદાનપ્રદાનના ક્ષેત્રમાં એમઓસીને આવકારી હતી. તેમણે બંને દેશો વચ્ચે પ્રવાસીઓની સંખ્યા વધારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી તથા ભારત-જાપાન પ્રવાસન પરિષદની પ્રથમ બેઠકની કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને વર્ષ 2017માં જાપાનમાં બીજી બેઠકની આતુરતા વ્યક્ત કરી હતી. તેમણે નાણાકીય વર્ષ 2015-16માં દિલ્હીમાં જાપાન નેશનલ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન (જેએનટીઓ)ની ઓફિસની આયોજિત શરૂઆતને પણ આવકારી હતી.
34. પ્રધાનમંત્રી અબેએ ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝાની જરૂરિયાતમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી હતી અને ભારતીય નાગરિકો માટે વિઝા અરજીના સ્થળો વધારીને 20 કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી અબેએ જાપાનના પ્રવાસીઓ અને રોકાણકારોને વિઝા ઓન એરાઇવલ સુવિધા અને લાંબા ગાળાના 10 વર્ષના વિઝાની સુવિધા આપવા માટે પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો.
35. પ્રધાનમંત્રી અબેએ એશિયામાં કુશળ માનવ સંસાધાનોનું આદાનપ્રદાન વધારવા “ઇન્નોવેટિવ એશિયા” નામની નવી પહેલ વિશે જાણકારી આપી હતી. બંને પ્રધાનમંત્રીઓએ આશા વ્યક્ત કરી હતી કે આ પહેલ ભારતીય વિદ્યાર્થીઓને શિષ્યાવૃત્તિ અને ઇન્ટર્નશિપ પહેલોનો લાભ લેવાની નવી તકો પ્રદાન કરશે તથા નવીનતાને વેગ આપશે.
36. બંને પ્રધાનમંત્રીઓએ શિક્ષણ પર પ્રથમ દ્વિપક્ષીય ઉચ્ચ-સ્તરીય નીતિગત સંવાદ સફળતાપૂર્વક સંપન્ન થવા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો અને વિસ્તૃત યુનિવર્સિટી-ટૂ-યુનિવર્સિટી સંસ્થાગત જોડાણો મારફતે શિક્ષણમાં ભાગીદારીને વધુ મજબૂત કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. બંને પ્રધાનમંત્રીઓએ શૈક્ષણિક પદ્ધતિઓ સાથે સંબંધિત શ્રેષ્ઠ કામગીરીની વહેંચણી તથા સાકુરા સાયન્સ પ્લાન (વિજ્ઞાનમાં જાપાન-એશિયા યુથ એક્સચેન્જ પ્રોગ્રામ) જેવી પહેલોના મહત્વ પર ભાર મૂક્યો હતો, જે અંતર્ગત યુવાન ભારતીય વિદ્યાર્થીઓ અને સંશોધકો જાપાનની મુલાકાત લે છે.
37. બંને પ્રધાનમંત્રીઓએ ભારતના યુવાન બાબતો અને રમતગમત મંત્રાલય અને જાપાનના શિક્ષણ, સંસ્કૃતિ, રમતગમત, વિજ્ઞાન અને ટેકનોલોજી વચ્ચે અનુભવ, કુશળતા, ટેકનિક, માહિતી અને જાણકારી વચ્ચે રમતગમત પર એમઓસી પર હસ્તાક્ષરને આવકાર્યા હતા, જેમાં વિશેષ ધ્યાન ટોકિયો 2020 ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ પર કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ ટોકિયો 2020 ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સના સફળ આયોજન માટે જાપાનના પ્રયાસોને સાથસહકાર આપવાની ઓફર કરી હતી, જેને પ્રધાનમંત્રી અબેએ આવકારી હતી.
38. બંને પ્રધાનમંત્રીઓએ સરકારના તમામ સ્તરો વચ્ચે, સાંસદો વચ્ચે અને પ્રાંતો અને રાજ્યો વચ્ચે આદાનપ્રદાન વધારવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ગુજરાત રાજ્ય અને હયોગો પ્રાંત વચ્ચે પારસ્પરિક સાથસહકારને પ્રોત્સાહન આપવા થયેલા સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષરને આવકાર આપ્યો હતો. તેમણે બંને દેશોના પ્રાચીન શહેરો ક્યોટો અને વારાણસી વચ્ચે સંબંધને મજબૂત કરવા પર સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. આ બંને પ્રાચીન શહેરો ભારત અને જાપાનના સાંસ્કૃતિક વારસાનું અભિન્ન અંગ છે.
39. પ્રધાનમંત્રી મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જાપાનમાં વધી રહેલા રસ પર ખુશી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ જાપાનના યોગ શીખવા માગતા ઉત્સાહીઓને ભારતમાં અતિ પ્રતિષ્ઠિત યોગ સંસ્થાઓમાં તાલીમ લેવા ભારતીય શિષ્યાવૃત્તિનો લાભ લેવા પ્રોત્સાહન પણ આપ્યું હતું.
40. બંને પ્રધાનમંત્રીઓએ મહિલાઓના સશક્તિકરણના મહત્વને સ્વીકાર્યું હતું અને મહિલા સશક્તિકરણમાં સહકારને મજબૂત કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી, જેમાં વર્લ્ડ એસેમ્બલી ફોર વિમેન (ડબલ્યુએડબલ્યુ!) જેવી કોન્ફરન્સ સહિત વિવિધ પ્રયાસો સામેલ છે.
41. એશિયાનું ભવિષ્ય એશિયામાં અહિંસા, સહિષ્ણુતા અને લોકશાહીની પરંપરાના હકારાત્મક પ્રભાવ પર આધારિત છે તથા આ મહાખંડના ભવિષ્યનું નિર્માણ પણ આ મૂલ્યો પર કરવાની જરૂર છે તેવા મતનું સમર્થન કરીને બંને પ્રધાનમંત્રીઓએ જાન્યુઆરી, 2016માં ટોકિયોમાં યોજાયેલી “એશિયામાં સંયુક્ત મૂલ્યો અને લોકશાહી” પર પરિસંવાદને આવકાર્યો હતો અને વર્ષ 2017માં આગામી પરિસંવાદ માટે આતુરતા વ્યક્ત કરી હતી.
હિંદ-પ્રશાંત વિસ્તારમાં અને વૈશ્વિક સ્તરે નીતિનિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને મજબૂત કરવા સંયુક્ત કામગીરી
42. બંને પ્રધાનમંત્રીઓએ 21મી સદીમાં હિંદ-પ્રશાંત વિસ્તારને સુખી, સમૃદ્ધિ અને સ્થિર બનાવવા ભારત અને જાપાનના જોડાણની સંભવિતતા પર ભાર મૂક્યો હતો. તેમણે આ વિસ્તારમાં સહિયારા મૂલ્યો, પારસ્પરિક હિતો અને પૂરક કુશળતાઓ અને સંસાધનોને મજબૂત કરવા, આર્થિક અને સામાજિક વિકાસ, ક્ષમતા નિર્માણ, જોડાણ અને માળખાગત સુવિધાના વિકાસને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો હતો. આ સંબંધમાં પ્રધાનમંત્રી અબેએ જાપાનના ઓડીએ પ્રોજેક્ટ્સ સહિત આ ઉદ્દેશો પાર પાડવા બંને દેશોના માનવીય, નાણાકીય અને ટેકનોલોજી સંસાધનોને સુભગ સમન્વય કરવાની નવી પહેલની દરખાસ્ત રજૂ કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ આ સંબંધમાં દ્વિપક્ષીય સહકારના મહત્ત્વને સ્વીકાર્યું હતું.
43. બંને પ્રધાનમંત્રીઓએ આફ્રિકામાં સહકાર અને જોડાણ વધારવા ભારત-જાપાન સંવાદના મહત્વ પર ભાર મૂક્યો હતો, જેથી આફ્રિકામાં બંને દેશોના પ્રયાસોને સંયુક્ત કામગીરી કરીને અસરકારક બનાવી શકાય અને સંયુક્ત પ્રોજેક્ટમાં સંશોધન કરી શકાય, જેમાં તાલીમ અને ક્ષમતા નિર્માણ, સ્વાસ્થ્ય, માળખાગત સુવિધા અને આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે સહકાર સામેલ છે. આ રીતે એશિયા અને આફ્રિકામાં ઔદ્યોગિક કોરિડોર અને ઔદ્યોગિક નેટવર્કના વિકાસને પ્રોત્સાહન મળશે.
44. બંને પ્રધાનમંત્રીઓએ દક્ષિણ એશિયા અને ઇરાન અને અફઘાનિસ્તાન જેવા પડોશી વિસ્તારમાં દ્વિપક્ષીય અને ત્રિપક્ષીય એમ બંને પ્રકારના સહકાર, જેમ કે ચાબહાર માટે માળખાગત સુવિધા અને જોડાણના વિકાસ જેવી પહેલો મારફતે શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા બંને દેશો વચ્ચે સહકારની સંભવિતતાને આવકારી હતી. તેમણે આ પ્રકારના સહકાર માટે તાત્કાલિક કામ કરવા તેમના અધિકારીઓને સૂચના આપી હતી.
45. બંને પ્રધાનમંત્રીઓએ એચએ/ડીઆર, પ્રાદેશિક જોડાણ અને દરિયાઈ સુરક્ષા અને સલામતી જેવા ક્ષેત્રોમાં સંકલન અને સહકારને મજબૂત કરવા જાપાન, ભારત અને અમેરિકા વચ્ચે ત્રિપક્ષીય સંવાદના આયોજનનો આવકાર આપ્યો હતો. બંને પ્રધાનમંત્રીઓએ જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રિપક્ષીય સંવાદને આગળ ધપાવવા અને જાળવવાની કામગીરીને પણ આવકારી હતી.
46. પ્રાદેશિક રાજકીય, આર્થિક અને સલામતીના મુદ્દાની ચર્ચા કરવા ટોચના નેતાના સંચાલિત મંચ તરીકે પૂર્વ એશિયા સંમેલન (ઇએએસ)ને મજબૂત કરવાની પ્રગતિને આવકારતા બંને પ્રધાનમંત્રીઓએ વધુ ગતિશીલ, સક્રિય પ્રક્રિયા હાથ ધરવા સંમેલન યોજવા સંયુક્તપણે કામ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે જાકાર્તામાં ઇએએસ રાજદૂતોની બેઠકના આયોજનને અને આસિયાન સચિવાલયની અંદર ઇએએસ એકમ સ્થાપિત કરવાના કદમને આવકાર્યું હતું. તેમણે ઇએએસ માળખાની અંદર દરિયાઈ ક્ષેત્રે સહકાર અને પ્રાદેશિક જોડાણને સંવર્ધિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
47. બંને પ્રધાનમંત્રીઓએ આસિયન પ્રાદેશિક મંચ, આસિયન સંરક્ષણ પ્રધાનોની વધારાની બેઠક, સંવર્ધિત આસિયાન દરિયાઈ મંચ જેવા આસિયાન સંચાલિત વિવિધ મંચ પર સહકાર વધારીને પ્રાદેશિક માળખાને ઘડવા અને મજબૂત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેનો આશય દરિયાઈ, સુરક્ષા, આતંકવાદ અને હિંસક ચરમપંથ તથા આબોહવામાં ફેરફાર જેવા વૈશ્વિક અને પ્રાદેશિક પડકારોનો સામનો કરવાનો છે.
48. બંને પ્રધાનમંત્રીઓએ આશા વ્યક્ત કરી હતી કે આ પ્રાદેશિક અને ત્રિપક્ષીય સંવાદ વ્યવસ્થાઓ હિંદ-પ્રશાંત વિસ્તારમાં સંતુલિત, ખુલ્લું, સર્વસમાવેશક, સ્થિર, પારદર્શક અને નિયમ-આધારિત આર્થિક, રાજકીય અને સુરક્ષા માળખું વિકસાવશે અને તેમાં પ્રદાન કરશે.
49. બંને પ્રધાનમંત્રીઓએ “ઝીરો સહિષ્ણુતા” સાથે આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિની વખોડી નાંખી હતી. તેમણે આતંકવાદ અને હિંસક ચરમપંથ તથા તેની સાર્વત્રિક પહોંચના વધતા પ્રસાર પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઢાકા અને ઉરી એમ બંને દેશોમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાઓના પીડિતજનોના બહાદુર પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું. તેમણે તમામ દેશોને યુએનએસસીના ઠરાવ 1267 અને આતંકવાદી સંસ્થાઓ સાથે સંબંધિત અન્ય પ્રસ્તુત ઠરાવોનો અમલ કરવા અપીલ કરી હતી. તેમણે આતંકવાદીઓને આશ્રય આપતા અને માળખાગત સુવિધાને નાબૂદ કરવા કાર્ય કરવા તમામ દેશોને અપીલ કરી હતી, જેમાં આતંકવાદીઓના નેટવર્ક અને ધિરાણના માધ્યમો તથા સરહદ પારના આતંકવાદને નાબૂદ કરવાની કામગીરી સામેલ છે. તેમણે તમામ દેશો માટે તેમના વિસ્તારમાંથી સરહદ પારના આતંકવાદનો અસરકારક રીતે સામનો કરવા તમામ દેશોને અપીલ કરી હતી. તેમણે આતંકવાદનો સામનો કરવા અને હિંસક ચરમપંથ સામે આંતરરાષ્ટ્રીય ભાગીદારીને મજબૂત કરવા આતંવાદને ઓળખવા પર ભાર મૂક્યો હતો. આ માટે તમામ દેશોને આતંકવાદ સાથે સંબંધિત માહિતી અને ઇન્ટેલિજન્સની વહેંચણી સામેલ હતી. બંને પ્રધાનમંત્રીઓએ આતંકવાદનો સામનો કરવા ચાલુ દ્વિપક્ષીય સંવાદની નોંધ લીધી હતી અને બંને પક્ષો વચ્ચે માહિતી અને ઇન્ટેલિજન્સનું આદાનપ્રદાન વધારીને સહકાર વધારવા અપીલ કરી હતી. તેમણે મુંબઈમાં નેવમ્બર, 2008માં થયેલા આતંકવાદી હુમલા અને વર્ષ 2016માં પઠાણકોટમાં થયેલા આતંકવાદી હુમલાના દોષિતોને સજા કરવા પાકિસ્તાનને પણ અપીલ કરી હતી.
50. બંને પ્રધાનમંત્રીઓએ દરિયાઈ, હવાઈ અને સાયબર જેવા ક્ષેત્રોની સલામતી પર ગાઢ સહકાર દાખવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
51. બંને પ્રધાનમંત્રીઓએ દરિયાઈ સીમાના કાયદા પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલન (યુએનસીએલઓએસ)માં જણાવેલા આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતોના આધારે નૌકા પરિવહન અને વિમાનોના ઉડાનની સ્વતંત્રતાનું સન્માન કરવાની પ્રતિબદ્ધતા પુનઃવ્યક્ત કરી હતી. આ સંદર્ભમાં તેમણે વિવાદોનું સમાધાન કોઈ પણ પ્રકારની ધાકધમકી વિના કે બળનો ઉપયોગ કર્યા વિના અને સ્વનિયંત્રિત પ્રવૃત્તિ હાથ ધરીને અને એકપક્ષીય કાર્યવાહી ટાળીને કરવા તમામ પક્ષોને અપીલ કરી હતી. યુએનસીએલઓએસના સભ્ય દેશોના નેતાઓ તરીકે બંને પ્રધાનમંત્રીઓએ તેમના મતને પ્રતિપાદિત કર્યો હતો કે તમામ પક્ષોએ યુએનસીએલઓએસનું પાલન કરવું જોઈએ, જે દરિયા અને મહાસાગરોમાં આંતરરાષ્ટ્રીય કાયદો અને વ્યવસ્થા સ્થાપિત કરે છે. દક્ષિણ ચીન સમુદ્રના સંબંધમાં બંને પ્રધાનમંત્રીઓએ યુએનસીએલઓએસ સહિત સાર્વત્રિક રીતે માન્ય આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતોને અનુરૂપ શાંતિપૂર્ણ રીતે વિવાદનું સમાધાન કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
52. બંને પ્રધાનમંત્રીઓએ ઉત્તર કોરિયાના પરમાણુ શસ્ત્રો અને બેલિસ્ટિક મિસાઇલ વિકસાવવાના કાર્યક્રમો સતત ચાલુ રાખવાના પગલાંની આકરા શબ્દોમાં ટીકા કરી હતી, જેમાં તેની યુરેનિયમ સંવર્ધન પ્રવૃત્તિઓ સામેલ છે. બંને પ્રધાનમંત્રીઓએ ઉત્તર કોરિયાને કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી ન કરવા, યુએનએસસીના પ્રસ્તુત ઠરાવો, આંતરરાષ્ટ્રીય નીતિનિયમો અને સમજૂતીઓનું પાલન કરવા તથા કોરિયા દ્વિપકલ્પમાં પરમાણુ શસ્ત્રોનો નાશ કરવા પગલાં લેવાની અપીલ કરી હતી. બંને પ્રધાનમંત્રીઓએ પરમાણુ શસ્ત્રોનો પ્રસાર વિસ્તારની પ્રવૃત્તિઓ સામે સહકાર સ્થાપિત કરવા તેમના સંકલ્પનું પુનરાવર્તન કર્યું હતું. ઉત્તર કોરિયાએ જાપાનના નાગરિકોને (1977થી 1983 વચ્ચે) જાસૂસ સમજીને બંધક બનાવ્યા છે. બંને પ્રધાનમંત્રીઓએ આ સમસ્યાનું સમાધાન લાવવા પણ ઉત્તર કોરિયાને અપીલ કરી હતી.
53. પ્રધાનમંત્રી અબેએ “શાંતિ માટે સક્રિય પ્રદાન” જેવી પહેલો મારફતે વિસ્તારમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિમાં વધુ પ્રદાન કરવા જાપાનના પ્રયાસો અંગે પ્રધાનમંત્રી મોદીને માહિતગાર કર્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતા અને સમૃદ્ધિ માટે જાપાનના હકારાત્મક પ્રદાનને સ્વીકાર્યું હતું.
54. બંને પ્રધાનમંત્રીઓએ 21મી સદીની સમકાલીન વાસ્તવિકતાઓને ધ્યાનમાં લઈને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ (યુએનએસસી)ને વધુ અસરકારક, વધારે ન્યાયસભર બનાવવા અને દુનિયાના દેશોને ઉચિત પ્રતિનિધિત્વ મળે એ માટે સંયુક્ત રાષ્ટ્રમાં તાત્કાલિક ધોરણે સુધારણા કરવા અપીલ કરી હતી તથા આ લક્ષ્યાંક પાર પાડવા સમાન વિચારસરણી ધરાવતા ભાગીદારો સાથે ખભેખભો મિલાવીને કામ કરવાની પ્રતિબદ્ધતા પુનઃવ્યક્ત કરી હતી. તેમણે યુએનએસસી સુધારા પર “ગ્રૂપ ઓફ ફ્રેન્ડ્ઝ” (મિત્રરાષ્ટ્રોનું જૂથ)ની રચનાને આવકારી હતી, જે લેખિત વાટાઘાટો શરૂ કરવા નોંધપાત્ર હિલચાલ સહિત હાલ ચાલુ આંતર સરકારી વાટાઘાટોને વેગ આપશે. બંને પ્રધાનમંત્રીઓએ યુએનએસસીના વિસ્તારમાં કાયમી સભ્યપદ માટે ભારત અને જાપાન કાયદેસર દાવેદારો છે એ બાબતનો સંયુક્તપણે સ્વીકારીને એકબીજાની દાવેદારીને પુનઃ સમર્થન આપ્યું હતું.
55. એશિયા-પ્રશાંત વિસ્તારમાં સૌથી મોટા લોકતાંત્રિક રાષ્ટ્ર અને સૌથી વધુ ઝડપથી વિકસતા, મોટા અર્થતંત્ર તરીકે ભારતનો સ્વીકાર કરી જાપાને એપીએસી (એશિયા પ્રશાંત આર્થિક સહકાર)માં ભારતને સભ્યપદ આપવા સમર્થન જાહેર કર્યું હતું. બંને પ્રધાનમંત્રીઓએ એશિયા-પ્રશાંત વિસ્તારમાં વેપાર અને રોકાણના ક્ષેત્રોને ઉદાર અને અનુકૂળ બનાવવા કામ કરવાનો નિર્ણય પણ લીધો હતો. તેમણે આધુનિક, વિસ્તૃત, ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને પારસ્પરિક લાભદાયક પ્રાદેશિક વિસ્તૃત આર્થિક ભાગીદારી (આરસીઇપી) કરવા સહકારનું પુનરાવર્તન કર્યું હતું. બંને પ્રધાનમંત્રીઓએ વિશ્વ વેપાર સંસ્થા (ડબલ્યુટીઓ)ના વેપાર સુવિધા સમજૂતી તથા એશિયા-પ્રશાંત વિસ્તારમાં ચીજવસ્તુઓ અને સેવાઓ તથા રોકાણમાં વેપારમાં સંવર્ધન મારફતે ઉદારીકરણને વેગ આપવા અને વેપારવાણિજ્યને સરળ, અનુકૂળ બનાવવા કામ કરવાનો નિર્ણય લીધો હતો. ચાલુ વર્ષે જી20ના નેતાઓએ વૈશ્વિક સ્તરે સ્ટીલની વધારાની ક્ષમતાનો ઉપયોગ કરવા આંતરરાષ્ટ્રીય મંચની રચના કરવા સહિત સ્ટીલ ઉદ્યોગમાં વધારાની ક્ષમતાના અસરકારક ઉપયોગ માટે પારસ્પિરક સહકાર અને સંચાર વધારવા અપીલ કરી હતી, જેના મહત્વનો બંને પ્રધાનમંત્રીઓએ સ્વીકાર કર્યો હતો.
56. બંને પ્રધાનમંત્રીઓએ પરમાણુ શસ્ત્રોની સંપૂર્ણ નાબૂદી પ્રત્યે તેમની સંયુક્ત પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું હતું. પ્રધાનમંત્રી અબેએ વિસ્તૃત પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સમજૂતી (સીટીબીટી)ને લાગુ કરવામાં વહેલાસર પ્રવેશના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે શેન્નોન આદેશના આધારે ફિસાઇલ મટિરિયલ કટ-ઓફ ટ્રીટી (એફએમસીટી)નો કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના, બહુપક્ષીય અને આંતરરાષ્ટ્રીય રીતે તથા અસરકારક રીતે ખરાઈ કરી શકાય તેવા આધારે વાટાઘાટ તાત્કાલિક શરૂ કરવા અને વહેલાસર પૂર્ણ કરવા અપીલ કરી હતી. તેમણે પરમાણુ પ્રસાર અને પરમાણુ આતંકવાદના પડકારોનો સામનો કરવા આંતરરાષ્ટ્રીય સાથસહકાર મજબૂત કરવા તેમની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
57. બંને પ્રધાનમંત્રીઓએ અસરકારક રાષ્ટ્રીય નિકાસ નિયંત્રણ વ્યવસ્થાઓનું મહત્વ સ્વીકાર્યું હતું. ભારતને તાજેતરને મિસાઇલ ટેકનોલોજી નિયંત્રણ વ્યવસ્થા (એમટીસીઆર) અને બેલિસ્ટિક મિસાઇલ પ્રસાર સામેની આચારસંહિતા (એચસીઓસી)માં સામેલ કરવામાં આવ્યું છે, જેને જાપાને આવકાર્યું છે. ભારતે તેની નિકાસ નિયંત્રણ વ્યવસ્થા સાથે ભાગીદારીને સઘન બનાવી હતી. બંને પ્રધાનમંત્રીઓએ ભારતને બાકીની ત્રણ આંતરરાષ્ટ્રીય નિકાસ નિયંત્રણ વ્યવસ્થાઓ ન્યૂક્લિઅર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી), વાસેનાર એરેન્જમેન્ટ અને ઓસ્ટ્રેલિયા ગ્રૂપમાં પૂર્ણ સભ્ય બનાવવા સંયુક્તપણે કામ કરવાની પ્રતિબદ્ધતા પુનઃવ્યક્ત કરી હતી, જેનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય બિનપ્રસાર પ્રયાસોને મજબૂત કરવાનો છે.
સમાપન
58. પ્રધાનમંત્રી મોદીએ જાપાન અને તેની જનતાનો ઉષ્માસભર આતિથ્યસત્કાર કરવા બદલ આભાર માન્યો હતો અને જાપાનના પ્રધાનમંત્રી અબેને આગામી શિખર સંમેલન માટે બંનેના અનુકૂળ સમયે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રી અબેએ આમંત્રણનો સ્વીકાર કર્યો હતો.
TR