Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વર્ચ્યુઅલ બેઠકમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણી

ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વર્ચ્યુઅલ બેઠકમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણી


મહામહિમ, મારા મિત્ર, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન

શ્રી પિયુષ ગોયલ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી

શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, નાગરિક ઉડ્ડયન મંત્રી

શ્રી રતન ટાટા, ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન

શ્રી એન. ચંદ્રશેખરન, ચેરમેન, ટાટા સન્સ

શ્રી કેમ્પબેલ વિલ્સન, સીઈઓ એર ઇન્ડિયા

શ્રી ગિલાઉમ ફાઉરી, સીઈઓ એરબસ

સૌપ્ર થમ હું આ સીમાચિહ્નરૂપ સમજૂતી માટે એર ઇન્ડિયા અને એરબસને અભિનંદન આપું છું. હું આ કાર્યક્રમમાં જોડાવા બદલ ખાસ કરીને મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનનો આભાર માનું છું.

આ સોદો ભારત અને ફ્રાન્સ વચ્ચેના ગાઢ સંબંધો તેમજ ભારતના નાગરિક ઉડ્ડયન ઉદ્યોગની સફળતા અને મહત્વાકાંક્ષાઓનો પુરાવો છે. આજે આપણું નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર ભારતના વિકાસનું અભિન્ન અંગ છે. નાગરિક ઉડ્ડયનને મજબૂત બનાવવું એ અમારી રાષ્ટ્રીય માળખાગત વ્યૂહરચનાનું એક મહત્વપૂર્ણ પાસું છે. છેલ્લાં આઠ વર્ષમાં ભારતમાં એરપોર્ટ્સની સંખ્યા 74થી વધીને 147 થઈ ગઈ છે, લગભગ બમણો વધારો છે. અમારી રિજનલ કનેક્ટિવિટી સ્કીમ (ઉડાન)નાં માધ્યમથી દેશના દૂર-સુદૂરના ભાગો પણ એર કનેક્ટિવિટીનાં માધ્યમથી જોડાઈ રહ્યા છે, જે લોકોના આર્થિક અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપી રહ્યા છે.

ભારત ટૂંક સમયમાં જ ઉડ્ડયન ક્ષેત્રે વિશ્વનું ત્રીજું સૌથી મોટું બજાર બની જશે. અનેક અનુમાનો મુજબ આગામી 15 વર્ષમાં ભારતમાં જરૂરી વિમાનોની સંખ્યા 2000થી વધુ હશે. આજની ઐતિહાસિક જાહેરાત આ વધતી માગને પહોંચી વળવામાં મદદરૂપ થશે. ભારતનાં મેક ઇન ઇન્ડિયા- મેક ફોર ધ વર્લ્ડવિઝન હેઠળ એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગમાં અનેક નવી તકો ખુલી રહી છે. ગ્રીન ફિલ્ડ અને બ્રાઉન ફિલ્ડ એરપોર્ટ માટે ઓટોમેટિક રૂટ મારફતે 100 ટકા એફડીઆઇની જોગવાઈ કરવામાં આવી છે. એ જ રીતે, ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ, જાળવણી, સમારકામ અને ઓવરહોલ એટલે કે એમઆરઓમાં પણ 100 ટકા એફડીઆઇને મંજૂરી આપવામાં આવી છે. ભારત સંપૂર્ણ ક્ષેત્ર માટે એમઆરઓનું કેન્દ્ર બની શકે છે. આજે તમામ વૈશ્વિક ઉડ્ડયન કંપનીઓ ભારતમાં હાજર છે. હું તેમને આ તકોનો સંપૂર્ણ લાભ લેવા આમંત્રણ આપું છું.

મિત્રો,

એર ઇન્ડિયા અને એરબસ વચ્ચેની સમજૂતી ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી માટે પણ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. થોડા મહિના પહેલાં ઑક્ટોબર, 2022માં મેં વડોદરામાં ડિફેન્સ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પ્રોજેક્ટના શિલાન્યાસ સમારંભમાં હાજરી આપી હતી. ૨.૫ અબજ યુરોનાં રોકાણથી બની રહેલા આ પ્રોજેક્ટમાં ટાટા અને એરબસની પણ ભાગીદારી છે. મને એ જાણીને પણ આનંદ થયો છે કે ફ્રાન્સની કંપની સફરન એરક્રાફ્ટ એન્જિનની સેવા આપવા માટે ભારતમાં સૌથી મોટી એમઆરઓ સુવિધા સ્થાપિત કરી રહી છે.

અત્યારે ભારત અને ફ્રાન્સ વચ્ચેની ભાગીદારી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને બહુપક્ષીય વ્યવસ્થામાં સ્થિરતા અને સંતુલન સુનિશ્ચિત કરવામાં સીધી ભૂમિકા ભજવી રહી છે. ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા અને સ્થિરતાનો મુદ્દો હોય કે પછી વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને સ્વાસ્થ્ય સુરક્ષા, ભારત અને ફ્રાન્સ મળીને સકારાત્મક યોગદાન આપી રહ્યા છે.

રાષ્ટ્રપતિ મેક્રોન,

મને વિશ્વાસ છે કે આ વર્ષે આપણા દ્વિપક્ષીય સંબંધો વધુ ઊંચાઈઓને સ્પર્શશે. ભારતનાં જી20 પ્રમુખપદ હેઠળ આપણને સાથે મળીને કામ કરવાની વધુ તકો મળશે. ફરી એક વાર આપ સૌનો ખૂબ-ખૂબ આભાર અને ખૂબ ખૂબ શુભકામનાઓ.

YP/GP/JD