Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઓલ જમ્મુ એન્ડ કાશ્મીર પંચાયત પરિષદનું પ્રતિનિધિમંડળ પ્રધાનમંત્રીને મળ્યું

ઓલ જમ્મુ એન્ડ કાશ્મીર પંચાયત પરિષદનું પ્રતિનિધિમંડળ પ્રધાનમંત્રીને મળ્યું


ઓલ જમ્મુ એન્ડ કાશ્મીર પંચાયત પરિષદના 30 સભ્યોનું પ્રતિનિધિમંડળ આજે 7 લોક કલ્યાણ માર્ગ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યું હતું.

ઓલ જમ્મુ એન્ડ કાશ્મીર પંચાયત પરિષદ જમ્મુ અને કાશ્મીર રાજ્યનાં પંચાયતના સભ્યોની સર્વોચ્ચ સંસ્થા છે. આ સંસ્થા જમ્મુ અને કાશ્મીરમાં 4000 ગામનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં 4000 સરપંચ અને 29,000 પંચ સામેલ છે. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઓલ જમ્મુ એન્ડ કાશ્મીર પંચાયત પરિષદના અધ્યક્ષ શ્રી શાફિક મીરે કર્યું હતું.

પ્રતિનિધિમંડળના સભ્યોએ રાજ્ય સાથે સંબંધિત વિકાસના મુદ્દાઓ પર પ્રધાનમંત્રી સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્યને જે સહાય કરે છે તેના લાભ ગામડાઓ સુધી પહોંચતો નથી, કારણ કે દેશના અન્ય રાજ્યોની જેમ જમ્મુ અને કાશ્મીરની પંચાયતોનું સશક્તિકરણ થયું નથી. તેમણે એક આવેદનપત્ર પણ સુપરત કર્યું હતું. તેમણે પ્રધાનમંત્રીને ભારતના બંધારણમાં થયેલા 73મા અને 74મા સુધારાને જમ્મુ અને કાશ્મીરમાં લાગુ કરવાની વિચારણા હાથ ધરવા વિનંતી કરી હતી. આ બંને સુધારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પંચાયત સાથે સંબંધિત છે. તેમણે રાજ્યમાં વહેલામાં વહેલી તકે પંચાયતો અને શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવાની માગણી પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2011માં યોજાયેલી ચૂંટણીઓમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

આ બંધારણીય જોગવાઈઓ રાજ્યમાં લાગુ કરવાથી પંચાયતો ગ્રામીણ વિસ્તારોમાં મૂળભૂત વિકાસ સાથે સંબંધિત પ્રવૃત્તિઓ હાથ ધરવા સક્ષમ બનશે તેવું તેમણે જણાવ્યું હતું. સભ્યોએ આશા વ્યક્ત કરી હતી કે આ રીતે રાજ્યમાં વિકાસલક્ષી પ્રક્રિયાને વેગ મળશે અને રાજ્યના લોકો કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા સક્ષમ બનશે.

પ્રતિનિધિમંડળે રાજ્યમાં પ્રવર્તમાન સ્થિતિ વિશે પ્રધાનમંત્રીને વાકેફ પણ કર્યા હતા. તેમણે રાષ્ટ્રવિરોધી પરિબળો દ્વારા શાળાઓને આગ ચાંપવાની ઘટનાની આકરાં શબ્દોમાં ટીકા કરી હતી.

જમ્મુ અને કાશ્મીરમાં પાયાના સ્તરે જન પ્રતિનિધિત્વ કરતી સંસ્થાએ લોકતાંત્રિક સંસ્થાઓમાં અને દેશમાં લોકશાહી પ્રક્રિયામાં વિશ્વાસ મૂક્યો હતો. શ્રી શાફિક મીરે કહ્યું હતું કે, રાજ્યની મોટા ભાગની જનતા શાંતિ અને સન્માનપૂર્ણ જીવન ઇચ્છે છે. તેમણે જણાવ્યું હતું કે, સ્થાપિત હિતો યુવા પેઢીને ગેરમાર્ગે દોરે છે, તેમનો ઉપયોગ કરે છે અને તેમના ભવિષ્ય સાથે રમત રમે છે. તેમણે પ્રધાનમંત્રીને જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા વ્યક્તિગત પહેલ કરવા વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રીએ પ્રતિનિધિમંડળે ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર તેમની માગ પર વિચાર કરશે. તેમણે જમ્મુ અને કાશ્મીરની વૃદ્ધિ અને વિકાસ તેમની પ્રાથમિકતા હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, મોટા ભાગના લોકો રહે છે એ ગ્રામીણ વિસ્તારનો વિકાસ રાજ્યના સંપૂર્ણ આર્થિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ છે. તેમણે માનવતાવાદી અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીર રાજ્ય માટે કેન્દ્ર સરકારની વિકાસલક્ષી પહેલોના પાયામાં ‘વિકાસ’ અને‘વિશ્વાસ’ હંમેશા જળવાયેલા રહેશે.

TR