Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જયપુરમાં ખેલ મહાકૂંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

જયપુરમાં ખેલ મહાકૂંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ


જયપુર ગ્રામીણના સાંસદ તથા આપણા સહયોગી ભાઈ રાજ્યવર્ધન સિંહ રાઠોડ, તમામ ખેલાડી, કોચ તથા મારા યુવાન સાથીઓ.
સૌ પ્રથમ તો જયપુર મહાખેલમાં મેડલ જીતનારા, આ સ્પર્ધામાં સામેલ થયેલા પ્રત્યેક ખેલાડી, કોચ તથા તેમના પરિવારજનોને ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌ જયપુરના રમતના મેદાનમાં માત્ર રમવા માટે ઉતર્યા ન હતા. આપ જીતવા માટે પણ ઉતર્યા અને શીખવા માટે પણ મેદાનમાં ઉતર્યા હતા. અને જ્યાં શીખ હોય છે ત્યાં વિજય આપોઆપ સુનિશ્ચિત થઈ જાય છે. રમતના મેદાન પરથી ક્યારેય કોઈ ખેલાડી ખાલી હાથે પરત ફરતો નથી.

સાથીઓ,

હમણાં જ આપણે સૌએ કબડ્ડીના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન નિહાળ્યું. હું જોઈ રહ્યો છું કે આજના આ સમાપન સમારંભમાં એવા ઘણા ચહેરા ઉપસ્થિત છે જેમણે રમતોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું નામ રોશન કર્યું છે. એશિયન ગેમ્સના મેડલ વિજેતા રામ સિંહ દેખાઈ રહ્યા છે. ધ્યાન ચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત પેરા એથ્લેટ ભાઈ દેવેન્દ્ર ઝાઝરિયા પણ જોવા મળી રહ્યા છે. અર્જુન એવોર્ડ વિજેતા સાક્ષી કુમારી અને અન્ય વરિષ્ઠ ખેલાડીઓ પણ છે. અહીં આપ રમત જગતના આ તારલાઓને જયપુર ગ્રામીણના ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કરતાં જોઇને મને ઘણો જ આનંદ થઈ રહ્યો છે.

સાથીઓ,

આજે દેશમાં રમત પ્રતિસ્પર્ધાઓ તથા ખેલ મહાકૂંભોનો જે સિલસિલો શરૂ થયો છે તે એક મોટા પરિવર્તનનું પ્રતિબિંબ છે. રાજસ્થાનની ઘરતી તો પોતાના યુવાનોના જોશ અને સામર્થ્ય માટે જ ઓળખવામાં આવે છે. ઇતિહાસ સાક્ષી છે કે આ વીર ધરાના સંતાનો રણભૂમિને પણ પોતાના શૌર્યથી રમતનું મેદાન બનાવી દે છે. તેથી જ ભૂતકાળથી લઇને આજ સુધી જ્યારે પણ દેશના રક્ષણની વાત આવે છે તો રાજસ્થાનના યુવાનો ક્યારેય કોઈનાથી પાછળ હોતા નથી. અહીંના યુવાનોના આ શારીરિક અને માનસિક સામર્થ્યને વિકસિત કરવામાં રાજસ્થાની ખેલ પરંપરાઓનું મોટું યોગદાન રહ્યું છે.  સેંકડો વર્ષોથી મકર સંક્રાતિ પર યોજનારી રમત દડા’ ‘દડા હોય કે બાળપણના સંભારણા સાથે સંકળાયેલા તોલિયા, રૂમાલ ઝપટ્ટા જેવી પરંપરાગત રમત હોય, આ રાજસ્થાનની રગે રગમાં વસેલી રમતો છે. તેથી જ આ રાજ્યએ દેશને ઘણી બધી રમત પ્રતિભાઓ આપી છે. કેટલાંય મેડલ અપાવીને દેશની શાન વધારી છે અને આપપપ જયપુરવાસીઓએ તો સાંસદ પણ ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ચૂંટ્યો છે. મને આનંદ છે કે રાજ્યવર્ધન સિંહ રાઠોડ હા તેમણે દેશને જે પણ આપ્યું છે તેને એ સાંસદ ખેલ સ્પર્ધા મારફતે નવી પેઢીને પરત આપવાનું કામ કરી રહ્યા છે. આપણે આ પ્રયાસોને વધુ વ્યાપક બનાવવાના છે જેથી તેનો પ્રભાવ વધારે વ્યાપક હોય. જયપુર મહાખેલનું સફળ આયોજન અમારા આવા જ પ્રયાસોની આગલી કડી છે. આ વર્ષે 600થી વધારે ટીમોનો, સાડા છ હજાર યુવાનોનો તેમાં ભાગ લેવો તે તેની સફળતાનું પ્રતિબિંબ છે. મને માહિતી આપવામાં આવી છે કે આ આયોજનમાં દિકરીઓની પણ સવા સો કરતાં વધારે ટીમોએ ભાગ લીધો હતો. દિકરીઓની આ વધતી ભાગીદારી એક સુખદ સંકેત આપી રહી છે.

સાથીઓ,

આઝાદીના આ અમૃતકાળમાં દેશ નવી નવી પરિભાષાઓ ઘડી રહ્યો છે, નવી વ્યવસ્થાઓનું નિર્માણ કરી રહ્યો છે. દેશમાં આજે પહેલી વાર રમતોને પણ સરકારી ચશ્માથી નહીં પણ ખેલાડીઓની નજરથી જોવામાં આવે છે. હું જાણું છું કે યુવા ભારતની યુવાન પેઢી માટે કાંઈ પણ બાબત અશક્ય નથી. યુવાનોને જ્યારે સામર્થ્ય, સ્વાભિમાન, સ્વાવલંબન, સુવિધા તથા સંસાધનની શક્તિ મળે છે તો દરેક લક્ષ્યાંક આસાન બની જાય છે. દેશના આ વલણની ઝલક આ વખતના બજેટમાં  પણ જોવા મળી છે. આ વખતે દેશના બજેટમાં રમત વિભાગને લગભગ 2500 કરોડ રૂપિયાનું બજેટ મળ્યું છે. જ્યારે 2014 અગાઉ ખેલ વિભાગનું બજેટ આઠ સો થી સાડા આઠ સો રૂપિયાની આસપાસ જ રહી જતું હતું. એટલે કે 2014ની સરખામણીએ દેશના રમત વિભાગના બજેટમાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે. આ વખતે એકલા ખેલો ઇન્ડિયા અભિયાન માટે જ એક હજાર કરોડ રૂપિયાથી વધુ બજેટ આપવામાં આવ્યું છે. આ નાણા રમત સાથે સંકળાયેલા દરેક ક્ષેત્રમાં સંસાધનો તથા સુવિધાઓના નિર્માણ કરવાની દિશામાં કામ આવશે.

સાથીઓ,

અગાઉ દેશમાં યુવાનોમાં રમત પ્રત્યેનો ઉત્સાહ અને જુસ્સો તો હતો , પ્રતિભા પણ હતી પરંતુ અવારનવાર સંસાધન તથા સરકારી સહયોગની ઉણપ દર વખતે આડે આવતી હતી. હવે આપણા ખેલાડીઓના આ પડકારનો પણ ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. હું આપને આ જયપુર મહાખેલનું જ એક ઉદાહરણ આપીશ. જયપુરમાં આ આયોજન છેલ્લા પાંચથી છ વર્ષથી ચાલી રહ્યું છે. આવી  જ રીતે દેશના ખૂણે ખૂણેમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદો પોત પોતાના ક્ષેત્રોમાં ખેલ મહાકૂંભનું  આયોજન કરાવી રહ્યા છે. આ સેંકડો ખેલ મહાકૂંભોમાં હજારો યુવાનો, હજારો પ્રતિભાશાળી ખેલાડીઓ અલગ અલગ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. સાંસદ ખેલ મહાકૂંભને કારણે દેશની હજારો નવી પ્રતિભાઓ ઉભરીને સામે આવી રહી છે.

સાથીઓ,

આ બાબત તમામ માટે શક્ય બની રહી છે કેમ કે કેન્દ્ર સરકાર હવે જિલ્લા કક્ષાએ તથા સ્થાનિક સ્તર સુધી રમત સવલતો ઘડી રહી છે. અને ખેલ મહાકૂંભ જેવા મોટા આયોજનો પણ વ્યવસાયી ઢબે થઈ રહ્યા છે.
આ વખતે નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટીને પણ મહત્તમ બજેટ પ્રદાન કરવામાં આવ્યું છે. અમારો પ્રયાસ છે કે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ અને સ્પોર્ટ્સ ટેકનોલોજી સાથે સંકળાયેલી દરેક વિદ્યા શીખવાનો એક માહોલ બને. જેનાથી યુવાનોને આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો અવસર પ્રાપ્ત થશે.

સાથીઓ,

નાણાની અછતને કારણે કોઈ યુવાન પાછળ રહી જાય નહીં તેની ઉપર પણ અમારી સરકાર ધ્યાન આપી રહી છે. શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને કેન્દ્ર સરકાર હવે વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીની મદદ કરે છે. પ્રમુખ રમત પુરસ્કારોમાં અપાનારી રકમ પણ ત્રણ ગણી વધારી દેવામાં આવી છે. ઓલિમ્પિક્સ જેવી મોટી વૈશ્વિક સ્પર્ધાઓમાં પણ હવે સરકાર સંપૂર્ણ શક્તિથી આપણા ખેલાડીઓની સાથે ઉભી રહે છે. ટોપ્સ TOPS જેવી યોજના મારફતે વર્ષો અગાઉથી જ ખેલાડીઓ ઓલિમ્પિક્સની તૈયારી કરી રહ્યા છે.

સાથીઓ,

રમતોમાં આગળ વધવા માટે કોઈ પણ રમતવીર માટે સૌથી જરૂરી હોય છે – પોતાની ફિટનેસને જાળવી રાખવી. તમે ફિટ હશો તો જ સુપરહિટ થશો. અને ફિટનેસ તો જેટલી રમતોમાં જરૂરી છે તેટલી જ જીવનના મેદાનમાં પણ જરૂરી હોય છે. તેથી જ આજે ખેલો ઇન્ડિયાની સાથે સાથે ફિટ ઇન્ડિયા પણ એક મોટું મિશન છે. આપણી ફિટનેસમાં ઘણી મોટી ભૂમિકા આપણી ખાણી-પીણી, આપણા પોષણની પણ હોય છે. તેથી જ હું આપ સૌ સાથે એક એવા અભિયાનની વાત કરવા માગું છું જેની શરૂઆત તો ભારતે કરી પરંતુ હવે તે એક વૈશ્વિક અભિયાન બની ગયું છે. આપે સાંભળ્યું હશે કે ભારતની દરખાસ્ત પર યુનાઇટેડ નેશન્સ UN વર્ષ 2023ને ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ તરીકે મનાવી રહ્યું છે. અને રાજસ્થાન તો મિલેટ એટલે કે મોટા અનાજની એક અત્યંત સમૃદ્ધ પરંપરાઓનું ઘર છે. અને હવે તેની દેશવ્યાપી ઓળખ બને તે માટે મોટા અનાજને શ્રી અન્ન આ નામથી લોકો જાણે તે અત્યંત જરૂરી છે. આ વખતે બજેટમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  આ સુપર ફૂડ છે, આ શ્રી અન્ન છે. અને તેથી જ રાજસ્થાનનું શ્રી અન્ન બાજરો, શ્રી અન્ન જુવાર, જેવા અનેક મોટા અનાજ આ શ્રી અન્નના નામની સાથે હવે જોડાઈ ગયા છે. તેની ઓળખ છે.  અને એ કોણ જાણતું નથી જે રાજસ્થાનને જાણે છે. આ આપણા રાજસ્થાનના બાજરાનો ખીચડો અને ચૂરમા શું કોઈ ભૂલી શકે છે ? મારું આપ સૌ  યુવાનોને વિશેષ આહવાન હશે, આપ પોતાના ખોરાકમાં શ્રી અન્ન, શ્રી અન્ન એટલે કે મોટા અનાજન તો સામેલ કરો જ એટલું જ નહીં શાળા, કોલેજની યુવાન પેઢીમાં તમે જાતે જ તેના બ્રાન્ડ એમ્બેસેડર બનીને લાગી પડો.

સાથીઓ,

આજનો યુવાન માત્ર એક જ ક્ષેત્રમાં સમેટીને રહેવો જોઇએ નહીં. તે બહુ પ્રતિભાશાળી પણ છે અને મલ્ટિ ડાયમેન્સનલ પણ છે. દેશ પણ આથી જ યુવાનોના સર્વાંગી વિકાસ માટે કામ કરી રહ્યો છે. યુવાનો માટે વધુ એક આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે તો સાથે સાથે જ બાળકો તથા યુવાનો માટે નેશનલ ડિજિટલ લાયબ્રેરીનો પ્રસ્તાવ પણ બજેટમાં મૂકવામાં આવ્યો છે. નેશનલ ડિજિટલ લાયબ્રેરી મારફતે વિજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર અને સંસ્કૃત જેવી ભાષાઓ પ્રત્યેક વિષયમાં પુસ્તકો શહેરથી ગામડા સુધી, દરેક સ્તરે ડિજિટલના માધ્યમથી ઉપલબ્ધ થશે. તે તમારા સૌના શીખવાના અનુભવને નવી ઉંચાઈ પ્રદાન કરશે. તમામ સંસાધનો આપના કમ્પ્યુટર તથા મોબાઇલમાં પણ ઉપલબ્ધ કરાવશે.

સાથીઓ,

રમતગમત માત્ર એક વિદ્યા જ નહીં પરંતુ સ્પોર્ટ્સ એક ઘણો મોટો ઉદ્યોગ પણ છે. સ્પોર્ટ્સ સાથે સકળાયેલી ચીજો તથા સંસાધનો બનાવવાથી મોટી સંખ્યામાં લોકોને રોજગાર પણ મળે છે. આ કાર્ય મોટા ભાગે આપણા લઘુ ઉદ્યોગ MSMEs કરે છે. આ વખતે બજેટમાં રમત ગમત ક્ષેત્ર સાથે સંકળાયેલી MSMEsને મજબૂત કરવા માટે પણ ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. હું આપને વધુ એક યોજના અંગે જાણકારી આપવા માગીશ. આ યોજના છે – પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન એટલે કે પીએમ વિકાસ યોજના. એવા લોકો જે પોતાના હાથના કૌશલ્યથી, હાથ દ્વારા ઉપયોગમા લેવાતા ઓજારોથી સ્વરોજગાર કરે છે, નિર્માણ કરે છે તેમને આ યોજના ઘણી મદદ કરશે. તેમના આર્થિક સહયોગથી લઈને તેમના માટે નવી બજાર સુધી, તમામ પ્રકારની મદદ, પીએમ વિશ્વકર્મા યોજના દ્વારા જ આપવામાં આવશે. આપણા યુવાનો માટે આ પણ રોજગારની, સ્વરોજગારની મોટી તક બનાવશે.

સાથીઓ,

જ્યાં પૂરા મનથી પ્રયાસ થાય છે ત્યાં પરિણામ સુનિશ્ચિત હોય છે. દેશે પ્રયાસ કર્યા, પરિણામ આપણે ટોક્યો ઓલિમ્પિક્સમાં જોયું, કોમનવેલ્થ ગેમ્સમાં જોયું. જયપુર મહા ખેલમાં પણ આપ સૌના પ્રયાસ ભવિષ્યમાં આવા જ શાનદાર પરિણામ આપશે. આપમાંથી જ દેશ માટે આગામી ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા આવનારા છે. આપ જો નક્કી કરી લેશો તો ઓલિમ્પિક્સ સુધી તિરંગાની શાન વધારશો. આપ જે ક્ષેત્રમાં જશો ત્યાં દેશનું નામ રોશન કરશો. મને વિશ્વાસ છે કે આપણા યુવાનો દેશની સફળતાને ઘણે આગળ સુધી લઈ જશે. આ જ ભાવના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ શુભકામનાઓ.
 

YP/GP/JD