Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કર્ણાટકના કલાબુર્ગીમાં નવા જાહેર કરાયેલા મહેસૂલી ગામોના લગભગ પચાસ હજાર લાભાર્થીઓને માલિકી ખત (હક્ક પત્ર)નું વિતરણ કર્યું

પ્રધાનમંત્રીએ કર્ણાટકના કલાબુર્ગીમાં નવા જાહેર કરાયેલા મહેસૂલી ગામોના લગભગ પચાસ હજાર લાભાર્થીઓને માલિકી ખત (હક્ક પત્ર)નું વિતરણ કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના કલાબુર્ગી, માલખેડમાં કર્ણાટકના નવા જાહેર કરવામાં આવેલા મહેસૂલી ગામોના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને માલિકી ખત (હક્ક પત્ર)નું વિતરણ કર્યું હતું અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજના માટે શિલાન્યાસ કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જ્યારે, ભારતનું બંધારણ જાન્યુઆરી મહિનામાં અમલમાં આવ્યું હતું અને સ્વતંત્ર ભારતમાં નાગરિકોના અધિકારોને સુનિશ્ચિત કરવામાં આવ્યા હતા તે સમયને યાદ કર્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે જાન્યુઆરીના આ પવિત્ર મહિનામાં કર્ણાટક સરકારે સામાજિક ન્યાયની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જ્યારે પચાસ હજારથી વધુ પરિવારોએ પ્રથમ વખત માલિકી ખત મેળવ્યા તેવા મહત્વપૂર્ણ પ્રસંગે તેમણે વણજારા સમુદાય માટે આ ટિપ્પણી કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આનાથી ટાંડાવસાહતોમાં રહેતા અહીંના પરિવારોના દીકરાઓ અને દીકરીઓ માટે ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત થશે અને કલાબુર્ગી, યાદગીરી, રાયચુર, બિદર અને વિજયપુરાના પાંચ જિલ્લાના વણજારા સમુદાયના નાગરિકોને અભિનંદન પાઠવવાની તક લીધી હતી.

પ્રધાનમંત્રીએ કર્ણાટક સરકાર દ્વારા ત્રણ હજારથી વધુ ટાંડા વસાહતોને મહેસૂલી ગામો તરીકે જાહેર કરવાના મહત્વના નિર્ણય વિશે માહિતી આપી હતી અને આ નોંધપાત્ર પગલાં લેવા બદલ શ્રી બસવરાજ બોમાઇજી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ આ પ્રદેશ અને વણજારા સમુદાય સાથેના પોતાના જોડાણોને યાદ કરતાં નોંધ્યું હતું કે, આ સમુદાયના લોકોએ પોતાની રીતે રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપ્યું છે. તેમણે 1994માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રધાનમંત્રીએ હાજરી આપી હતી તે વખતે રેલીમાં ભાગ લેવા માટે લાખો વણજારા પરિવારો આવ્યા હતા તે અવિસ્મરણીય ક્ષણને યાદ કરી હતી અને તેમના પર આશીર્વાદ વરસાવવા માટે પરંપરાગત પોશાકમાં માતાઓ અને બહેનો આવી હોવાની પણ તેમણે નોંધ લીધી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ડબલ એન્જિનની સરકાર ભગવાન બસવેશ્વર દ્વારા ચિંધવામાં આવેલા સુશાસન અને સંવાદિતાના માર્ગને અનુસરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, “ભગવાન બસવેશ્વરના આદર્શોથી પ્રેરિત થઇને અમે સૌના કલ્યાણ માટે કામ કરી રહ્યાં છીએ.” પ્રધાનમંત્રીએ, કેવી રીતે ભગવાન બસવેશ્વરે અનુભવ મંડપમ્ જેવા પ્લેટફોર્મ દ્વારા લોકશાહી અને સામાજિક ન્યાયનું મોડેલ આપ્યું હતું તે સંસ્મરણો પણ યાદ કર્યા હતા. પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, તેમણે સૌના સશક્તિકરણ માટે તમામ પ્રકારના ભેદભાવથી ઉપર ઊઠવાનો માર્ગ બતાવ્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વણજારા સમુદાયે ઘણા કપરા દિવસો જોયા છે, જો કે, હવે સમય આવી ગયો છે કે તેઓ સરળતાથી અને સન્માન સાથે જીવે. તેમણે વણજારા સમુદાયના યુવાનો માટે શિષ્યવૃત્તિ અને આજીવિકા માટે મદદ, પાકા ઘરો જેવા પગલાં લેવામાં આવ્યા તેના વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમની વિચરતી જીવનશૈલીને કારણે ઊભી થતી સમસ્યાઓ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે લેવામાં આવેલા પગલાંની ભલામણ 1993માં કરવામાં આવી હતી. જો કે, મતબેંકની રાજનીતિમાં આમાં વિલંબ થયો છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “પરંતુ હવે ઉદાસીનતા દાખવવાનો તે માહોલ બદલાઇ ગયો છે”.

પ્રધાનમંત્રીએ વણજારા સમુદાયની માતાઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, “તમે ચિંતા ન કરશો! તમારો એક દીકરો દિલ્હીમાં આ બધી બાબતોની નોંધ લઇ રહ્યો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે. ટાંડાની વસાહતોને ગામડા તરીકે માન્યતા મળ્યા બાદ ગામડાઓમાં મૂળભૂત સુવિધાઓ વિકસાવવાના કામને વેગ મળશે. તેમણે નોંધ્યું હતું કે, હવે પરિવારો મુક્ત રીતે જીવશે અને તેમના હક્ક પત્ર મેળવ્યા પછી બેંકો પાસેથી લોન મેળવવાનું તેમના માટે ઘણું સરળ થઇ જશે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, કેન્દ્ર સરકાર સ્વામિત્વ યોજના દ્વારા સમગ્ર દેશમાં ગામડાઓના ઘરો માટે પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરી રહી છે અને હવે કર્ણાટકમાં વણજારા સમુદાયને પણ તેનો લાભ મળી શકશે. પ્રધાનમંત્રીએ પીએમ આવાસ યોજના પર પ્રકાશ પાડ્યો હતો જે અંતર્ગત પાક્કા ઘરો, શૌચાલય, વીજળીના જોડાણો, પાઇપ દ્વારા પાણીના જોડાણો અને ગેસ જોડાણો આપવામાં આવે છે અને જણાવ્યું હતું કે, વણજારા સમુદાય હવે ડબલ એન્જિન સરકારની આ તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઇ શકે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ઝૂંપડપટ્ટીમાં રહેવું પડે એ હવે ભૂતકાળની વાત થઇ ગઇ છે”.

કર્ણાટક સરકાર દ્વારા વણજારા સમુદાય માટે રોજગારીની તકો ઉભી કરવામાં આવી રહી છે તે વાતની પ્રધાનમંત્રીએ નોંધ લીધી હતી. વન પેદાશો હોય, સૂકું લાકડું હોય, મધ હોય, ફળ હોય કે પછી આના જેવી બીજી કોઇ પેદાશો હોય, આ બધા જ હવે આવકનું સાધન બની રહ્યા છે. તેમણે માહિતી આપી હતી કે, અગાઉની સરકારો માત્ર મુઠ્ઠીભર વન પેદાશો પર MSP આપતી હતી પરંતુ આજે તે MSP આપવામાં આવતી પેદાશોનો આંકડો 90 થી વધુ થઇ ગયો છે અને આ સંદર્ભમાં વણજારા સમુદાયને જેનાથી લાભ થશે તેવા કર્ણાટક સરકારના નિર્ણયનો પુનરોચ્ચાર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશને સ્વતંત્રતા મળ્યાના કેટલાય દાયકાઓ પછી પણ જનસમુદાયનો એક મોટો વર્ગ વિકાસના ફળોથી વંચિત રહી ગયો હતો અને સરકારી સહાયની મર્યાદાની બહાર હતો. દલિતો, વંચિતો, પછાતો, આદિવાસીઓ, દિવ્યાંગ,જનો બાળકો અને મહિલાઓને પ્રથમ વખત તેમનો હક મળી રહ્યો છે. તેમને મૂળભૂત સુવિધાઓ મળી રહી છે અને તે ઝડપથી પ્રાપ્ત થઇ રહી છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “અમે લોકોનું સશક્તિકરણ કરવા માટે સ્પષ્ટ વ્યૂહરચના સાથે કામ કરી રહ્યાં છીએ”.

પ્રધાનમંત્રીએ આયુષ્માન ભારત અને મફત રાશન જેવી યોજનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે “જ્યારે મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય છે અને ગૌરવ ફરી પાછું મળે છે, ત્યારે નવી આકાંક્ષાઓ જન્મ લે છે કારણ કે લોકો રોજિંદા સંઘર્ષોમાંથી બેઠા થાય છે અને જીવનનું સ્તર ઊંચુ લાવવા માટે કામ કરે છે”. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જન ધન ખાતાઓ આ ઉપેક્ષિત વર્ગને આર્થિક મુખ્ય પ્રવાહમાં લાવી દીધા છે. એવી જ રીતે, મુદ્રા યોજનાની મદદથી કોઇપણ જામીન વગર SC, ST, અને OBC માટે લગભગ 20 કરોડની લોન દ્વારા નવા ઉદ્યોગસાહસિકોને ઉદયમાન થવાનું સુનિશ્ચિત થઇ શક્યું છે. તેમણે જણાવ્યું હતું કે, 70 ટકા મુદ્રા લાભાર્થીઓ મહિલાઓ છે. સ્વનીધિ યોજનામાં શેરી પરના ફેરિયાઓને કોઇપણ જામીન વગર લોન મળી રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “અમે આવકાશાદ્વારા એક ડગલું આગળ વધી રહ્યાં છીએ, જેનો અર્થ છે નવી તકોનું સર્જન કરવું અને વંચિત વર્ગના યુવાનોને નવો આત્મવિશ્વાસ આપવો”.

પ્રધાનમંત્રીએ સમાજમાં મહિલાઓના કલ્યાણ પ્રત્યે વર્તમાન સરકાર દ્વારા દાખવવામાં આવતી સંવેદનશીલતાની નોંધ લીધી અને જણાવ્યું હતું કે, મહિલાઓ માટે દરેક ક્ષેત્રમાં નવી તકો ઊભી થઇ રહી છે. આદિવાસી સમુદાયોના કલ્યાણના મુદ્દાને સ્પર્શતા પ્રધાનમંત્રીએ આદિવાસી સમાજના ગૌરવથી રાષ્ટ્રને વાકેફ કરવાના સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે દિવ્યાંગ સમુદાયનો વિકાસ સુનિશ્ચિત કરવા માટે છેલ્લાં આઠ વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રયાસોની પણ નોંધ લીધી અને જણાવ્યું કે દેશની અનેક બંધારણીય સંસ્થાઓમાં ઉપેક્ષિત સમુદાયોના મિત્રો ટોચ પર છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વર્તમાન સરકારે જ રાષ્ટ્રીય પછાત વર્ગ પંચને બંધારણીય દરજ્જો આપ્યો છે, ઓલ ઇન્ડિયા મેડિકલ ક્વોટામાં OBC વર્ગને અનામતનો લાભ આપ્યો છે, કેન્દ્ર સરકારના ગ્રૂપ C અને ગ્રૂપ Dમાં ભરતી માટે ઇન્ટરવ્યુની આવશ્યકતા નાબૂદ કરી છે અને તબીબી, એન્જિનિયરિંગ તેમજ ટેકનિકલ વિષયો સ્થાનિક ભારતીય ભાષાઓમાં શીખવવા માટેની જોગવાઇઓ પણ કરી છે. તેમણે રેખાંકિત કર્યું હતું કે, આ પગલાંના સૌથી વધુ લાભાર્થીઓ આપણા ગામડાના યુવાનો અને SC, ST તેમજ OBC સમુદાયોના ગરીબ પરિવારો છે.

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે આ સરકારે વિચરતા અને અર્ધ-વિચરતા સમુદાયો માટે વિશેષ વિકાસ અને કલ્યાણ બોર્ડની સ્થાપના કરી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “અમારી સરકાર આવા પરિવારોને દરેક કલ્યાણ યોજના સાથે જોડવાનું કામ કરી રહી છે”.

ડબલ એન્જિનની સરકાર ભારતમાં રહેતા પ્રત્યેક સમાજની પરંપરા, સંસ્કૃતિ, આહાર અને પહેરવેશને આપણી તાકાત માને છે તે બાબત પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમે આ તાકાત બચાવવાના, તેનું જતન કરવાના પક્ષમાં છીએ. પ્રધાનમંત્રીએ આ વારસાને આગળ લઇ જવાનો પ્રયાસ કરવાની અને બધાને સાથે રાખીને દરેકના વિકાસ માટે કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો ત્યારે કહ્યું હતું કે, સુહાલી, લંબાની, લમ્બાડા, લબાના અને બાઝીગર, તમે ગમે તે નામ આપો, તમે સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ અને જીવંત છો, દેશનું ગૌરવ, દેશની તાકાત છો. તમારો હજારો વર્ષનો ઇતિહાસ છે. આ દેશના વિકાસમાં તમારું યોગદાન છે”.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપનમાં ગુજરાત અને રાજસ્થાનના વણજારા સમુદાયો અને જળાશયોના નિર્માણમાં લાખા વણજારાની ભૂમિકાને યાદ કરી હતી. તે જ વણજારા સમુદાયની સેવા કરવાનો અવસર મળવા બદલ તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.

કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવર ચંદ ગેહલોત, કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઇ, કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી ભગવંત ખુબા અને કર્ણાટક સરકારના મંત્રીઓ સહિત અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.

 

પૃષ્ઠભૂમિ

સરકારી યોજનાઓને 100 ટકા સંતૃપ્તિ સુધી લઇ જવાની પ્રધાનમંત્રીની દૂરંદેશીને અનુરૂપ, કલાબુર્ગી, યાદગીરી, રાયચુર, બિદર અને વિજયપુરાના પાંચ જિલ્લાઓમાં આવેલી લગભગ 1475 બિન-નોંધાયેલ વસાહતોને નવા મહેસૂલી ગામો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. કલાબુર્ગી જિલ્લાના સેદામ તાલુકાના માલખેડ ગામમાં, પ્રધાનમંત્રીએ આ નવા જાહેર કરવામાં આવેલા મહેસૂલી ગામોના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને માલિકી ખત (હક્ક પત્ર)નું વિતરણ કર્યું હતું. પચાસ હજારથી વધુ લાભાર્થીઓને માલિકી ખત ઇશ્યુ કરવામાં આવ્યા હતા, જેઓ મોટાભાગે SC, ST અને OBCમાંથી છે અને હાંસિયામાં ધકેલાઇ ગયેલા તેમજ નબળા સમુદાયોમાંથી છે. આ લોકોને તેમની જમીન માટે સરકાર તરફથી ઔપચારિક સ્વીકૃતી આપવાની દિશામાં લેવાયેલું આ એક પગલું છે અને આના કારણે તેઓ પીવાલાયક પાણી, વીજળી, માર્ગો વગેરે જેવી સરકારી સુવિધાઓ મેળવવા માટે પાત્ર બનશે.

આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ NH-150C ના 71 કિમી સેક્શનનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ 6 માર્ગીય ગ્રીનફિલ્ડ માર્ગ પરિયોજના સુરત – ચેન્નાઇ એક્સપ્રેસ-વેનો એક ભાગ પણ છે. રૂપિયા 2100 કરોડથી વધુના ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સુરત-ચેન્નાઇ એક્સપ્રેસ-વે છ રાજ્યોમાંથી પસાર થશે જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ આવે છે. હાલમાં આ રૂટ 1600 કિલોમીટરનો છે પરંતુ આ માર્ગનું નિર્માણ થવાથી તે અંતર ઘટીને 1270 કિલોમીટરનું થઇ જશે.

YP/GP/JD