Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કર્ણાટકનાં હુબલીમાં 26મા રાષ્ટ્રીય યુવા મહોત્સવના ઉદ્‌ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

કર્ણાટકનાં હુબલીમાં 26મા રાષ્ટ્રીય યુવા મહોત્સવના ઉદ્‌ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ


કાર્યક્રમમાં ઉપસ્થિત કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોતજી, મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમ્મઈજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને કર્ણાટકના અને દેશના મારા નવયુવાન સાથીઓ!

મૂરુ સાવિરા મઠા, સિદ્ધારૂઢા મઠા, ઈન્તહા અનેક મઠાગલા ક્ષેત્રકકે નન્ના નમસ્કારગલૂ! રાની ચેન્નમ્મા ના નાડુ, સંગોલ્લી રાયણ્ણા ના બીડૂ, ઈ પુન્ય ભૂમિ-ગે નન્ના નમસ્કારગલૂ!

કર્ણાટકનો આ પ્રદેશ પોતાની પરંપરા, સંસ્કૃતિ અને જ્ઞાન માટે પ્રસિદ્ધ છે. અહીંની અનેક હસ્તીઓને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ ક્ષેત્રએ દેશને એક એકથી ચઢિયાતા મહાન સંગીતકારો આપ્યા છે. હુબલીની ધરતી પર આવીને આજે પંડિત કુમાર ગંધર્વ, પંડિત બસવરાજ રાજગુરુ, પંડિત મલ્લિકાર્જુન માનસુર, ભારતરત્ન પંડિત ભીમસેન જોશી અને પંડિત ગંગુબાઈ હંગલજીને હું નમન કરતા શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

સાથીઓ,

વર્ષ 2023માં રાષ્ટ્રીય યુવા દિવસનો આ દિવસ ખૂબ જ ખાસ છે. એક તરફ આ ઊર્જા મહોત્સવ અને બીજી તરફ આઝાદીનો અમૃત મહોત્સવ! “ઊઠો, જાગો અને લક્ષ્ય પહેલાં અટકશો નહીં”! એલી! એદ્‌ધેલી!! ગુરી મુટ્‌ટુવા તનકા નિલ્લદિરી. વિવેકાનંદજીનો આ ઉદ્‌ઘોષ ભારતના યુવાનોનો જીવન મંત્ર છે. આજે અમૃતકાળમાં આપણે આપણી ફરજો પર ભાર મૂકીને, આપણી ફરજો સમજીને દેશને આગળ વધારવાનો છે. અને તેમાં સ્વામી વિવેકાનંદજી ભારતના નવયુવાનોની સામે એક મોટી પ્રેરણા છે. આ પ્રસંગે હું સ્વામી વિવેકાનંદજીનાં ચરણોમાં નમન કરું છું. હમણાં થોડા દિવસો પહેલાં જ કર્ણાટકની ધરતીના અન્ય એક મહાન સંત શ્રી સિદ્ધેશ્વર સ્વામીજીનું નિધન થયું છે. હું શ્રી સિદ્ધેશ્વર સ્વામીજીને પણ આદરપૂર્વક અંજલિ આપું છું.

સાથીઓ,

સ્વામી વિવેકાનંદનો કર્ણાટક સાથે અદ્‌ભૂત સંબંધ હતો. તેમણે તેમના જીવનકાળ દરમિયાન કર્ણાટક અને આ ક્ષેત્રની અનેક યાત્રાઓ કરી હતી. તે બેંગલુરુ જતી વખતે હુબલી-ધારવાડ પણ આવ્યા હતા. આ યાત્રાઓએ તેમનાં જીવનને એક નવી દિશા આપી હતી. સ્વામી વિવેકાનંદની શિકાગો યાત્રામાં તેમની મદદ કરનારા લોકોમાં મૈસૂરુના મહારાજા પણ એક હતા. સ્વામીજીનું ભારત ભ્રમણ એ વાતનું પણ પ્રમાણ છે કે સદીઓથી આપણી ચેતના એક હતી, એક રાષ્ટ્ર તરીકે આપણો આત્મા એક હતો. એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાનું આ એક અમર ઉદાહરણ છે. અમૃત કાળમાં નવા સંકલ્પો સાથે દેશ આ જ ભાવનાને આગળ વધારી રહ્યો છે.

સાથીઓ,

સ્વામી વિવેકાનંદજી કહેતા હતા કે જ્યારે યુવા ઊર્જા હોય, જ્યારે યુવા શક્તિ હોય, ત્યારે ભવિષ્યનું નિર્માણ કરવું, રાષ્ટ્રનું નિર્માણ કરવું પણ એટલું જ સરળ હોય છે. કર્ણાટકની આ ભૂમિએ પોતે જ એવી અનેક મહાન વિભૂતિઓ આપી છે, જેમણે પોતાની ફરજોને સર્વોપરી રાખી, ખૂબ જ નાની ઉંમરે અસાધારણ કાર્યો કર્યાં. કિત્તુરની રાની ચેનમ્મા દેશનાં અગ્રણી મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓમાંનાં એક હતાં. તેમણે ખૂબ જ મુશ્કેલ સમયમાં પણ સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું. રાણી ચેનમ્માની જ સેનામાં તેમના સાથી સંગોલ્લી રાયણ્ણા જેવા વીર યોદ્ધાઓ પણ હતા, જેમની બહાદુરીથી બ્રિટિશ સેનાનું મનોબળ તૂટી ગયું હતું. આ ભૂમિના નારાયણ મહાદેવ ડોની માત્ર 14 વર્ષની ઉંમરે દેશ માટે બલિદાન આપનારા શહીદ થયા હતા.

કર્ણાટકના સપૂત લાન્સ નાયક હનુમાન-થપ્પા ખોપ્પડે સિયાચીનના પર્વતોમાં બતાવી દીધું હતું કે એક યુવકની જીવનશક્તિ શું હોય છે, તેની હિંમત કેવી રીતે મૃત્યુને પણ માત આપી શકે છે. માઇનસ 55 ડિગ્રી તાપમાનમાં પણ તેમણે 6 દિવસ સુધી સંઘર્ષ કર્યો, અને જીવતા બહાર આવ્યા. આ સામર્થ્ય માત્ર બહાદુરી પૂરતું જ મર્યાદિત નથી. તમે જુઓ, શ્રી વિશ્વેશ્વરૈયાએ એન્જિનિયરિંગમાં પોતાની સૂક્ષ્મતા સિદ્ધ કરીને સાબિત કર્યું કે યુવાન પ્રતિભા કોઈ એક મર્યાદામાં બંધાયેલી નથી હોતી. તે જ રીતે, દેશના જુદા જુદા ભાગોમાં આપણા યુવાનોની પ્રતિભા અને ક્ષમતાનાં એકથી એક કલ્પનાતીત, અવિશ્વસનીય ઉદાહરણોનો અંબાર પડ્યો છે. આજે પણ મેથ્સથી લઈને સાયન્સ સુધી જ્યારે વિશ્વ મંચ પર સ્પર્ધાઓ થતી હોય છે ત્યારે ભારતીય યુવાનોની કાબેલિયત દુનિયાને અચંબામાં નાખી દે છે.

સાથીઓ,

જુદા જુદા સમયગાળામાં, કોઈ પણ રાષ્ટ્રની પ્રાથમિકતાઓ બદલાતી હોય છે, તેનાં લક્ષ્યો બદલાય છે. આજે, 21મી સદીના જે તબક્કે આપણે ભારતીયો પહોંચી ગયા છીએ, આપણું ભારત પહોંચ્યું છે, તે યોગ્ય સમય સદીઓ પછી આવ્યો છે. અને તેનું સૌથી મોટું કારણ છે ભારતનું યુવા સામર્થ્ય, આ યુવા શક્તિ. આજે ભારત યુવા દેશ છે. વિશ્વની સૌથી વધુ યુવા વસ્તી આપણા દેશમાં, હિંદુસ્તાનમાં છે.

યુવા શક્તિ ભારતની યાત્રાનું ચાલકબળ છે! આગામી 25 વર્ષ રાષ્ટ્રના નિર્માણ માટે મહત્વપૂર્ણ છે. યુવા શક્તિનાં સપના ભારતની દિશા નક્કી કરે છે. યુવા શક્તિની આકાંક્ષાઓ ભારતનું લક્ષ્ય નક્કી કરે છે. યુવા શક્તિનો જુસ્સો ભારતનો માર્ગ નક્કી કરે છે. આ યુવા શક્તિનો ઉપયોગ કરવા માટે આપણે આપણા વિચારો સાથે, આપણા પ્રયત્નોથી યુવાન બનવાની જરૂર છે! યુવાન હોવું એ આપણા પ્રયત્નોમાં ગતિશીલ બનવું છે. યુવાન હોવું એ આપણા પરિપ્રેક્ષ્યમાં મનોહર બનવું છે. યુવાન હોવું એ વ્યવહારિક બનવું છે!

સાથીઓ,

જો વિશ્વ આપણી સામે ઉકેલ માટે જુએ છે, તો તે આપણી અમૃત પેઢીની પ્રતિબદ્ધતાને કારણે છે. આજે જ્યારે દુનિયા ભારત તરફ આટલી બધી આશાઓની નજરથી જોઈ રહી છે, તો તેની પાછળ તમે બધા મારા યુવા સાથીઓ છો. આજે આપણે વિશ્વની નંબર 5 અર્થવ્યવસ્થા છીએ. આપણું લક્ષ્ય છે કે તેને ટોપ-3માં લઈ જઈએ. દેશનો આ આર્થિક વિકાસ આપણા યુવાનો માટે અપાર તકો લઈને આવશે. આજે આપણે કૃષિ ક્ષેત્રે વિશ્વની અગ્રણી તાકાત છીએ. કૃષિનાં ક્ષેત્રમાં ટેકનોલોજી અને ઇનોવેશન સાથે એક નવી ક્રાંતિ આવી રહી છે. તેમાં યુવાઓ માટે નવી તકો ઊભી થશે, નવી ઊંચાઈઓ પર જવા માટેના નવા રસ્તા ખુલશે. રમત-ગમત ક્ષેત્રમાં પણ આજે ભારત વિશ્વમાં એક મોટી તાકાત બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ ફક્ત ભારતના યુવાનોનાં સામર્થ્યને કારણે જ શક્ય બની રહ્યું છે. આજે ગામ હોય, શહેર હોય કે નગર હોય! યુવાનીનો જુસ્સો બધે જ ઘૂઘવી રહ્યો છે. આજે તમે આ ફેરફારો જોઈ રહ્યા છો. આવતી કાલે તમે તેની તાકાતથી ભાવિ નેતા બનશો.

સાથીઓ,

ઇતિહાસમાં આ ખાસ સમય છે. તમે એક ખાસ પેઢી છો. તમારી પાસે એક વિશેષ મિશન છે. વૈશ્વિક ફલક પર ભારત માટે પ્રભાવ પાડવાનું આ મિશન છે. દરેક મિશન માટે એક ફાઉન્ડેશનની જરૂર પડે છે. ઈકોનોમી હોય કે એજ્યુકેશન, સ્પોર્ટ્સ હોય કે સ્ટાર્ટ અપ, કૌશલ્ય વિકાસ હોય કે ડિજિટલાઇઝેશન હોય, દરેક ક્ષેત્રમાં છેલ્લાં 8-9 વર્ષમાં એક મજબૂત પાયો નંખાયો છે. તમારા ટેક ઓફ માટે રનવે તૈયાર છે! આજે વિશ્વમાં ભારત અને તેના યુવાનો માટે એક મોટો આશાવાદ છે. આ આશાવાદ તમારા વિશે છે. આ આશાવાદ તમારાં કારણે છે. અને આ આશાવાદ તમારા માટે જ છે!

આજે, વૈશ્વિક અવાજો ઉઠી રહ્યા છે કે આ સદી ભારતની સદી છે. આ તમારી સદી છે, ભારતના યુવાનોની સદી છે! વૈશ્વિક સર્વેક્ષણો કહે છે કે મોટાભાગના મોટા રોકાણકારો ભારતમાં રોકાણ કરવા માગે છે. આ રોકાણકારો તમારામાં, ભારતના યુવાનોમાં રોકાણ કરવા માગે છે. ભારતીય સ્ટાર્ટ-અપ્સને વિક્રમી રોકાણ મળી રહ્યું છે. ઘણી વૈશ્વિક કંપનીઓ મેક ઇન ઇન્ડિયા માટે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપી રહી છે. ટૉય્ઝથી લઈને ટૂરિઝમ, ડિફેન્સથી લઈને ડિજિટલ સુધી, ભારત વિશ્વભરમાં હેડલાઇન્સ બનાવી રહ્યું છે. એટલે, આ એક ઐતિહાસિક સમય છે, જ્યારે આશાવાદ અને તકો એકસાથે આવી રહ્યાં છે.

સાથીઓ,

આપણા દેશમાં હંમેશાથી નારી શક્તિને અને નારી શક્તિએ રાષ્ટ્રીય શક્તિને જાગૃત રાખવા, રાષ્ટ્ર શક્તિને વધારવાનું કામ કર્યું છે. હવે આઝાદીના આ અમૃત કાળમાં મહિલાઓ, આપણી દીકરીઓ વધુ નવાં નવાં પરાક્રમો કરી બતાવી રહી છે. ભારતની મહિલાઓ આજે ફાઈટર જેટ્સ ઉડાવી રહી છે. લશ્કરમાં લડાયક ભૂમિકાઓમાં સામેલ થઈ રહી છે. વિજ્ઞાન-પ્રૌદ્યોગિકી, અંતરિક્ષ, રમત-ગમત જેવાં દરેક ક્ષેત્રમાં આપણી દીકરીઓ નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે. તે ઉદ્‌ઘોષ છે કે ભારત હવે સંપૂર્ણ તાકાત સાથે તેનાં લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે.

સાથીઓ,

આપણે 21મી સદીને ભારતની સદી બનાવવાની છે. અને તેથી, એ મહત્ત્વનું છે કે આપણે વર્તમાનથી દસ ડગલાં આગળ વિચારીએ. આપણી વિચારસરણી ભવિષ્યવાદી હોય, આપણો અભિગમ ભવિષ્યવાદી હોય! તે મહત્વપૂર્ણ છે કે તમે યુવાનોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સકારાત્મક વિક્ષેપો કરો, વિશ્વના આધુનિક દેશોથી પણ આગળ ચાલો. જો આપણે યાદ કરીએ તો, દસ કે વીસ વર્ષ પહેલાં, એવી કેટલીય વસ્તુઓનું અસ્તિત્વ પણ નહોતું, જે આજે આપણાં જીવનનો એક અભિન્ન ભાગ છે. એ જ રીતે, આગામી થોડાં વર્ષોમાં, સંભવતઃ આ દાયકાના અંત પહેલાં, આપણી દુનિયામાં ધરખમ પરિવર્તન થવાનું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ અને એઆર-વીઆર જેવી ઉભરતી ટેકનોલોજી નવાં સ્વરૂપમાં વિકસિત થઈ ચૂકી હશે. ડેટા સાયન્સ અને સાયબર સિક્યુરિટી જેવા શબ્દો આપણાં જીવનનાં દરેક પાસાં સાથે વધુ ઉંડાણપૂર્વક જોડાઈ ચૂક્યા હશે.

આપણા શિક્ષણથી લઈને દેશની સુરક્ષા સુધી, હેલ્થકેરથી લઈને કોમ્યુનિકેશન સુધી, બધું જ એડવાન્સ ટેકનોલોજીનાં માધ્યમથી એક નવા અવતારમાં દેખાવા જઈ રહ્યું છે. જે કાર્યો આજે અસ્તિત્વમાં પણ નથી, તે આગામી સમયમાં યુવાનો માટે મુખ્ય પ્રવાહના વ્યવસાયો હશે. એટલે આપણા યુવાનો ભવિષ્યનાં કૌશલ્ય માટે પોતાની જાતને તૈયાર કરે તે જરૂરી છે. વિશ્વમાં જે કંઇ નવું થઈ રહ્યું છે તેની સાથે આપણે પોતાને જોડવા પડશે. જે કામ કોઈ નથી કરી રહ્યું, આપણે એને પણ કરવાં પડશે. આ માનસિકતાથી નવી પેઢીને તૈયાર કરવા માટે દેશ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનાં માધ્યમથી એક વ્યવહારુ અને ભવિષ્યલક્ષી શિક્ષણ વ્યવસ્થા તૈયાર કરી રહ્યો છે. આજે, શાળાથી જ નવીન અને કૌશલ્ય લક્ષી શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આજે યુવાનોને પસંદગી પ્રમાણે આગળ વધવાની સ્વતંત્રતા છે. આ પાયો ભવિષ્યના ભારતનું નિર્માણ કરનાર ભાવિ તૈયાર યુવાનો તૈયાર કરશે.

સાથીઓ,

આજે આ ઝડપથી બદલાતી દુનિયામાં સ્વામી વિવેકાનંદજીના બે સંદેશ દરેક યુવાનનાં જીવનનો હિસ્સો બનવા જોઈએ. આ બે સંદેશા છે સંસ્થાઓ અને નવીનતા! જ્યારે આપણે આપણા વિચારને વિસ્તૃત કરીએ છીએ, ટીમ સ્પિરિટ સાથે કામ કરીએ છીએ, ત્યારે એક સંસ્થાની રચના થાય છે. આજે દરેક યુવાને પોતાની વ્યક્તિગત સફળતાને ટીમની સફળતાનાં રૂપમાં વિસ્તારવી જોઈએ. આ ટીમ સ્પિરિટ વિકસિત ભારતને ટીમ ઇન્ડિયાનાં રૂપમાં આગળ વધારશે.

મારા યુવા સાથીઓ,

તમારે સ્વામી વિવેકાનંદની વધુ એક વાત યાદ રાખવાની છે. નવીનીકરણ માટે પણ સ્વામી વિવેકાનંદજી કહેતા હતા કે, દરેક કાર્યને ત્રણ તબક્કાઓમાંથી પસાર થવું પડે છે – ઉપહાસ, વિરોધ અને સ્વીકૃતિ. અને જો નવીનતાને એક જ લીટીમાં વ્યાખ્યાયિત કરવી હોય, તો તે આ જ છે. ઉદાહરણ તરીકે, જ્યારે થોડાં વર્ષો પહેલા દેશમાં ડિજિટલ પેમેન્ટ્સ શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે કેટલાક લોકોએ તેની ખૂબ મજાક ઉડાવી હતી. સ્વચ્છ ભારત અભિયાન શરૂ થયું ત્યારે પણ આ લોકોએ કહ્યું હતું કે આ બધું ભારતમાં ચાલવાનું નથી. દેશ ગરીબો માટે બૅન્કોમાં જનધન ખાતા ખોલાવી રહ્યો હતો, યોજના લઈને આવ્યો તો તેની પણ મજાક ઉડાવવામાં આવી. જ્યારે આપણા વૈજ્ઞાનિકો કોવિડ દરમિયાન સ્વદેશી રસી લઈને આવ્યા, ત્યારે તે કામ કરશે કે નહીં? તેની પણ મજાક ઉડાવવામાં આવી હતી.

પરંતુ હવે જુઓ, આજે ભારત ડિજિટલ પેમેન્ટમાં વિશ્વમાં અગ્રેસર છે. આજે જન ધન ખાતાઓ આપણી અર્થવ્યવસ્થાની એક મોટી તાકાત છે. વેક્સિનનાં ક્ષેત્રમાં ભારતની ઉપલબ્ધિની વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. તેથી, જો આપ યુવાનો પાસે કોઈ નવો વિચાર છે, તો યાદ રાખો કે તમારી મજાક ઉડાવી શકાય છે, વિરોધ થઈ શકે છે. પરંતુ જો તમને તમારા વિચારમાં વિશ્વાસ છે, તો તેને વળગી રહો. તેના પર ભરોસો જાળવી રાખો. તમારી સફળતા મજાક ઉડાવનારાઓની વિચારસરણી કરતા ઘણી મોટી સાબિત થશે.

સાથીઓ,

આજે યુવાઓને સાથે લઈને દેશમાં સતત કંઇક ને કંઇક નવા પ્રયાસ, નવા નવા પ્રયોગો થઈ રહ્યા છે. આ ક્રમમાં નેશનલ યૂથ ફેસ્ટિવલમાં પણ દેશનાં વિવિધ રાજ્યોના યુવાનો વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે એકત્ર થયા છે. તે કંઈક ને કંઇક સ્પર્ધાત્મક અને સહકારી સંઘભાવના જેવું છે. અહીં વિવિધ રાજ્યોના યુવાનો તંદુરસ્ત સ્પર્ધાની ભાવના સાથે તેમની કુશળતા પ્રદર્શિત કરવા માટે આવ્યા છે. અહીં કોણ જીતે છે તે બહુ મહત્વનું નથી, કારણ કે દરેક સ્થિતિમાં તે ભારતની જીત હશે. કારણ કે યુવા મહોત્સવમાં આપણા યુવાનોની પ્રતિભા નીખરીને બહાર આવશે.

તમે અહીં એકબીજા સાથે સ્પર્ધા કરશો એની સાથે સાથે એકબીજાને સહકાર પણ આપશો. તેથી જ તો એવું કહેવામાં આવે છે કે સ્પર્ધા ત્યારે જ થઈ શકે છે જ્યારે તેના સહભાગીઓ એક નિયમનું પાલન કરવામાં એકબીજાને સહકાર આપે. આપણે સ્પર્ધા અને સહકારની આ ભાવનાને સતત આગળ ધપાવવી પડશે. આપણે આપણાં દરેક લક્ષ્યમાં એ વિચારવાનું છે કે, આપણી આ સફળતાથી દેશ ક્યાં પહોંચશે. આજે દેશનું લક્ષ્ય છે – વિકસિત ભારત, સશક્ત ભારત! આપણે વિકસિત ભારતનું સપનું પૂરું કર્યા વિના અટકવાનું નથી. મને વિશ્વાસ છે કે દરેક યુવક આ સપનાંને પોતાનું સપનું બનાવશે, દેશની આ જવાબદારીને પોતાના ખભા પર લેશે. આ જ વિશ્વાસ સાથે, ફરી એક વાર, તમારો ખૂબ ખૂબ આભાર, તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ!

YP/GP/JD