Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે ભારતની સર્વોચ્ચ અદાલતમાં યોજાયેલા કાર્યક્રમમાં સંબંધોન આપ્યું

પ્રધાનમંત્રીએ બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે ભારતની સર્વોચ્ચ અદાલતમાં યોજાયેલા કાર્યક્રમમાં સંબંધોન આપ્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતની સર્વોચ્ચ અદાલત ખાતે યોજવામાં આવેલી બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો અને અહીં ઉપસ્થિત સભાને સંબોધન આપ્યું હતું. 2015થી, દર વર્ષે 26મી નવેમ્બરના રોજ બંધારણ દિવસ ઉજવવામાં આવે છે. 1949માં બંધારણ સભા દ્વારા આ દિવસે ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું હતું તેની યાદમાં આ ઉજવણી કરવામાં આવે છે. પ્રધાનમંત્રીએ કાર્યક્રમ દરમિયાન ઇકોર્ટ પ્રોજેક્ટ હેઠળ વિવિધ નવી પહેલો પણ શરૂ કરી હતી જેમાં વર્ચ્યુઅલ જસ્ટિસ ક્લોક, JustIS મોબાઇલ એપ્લિકેશન 2.0, ડિજિટલ કોર્ટ અને S3WaaS વેબસાઇટ્સનો સમાવેશ થાય છે.

બંધારણ દિવસની શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, 1949માં આજના દિવસે જ સ્વતંત્ર ભારતે પોતાના માટે એક નવા ભવિષ્યનો પાયો નાંખ્યો હતો. પ્રધાનમંત્રીએ આઝાદી કા અમૃત મહોત્સવના વર્ષમાં બંધારણ દિવસના વિશેષ મહત્વની પણ નોંધ લીધી હતી. તેમણે બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર અને બંધારણ સભાના તમામ સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ ભારતીય બંધારણના વિકાસ અને વિસ્તરણની સફરના છેલ્લા 70 દાયકામાં ધારાસભા, ન્યાયતંત્ર અને કારોબારીમાંથી અસંખ્ય વ્યક્તિઓએ આપેલા યોગદાનને ઉજાગર કર્યું અને આ ખાસ અવસર પર સમગ્ર રાષ્ટ્ર વતી તેમના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ આપણા દેશના ઇતિહાસના એ અંધકારમય દિવસને યાદ કર્યો હતો જ્યારે દેશ બંધારણ દિવસના મહત્વપૂર્ણ અવસરની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે 26 નવેમ્બરના રોજ ભારતે તેના ઇતિહાસમાં માનવતાના દુશ્મનો દ્વારા કરવામાં આવેલા સૌથી મોટા આતંકવાદી હુમલાનો સામનો કરવો પડ્યો હતો. શ્રી મોદીએ મુંબઇમાં થયેલા ભયંકર આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે, વર્તમાન વૈશ્વિક પરિદૃશ્યમાં, ભારતની વધતી અર્થવ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય છબી વચ્ચે સમગ્ર દુનિયા અત્યારે ભારત તરફ આશા સાથે જોઇ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, શરૂઆતના તબક્કામાં ભારતની સ્થિરતા અંગે લોકોના મનમાં રહેલી તમામ આશંકાઓને નકારીને, અત્યારે ભારત સંપૂર્ણ તાકાત સાથે આગળ વધી રહ્યું છે અને તેની વિવિધતા પર ગૌરવ લઇ રહ્યું છે. તેમણે આ સફળતાનો શ્રેય બંધારણને આપ્યો હતો. આગળ પોતાની વાત ચાલુ રાખતા, પ્રધાનમંત્રીએ પ્રસ્તાવનાના પ્રારંભિક શબ્દો, ‘અમે લોકોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું હતું કે, ‘અમે લોકોએ એક આહ્વાન, એક ભરોસો અને શપથ છે. બંધારણની આ ભાવના ભારતની ભાવના છે, જેને દુનિયામાં લોકશાહીની માતા કહેવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, “આધુનિક સમયમાં, બંધારણે રાષ્ટ્રની તમામ સાંસ્કૃતિક અને નૈતિક લાગણીઓને સ્વીકારી છે.”

લોકશાહીની માતા તરીકે દેશ બંધારણના આદર્શોને વધુ મજબૂત કરી રહ્યો છે અને જનહિતકારી નીતિઓ દેશના ગરીબો તેમજ મહિલાઓનું સશક્તિકરણ કરી રહી છે તે બાબતે પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે માહિતી આપી હતી કે, સામાન્ય નાગરિકો માટે કાયદાને સરળ અને સુલભ બનાવવામાં આવી રહ્યા છે અને ન્યાયતંત્ર સમયસર ન્યાય મળી રહે તેની ખાતરી કરવા માટે ઘણા પગલાં લઇ રહ્યું છે.

પ્રધાનમંત્રી સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપેલા સંબોધનમાં ફરજો પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો તેનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, તે બંધારણની ભાવનાની અભિવ્યક્તિ છે. અમૃતકાળને કર્તવ્યકાળગણાવતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આઝાદીના અમૃતકાળમાં જ્યારે રાષ્ટ્રમાં આઝાદીના 75 વર્ષ પૂરા થઇ રહ્યા છે અને જ્યારે આપણે આવનારા 25 વર્ષમાં વિકાસની નવી સફરનો પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે રાષ્ટ્ર પ્રત્યેની ફરજનો મંત્ર સૌથી પહેલા અને સર્વોપરી આવે છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આઝાદીનો અમૃતકાળ એ દેશ પ્રત્યે ફરજ નિભાવવાનો સમય છે. લોકો હોય કે પછી સંસ્થાઓ, આપણી જવાબદારીઓ આપણી સર્વોપરી પ્રાથમિકતા છે.  તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઇના કર્તવ્ય માર્ગપર ચાલીને દેશ વિકાસની નવી ઊંચાઇઓ પ્રાપ્ત કરી શકે છે.

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે એક અઠવાડિયામાં, ભારત G20નું અધ્યક્ષપદ પ્રાપ્ત કરવા જઇ રહ્યું છે અને એ બાબત પર ભાર મૂક્યો હતો કે, એક ટીમ તરીકે દુનિયામાં ભારતના મોભા અને પ્રતિષ્ઠાને પ્રોત્સાહન આપવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ આપણી સામૂહિક જવાબદારી છે, લોકશાહીની માતા તરીકે ભારતની ઓળખને વધુ મજબૂત કરવાની જરૂર છે.”

યુવાકેન્દ્રિત ભાવનાને રેખાંકિત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બંધારણ તેની નિખાલસતા, ભવિષ્યવાદિતા અને તેની આધુનિક દૃષ્ટિકોણ માટે જાણીતું છે. તેમણે ભારતની વિકાસગાથાના તમામ પાસાઓમાં યુવા શક્તિની ભૂમિકા અને તેમના યોગદાનનો સ્વીકાર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ સમાનતા અને સશક્તિકરણ જેવા મુદ્દાઓને વધુ સારી રીતે સમજવા માટે યુવાનોમાં ભારતના બંધારણ વિશે જાગૃતિ વધારવાની જરૂરિયાત પર ભાર મૂકીને જ્યારે આપણું બંધારણ ઘડવામાં આવ્યું હતું એ સમયને યાદ કર્યો હતો અને ત્યારે જે સંજોગો દેશ સમક્ષ ઊભા થયા હતા તેની વાતો કરી હતી. તેમણે એ બાબતે સૌનું ધ્યાન દોર્યું હતું કે, “તે સમયે બંધારણ સભાની ચર્ચાઓમાં શું થયું હતું, તે અંગે આપણા યુવાનોએ આ તમામ મુદ્દાઓ વિશે જાગૃત હોવું જોઇએ”. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આનાથી બંધારણમાં તેમનો રસ વધશે. પ્રધાનમંત્રીએ ઉદાહરણ આપ્યું હતું કે, તે વખતે ભારતની બંધારણ સભામાં 15 મહિલા સભ્યો હતી અને તેમાંથી દક્ષિણી વેલાયુધન જેવી મહિલાઓ કે જેઓ એક વંચિત સમાજમાંથી ત્યાં સુધી પહોંચ્યા હતા તે બાબત પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ દક્ષિણી વેલાયુધન જેવી મહિલાઓએ આપેલા યોગદાનની ભાગ્યે જ ચર્ચા કરવામાં આવે છે તે અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો અને માહિતી આપી હતી કે તેમણે દલિતો અને શ્રમિકોને લગતા ઘણા વિષયો પર મહત્વપૂર્ણ હસ્તક્ષેપ કર્યા છે. પ્રધાનમંત્રીએ દુર્ગાબાઇ દેશમુખ, હંસા મહેતા અને રાજકુમારી અમૃત કૌર તેમજ અન્ય મહિલા સભ્યોના દૃશ્ટાંતોનો ઉલ્લેખ કર્યો હતો જેમણે મહિલાઓને લગતા મુદ્દાઓમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે આગળ કહ્યું હતું કે, “જ્યારે આપણા યુવાનો આ હકીકતો જાણશે, ત્યારે તેઓને તેમના પ્રશ્નોના જવાબો મળશે”, પ્રધાનમંત્રી પોતાની વાતના સમાપનમાં જણાવ્યું હતું કે, તેના કારણે બંધારણ પ્રત્યે વફાદારી કેળવાશે જે આપણી લોકશાહી, આપણું બંધારણ અને દેશના ભવિષ્યને મજબૂત બનાવશે.” તેમણે કહ્યું હતુ કે, આઝાદીના અમૃતકાળમાં, દેશની આ જ તો જરૂરિયાત છે. મને આશા છે કે આ બંધારણ દિવસ આ દિશામાં આપણા સંકલ્પોને વધુ ઉર્જા આપશે.

આ કાર્યક્રમમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ડૉ. ડી. વાય. ચંદ્રચુડ, કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી શ્રી કિરણ રિજિજુ, ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો, ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને ન્યાયમૂર્તિ એસ. અબ્દુલ નઝીર, કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી પ્રો. એસ.પી. બઘેલ, ભારતના એટર્ની જનરલ શ્રી આર. વેંકટરામાની, ભારતના સોલિસિટર જનરલ શ્રી તુષાર મહેતા અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી વિકાસ સિંહ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

પૃષ્ઠભૂમિ

આ પ્રોજેક્ટ અદાલતોની ICT સક્ષમતા દ્વારા ધારાશાસ્ત્રીઓ, વકીલો અને ન્યાયતંત્રને સેવાઓ પૂરી પાડવાની દિશામાં એક પ્રયાસ છે. પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ પહેલોમાં વર્ચ્યુઅલ જસ્ટિસ ક્લોક, JustIS મોબાઇલ એપ 2.0, ડિજિટલ કોર્ટ અને S3WaaS વેબસાઇટ્સનો સમાવેશ થાય છે.

વર્ચ્યુઅલ જસ્ટિસ ક્લોક એ અદાલત સ્તરે ન્યાય આપવાની પ્રણાલીના મહત્વપૂર્ણ આંકડા દર્શાવવા માટેની એક પહેલ છે જે અદાલત સ્તરે દિવસ/અઠવાડિયા/મહિનાના આધારે દાખલ કરાયેલા કેસ, નિકાલ કરાયેલા કેસ અને પડતર કેસની વિગતો આપે છે. અદાલત દ્વારા કેસના નિકાલની સ્થિતિ લોકો સાથે શેર કરીને અદાલતની કામગીરીને જવાબદાર અને પારદર્શક બનાવવાનો આ પ્રયાસ છે. સામાન્ય લોકો જિલ્લા અદાલતની વેબસાઇટ પર કોઇપણ અદાલતની વર્ચ્યુઅલ જસ્ટિસ ક્લોકને ઍક્સેસ કરી શકે છે.

JustIS મોબાઇલ એપ 2.0 એ ન્યાયિક અધિકારીઓને અસરકારક અદાલત અને કેસ સંચાલન માટે ઉપલબ્ધ કરાવવમાં આવેલું એક સાધન છે જે ફક્ત તેની/તેણીની અદાલત જ નહીં પરંતુ તેમની હેઠળ કામ કરતા વ્યક્તિગત ન્યાયાધીશોની પેન્ડન્સી અને નિકાલ પર દેખરેખ રાખે છે. આ એપ ઉચ્ચ અદાલત અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેઓ હવે તેમના અધિકારક્ષેત્ર હેઠળના તમામ રાજ્યો અને જિલ્લાઓમાં પડતર કેસો અને નિકાલ પર દેખરેખ રાખી શકે છે.

ડિજિટલ કોર્ટ એ પેપરલેસ કોર્ટમાં સ્થાનાંતરણ કરી શકાય તે માટે ન્યાયાધીશને ડિજિટાઇઝ્ડ સ્વરૂપમાં અદાલતના રેકોર્ડ્સ ઉપલબ્ધ કરાવવાની પહેલ છે.

S3WaaS વેબસાઇટ્સ એ જિલ્લા ન્યાયતંત્રને લગતી સ્પષ્ટ માહિતી અને સેવાઓ પ્રકાશિત કરવા માટે વેબસાઇટ જનરેટ કરવા, કન્ફિગર કરવા, નિયુક્ત કરવા અને સંચાલિત કરવા માટેનું માળખું છે. S3WaaS એ એક ક્લાઉડ સેવા છે જે સરકારી સંસ્થાઓ માટે સુરક્ષિત, વ્યાપક કરવા પાત્ર અને સુગમ્ય (ઍક્સેસિબલ) વેબસાઇટ્સ જનરેટ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. તે બહુભાષી, નાગરિકો માટે મૈત્રીપૂર્ણ અને દિવ્યાંગો માટે મૈત્રીપૂર્ણ બનાવવામાં આવી છે.

 

YP/GP/NP