Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે રૂપિયા 10,500 કરોડથી વધુ મૂલ્યની અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે રૂપિયા 10,500 કરોડથી વધુ મૂલ્યની અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને લોકાર્પણ કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે રૂપિયા 10,500 કરોડથી વધુના મૂલ્યની અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધન આપવાની શરૂઆત કરી ત્યારે એ સમયને યાદ કર્યો હતો જ્યારે તેમને વિપ્લવ વીરુડુ અલ્લુરુ સીતારામરાજુની 125મી જન્મજયંતિ નિમિત્તે આંધ્રપ્રદેશની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો હતો. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, વિશાખાપટ્ટનમ વ્યાપાર અને વ્યવસાયની અત્યંત સમૃદ્ધ પરંપરા સાથેનું એક ખૂબ જ વિશિષ્ટ શહેર છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, પ્રાચીન ભારતમાં વિશાખાપટ્ટનમ એક મહત્વપૂર્ણ બંદર હતું જેના કારણે આજથી હજારો વર્ષ પહેલાં પશ્ચિમ એશિયા અને રોમના વેપાર માર્ગનો તે એક હિસ્સો હતું અને તે આજે પણ ભારતના વેપારનું કેન્દ્રબિંદુ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે તેનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે અને જેનો શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે તેવી રૂપિયા 10,500 કરોડના મૂલ્યની પરિયોજનાઓ વિશાખાપટ્ટનમ અને આંધ્રપ્રદેશની આશાઓ અને આકાંક્ષાઓને સિદ્ધ કરવા માટેના માધ્યમ તરીકે કામ કરશે અને માળખાકીય સુવિધાઓ, ઇઝ ઓફ લિવિંગ અને આત્મનિર્ભર ભારતમાં નવા આયામો ખોલશે. પ્રધાનમંત્રીએ ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશ પ્રત્યે તેમનો પ્રેમ અને સમર્પણ અજોડ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણની વાત હોય કે પછી ઉદ્યોગસાહસિકતા, ટેકનોલોજી હોય કે પછી તબીબી વ્યવસાય, દરેક ક્ષેત્રમાં આંધ્રપ્રદેશના લોકોએ પોતાનું આગવું નામ બનાવ્યું છે. તેમણે આગળ ઉમેર્યું હતું કે, આ સ્વીકૃત માત્ર વ્યાવસાયિક ગુણોના પરિણામે નથી મળી પરંતુ આંધ્રપ્રદેશના લોકોના મળતાવડા અને આનંદી સ્વભાવનું પણ પરિણામ છે. જે પરિયોજનાઓનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે અને જેનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે તે તમામ અંગે પ્રધાનમંત્રીએ ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેનાથી રાજ્યમાં વિકાસની ગતિ આગળ વધશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે ચાલી રહેલા આ અમૃતકાળમાં, દેશ વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવાના ઇરાદા સાથે વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યો છે.” વિકાસનો માર્ગ બહુપરિમાણીય છે તેવી ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમાં સામાન્ય નાગરિકની જરૂરિયાતો અને આવશ્યકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે અને તે અદ્યતન માળખાકીય સુવિધાઓ માટે રોડમેપ રજૂ કરે છે. તેમણે સહિયારી વૃદ્ધિની સરકારની દૂરંદેશી પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ અગાઉની સરકારો દ્વારા માળખાકીય સુવિધાઓના વિકાસથી અલગ રહેવાના અભિગમ પર અફસોસ વ્યક્ત કર્યો હતો, જેના પરિણામે લોજિસ્ટિક્સના ખર્ચમાં વધારો થયો હતો અને પુરવઠા શૃંખલામાં અવરોધ ઊભો થયો હતો. તેમણે માહિતી આપી હતી કે, સરકારે માળખાકીય સુવિધાઓના વિકાસ માટે નવો અભિગમ અપનાવ્યો છે કારણ કે પુરવઠા શૃંખલા અને લોજિસ્ટિક્સ મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી પર નિર્ભર હોય છે જ્યારે સાથે સાથે તેમાં વિકાસના એકીકૃત દૃષ્ટિકોણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આજની પરિયોજનાઓના વિકાસના સંકલિત દૃષ્ટિકોણનું ઉદાહરણ આપતાં, પ્રધાનમંત્રીએ સૂચિત આર્થિક કોરિડોર પરિયોજનામાં 6-માર્ગીય રસ્તાઓ, બંદર સાથે કનેક્ટિવિટી માટે એક અલગ માર્ગ, વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનનું સૌંદર્યકરણ અને અદ્યતન ફિનિશિંગ ધરાવતા બંદરના બાંધકામનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ વિકાસના આ સંકલિત દૃષ્ટિકોણનો શ્રેય PM ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનને આપ્યો હતો અને ટિપ્પણી કરી હતી કે, તેના કારણે માત્ર માળખાકીય સુવિધાઓના બાંધકામની ગતિને વેગ મળ્યો છે એવું નથી પરંતુ તેના કારણે પરિયોજનાના કુલ ખર્ચમાં પણ ઘટાડો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, “મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એ દરેક શહેરનું ભવિષ્ય છે અને વિશાખાપટ્ટનમે આ દિશામાં એક પગલું ભર્યું છે”. તેમણે જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશ અને તેના દરિયાકાંઠાના વિસ્તારો વિકાસની આ દોડમાં નવી ગતિ અને ઉર્જા સાથે આગળ વધશે.

પ્રધાનમંત્રીએ મુશ્કેલીમાં સપડાયેલી વૈશ્વિક આબોહવાનો ઉલ્લેખ કર્યો હતો અને મહત્વપૂર્ણ ઉત્પાદનો તેમજ ઉર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે જરૂરી પુરવઠા શૃંખલામાં પડેલા વિક્ષેપના મુદ્દાને સ્પર્શ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું હતું કે, “જો કે ભારતે આ મુશ્કેલ સમયમાં વિકાસનો નવો અધ્યાય લખ્યો છે. દુનિયા આજે એ વાતને સ્વીકારે છે કારણ કે નિષ્ણાતો ભારતની સિદ્ધિઓની પ્રશંસા કરી રહ્યા છે અને “ભારત સમગ્ર વિશ્વ માટે આશાનું કેન્દ્ર બની ગયું છે”. તેમણે ઉમેર્યું હતું કે, આ માત્ર એટલા માટે જ શક્ય બન્યું છે, કારણ કે ભારત તેના નાગરિકોની આકાંક્ષાઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યું છે. દરેક નીતિ અને નિર્ણય સામાન્ય નાગરિકનું જીવન બહેતર બનાવવા માટે હોય છે.પ્રધાનમંત્રીએ PLI યોજના, GST, IBC અને નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇનના કારણે ભારતમાં રોકાણ વધી રહ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ગરીબોના કલ્યાણ માટેની યોજનાઓનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, આજે વિકાસની આ યાત્રામાં, જે વિસ્તારો અગાઉ હાંસિયામાં ધકેલાઇ ગયા હતા તેમને પણ સામેલ કરવામાં આવ્યા છે. સૌથી પછાત જિલ્લાઓમાં પણ વિકાસલક્ષી યોજનાઓને મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ દ્વારા ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ છેલ્લા અઢી વર્ષથી દેશમાં લોકોને મફત રાશન, દરેક ખેડૂતના ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયા જમા કરવા અને ડ્રોન, ગેમિંગ તેમજ સ્ટાર્ટ-અપ સંબંધિત નિયમોમાં કરવામાં આવેલી સરળતા જેવા સંખ્યાબંધ પગલાંનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સ્પષ્ટ લક્ષ્યના મહત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશમાં આધુનિક ટેકનોલોજીની મદદથી ભૂગર્ભના ઊંડા જળ ઊર્જાના નિષ્કર્ષણનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે બ્લુ ઇકોનોમી પર સરકાર દ્વારા આપવામાં આવતા ધ્યાનનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, “બ્લુ ઇકોનોમી પહેલીવાર આટલા મોટાપાયે પ્રાથમિકતા પર આવી છે”. તેમણે માછીમારો માટે કિસાન ક્રેડિટ કાર્ડ્સ અને આજથી શરૂ કરવામાં આવેલા વિશાખાપટ્ટનમ ફિશિંગ બંદરના આધુનિકીકરણ જેવા પગલાંનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, સદીઓથી દરિયો ભારત માટે સમૃદ્ધિનો સ્રોત રહ્યો છે અને આપણા દરિયાકાંઠાએ આ સમૃદ્ધિના પ્રવેશદ્વાર તરીકે કામ કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશમાં પોર્ટ લીડ ડેવલપમેન્ટ (બંદર આધારિત વિકાસ) માટે ચાલી રહેલા હજારો કરોડના પ્રોજેક્ટનું આજ પછી વધુ વિસ્તરણ થશે.

પોતાના સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “21મી સદીનું ભારત વિકાસના સર્વગ્રાહી વિચારને પાયાના સ્તરે લાવી રહ્યું છે.” તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશના આ વિકાસ અભિયાનમાં આંધ્રપ્રદેશ નિર્ણાયક ભૂમિકા નિભાવાનું ચાલુ રાખશે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી વાય. એસ. આર. જગન રેડ્ડી, આંધ્રપ્રદેશના રાજ્યપાલ શ્રી વિશ્વ ભૂષણ હરિચંદન, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, સાંસદો અને આંધ્રપ્રદેશની વિધાન પરિષદના સભ્યો સહિત અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે આશરે રૂ. 450 કરોડના ખર્ચની પરિયોજના માટે શિલાન્યાસ કર્યો હતો. પુનર્વિકસિત સ્ટેશન દરરોજ 75,000 મુસાફરોનું સંચાલન કરશે અને તેમને આધુનિક સુવિધાઓ પૂરી પાડીને મુસાફરોના અનુભવમાં સુધારો કરશે.

પ્રધાનમંત્રીએ વિશાખાપટ્ટનમ ફિશિંગ હાર્બરના આધુનિકીકરણ અને અપગ્રેડેશન માટે પણ શિલાન્યાસ કર્યો હતો. આ પરિયોજનાનો કુલ અંદાજિત ખર્ચ રૂપિયા 150 કરોડ છે. ફિશિંગ બંદરનું અપગ્રેડેશન અને આધુનિકીકરણ થયા પછી તેની હેન્ડલિંગ ક્ષમતા હાલમાં દૈનિક 150 ટનથી વધીને લગભગ 300 ટન પ્રતિ દિવસ એટલે કે બમણી થશે, સલામત લેન્ડિંગ અને બર્થિંગ તેમજ અન્ય આધુનિક માળખાકીય સુવિધાઓ પ્રદાન મળી રહેશે જેના કારણે જેટીમાં ટર્નઅરાઉન્ડ સમયમાં ઘટાડો થશે, બગાડમાં ઘટાડો થશે અને ખર્ચના વળતરમાં સુધારો લાવવામાં મદદ મળશે.

તેમણે છ માર્ગીય ગ્રીનફિલ્ડ રાયપુર- વિશાખાપટ્ટનમ ઇકોનોમિક કોરિડોરના આંધ્રપ્રદેશ વિભાગનો પણ શિલાન્યાસ કર્યો હતો. આ પરિયોજના 3750 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ ઇકોનોમિક કોરિડોર છત્તીસગઢ અને ઓડિશાના ઔદ્યોગિક છેડાથી વિશાખાપટ્ટનમ બંદર અને ચેન્નાઇ- કોલકાતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે. તે આંધ્રપ્રદેશ અને ઓડિશાના આદિવાસી અને પછાત વિસ્તારો સાથે પણ કનેક્ટિવિટીમાં સુધારો કરશે. પ્રધાનમંત્રીએ કોન્વેન્ટ જંકશનથી વિશાખાપટ્ટનમમાં શીલા નગર જંકશન સુધીના સમર્પિત પોર્ટ રોડનો પણ શિલાન્યાસ કર્યો હતો. તેના કારણે સ્થાનિક અને બંદર સુધી માલસામાનની હેરફેર કરતા ટ્રાફિકને અલગ કરીને વિશાખાપટ્ટનમ શહેરમાં ટ્રાફિકની ભીડને હળવી થઇ શકશે. તેમણે શ્રીકાકુલમ- ગજપતિ કોરિડોરના ભાગ રૂપે રૂ. 200 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવેલ NH-326Aના નરસાન્નપેટાથી પથાપટ્ટનમ વિભાગનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. આ પરિયોજનાથી પ્રદેશમાં વધુ સારી કનેક્ટિવિટી પ્રાપ્ત થશે.

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશમાં રૂપિયા 2900 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ONGCના યુ-ફીલ્ડ ઓનશોર ડીપ વોટર બ્લૉક પ્રોજેક્ટનું પણ રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. આશરે 3 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિ દિવસ (MMSCMD)ની ગેસ ઉત્પાદન ક્ષમતા સાથેની આ પ્રોજેક્ટની સૌથી ઊંડી ગેસ શોધ છે. તેઓ લગભગ 6.65 MMSCMD ની ક્ષમતાવાળા GAILના શ્રીકાકુલમ અંગુલ નેચરલ ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. 745 કિલોમીટર લાંબી આ પાઇપલાઇન કુલ રૂ. 2650 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવશે. નેચરલ ગેસ ગ્રીડ (NGG)નો એક ભાગ હોવાને કારણે, આ પાઇપલાઇન આંધ્રપ્રદેશ અને ઓડિશાના વિવિધ જિલ્લાઓમાં સ્થાનિક પરિવારો, ઉદ્યોગો, વેપારી એકમો અને ઓટોમોબાઇલ ક્ષેત્રોને કુદરતી ગેસનો પુરવઠો પહોંચાડવા માટે મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરશે. આ પાઇપલાઇન આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ અને વિજયાનગરમ જિલ્લામાં શહેરી ગેસ વિતરણ નેટવર્કને કુદરતી ગેસનો પુરવઠો પૂરો પાડશે.

YP/GP/JD