Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન આપ્યું

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન આપ્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં આવેલા વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્રીય તકેદારી આયોગ (CVC)ના તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન આપ્યું હતું અને આ પ્રસંગે CVCના નવા ફરિયાદ વ્યવસ્થાપન પ્રણાલી પોર્ટલનો પણ પ્રારંભ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરદાર પટેલની જન્મજયંતિથી તકેદારી જાગૃતિ સપ્તાહનો પ્રારંભ થયો હતો. તેમણે કહ્યું હતું કે, “સરદાર પટેલનું આખું જીવન પ્રામાણિકતા, પારદર્શિતા અને આ મૂલ્યો પર આધારિત જાહેર સેવા વ્યવસ્થાના નિર્માણ માટે સમર્પિત રહ્યું હતું”. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે જાગૃતિ અને સતર્કતાને કેન્દ્રમાં રાખતું આ અભિયાન પણ આ સિદ્ધાંતો પર આધારિત છે. તેમણે એ બાબતને ધ્યાનમાં લીધી હતી કે, ભ્રષ્ટાચાર મુક્ત ભારતના સપનાં અને આકાંક્ષાઓને સાકાર કરવા તકેદારી જાગૃતિ સપ્તાહનું અભિયાન ચાલી રહ્યું છે અને દરેક નાગરિકના જીવનમાં તેના મહત્વને પણ તેમણે રેખાંકિત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિકસિત ભારતના નિર્માણ માટે વિશ્વાસ અને વિશ્વસનીયતા ઘણા મહત્વના છે. જો લોકોને સરકારમાં વિશ્વાસ હોય તો લોકોના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. પ્રધાનમંત્રીએ એ હકીકત પર અફસોસ વ્યક્ત કર્યો કે, અગાઉની સરકારોએ માત્ર લોકોનો વિશ્વાસ જ ન હતો ગુમાવ્યો પરંતુ લોકો પર વિશ્વાસ મૂકવામાં પણ તે નિષ્ફળ રહી હતી. દુર્ભાગ્યની વાત એ છે કે, ભ્રષ્ટાચાર, શોષણ અને સંસાધનો પર અંકુશ રાખવાના ગુલામીના લાંબા ગાળાના વારસાને, આઝાદી પછી વધુ બળ મળ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આનાથી આ દેશની ઓછામાં ઓછી ચાર પેઢીઓને ભારે નુકસાન થયું છે. પ્રધાનમંત્રીએ નિર્દેશ કર્યો હતો કે, “આપણે આઝાદીના અમૃતકાળમાં દાયકાઓથી ચાલતી આ પ્રથાને સંપૂર્ણપણે બદલવી પડશે”.

ભ્રષ્ટાચાર સામેની નિર્ણાયક લડાઇ માટે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને પોતે આહ્વાનનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ પોતાની વાત આગળ વધારીને ભ્રષ્ટાચાર અને લોકોની પ્રગતિમાં અવરોધ ઉભો કરનારા બે મુખ્ય કારણો ગણાવ્યા હતા જેમાં, સુવિધાઓનો અભાવ અને સરકારનું બિનજરૂરી દબાણ આ બંને મુખ્ય પરિબળો હોવાનું કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઘણા લાંબા સમય સુધી જાણીજોઇને, સુવિધાઓ અને તકોની આ ગેરહાજરીની સ્થિતિને જીવંત રાખવામાં આવી હતી અને આ અંતરાયને એટલી હદે વ્યાપક થવા દેવામાં આવ્યો હતો કે જેના કારણે કોઇને ફાયદો ન થાય તેવી બિન-આરોગ્યપ્રદ સ્પર્ધાનો માહોલ સર્જાયો હતો. આ સ્પર્ધાના કારણે ઇકોસિસ્ટમમાં ભ્રષ્ટાચારના બીજ રોપાયા. અછતના કારણે સર્જાયેલો ભ્રષ્ટાચાર ગરીબ અને મધ્યમ વર્ગને સૌથી વધુ અસર કરે છે. પ્રધાનમંત્રીએ સવાલ કર્યો હતો કે, “જો ગરીબ અને મધ્યમ વર્ગ મૂળભૂત સુવિધાઓની વ્યવસ્થા કરવા માટે તેમની તાકાત ખર્ચી નાખો, તો દેશ કેવી રીતે પ્રગતિ કરશે?” પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આથી જ, અમે છેલ્લા 8 વર્ષથી અછત અને દબાણની આ વ્યવસ્થામાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સરકાર માંગ અને પુરવઠા વચ્ચેની ખાઇને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે અપનાવવામાં આવેલી ત્રણ રીતો સમાયેલી છે જેમ કે, ટેકનોલોજીમાં પ્રગતિ, મૂળભૂત સેવાઓને સંતૃપ્તિ સ્તર પર લઇ જવી અને અંતે, આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધવું.

પ્રધાનમંત્રીએ ટેકનોલોજીના ઉપયોગના સંદર્ભમાં, PDSને ટેકનોલોજી સાથે સાંકળવાનો અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) અપનાવીને કરોડો નકલી લાભાર્થીઓને દૂર કરવાનો તેમજ 2 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ ખોટા લોકોના હાથમાં જવાથી બચાવવાનો ઉલ્લેખ કર્યો હતો. એવી જ રીતે, પારદર્શક ડિજિટલ વ્યવહારો અપનાવવાથી અને GeMના માધ્યમથી પારદર્શક સરકારી ખરીદી પણ ખૂબ જ મોટું પરિવર્તન આવશે.

પાયાની સુવિધાઓને સંતૃપ્તિના સ્તરે લઇ જવા અંગે વાત કરતા, પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, કોઇપણ સરકારી યોજના જો દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચે અને સંતૃપ્તિના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં આવે તો ભ્રષ્ટાચારના અવકાશને દૂર કરીને સમાજમાં ભેદભાવનો અંત લાવી શકાય છે. દરેક યોજનાનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે સરકાર દ્વારા અપનાવવામાં આવતા સંતૃપ્તિના સિદ્ધાંત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ પાણીના જોડાણો, પાકાં મકાનો, વીજ જોડાણો અને ગેસ જોડાણોના ઉદાહરણો ગણાવ્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિદેશી ચીજવસ્તુઓ પર વધુ પડતી નિર્ભરતા પણ ભ્રષ્ટાચારનું મોટું કારણ છે. તેમણે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધવા માટે સરકાર જે પ્રકારે ભાર મૂકી રહી છે તેના પર પ્રકાશ પાડ્યો હતો અને રેખાંકિત કર્યું કે, ભારત હવે રાઇફલ્સથી માંડીને ફાઇટર જેટ અને પરિવહન એરક્રાફ્ટ સુધીના પોતાના સંરક્ષણ સાધનોનું ઉત્પાદન કરશે જેથી કૌભાંડોની શક્યતા સમાપ્ત થઇ રહી છે.

CVCને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે દરેકના પ્રયાસોને પ્રોત્સાહન કરતી સંસ્થા તરીકે ગણાવતા, પ્રધાનમંત્રીએ ગઇ વખતે નિવારક તકેદારીમાટે તેમણે કરેલા અનુરોધને યાદ કર્યો હતો અને તે દિશામાં CVC દ્વારા કરાયેલા પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે તકેદારી સમુદાયને તેમના ઓડિટ અને નિરીક્ષણોને આધુનિક બનાવવા વિશે વિચાર કરવા માટે પણ કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર સામે સરકાર જે ઇચ્છાશક્તિ દાખવી રહી છે, તે જ ઇચ્છાશક્તિ તમામ વિભાગોમાં પણ જોવા મળે તે જરૂર છે. વિકસિત ભારતના નિર્માણ માટે, આપણે ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સ (શૂન્ય સહિષ્ણુતા) રાખે તેવી વહીવટી ઇકોસિસ્ટમ વિકસાવવી પડશે.

પ્રધાનમંત્રીએ એવી પ્રણાલી વિશે વાત કરી હતી કે, જ્યાં ભ્રષ્ટાચાર સંબંધિત શિસ્તપાલનની કાર્યવાહી નિર્ધારિત સમયમાં મિશન મોડમાં પૂરી થાય. તેમણે ફોજદારી કેસો પર સતત દેખરેખ રાખવાનું પણ સૂચન કર્યું હતું અને ભ્રષ્ટાચારના પડતર રહેલા કેસોના આધારે વિભાગોની રેન્કિંગની રીત ઘડી કાઢવા તેમજ સંબંધિત અહેવાલો માસિક અથવા ત્રિમાસિક ધોરણે પ્રકાશિત કરવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ ટેકનોલોજીની મદદથી તકેદારી ક્લિયરન્સ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે પણ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, જાહેર ફરિયાદોના ડેટાનું ઓડિટ થવું જોઇએ જેથી સંબંધિત વિભાગમાં થતા ભ્રષ્ટાચારના મૂળ કારણો સુધી આપણે પહોંચી શકીએ.

પ્રધાનમંત્રીએ ભ્રષ્ટાચાર પર દેખરેખ રાખવાના કામમાં સામાન્ય નાગરિકોને લાવવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભ્રષ્ટાચારી ભલે ગમે તેટલા તાકાતવર હોય, તેઓ કોઇ પણ સંજોગોમાં બચી ન શકે તેની જવાબદારી તમારા જેવા સંગઠનોની છે. કોઇપણ ભ્રષ્ટ વ્યક્તિને રાજકીય-સામાજિક સહકાર ન મળવો જોઇએ, સમાજે દરેક ભ્રષ્ટ વ્યક્તિને કચડી દેવી જોઇએ, આવો માહોલ ઉભો થાય તે પણ જરૂરી છે. ચિંતાજનક વલણનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આપણે જોયું છે કે ઘણી વખત કોઇ વ્યક્તિ ભ્રષ્ટાચારી પુરવાર થયા પછી જેલમાં ધકેલાઇ જવા છતાં પણ તે ભ્રષ્ટાચારીઓનું મહિમામંડન કરવામાં આવે છે. આ સ્થિતિ ભારતીય સમાજ માટે સારી નથી. આજે પણ કેટલાક લોકો દોષિત ઠરેલા ભ્રષ્ટાચારીઓની તરફેણમાં દલીલો કરે છે. સમાજ દ્વારા આવા લોકોને, આવી શક્તિઓને તેમની ફરજ પ્રત્યે જાગૃત કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. આમાં પણ તમારા વિભાગ દ્વારા કરવામાં આવેલી નક્કર કાર્યવાહી મોટી ભૂમિકા નિભાવે છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારી અને ભ્રષ્ટાચાર સામે કામ કરતી CVC જેવી સંસ્થાઓએ કોઇપણ રીતે બચાવની સ્થિતિમાં રહેવાની જરૂર નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઇ રાજકીય એજન્ડા પર કામ કરવાની જરૂર નથી પરંતુ સામાન્ય નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે કામ કરવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “જે લોકો અંગત સ્વાર્થ ધરાવે છે તેઓ કાર્યવાહીમાં અવરોધ લાવવાનો અને આ સંસ્થાઓ સાથે સંકળાયેલ વ્યક્તિઓને બદનામ કરવાનો પ્રયાસ કરશે”. પ્રધાનમંત્રીએ આગળ વાત વધારતા કહ્યું હતું કે, પરંતુ, જનતા જનાર્દન ભગવાનનું રૂપ છે, તેઓ સત્ય જાણે છે અને તેના પારખા કરે છે, અને જ્યારે સમય આવે છે, ત્યારે તેઓ સત્યના સમર્થનમાં તેમની પડખે ઊભા રહે છે.પ્રધાનમંત્રીએ વધુમાં દરેકને તેમની ફરજો સમર્પણ સાથે નિભાવવા માટે સત્યના માર્ગે ચાલવાનો અનુરોધ કર્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, “જ્યારે તમે વિશ્વાસ સાથે પગલાં લો છો, ત્યારે સમગ્ર દેશ તમારી પડખે ઊભો રહે છે.”

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપનમાં જણાવ્યું હતું કે, જવાબદારી ઘણી મોટી છે અને પડકારો પણ બદલાતા રહે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મને ખાતરી છે કે, અમૃતકાળમાં પારદર્શક અને સ્પર્ધાત્મક ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે તમે નિરંતર મહત્વપૂર્ણ ભૂમિકા વિભાવવાનું ચાલુ રાખશો”. તેમણે આ પડકારનો સામનો કરવા માટે પદ્ધતિમાં સતત ગતિશીલતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ નિબંધ સ્પર્ધાના વિજેતાઓ સાથે સંવાદ કર્યો તે અંગે પણ આનંદ વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવાનું સૂચન કર્યું હતું. ભ્રષ્ટાચાર સામેની લડાઇ વિષય પર આયોજિત નિબંધ સ્પર્ધામાં પુરસ્કાર મેળવનાર 5 વિજેતાઓમાંથી 4 છોકરીઓ હતી તે બાબતને ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રીએ છોકરાઓને આ સફરમાં ખભાથી ખભો મિલાવીને આગળ વધવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, “સ્વચ્છતાનું મહત્વ ત્યારે જ સમજાય છે જ્યારે ગંદકી દૂર થાય છે. પ્રધાનમંત્રીએ એ બાબતને ધ્યાનમાં લીધી હતી કે, “જ્યારે કાયદાની મર્યાદાની બહાર જઇને કામ કરનારાઓને ટ્રેક કરવાની વાત આવે છે ત્યારે ટેકનોલોજી ચોક્કસપણે અનેક ઉદાહરણો પૂરા પાડી રહી છે”, અને ભ્રષ્ટાચાર સામેની આ લડાઇમાં શક્ય તેટલી વધારે ટેકનોલોજી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ પોતાની વાત સમાપ્ત કરી હતી.

આ કાર્યક્રમમાં અગ્ર સચિવ, ડૉ. પી. કે. મિશ્રા, કાર્મિક અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી, ડૉ. જીતેન્દ્ર સિંહ, કેબિનેટ સચિવ, કેન્દ્રીય તકેદારી કમિશનર શ્રી સુરેશ એન. પટેલ અને તકેદારી કમિશનર શ્રી પી. કે. શ્રીવાસ્તવ અને શ્રી અરવિંદ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

નાગરિકોને તેમની ફરિયાદોની સ્થિતિ અંગે નિયમિત અપડેટ દ્વારા આરંભથી અંત સુધીની માહિતી પૂરી પાડવા માટે આ પોર્ટલની પરિકલ્પના કરવામાં આવી છે. તેમણે એથિક્સ એન્ડ ગુડ પ્રેક્ટિસિસ (નીતિઓ અને સારા આચરણો) પર સચિત્ર પુસ્તિકાઓની શ્રેણી; “નિવારક તકેદારી” પર શ્રેષ્ઠ પ્રથાઓનું સંકલન અને જાહેર પ્રાપ્તિ પર “વિજેયે-વાણી” વિશેષ અંક પણ બહાર પાડ્યા હતા.

CVC દ્વારા દર વર્ષે જીવનના તમામ ક્ષેત્રોમાં અખંડિતતાનો સંદેશ ફેલાવવા માટે તમામ હિતધારકોને એકસાથે લાવવા માટે તકેદારી જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે, “વિકસિત રાષ્ટ્ર માટે ભ્રષ્ટાચાર મુક્ત ભારત”ની થીમ સાથે 31મી ઓક્ટોબરથી 6ઠ્ઠી નવેમ્બર સુધી આ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ તકેદારી જાગૃતિ સપ્તાહની ઉપરોક્ત થીમ પર CVC દ્વારા યોજવામાં આવેલી રાષ્ટ્રવ્યાપી નિબંધ સ્પર્ધા દરમિયાન શ્રેષ્ઠ નિબંધ લખનારા પાંચ વિદ્યાર્થીઓને ઇનામો એનાયત કર્યા હતા.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com