પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ગુજરાતમાં પીએમજેએવાય-મા યોજના આયુષ્માન કાર્ડ્સનું વિતરણ શરૂ કર્યું હતું. પ્રધાનમંત્રીએ પીએમજેએવાય-મા યોજના આયુષ્માન કાર્ડના લાભાર્થીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે વાર્તાલાપ પણ કર્યો હતો.
બનાસકાંઠામાં તુવરથી શ્રી પિયુષભાઈ સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ તેમના પરિવાર અને તેમની તાજેતરની તબિયત વિશે પૂછપરછ કરી હતી. પ્રધાનમંત્રીને એ જાણીને આનંદ થયો કે આયુષ્માન ભારત યોજનાએ તેમને નવું જીવન આપ્યું છે. પ્રધાનમંત્રીએ તેમને ખાતરી આપી હતી કે, સરકાર હંમેશા તેમના જેવા દરેકની કાળજી લેશે.
પ્રધાનમંત્રીએ મહીસાગરના શ્રી ડામોર લાલાભાઈ સોમાભાઈ સાથે વાતચીત કરી હતી અને કૅન્સરની સારવાર સારી રીતે થઈ છે કે કેમ તે અંગે પૃચ્છા કરી હતી. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે, શ્રી ડામોરની સારવારને આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવી છે અને તેમણે એક પણ પૈસો ખર્ચ કરવો પડ્યો નથી. તેમણે શ્રી ડામોરને તમાકુ છોડવાની પ્રતિજ્ઞા લેવા પણ અનુરોધ કર્યો હતો અને આ યોજના અંગે જાગૃતિ ફેલાવવા જણાવ્યું હતું.
ગાંધીનગરનાં શ્રીમતી રમીલાબેન દરજીએ પ્રધાનમંત્રીને માહિતી આપી હતી કે, જો આયુષ્યમાન કાર્ડ ઉપલબ્ધ ન હોત, તો તેમણે તેમની સારવાર માટે લોન લેવી પડી હોત અને શક્યતા હતી કે તેઓS ઓપરેશન જ ન કરાવ્યુ હોત. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે, માતાઓ અને બહેનો આ યોજનાનો લાભ લઈ રહ્યાં છે.
જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી કે, જાહેર સ્વાસ્થ્ય વિશે આ પ્રકારનું મોટું આયોજન ધનતેરસ અને દિવાળી ટાણે થઈ રહ્યું છે. તેમણે આ સંયોગની નોંધ લીધી હતી કે ધનતેરસ નજીકમાં છે અને આ પ્રસંગે આયુર્વેદના જનક માનવામાં આવતા ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોને ટાંકીને પ્રધાનમંત્રીએ “આરોગ્યમ્ પરમમ્ ભાગ્યમ્” નું પઠન કર્યું હતું અને આનંદ વ્યક્ત કર્યો હતો કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ગુજરાતના લાખો લોકોને આરોગ્ય ધન આપવા માટે આટલા મોટા પાયે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.
‘સર્વે સંતુ નિરામયા‘ની ભાવના એટલે કે બધા જ રોગોથી મુક્ત થાય એનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આયુષ્માન યોજનાનો ઉદ્દેશ તમામ માટે સ્વાસ્થ્યનો છે. પ્રધાનમંત્રીએ રાજ્યમાં લોકોને 50 લાખ કાર્ડ્સ વહેંચવાની ઝુંબેશની તીવ્રતાની પ્રશંસા કરી હતી. આ ગુજરાત સરકારની સંવેદનશીલતાની સાક્ષી પૂરે છે. “આપણે વિશ્વના ઘણા દેશોમાં આરોગ્ય વીમા વિશે સાંભળી રહ્યા છીએ, પરંતુ ભારત તેનાથી આગળ વધી રહ્યું છે, આરોગ્યની ખાતરી સુનિશ્ચિત કરે છે.”
પ્રધાનમંત્રીએ બદલાયેલી રાજકીય વિચારસરણી અને કાર્યસંસ્કૃતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો. અગાઉની સરકારોમાં સામાન્ય માનવીનાં હિત માટેની યોજનાઓ માત્ર ઔપચારિકતા બની ગઈ હતી. આ યોજનાઓ પાછળ જે નાણાં ખર્ચવામાં આવતા હતા તે ચોક્કસ ક્ષેત્ર અને રાજકીય હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું હતું. “આ પરિસ્થિતિને બદલવી જરૂરી હતી અને અમે આ પરિવર્તનની આગેવાની લીધી. આજે જ્યારે આયોજન કરવામાં આવે છે, ત્યારે આપણે સૌ પ્રથમ સામાન્ય નાગરિકોની સ્થિતિનો અભ્યાસ કરીએ છીએ અને તેમની જરૂરિયાતોનો અભ્યાસ કરીએ છીએ.” પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “આજે અમારી યોજનાઓ સામાન્ય નાગરિકોની જરૂરિયાતોને સીધી રીતે પૂર્ણ કરે છે.”
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “જ્યારે દેશના નાગરિકો સશક્ત બને છે, ત્યારે દેશ શક્તિશાળી બને છે. એટલે જ અમે સામાન્ય નાગરિક, ખાસ કરીને દેશની મહિલાઓને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.” તેમણે આ અભિગમનાં ઉદાહરણો તરીકે નિઃશુલ્ક ગેસ કનેક્શન, પાકાં મકાનો, શૌચાલયો, નિઃશુલ્ક રાશન અને પાઇપ દ્વારા પાણી પહોંચાડવાનાં પગલાં ગણાવ્યાં હતાં. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, અત્યાર સુધી દેશભરમાં આ યોજના હેઠળ આશરે 4 કરોડ ગરીબ દર્દીઓએ આરોગ્યનો લાભ લીધો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ પૈકી 50 લાખ જેટલા ગરીબ દર્દીઓ ગુજરાતના છે. આ કટિબદ્ધતા પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, સરકારે આ લાભાર્થીઓની સારવાર માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. લાભાર્થીઓને આ યોજનાની બહાર સારવાર કરાવવી પડી હોત તો તેમનાં ખિસ્સામાંથી આ નાણાં ખર્ચવામાં આવ્યા હોત એ બાબતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે, આયુષ્માન ભારતનાં લાભાર્થીઓમાં અડધોઅડધ મારી માતાઓ અને બહેનો છે. શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ માતાઓ અને બહેનો કુટુંબના હિતમાં તેમના રોગોને છુપાવતાં હતાં અને સહન કર્યાં કરતાં હતાં કારણ કે સારવારના ઊંચા ખર્ચને કારણે દેવું વધી જશે એવો તેમને ડર લાગતો હતો. તેમણે ઉમેર્યું હતું કે, “આયુષ્માન ભારત યોજનાએ ગરીબ માતાઓ અને બહેનોને પણ આ સમસ્યામાંથી મુક્તિ અપાવી છે.” તેમણે ઉમેર્યું હતું કે, “સરળ શબ્દોમાં કહીએ તો આયુષ્માન કાર્ડ એ 5 લાખ રૂપિયાનું એટીએમ છે. આ એક એટીએમ કાર્ડ છે જે દર વર્ષે લાભ આપતું રહેશે.” તેમણે વધુમાં આ લાભની જાણકારી આપી કે જો કોઈ વ્યક્તિ 30-40 વર્ષ સુધી જીવે છે, તો તે સમયગાળામાં 1.5-2 કરોડ રૂપિયાની સારવારની ગૅરંટી મળશે. તેમણે ઉમેર્યું હતું કે, “આયુષ્માન કાર્ડ જ તમારો સાચો મિત્ર હશે, સૌથી મોટો સંકટમોચક હશે.”
પ્રધાનમંત્રીએ એ વાત પણ યાદ કરી હતી કે, મુખ્યમંત્રી તરીકે તેમણે ચિરંજીવી, બાલભોગ અને ખિલખિલાટ યોજનાઓ પ્રસ્તુત કરી હતી. ગુજરાતમાં ઘણાં વર્ષો પહેલાં મુખ્યમંત્રી અમૃતમનો પરિચય થયો હતો. પીએમજેએવાય-મા શરૂ થવાથી ગુજરાતની જનતાને ગુજરાત બહાર પણ મફત સારવારનો લાભ મળી શકશે.
પશ્ચાદભૂમિકા
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે પ્રધાનમંત્રીએ વર્ષ 2012માં ગરીબ નાગરિકોને તબીબી સારવાર અને માંદગીના આપત્તિજનક ખર્ચમાંથી બચાવવા માટે ‘મુખ્યમંત્રી અમૃતમ (મા)‘ યોજના શરૂ કરી હતી. વર્ષ 2014માં ‘મા‘ યોજનાને વધારીને 4 લાખ રૂપિયાની વાર્ષિક આવક મર્યાદા ધરાવતા પરિવારોને આવરી લેવામાં આવ્યા હતા. આ યોજનાને અન્ય કેટલાક જૂથોમાં પણ વિસ્તૃત કરવામાં આવી હતી અને બાદમાં મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય (એમએવી) યોજના તરીકે ફરીથી બ્રાન્ડેડ કરવામાં આવી હતી.
આ યોજનાની સફળતાના અનુભવને આધારે પ્રધાનમંત્રીએ વર્ષ 2018માં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાય) શરૂ કરી હતી, જે દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના છે, જે પ્રાથમિક, દ્વિતીયક અને ટર્શરી- તૃતીયક સારસંભાળ ધરાવતાં હૉસ્પિટલાઇઝેશન માટે દર વર્ષે કુટુંબદીઠ રૂ. 5 લાખ સુધીનું કવરેજ પ્રદાન કરે છે, જેમાં કુટુંબનાં કદ અને ઉંમર પર કોઈ પણ પ્રકારની મર્યાદા સામેલ નથી. એબી-પીએમજેએવાયની શરૂઆત સાથે જ ગુજરાતે વર્ષ 2019માં પીએમજેએવાય-એમએ યોજનાનાં નામ સાથે મા/મા વાત્સલ્ય-એમએવી યોજનાને એબી-પીએમજેએવાય યોજના સાથે સંકલિત કરી હતી તથા એમએ/એમએવી અને એબી-પીએમજેએવાય હેઠળ લાભાર્થીઓ કો-બ્રાન્ડેડ પીએમજેએવાય-એમએ કાર્ડ્સ માટે પાત્ર બન્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ આ કાર્ડ્સનાં વિતરણની શરૂઆત કરી હતી, ત્યારબાદ લાભાર્થીઓનું ઇ-કેવાયસી કર્યા પછી નેશનલ હેલ્થ ઑથોરિટીની પેનલમાં સામેલ એજન્સીઓ દ્વારા સમગ્ર ગુજરાતમાં તમામ લાભાર્થીઓને તેમનાં ઘરઆંગણે 50 લાખ કલર-પ્રિન્ટેડ આયુષ્માન કાર્ડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
PMJAY-MA Yojana Ayushman cards will ensure top quality and affordable medical care. https://t.co/Ak5bFjm57T
— Narendra Modi (@narendramodi) October 17, 2022
*****
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
PMJAY-MA Yojana Ayushman cards will ensure top quality and affordable medical care. https://t.co/Ak5bFjm57T
— Narendra Modi (@narendramodi) October 17, 2022