Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના ઉનામાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના ઉનામાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કર્યો અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IIIT) ઉનાને આજે રાષ્ટ્રને સમર્પિત કર્યું. આજે અગાઉ, પ્રધાનમંત્રીએ અંબ અંદૌરા, ઉનાથી નવી દિલ્હી સુધીની નવી વંદે ભારત એક્સપ્રેસના ઉદઘાટનને લીલી ઝંડી બતાવી હતી.

પ્રધાનમંત્રીતેમના સંબોધનની શરૂઆત ગુરુ નાનક દેવજી, શીખ ધર્મના ગુરુઓ અને મા ચિંતપૂર્ણીને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી અને ધનતેરસ અને દિવાળી પહેલાં હિમાચલ પ્રદેશ માટે ભેટો આપવા પર ખુશી વ્યક્ત કરી હતી. હિમાચલ પ્રદેશ સાથેના તેમના જોડાણને યાદ કરતાં, પ્રધાનમંત્રી તેની પ્રાકૃતિક સુંદરતા પર ટિપ્પણી કરી અને કહ્યું કે તેઓ મા ચિંતપૂર્ણી સમક્ષ માથું નમાવવા માટે પૂરતા નસીબદાર હતા.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ઔદ્યોગિકીકરણ માટે આ એક વિશાળ દિવસ છે અને રાજ્યની તેમની મુલાકાતના મુખ્ય કેન્દ્રમાં કનેક્ટિવિટી અને શિક્ષણનો ઉલ્લેખ કર્યો હતો. “આજે ઉના ખાતે દેશના બીજા બલ્ક ડ્રગ પાર્કનું કામ શરૂ થઈ રહ્યું છે. હિમાચલ પ્રદેશમાં આજે વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અથવા તેના શિલાન્યાસ કરવામાં આવ્યા છે. આનાથી લોકોને ઘણો ફાયદો થશે,” એમ તેમણે ઉમેર્યું. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું કે બલ્ક ડ્રગ પાર્ક મેળવવા માટે હિમાચલને રાજ્યોમાંથી એક તરીકે પસંદ કરવામાં આવ્યું છે. “બલ્ક ડ્રગ પાર્ક માટે માત્ર ત્રણ રાજ્યોમાંથી એક તરીકે પસંદ થવું એ રાજ્ય માટે એક મહત્વપૂર્ણ નિર્ણય છે અને તે રાજ્ય પ્રત્યેના અમારા સ્નેહ અને સમર્પણનું પરિણામ છે”, એમ તેમણે કહ્યું. એ જ રીતે, વંદે ભારતને હિમાચલ પ્રદેશમાં લાવવાનો નિર્ણય પણ સરકાર રાજ્યને આપેલી પ્રાથમિકતા દર્શાવે છે. તેમણે ધ્યાન દોર્યું કે રાજ્યની અગાઉની પેઢીઓએ ટ્રેન પણ જોઈ ન હતી, અને આજે, હિમાચલમાં અહીંથી દોડતી સૌથી અદ્યતન ટ્રેનોમાંની એક છે. ડબલ એન્જિન સરકાર લોકોની પ્રગતિ માટે કેવી રીતે કામ કરી રહી છે તે અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે હિમાચલ પ્રદેશ અને કેન્દ્રની અગાઉની સરકારોએ હિમાચલ પ્રદેશના નાગરિકોની જરૂરિયાતો અને આકાંક્ષાઓ પર કોઈ ધ્યાન આપ્યું ન હતું. “તે અમારી માતાઓ અને બહેનો હતી જેમણે આવી પરિસ્થિતિને કારણે સૌથી વધુ સહન કર્યું છે”, એમ તેમણે ઉમેર્યું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સમય હવે વધુ સારા માટે બદલાઈ ગયો છે અને વર્તમાન સરકાર માત્ર લોકોની જરૂરિયાતો પૂરી કરવા માટે જ કામ કરી રહી નથી પરંતુ તેમની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ સમર્પણ અને બળ સાથે સાકાર કરવાનું લક્ષ્ય પણ ધરાવે છે. “અમે માત્ર અગાઉની સરકારો દ્વારા છોડી દેવામાં આવેલા વિકાસની ખાડીને ભરી રહ્યાં નથી પરંતુ રાજ્ય માટે પાયાના મજબૂત સ્તંભો પણ બનાવી રહ્યા છીએ”,એમ તેમણે ઉમેર્યું.

પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે છેલ્લી સદીની શરૂઆતમાં ઘણા દેશો અને ગુજરાત જેવા કેટલાક રાજ્યોએ પણ તેના નાગરિકોને શૌચાલય, ગ્રામીણ રસ્તાઓ અને આધુનિક આરોગ્યસંભાળ જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી હતી. “ભારતમાં, જો કે, અગાઉની સરકારે સામાન્ય લોકો માટે આ મૂળભૂત સંભાળને પણ મુશ્કેલ બનાવી દીધી હતી. પહાડી વિસ્તારો આના કારણે સૌથી વધુ પ્રભાવિત થયા હતા. અહીં રહેતા સમયે મને નજીકથી આ અનુભવ થયો હતો”, તેણે કહ્યું. “નવું ભારત ભૂતકાળના પડકારોને પાર કરી રહ્યું છે અને ઝડપથી આગળ વધી રહ્યું છે. જે સુવિધાઓ છેલ્લી સદીમાં લોકો સુધી પહોંચવી જોઈતી હતી તે હવે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અમે 20મી સદીની સુવિધાઓ મેળવીશું અને હિમાચલ પ્રદેશને 21મી સદીની આધુનિક સુવિધાઓ સાથે જોડીશું,”એમ તેમણે ઉમેર્યું. તેમણે કહ્યું કે ગ્રામીણ રસ્તાઓ બમણી ઝડપે બનાવવામાં આવી રહ્યા છે અને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ગ્રામ પંચાયતો સુધી લઈ જવામાં આવી રહી છે. “અમારી સરકાર 21મી સદીની ભારતની આકાંક્ષાઓને પૂર્ણ કરી રહી છે.”

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે હિમાચલ પ્રદેશે ભારતને વિશ્વમાં નંબર વન દવા ઉત્પાદક બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને તેની શક્યતાઓ માત્ર વધવાની જ છે. “સમગ્ર વિશ્વએ હિમાચલ પ્રદેશમાં ઉત્પાદિત દવાઓની તાકાત જોઈ છે”,એમ શ્રી મોદીએ ઉમેર્યું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે જ્યારે દવાના ઉત્પાદન માટેનો કાચો માલ હિમાચલ પ્રદેશમાં બનાવવામાં આવશે, ત્યારે અન્ય દેશો પર ભારતની નિર્ભરતા નોંધપાત્ર રીતે ઘટશે. પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડ્યો હતો કે સરકાર આયુષ્માન ભારત યોજનાના નેજા હેઠળ જન ઔષધિ કેન્દ્ર દ્વારા ગરીબો અને જરૂરિયાતમંદોને પાંચ લાખ રૂપિયા સુધીનો મફત સારવાર ખર્ચ પ્રદાન કરે છે. “બલ્ક ડ્રગ પાર્ક લોકોને ગુણવત્તાયુક્ત અને સસ્તું તબીબી સંભાળ પૂરી પાડવાના સરકારના અભિયાનને વધુ બળ આપશે”, એ બાબતે તેમણે ધ્યાન દોર્યું. તેમણે કહ્યું કે, “કૃષિ હોય કે ઉદ્યોગ, તે જોડાણ છે જે વિકાસની ગતિને વેગ આપે છે”. તેમણે નાંગલ ડેમ-તલવારા રેલ્વે લાઇનનું ઉદાહરણ આપ્યું જે 40 વર્ષ પહેલા મંજૂર કરવામાં આવી હતી અને વર્તમાન સરકારે તેને યોગ્ય રીતે હાથ ધર્યું ત્યાં સુધી 40 વર્ષ સુધી જમીન પર કોઈ પ્રગતિ જોવા મળી નથી. ડબલ એન્જિન સરકાર સમગ્ર હિમાચલ પ્રદેશમાં રેલ્વે કનેક્ટિવિટી સુધારવા માટે પ્રતિબદ્ધ છે. આજે, જ્યારે દેશ મેડ ઈન ઈન્ડિયા વંદે ભારત ટ્રેનો સાથે જોડાયેલો છે, ત્યારે હિમાચલ દેશના અગ્રણી રાજ્યોમાંનું એક બની રહ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ વચનો પૂરા કરવા અને સમય પહેલાં પહોંચાડવાની નવી કાર્યશૈલી પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે “પહેલાના સમયથી વિપરીત જ્યારે હિમાચલને તેની તાકાત પર ઓછું અને તેની સંસદીય બેઠકોની સંખ્યાના આધારે વધુ મૂલ્ય આપવામાં આવતું હતું, રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓની લાંબા સમયથી પડતર માંગને તાકીદે ઉકેલવામાં આવી રહી છે. હિમાચલને IIT, IIIT IIM, અને AIIMS મેળવવા માટે ડબલ એન્જિન સરકારની રાહ જોવી પડી. હિમાચલ પ્રદેશમાં શિક્ષણ ક્ષેત્ર સંબંધિત પહેલોથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે. ઉનામાં આઈઆઈઆઈટીના કાયમી ઈમારતથી વિદ્યાર્થીઓને વધુ રાહત મળશે, એમ તેમણે જણાવ્યું હતું. આઈઆઈઆઈટી ઈમારતનો શિલાન્યાસ કરનાર પ્રધાનમંત્રી આજે બદલાતી કાર્ય સંસ્કૃતિને વધુ રેખાંકિત કરવા ઈમારતને સમર્પિત કરી રહ્યા છે. તેમણે રોગચાળાના પડકાર છતાં સમયસર પૂર્ણ કરવા માટે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લોકોની પ્રશંસા કરી.

દેશભરમાં કૌશલ્ય અને નવીનતા સંસ્થાઓની જરૂરિયાતનો નિર્દેશ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે યુવાનોની કુશળતા અને ક્ષમતાઓને વધુ સારી બનાવવા એ આજે અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. તેમણે સેનામાં સેવા આપીને અને દેશની સુરક્ષામાં નવા આયામો સર્જીને હિમાચલના યુવાનોના યોગદાનની પણ નોંધ લીધી હતી. “હવે વિવિધ પ્રકારની કુશળતા તેમને સેનામાં ઉચ્ચ હોદ્દા પર લઈ જવા માટે મદદ કરશે”, એમ તેમણે ઉમેર્યું.

સંબોધનનું સમાપન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે સપના અને સંકલ્પો અદ્ભુત હોય છે, ત્યારે પ્રયત્નો સમાન રીતે કરવામાં આવે છે. શ્રી મોદીએ કહ્યું કે ડબલ એન્જિન સરકારના મોડલમાં આવો પ્રયાસ દરેક જગ્યાએ જોવા મળે છે. અને આ એક નવો ઈતિહાસ રચશે, અને નવા રિવાજ સાથે ઉભરી આવશે. “હું માનું છું કે આઝાદી કા અમૃત મહોત્સવમાં હિમાચલના વિકાસનો સુવર્ણકાળ શરૂ થવાનો છે. આ સુવર્ણકાળ હિમાચલને વિકાસની તે ઊંચાઈ પર લઈ જશે જેના માટે તમે બધાએ દાયકાઓથી રાહ જોઈ હતી”, પ્રધાનમંત્રીએ સમાપન કર્યું.

આ પ્રસંગે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી જયરામ ઠાકુર, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને બીજેપી પ્રદેશ અધ્યક્ષ શ્રી સુરેશ કશ્યપ આ પ્રસંગે ઉપસ્થિત હતા.

પૃષ્ઠભૂમિ

આત્મનિર્ભર ભારત માટે પ્રધાનમંત્રીના સ્પષ્ટ આહવાનથી સરકારની વિવિધ નવી પહેલોના સમર્થન દ્વારા દેશ બહુવિધ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતાની પ્રાપ્તિ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. આવું જ એક મુખ્ય ક્ષેત્ર ફાર્માસ્યુટિકલ્સ છે, અને આ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા લાવવા માટે, પ્રધાનમંત્રીએ ઉના જિલ્લાના હરોલી ખાતે બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કર્યો, જેનું નિર્માણ રૂ. 1900 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવશે. બલ્ક ડ્રગ પાર્ક API આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. આશરે 10,000 કરોડ રૂ.નું રોકાણ આકર્ષવાની અપેક્ષા છે અને 20,000 થી વધુ લોકોને રોજગાર પ્રદાન કરશે. તે પ્રદેશમાં આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ આપશે.

પ્રધાનમંત્રીએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈઆઈઆઈટી) ઉનાને પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું. 2017 માં પ્રધાનમંત્રી દ્વારા તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. હાલમાં, 530થી વધુ વિદ્યાર્થીઓ આ સંસ્થામાં અભ્યાસ કરી રહ્યા છે.

આજે અગાઉ, પ્રધાનમંત્રીએ નવી વંદે ભારત એક્સપ્રેસના ઉદઘાટનને લીલી ઝંડી બતાવી હતી. અંબ અંદૌરાથી નવી દિલ્હી સુધી દોડતી, તે દેશમાં રજૂ થનારી ચોથી વંદે ભારત ટ્રેન હશે અને તે પહેલાની સરખામણીમાં અદ્યતન વર્ઝન છે, જે ખૂબ જ હળવી અને ટૂંકા ગાળામાં વધુ ઝડપે પહોંચવામાં સક્ષમ છે. તે માત્ર 52 સેકન્ડમાં 100 કિમી/કલાકની ઝડપ પકડી લે છે. ટ્રેન શરૂ થવાથી પ્રદેશમાં પ્રવાસનને વેગ મળશે અને મુસાફરીનો આરામદાયક અને ઝડપી મોડ પ્રદાન કરવામાં મદદ મળશે.

​​​​​​​

 

YP/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com