Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુજરાતના મહેસાણાના મોઢેરામાં રૂ. 3900 કરોડથી વધારેનાં મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રીએ ગુજરાતના મહેસાણાના મોઢેરામાં રૂ. 3900 કરોડથી વધારેનાં મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહેસાણાનાં મોઢેરામાં રૂ. 3900 કરોડથી વધારે મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ મોઢેરા ગામને ભારતનું પ્રથમ 24x7 સૌર ઊર્જાથી ચાલતું ગામ પણ જાહેર કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે મોઢેરા, મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાત માટે વિકાસનાં ક્ષેત્રમાં નવી ઊર્જાનો ઉદય થયો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વીજળી અને પાણીથી માંડીને રેલવે અને રોડવેઝ, ડેરીથી માંડીને કૌશલ્ય વિકાસ અને સ્વાસ્થ્ય જેવી અનેક પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અથવા શિલાન્યાસ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ આ યોજનાઓનો લાભ વર્ણવતા કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ્સ આ વિસ્તારમાં રોજગારીનું સાધન બનશે અને પશુપાલનનાં ક્ષેત્રમાં ખેડૂતો અને લોકોની આવક વધારવામાં મદદ કરશે, ત્યારે રાજ્યમાં હેરિટેજ ટૂરિઝમને પણ પ્રોત્સાહન આપશે.

પ્રધાનમંત્રીએ શરદ પૂર્ણિમા અને વાલ્મીકિ જયંતિની દેશવાસીઓને શુભેચ્છા પણ પાઠવી હતી અને કહ્યું હતું કે, મહર્ષિ વાલ્મીકિએ આપણને ભગવાન રામનાં ‘સમરસ’ જીવનનો પરિચય કરાવ્યો છે અને સમાનતાના પાઠ શીખવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અગાઉ મોઢેરા સૂર્ય મંદિર માટે જાણીતું હતું, પણ હવે સૂર્ય મંદિરથી સૌર ગ્રામને પ્રેરણા મળી છે અને તેનાથી વિશ્વનાં પર્યાવરણ અને ઊર્જા નકશા પર સ્થાન મળ્યું છે. મોઢેરાને જમીનદોસ્ત કરવાના સદીઓથી અનેક પ્રયાસો છતાં હવે મોઢેરા પ્રાચીન અને આધુનિકનાં મિશ્રણનું ઉદાહરણ બની રહ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “મોઢેરા વિશ્વમાં ક્યાંય પણ સૌર ઊર્જા વિશેની કોઈ પણ ચર્ચામાં હંમેશા સામેલ થશે.” પ્રધાનમંત્રીએ સૌર ઊર્જા અને વીજળીના વ્યાપનાં ક્ષેત્રમાં સફળતાનો શ્રેય કેન્દ્ર અને રાજ્યની સરકારોમાં ગુજરાતનાં લોકોના વિશ્વાસને આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સમર્પણ અને દૂરોગામી વિચારસરણી અને સ્પષ્ટ ઇરાદા સાથે કશું જ અશક્ય નથી.

પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, સૌર ઊર્જાથી મોઢેરામાં ઘરોની લાઇટ્સ, કૃષિની જરૂરિયાતો અને વાહનોને વીજળી મળશે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, “21મી સદીનાં આત્મનિર્ભર ભારત માટે આપણે આપણી ઊર્જાની જરૂરિયાતો સાથે સંબંધિત આ પ્રકારના પ્રયાસો વધારવા પડશે.”  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેઓ એ દિશામાં કામ કરી રહ્યા છે, જ્યાં વીજળીનાં ઉત્પાદક અને ઉપભોક્તા સ્વયં લોકો હોય. તેમણે ઉમેર્યું હતું કે, “તમને જોઈતી વીજળીનો ઉપયોગ કરો અને વધારાની વીજળી સરકારને વેચી દો.” આનાથી વીજળીનાં બિલમાંથી પણ છૂટકારો મળશે અને વધારાની આવક પણ થશે.” પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે, નિયમ એવો હતો કે, સરકાર વીજળીનું ઉત્પાદન કરતી હતી અને જનતા તેમની પાસેથી વીજળી ખરીદતી હતી, પણ આજે કેન્દ્ર સરકાર એવી નીતિઓ તરફ કામ કરી રહી છે, જે લોકોને તેમનાં ઘરોમાં અને ખેડૂતોનાં ખેતરોમાં સોલર પેનલ સ્થાપિત કરીને અને સાથે સાથે સિંચાઈ માટે સોલર પમ્પ પણ સ્થાપિત કરીને વીજળીનું ઉત્પાદન કરવાની મંજૂરી આપે.

એ મુશ્કેલ સમયને યાદ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વીજળીના અભાવને કારણે બાળકીઓનું શિક્ષણ મોટા પાયે પ્રભાવિત થયું. પ્રધાનમંત્રીએ એવું પણ કહ્યું હતું કે, મહેસાણાનાં લોકો ગણિત અને વિજ્ઞાનમાં સ્વાભાવિક રીતે જ કુશળ છે. “તમે અમેરિકા જશો તો ગણિતનાં ક્ષેત્રમાં ઉત્તર ગુજરાતનો ચમત્કાર ત્યાં જોવા મળશે. જો તમે આખાં કચ્છમાં જશો, તો તમને મહેસાણા જિલ્લાના શિક્ષકો દેખાશે,” તેમણે ઉમેર્યું હતું કે, “વીજળીના અભાવે જ તેમની લાયક ઊંચાઈઓ હાંસલ કરવાની ક્ષમતામાં અવરોધ ઊભો કર્યો હતો.” પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં લોકોએ સરકારમાં જે વિશ્વાસ દર્શાવ્યો છે, તેનાં કારણે ગુજરાતે ભારતમાં તેની પતાકા પર મહોર મારી છે.

પ્રધાનમંત્રીએ ગુજરાતનું મુખ્યમંત્રી તરીકે નેતૃત્વ કર્યું હતું તે સમયને યાદ કરતા શ્રી મોદીએ કહ્યું હતું કે, રાજ્યનાં બજેટનો મોટો હિસ્સો પાણીમાં ફાળવવો પડ્યો હતો, કારણ કે ગુજરાત દર દસ વર્ષમાંથી સાત વર્ષ સુધી દુષ્કાળથી પરેશાન હતું. તેમણે ઉમેર્યું હતું કે, “અને એટલે જ જ્યારે અમે પંચામૃત યોજના લઈને આવ્યા, જે ગુજરાતમાં જળસંકટ પર કેન્દ્રિત હતી.” પ્રધાનમંત્રીએ ઊંઝામાં શરૂ થયેલી જ્યોતિગ્રામ યોજનાની સફળતાને યાદ કરી હતી, જેમાં દરેક ગામમાં ચોવીસ કલાક વીજળી પહોંચાડવાની હતી અને સરકારે આ કામગીરી પૂર્ણ કરવા માટે એક હજાર દિવસ ફાળવ્યા હતા. સુજલામ સુફલામ યોજના વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ આજે ઉત્તર ગુજરાતનાં ખેતરોને સિંચાઈ કરતી સુજલામ સુફલામ નહેર માટે પોતાની જમીન આપી દેનારા ખેડૂતો પ્રત્યે અત્યંત આભારની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે પાણી સાથે સંબંધિત યોજનાઓનું ઉદઘાટન થવાથી પરિવારો, માતાઓ અને બહેનોનાં સ્વાસ્થ્યને લાભ થશે.

પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, છેલ્લા બે દાયકામાં સરકારે કનેક્ટિવિટી પર ભાર મૂક્યો છે અને ડબલ એન્જિન ધરાવતી સરકાર સાથે નરેન્દ્ર અને ભૂપેન્દ્ર એક થઈ ગયા છે. શ્રી મોદીએ ધ્યાન દોર્યું હતું કે, વર્ષ 1930માં અંગ્રેજોએ મહેસાણા-અંબાજી-તારંગા-આબુરોડ રેલવે લાઇનના વિકાસનો રોડ મેપ બનાવ્યો હતો, પણ એ પછીની સરકારોએ તેના પર કોઈ ધ્યાન આપ્યું નહોતું. તેમણે ઉમેર્યું હતું કે, “અમે આ બધું બહાર કાઢ્યું છે, તમામ યોજનાઓ બનાવી છે અને તમે કલ્પના કરી શકો છો કે તે કેવી નાણાકીય સમૃદ્ધિ લાવશે.”

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રની સફળતા પર ખુશી વ્યક્ત કરી હતી, જે સબસિડાઇઝ્ડ દરે દવાઓ પ્રદાન કરે છે. શ્રી મોદીએ દરેકને આ જન ઔષધિ કેન્દ્રોમાંથી તેમની ઔષધિઓ ખરીદવા પણ વિનંતી કરી હતી, જ્યાં અગાઉ જેનરિક દવાઓની કિંમત રૂ. 1000 હતી, એ હવે રૂ. 100-200માં આવે છે. પ્રવાસન અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ ઉદ્યોગ મોટી સંખ્યામાં લોકો માટે રોજગારીનું સાધન છે. “વડનગરમાં થયેલાં ખોદકામને જરા જુઓ,” શ્રી મોદી બોલી ઉઠ્યા, “હજારો વર્ષ જેટલા જૂના અવશેષો મળી આવ્યા છે.”

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતનાં મંદિરો અને શક્તિપીઠોનાં જીર્ણોદ્ધાર માટે ગંભીરતાપૂર્વક પ્રયાસો કરવામાં આવ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, “સોમનાથ, ચોટીલા અને પાવાગઢની સુધરેલી સ્થિતિ આનાં ઉદાહરણો છે.” તેમણે ઉમેર્યું હતું કે, “પાવાગઢે 500 વર્ષ સુધી તેનો ધ્વજ ફરકાવ્યો ન હતો, જે દિવસે હું આવ્યો અને 500 વર્ષ પછી ધ્વજ ફરકાવ્યો.”

સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ ‘સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ ઔર સબ કા પ્રયાસો’ના મંત્ર પર ટિપ્પણી કરી હતી, જે ડબલ એન્જિન ધરાવતી સરકારનો પાયો છે. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, “સૂર્યનો પ્રકાશ જેમ ભેદભાવ કરતો નથી, તે જ રીતે વિકાસનો પ્રકાશ પણ દરેક ઘર અને ઝૂંપડી સુધી પહોંચે છે.”

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદો શ્રી સી આર પાટીલ, શ્રી ભારાસિંહ ધાબી, શ્રીમતી શારદાબેન પટેલ અને જુગનજી લોખંડવાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

​​

પશ્ચાદભૂમિકા

પ્રધાનમંત્રીએ દેશને અર્પણ કરેલા પ્રોજેક્ટ્સમાં અમદાવાદ-મહેસાણા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનાં સાબરમતી-જગુદાન સેગમેન્ટનું ગેજ કન્વર્ઝન; ઓએનજીસીનો નંદાસણ જિયોલોજિકલ ઓઇલ ઉત્પાદન પ્રોજેક્ટ; ખેરાવાથી શિંગોડા તળાવ સુધી સુજલામ સુફલામ નહેર;  ધરોઇ ડેમ આધારિત વડનગર ખેરાલુ અને ધરોઇ જૂથ સુધારણા યોજના; બેચરાજી મોઢેરા-ચાણસ્મા રાજ્ય ધોરીમાર્ગના એક વિભાગને ચાર માર્ગીય બનાવવાનો પ્રોજેક્ટ; ઊંઝા-દશાજ ઉપેરા લાડોલ (ભાંખર એપ્રોચ રોડ)ના એક વિભાગનું વિસ્તરણ કરવાનો પ્રોજેક્ટ; રિજનલ ટ્રેનિંગ સેન્ટર, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા), મહેસાણાનું નવું બિલ્ડિંગ; અને મોઢેરા ખાતે સૂર્ય મંદિરમાં પ્રોજેક્શન મેપિંગ સહિત અન્યનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીએ બહુવિધ યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો, જેમાં પાટણથી ગોઝારિયા સુધીના રાષ્ટ્રીય રાજમાર્ગ– 68નાં એક વિભાગને ચાર માર્ગીય બનાવવાનો;  મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ચલાસણ ગામે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ; દૂધસાગર ડેરીમાં નવો ઓટોમેટેડ મિલ્ક પાવડર પ્લાન્ટ અને યુએચટી મિલ્ક કાર્ટન પ્લાન્ટ; જનરલ હૉસ્પિટલ મહેસાણાનો પુનર્વિકાસ અને પુનર્નિર્માણ; અને મહેસાણા અને ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓ માટે રિવૅમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (આરડીએસએસ) સહિત અન્ય સામેલ છે.

પ્રધાનમંત્રીએ મોઢેરા ગામને ભારતનું પ્રથમ 24x7 સૌર ઊર્જાથી ચાલતું ગામ જાહેર કર્યું હતું; આ પ્રકારનો આ પ્રથમ પ્રોજેક્ટ સૂર્યમંદિરનાં શહેર મોઢેરાનાં સૌરીકરણનાં પ્રધાનમંત્રીનાં સ્વપ્નને સાકાર કરે છે. તેમાં ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલર પાવર પ્લાન્ટ અને રહેણાંક અને સરકારી ઇમારતો પર 1300થી વધુ રૂફટોપ સોલર સિસ્ટમ વિકસાવવાનો સમાવેશ થાય છે, જે તમામ બૅટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (બીઇએસએસ) સાથે સંકલિત છે. આ પ્રોજેક્ટ એ દર્શાવશે કે ભારતની નવીનીકરણીય ઊર્જા કુશળતા કેવી રીતે તળિયાનાં સ્તરે લોકોને સશક્ત બનાવી શકે છે.

YP/GP/JD