પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવન ખાતે સહાયક સચિવ કાર્યક્રમ, 2022નાં સમાપન સત્રમાં 2020ની બેચના આઈએએસ અધિકારીઓને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમૃત કાળ દરમિયાન અધિકારીઓને દેશની સેવા અને પંચ પ્રણને સાકાર કરવામાં મદદ કરવાની તક મળી છે. તેમણે જણાવ્યું હતું કે, અમૃત કાળમાં વિકસિત ભારતનું લક્ષ્યાંક હાંસલ થાય એ સુનિશ્ચિત કરવામાં અધિકારીઓની મુખ્ય ભૂમિકા છે. તેમણે આઉટ-ઑફ-બૉક્સ વિચારસરણી અને તેમના પ્રયાસોમાં સંપૂર્ણ અભિગમ અપનાવવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે આ પ્રકારના સંપૂર્ણ અભિગમના મહત્ત્વને પ્રદર્શિત કરવા માટે પ્રધાનમંત્રી ગતિશક્તિ માસ્ટર પ્લાનનું ઉદાહરણ ટાંક્યું હતું.
પ્રધાનમંત્રીએ નવીનતાના મહત્ત્વ અને તે કેવી રીતે સામૂહિક પ્રયાસ અને દેશમાં કાર્યસંસ્કૃતિનો ભાગ બની ગયું છે એ વિશે ચર્ચા કરી હતી. તેમણે સ્ટાર્ટ-અપ ઇન્ડિયા યોજના વિશે વાત કરી હતી અને છેલ્લાં થોડા વર્ષોમાં દેશમાં સ્ટાર્ટ અપની સંખ્યામાં કેવી રીતે નોંધપાત્ર વધારો થયો છે એ વિશે વાત કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, ઘણાં મંત્રાલયોએ સાથે આવીને ‘સંપૂર્ણ સરકાર‘ અભિગમ મારફતે એક ટીમ તરીકે કામ કરવાને કારણે આ શક્ય બન્યું છે.
પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, કેવી રીતે શાસનનું ધ્યાન દિલ્હીની બહાર દેશના તમામ વિસ્તારો પર કેન્દ્રીત થયું છે. તેમણે ઉદાહરણ આપ્યા હતા કે, અત્યારે દિલ્હીની બહારના સ્થળોએથી કેવી રીતે મહત્ત્વપૂર્ણ યોજનાઓ શરૂ થઈ રહી છે. પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, અધિકારીઓ કામના ક્ષેત્રની સ્થાનિક સંસ્કૃતિની સમજણ વિકસાવે અને જમીનના સ્તરે સ્થાનિક લોકો સાથે તેમના જોડાણને વધારે મજબૂત કરે. તેમણે તેમને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ- એક જિલ્લા એક ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રીત કરવા અને તેમના જિલ્લામાં ઉત્પાદનોની નિકાસની તકો ચકાસવા જણાવ્યું હતું. તેમણે અધિકારીઓને આકાંક્ષી જિલ્લાઓના કાર્યક્રમ માટે તેમની કાર્યયોજના તૈયાર કરવા પણ જણાવ્યું હતું. મનરેગા વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ આ યોજનાને વધારે અસરકારક રીતે લાગુ કરવા વિશે વાત કરી હતી. તેમણે જન ભાગીદારીની ભાવનાનાં મહત્વ પર પણ ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, આ અભિગમ કુપોષણને નિયંત્રણમાં લેવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
અગાઉ જન ધન યોજનાની સફળતાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ ડિજિટલ અર્થતંત્રનાં મહત્ત્વ વિશે વાત કરી હતી તથા અધિકારીઓને ગામડાંના લોકોને ડિજિટલ અર્થતંત્ર અને યુપીઆઈ સાથે જોડવા પ્રયાસ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં, દેશસેવાનાં મહત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ પોતાની ફરજો અદા કરવાનાં મહત્વ વિશે વાત કરી હતી અને ઉમેર્યું હતું કે, ‘રાજપથ‘ની માનસિકતા હવે બદલાઈને ‘કર્તવ્ય પથ‘ની ભાવનામાં પરિવર્તિત થઈ ગઈ છે.
કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીને સહાયક સચિવો દ્વારા આઠ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસ્તુતિઓના વિષયોમાં પોષણ ટ્રેકર: પોષણ અભિયાનની સુધારેલી દેખરેખ માટેનું સાધન; ભાષિની મારફતે બહુભાષીય અવાજ આધારિત ડિજિટલ એક્સેસને સક્ષમ બનાવવી; કોર્પોરેટ ડેટા મેનેજમેન્ટ; માતૃભુમિ જિઓપોર્ટલ– શાસન માટે ભારતનું સંકલિત નેશનલ જિઓપોર્ટલ; બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ)ની પ્રવાસન ક્ષમતા, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બૅન્ક(આઇપીપીબી) મારફતે પોસ્ટ ઓફિસની કાયાપલટ, ખડકો જેવાં કૃત્રિમ માળખા મારફતે દરિયાકિનારાનાં મત્સ્યપાલનનો વિકાસ; અને કમ્પ્રેસ્ડ બાયોગેસ – ભવિષ્ય માટેનું બળતણનો સમાવેશ થતો હતો.
ચાલુ વર્ષે 11.07.2022થી 07.10.2022 સુધીમાં ભારત સરકારનાં 63 મંત્રાલયો/વિભાગોમાં 2020ની બેચના કુલ 175 આઈએએસ અધિકારીઓને સહાયક સચિવ તરીકે મૂકવામાં આવ્યા છે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com