Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ 5G સેવાઓનો શુભારંભ કરાવ્યો

પ્રધાનમંત્રીએ 5G સેવાઓનો શુભારંભ કરાવ્યો


ટેકનોલોજીનાં નવા યુગની શરૂઆત કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં 5જી સેવાઓનો શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રીએ ઇન્ડિયા મોબાઇલ કૉંગ્રેસની છઠ્ઠી આવૃત્તિનું ઉદઘાટન પણ કર્યું હતું અને આ પ્રસંગે યોજવામાં આવેલા આઇએમસી એક્ઝિબિશનને પણ નિહાળ્યું હતું.

આ ઐતિહાસિક પ્રસંગે ઉદ્યોગ જગતના અગ્રણીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

રિલાયન્સના ચેરમેન શ્રી મૂકેશ અંબાણીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્રનાં વિઝનને પ્રેરિત કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. “સરકારની દરેક કાર્યવાહી અને નીતિ કુશળતાપૂર્વક ભારતને તે ધ્યેય તરફ આગળ ધપાવવા માટે ઘડવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, 5જી યુગમાં ભારતની કૂચને ઝડપથી આગળ વધારવા માટે લેવામાં આવેલાં પગલાં આપણા પ્રધાનમંત્રીના દ્રઢ નિશ્ચયનો સચોટ પુરાવો પૂરો પાડે છે.” તેમણે શિક્ષણ અને આબોહવા વગેરે જેવાં મુખ્ય ક્ષેત્રોમાં 5Gની શક્યતાઓ વર્ણવી હતી. તમારાં નેતૃત્વએ વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા, પ્રોફાઇલ અને તાકાતમાં અગાઉ ક્યારેય નહોતી એવી વૃદ્ધિ કરી છે. આજની ઝડપથી બદલાતી દુનિયામાં પુનરુત્થાન પામી રહેલા ભારતને ટોચ પર પહોંચતાં કોઈ રોકી નહીં શકે”, એમ શ્રી અંબાણીએ સમાપન કર્યું હતું.

ભારતી એન્ટરપ્રાઈઝના ચેરમેન શ્રી સુનિલ ભારતી મિત્તલે જણાવ્યું હતું કે, 5જીનો શુભારંભ એ નવા યુગની શરૂઆત છે અને તે આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન થઈ રહ્યું હોવાથી તે તેને વધુ વિશિષ્ટ બનાવે છે. પ્રધાનમંત્રીના પ્રયાસોથી દેશમાં નવી ઊર્જાનો સંચાર થશે. આપણે નસીબદાર છીએ કે, પ્રધાનમંત્રીનાં રૂપમાં એક એવા નેતા છે, જે ટેકનોલોજીને ખૂબ જ ઝીણવટપૂર્વક સમજે છે અને તેને દેશના વિકાસમાં બેજોડ રીતે કામે લગાડે છે”, એમ તેમણે ઉમેર્યું હતું. શ્રી મિત્તલે વધુમાં જણાવ્યું હતું કે, તેનાથી લોકો માટે, ખાસ કરીને આપણા ગ્રામીણ વિસ્તારોમાં, તકોનો દરિયો ખુલશે. તેમણે પ્રધાનમંત્રીના ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન માળખાગત સુવિધા અને ટેકનોલોજીનાં ક્ષેત્રમાં હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલને યાદ કરી હતી. તેમણે કહ્યું કે મહામારી દરમિયાન, ટ્રાફિક ગામડાં અને ઘરોમાં સ્થળાંતરિત થયો હતો અને દેશના ધબકારા એક સેકંડ માટે પણ અટક્યા ન હતા. તેનો શ્રેય ડિજિટલ વિઝનને જાય છે. તેમણે મેક ઇન ઇન્ડિયાનાં વિઝનની સિદ્ધિ અને સાહસની પ્રશંસા પણ કરી હતી.” ડિજિટલ ઇન્ડિયાની સાથે સાથે પ્રધાનમંત્રીએ સ્ટાર્ટ-અપ ઇન્ડિયા અભિયાનને પણ આગળ વધાર્યું હતું અને ટૂંક સમયમાં જ ભારતે યુનિકોર્ન બનાવવાનું શરૂ કરી દીધું હતું.” શ્રી મિત્તલે ઉમેર્યું હતું કે, “5Gનાં આગમન સાથે મને ખાતરી છે કે, દેશ દુનિયામાં ઘણા વધારે યુનિકોર્નનો ઉમેરો કરશે.”

આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન શ્રી કુમાર મંગલમ બિરલાએ 5Gનાં આગમનને પરિવર્તનકારી ઘટના ગણાવી હતી, જે વૈશ્વિક મંચ પર ભારતની કુશળતાને સાબિત કરે છે તથા ભારતના વિકાસના પાયા તરીકે ટેલિકોમ ટેકનોલોજીની ભૂમિકાને પ્રતિપાદિત કરે છે. તેમણે ટેકનોલોજીમાં પેઢીગત હરણફાળ ભરવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો તેમનાં વિઝન અને નેતૃત્વ માટે આભાર માન્યો હતો, જેનાં પરિણામે ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તેમણે મહામારી દરમિયાન ટેલિકોમ ઉદ્યોગને ટેકો આપવા માટે અને ઉદ્યોગમાં નવો ચીલો પાડતા ટેલિકૉમ સુધારાઓ બદલ તેમની પ્રેરક ભૂમિકા બદલ પણ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. શ્રી બિરલાએ કહ્યું હતું કે, 5જીનો શુભારંભ એ ભારત માટે એક રોમાંચક સફરની શરૂઆતનું પ્રતીક છે. તેમણે ઉમેર્યું હતું કે, “આપણે આગામી વર્ષોમાં 5જી વિકાસ અને તેના ઉપયોગના કિસ્સાઓ માટે અમર્યાદિત સંભવિતતા જોઈશું.”

દેશના ત્રણ મોટા ટેલિકોમ ઓપરેટરોએ ભારતમાં 5જી ટેકનોલોજીની સંભવિતતા દર્શાવવા માટે પ્રધાનમંત્રી સમક્ષ એક-એક યુઝ કેસનું પ્રદર્શન કર્યું હતું.

રિલાયન્સ જિયોએ મુંબઈની એક સ્કૂલના એક ટીચરને મહારાષ્ટ્ર, ગુજરાત અને ઓડિશામાં ત્રણ અલગ-અલગ જગ્યાએ વિદ્યાર્થીઓ સાથે જોડ્યા હતા. આ દર્શાવે છે કે 5G કેવી રીતે શિક્ષકોને વિદ્યાર્થીઓની નજીક લાવીને, તેમની વચ્ચેનાં ભૌતિક અંતરને દૂર કરીને શિક્ષણની સુવિધા આપશે. તેણે સ્ક્રીન પર ઑગમેન્ટેડ રિયાલિટી (એઆર)ની શક્તિ અને એઆર ઉપકરણની જરૂરિયાત વિના દેશભરનાં બાળકોને રિમોટલી એટલે કે દૂરથી શીખવવા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવી રહ્યો છે તે પણ દર્શાવ્યું હતું. પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્રનાં રાયગઢમાં જ્ઞાનજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. રોપડા પ્રાથમિક શાળા, ગાંધીનગર, ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જોડાયા હતા. પ્રધાનમંત્રીએ ઓડિશાના મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયકની ઉપસ્થિતિમાં ઓડિશાની મયૂરભંજની એસએલએસ મેમોરિયલ સ્કૂલનાં વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. ધીરુભાઈ અંબાણી ઈન્ટ. સ્કૂલ, બીકેસી, મુંબઈના શ્રી અભિમન્યુ બાસુએ પણ 5જી ટેકનોલોજીના ઉપયોગનું નિદર્શન કર્યું હતું. પ્રધાનમંત્રીએ શિક્ષણમાં ટેકનોલોજી માટે વિદ્યાર્થીઓનાં ઉત્સાહની નોંધ લીધી હતી. લેખક અમિષ ત્રિપાઠીએ આ સેગમેન્ટની રજૂઆત કરી હતી.

વોડાફોન આઈડિયા પરીક્ષણ કેસમાં મંચ પર ટનલનાં ડિજિટલ ટ્વીનનાં નિર્માણ દ્વારા દિલ્હી મેટ્રોની નિર્માણાધીન ટનલમાં કામદારોની સલામતી દર્શાવવામાં આવી હતી. ડિજિટલ ટ્વિન રિમોટ લોકેશનથી રિયલ ટાઇમમાં કામદારોને સલામતીની ચેતવણીઓ આપવામાં મદદરૂપ થશે. પ્રધાનમંત્રીએ વીઆર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને રિયલ-ટાઇમમાં કામ પર નજર રાખવા મંચ પરથી લાઇવ ડેમો લીધો હતો. પ્રધાનમંત્રીએ દિલ્હીના ઉપરાજ્યપાલ શ્રી વિનય સક્સેનાની ઉપસ્થિતિમાં નવી દિલ્હીમાં દિલ્હી મેટ્રો ટનલ દ્વારકામાં કામ કરતા શ્રી રિંકુ કુમાર સાથે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ આ ટેકનોલોજીને અપનાવવા માટે જરૂરી વપરાશકર્તા અનુભવ અને શીખવાની પ્રગતિ દર વિશે પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું કે સલામતીમાં કામદારોનો વિશ્વાસ એ નવી તકનીકનું સૌથી મોટું યોગદાન છે. તેમણે દેશના વિકાસમાં પ્રદાન કરવા બદલ ભારતના કામદારોની પ્રશંસા કરી હતી.

એરટેલ ડેમોમાં, ઉત્તર પ્રદેશના દનકૌરના વિદ્યાર્થીઓએ વર્ચ્યુઅલ રિયાલિટી અને ઑગમેન્ટેડ રિયાલિટીની મદદથી સૌરમંડળ વિશે જાણવા માટે જીવંત અને તલ્લીનતાભર્યાં શિક્ષણનો અનુભવ નિહાળ્યો હતો. એક વિદ્યાર્થીની ખુશીએ હૉલોગ્રામ દ્વારા મંચ પર હાજર રહીને પીએમ સાથે શીખવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ વારાણસીના રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરથી જોડાયા હતા. પ્રધાનમંત્રીએ પૃચ્છા કરી કે શું વીઆર શિક્ષણના અનુભવે તેમને વિભાવનાઓને વ્યાપક રીતે સમજવામાં મદદ કરી છે. આ વિદ્યાર્થીએ કહ્યું કે આ અનુભવ પછી તે નવી વસ્તુઓ શીખવા તરફ વધુ વલણ ધરાવે છે.

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે યોજાઈ રહેલી શિખર પરિષદ વૈશ્વિક હોઈ શકે છે, પણ તેનાં પ્રત્યાઘાતો અને દિશાઓ સ્થાનિક છે. તેમણે જણાવ્યું હતું કે, આજનો દિવસ 21મી સદીના ઝડપથી વિકસતા ભારત માટે વિશેષ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે 130 કરોડ ભારતીયોને દેશમાંથી અને દેશના ટેલિકોમ ઉદ્યોગમાંથી 5Gનાં રૂપમાં એક અદ્ભુત ભેટ મળી રહી છે. 5જી એ દેશમાં નવા યુગના દરવાજા પર એક ટકોરો છે. “5G એ તકોના અનંત આકાશની શરૂઆત છે. હું દરેક ભારતીયને આ માટે અભિનંદન આપું છું”, એમ તેમણે ઉમેર્યું હતું.  તેમણે સંતોષ સાથે નોંધ્યું હતું કે, આ 5Gની શરૂઆત અને ટેકનોલોજીની કૂચમાં ગ્રામીણ વિસ્તારો અને કામદારો સમાન ભાગીદાર છે.

5જીની શરૂઆત ટાણે વધુ એક સંદેશ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “નવું ભારત ટેકનોલોજીનું માત્ર વપરાશકાર જ નહીં રહે, પણ ભારત આ ટેકનોલોજીનાં વિકાસ અને અમલીકરણમાં સક્રિય ભૂમિકા ભજવશે. ભારત ભવિષ્યની વાયરલેસ ટેકનોલોજી ડિઝાઇન કરવામાં અને તેની સાથે સંબંધિત ઉત્પાદનમાં મોટી ભૂમિકા ભજવશે.” પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, ભારત 2જી, 3જી અને 4જી ટેકનોલોજી માટે અન્ય દેશો પર નિર્ભર હતું. પરંતુ 5જી સાથે ભારતે એક નવો ઈતિહાસ રચ્યો છે. તેમણે કહ્યું હતું કે, “5G સાથે ભારત પ્રથમ વખત ટેલિકોમ ટેકનોલોજીમાં વૈશ્વિક ધોરણ સ્થાપિત કરી રહ્યું છે.”

ડિજિટલ ઇન્ડિયા વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેટલાંક લોકો એવું માને છે કે, આ માત્ર એક સરકારી યોજના છે. “પરંતુ ડિજિટલ ઇન્ડિયા માત્ર એક નામ નથી, તે દેશના વિકાસ માટે એક મોટું વિઝન છે. આ વિઝનનું લક્ષ્ય એ છે કે તે ટેકનોલોજીને સામાન્ય લોકો સુધી પહોંચાડવી, જે લોકો માટે કામ કરે, લોકો સાથે જોડાઈને કામ કરે છે.”

ડિજિટલ ઇન્ડિયા માટે સંપૂર્ણ અભિગમની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “અમે એક સાથે ચાર દિશામાં 4 સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રથમ, ઉપકરણની કિંમત, બીજું, ડિજિટલ કનેક્ટિવિટી, ત્રીજું, ડેટાની કિંમત, ચોથું, અને સૌથી અગત્યનું, ‘ડિજિટલ ફર્સ્ટનો વિચાર.

પ્રથમ આધારસ્તંભ અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઓછી કિંમતનાં ઉપકરણો માત્ર આત્મનિર્ભરતામારફતે જ હાંસલ કરી શકાય છે. પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, આઠ વર્ષ અગાઉ સુધી ભારતમાં ફક્ત બે જ મોબાઇલ ઉત્પાદન એકમો હતાં. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “આ સંખ્યા હવે વધીને 200 થઈ ગઈ છે.” પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્ષ 2014માં શૂન્ય મોબાઇલ ફોનની નિકાસમાંથી આજે આપણે હજારો કરોડનાં મૂલ્યના મોબાઇલ ફોનની નિકાસ કરતો દેશ બની ગયા છીએ. “સ્વાભાવિક રીતે, આ બધા પ્રયત્નોની ઉપકરણની કિંમત પર અસર પડી છે. હવે આપણને ઓછી કિંમતે વધુ ફીચર્સ મળવાનું શરૂ થયું છે”, એમ તેમણે ઉમેર્યું હતું.

ડિજિટલ કનેક્ટિવિટીના બીજા આધારસ્તંભ પર પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, ઇન્ટરનેટનો ઉપયોગકર્તાઓ વર્ષ 2014માં 6 કરોડ હતા એ હવે વધીને 80 કરોડ થયા છે. ૨૦૧૪માં ૧૦૦થી ઓછી પંચાયતોથી હવે ૧.૭ લાખ પંચાયતો ઑપ્ટિકલ ફાઇબર દ્વારા જોડાયેલી છે. “જે રીતે સરકારે વીજળી પૂરી પાડવા માટે ડોર-ટુ-ડોર અભિયાન શરૂ કર્યું, હર ઘર જલ અભિયાન દ્વારા દરેકને સ્વચ્છ પાણી પૂરું પાડવાના મિશન પર કામ કર્યું, અને ઉજ્જવલા યોજના દ્વારા ગરીબમાં ગરીબ લોકોને ગેસ સિલિન્ડર પહોંચાડ્યા, તેવી જ રીતે અમારી સરકાર પણ સૌને માટે ઇન્ટરનેટ- ઈન્ટરનેટ ફોર ઑલનાં લક્ષ્ય માટે એ જ રીતે કામ કરી રહી છે”, એમ તેમણે કહ્યું હતું.

ત્રીજા સ્તંભ, ડેટાની કિંમત અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ ઉદ્યોગને ઘણાં પ્રોત્સાહનો આપવામાં આવ્યાં હતાં અને 4જી જેવી ટેકનોલોજીને નીતિગત ટેકો મળ્યો હતો. આનાથી ડેટાની કિંમતમાં ઘટાડો થયો અને દેશમાં ડેટા ક્રાંતિની શરૂઆત થઈ. તેમણે કહ્યું હતું કે, આ ત્રણેય સ્તંભ દરેક જગ્યાએ પોતાની અનેકગણી અસરો દર્શાવવા લાગ્યા હતા.

ચોથા સ્તંભ એટલે કે ડિજિટલ ફર્સ્ટના વિચારના વિષય પર પ્રધાનમંત્રીએ એ સમયને યાદ કર્યો હતો જ્યારે ગણ્યાગાંઠ્યા ચુનંદા વર્ગના લોકોએ સવાલ કર્યો હતો કે, શું ગરીબ લોકો ડિજિટલનો અર્થ પણ સમજી શકશે કે કેમ અને તેની સંભાવિતતા પર શંકા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમને હંમેશા દેશના સામાન્ય માનવીની સમજણ, શાણપણ અને જિજ્ઞાસુ મનમાં વિશ્વાસ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, તેમને હંમેશા દેશના ગરીબોમાં નવી ટેકનોલોજી અપનાવવા માટે તત્પરતા જોવા મળી છે.

ડિજિટલ પેમેન્ટનાં ક્ષેત્રમાં સરકારનાં પ્રયાસો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારે જ આગળ વધીને ડિજિટલ પેમેન્ટનો માર્ગ સરળ બનાવ્યો છે. “સરકારે પોતે જ એપ્લિકેશન દ્વારા નાગરિક-કેન્દ્રિત વિતરણ સેવાને પ્રોત્સાહન આપ્યું હતું. ખેડૂતોની વાત હોય કે નાના દુકાનદારોની વાત હોય, અમે તેમને એપ્લિકેશન મારફતે તેમની દૈનિક જરૂરિયાતો પૂર્ણ કરવાનો માર્ગ આપ્યો છે.” તેમણે મહામારી દરમિયાન જ્યારે ઘણા દેશોને આ સેવાઓ ચાલુ રાખવામાં મુશ્કેલી પડી રહી હતી ત્યારે ડીબીટી, શિક્ષણ, રસીકરણ અને આરોગ્ય સેવાઓ અને વર્ક-ફ્રોમ-હોમ ચાલુ રહ્યા એ બાબતો ગણાવી હતી.

પ્રધાનમંત્રીએ ડિજિટલ ઇન્ડિયાને એક મંચ પ્રદાન કર્યું છે તેની નોંધ લેતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નાના વેપારીઓ, નાના ઉદ્યોગ સાહસિકો, સ્થાનિક કલાકારો અને કારીગરો હવે દરેકને બજારમાં મૂકી શકે છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, “આજે તમે કોઈ સ્થાનિક બજાર કે શાકમાર્કેટમાં જાઓ છો અને જુઓ, એક નાનો શેરી વિક્રેતા પણ તમને કહેશે કે તમે રોકડમાં વ્યવહાર ન કરો, પણ યુપીઆઈમારફતે કરો.” પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “આ દર્શાવે છે કે, જ્યારે કોઈ સુવિધા ઉપલબ્ધ થાય છે, ત્યારે વિચારસરણીમાં પણ ઉત્સાહ આવે છે.” પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે સરકાર સ્વચ્છ ઇરાદા સાથે કામ કરે છે, ત્યારે નાગરિકોના ઇરાદાઓ પણ બદલાય છે. તેમણે જણાવ્યું હતું કે, “2જી અને 5જીના ઇરાદા (નિયત)માં આ મુખ્ય તફાવત છે”, એવી ટકોર તેમણે કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ડેટાની કિંમત દુનિયામાં સૌથી ઓછી કિંમતમાંની એક છે. તે 300 રૂપિયા પ્રતિ જીબીથી ઘટીને લગભગ 10 રૂપિયા પ્રતિ જીબી થઈ ગઈ છે. સરકારનાં ઉપભોક્તા-કેન્દ્રિત કેન્દ્રિત પ્રયાસોની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં ડેટાનો ખર્ચ ઘણો ઓછો રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું, “એ અલગ બાબત છે કે અમે આ અંગે કોઈ ખળભળાટ મચાવ્યો ન હતો, અને મોટી જાહેરાતો શરૂ કરી ન હતી. અમે એ વાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે કેવી રીતે દેશના લોકોની સુવિધા અને ઈઝ ઑફ લિવિંગ- જીવનની સરળતામાં વધારો થયો છે.” તેમણે ઉમેર્યું હતું કે, “પ્રથમ ત્રણ ઔદ્યોગિક ક્રાંતિથી ભારતને ભલે લાભ ન થયો હોય, પણ મને વિશ્વાસ છે કે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો સંપૂર્ણ લાભ લેશે અને હકીકતમાં તેનું નેતૃત્વ કરશે.”

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, 5G ટેકનોલોજીનો ઉપયોગ ઇન્ટરનેટની ઝડપી પહોંચ સુધી મર્યાદિત નહીં રહે, પણ તેની પાસે જીવન બદલવાની ક્ષમતા છે. તેમણે કહ્યું કે આપણે આપણા જીવનકાળમાં તકનીકીનાં વચનો સાકાર થયેલાં જોઈશું. શ્રી મોદીએ ટેલિકોમ ઉદ્યોગ સંગઠનનાં અગ્રણીઓને દેશની શાળાઓ અને કૉલેજોની મુલાકાત લેવા તથા આ નવી ટેકનોલોજીનાં દરેક પાસાને મુક્ત કરવા અપીલ કરી હતી. તેમણે તેમને એમ.એસ.એમ.ઇ. માટે ઇલેક્ટ્રોનિક ઉત્પાદન માટેનાં સ્પેરપાર્ટ્સ તૈયાર કરવા માટે સક્ષમ ઇકોસિસ્ટમ બનાવવાનું પણ કહ્યું. તેમણે કહ્યું હતું કે, “દેશમાં ક્રાંતિ લાવવા માટે 5G ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ.” પ્રધાનમંત્રીએ નવી લોન્ચ થયેલી ડ્રૉન નીતિ પછી શક્ય બનેલી ડ્રૉન ટેકનોલોજીનાં ઉપયોગ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ધ્યાન દોર્યું હતું કે ઘણા ખેડુતોએ ડ્રૉન કેવી રીતે ઉડાડવું તે શીખી લીધું છે અને ખેતરોમાં જંતુનાશકોનો છંટકાવ કરવા માટે તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. પ્રધાનમંત્રીએ દરેકને ખાતરી આપી હતી કે, ભવિષ્યનું ભારત આગામી ટેકનોલોજી ક્ષેત્રમાં દુનિયાનું માર્ગદર્શન કરશે, જેનાં પરિણામે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રેસર બનશે.

આ પ્રસંગે કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશ અંબાણી, ભારતી એન્ટરપ્રાઈઝના ચેરમેન શ્રી સુનિલ મિત્તલ, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન શ્રી કુમાર મંગલમ બિરલા અને દૂરસંચાર વિભાગના સચિવ શ્રી કે રાજારામન અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

પશ્ચાદભૂમિકા

5જી ટેકનોલોજી સામાન્ય લોકોને વિવિધ પ્રકારના લાભો પ્રદાન કરશે. તે સીમલેસ કવરેજ, ઊંચો ડેટા રેટ, ઓછી વિલંબતા અને અત્યંત વિશ્વસનીય સંચાર પ્રદાન કરવામાં મદદરૂપ થશે. ઉપરાંત, તે ઊર્જા દક્ષતા, સ્પેક્ટ્રમ દક્ષતા અને નેટવર્ક કાર્યક્ષમતામાં વધારો કરશે. 5G ટેકનોલોજી અબજો ઈન્ટરનેટ ઑફ થિંગ્સ ઉપકરણોને જોડવામાં મદદ કરશે, ઉચ્ચ ગતિએ ગતિશીલતા સાથે ઉચ્ચ ગુણવત્તાની વીડિયો સેવાઓની છૂટ આપશે અને ટેલિસર્જરી અને ઓટોનમસ કાર જેવી મહત્ત્વપૂર્ણ સેવાઓ પૂરી પાડશે. 5G આપત્તિઓ, ચોક્કસાઈપૂર્વકની ખેતી પર રિઅલ ટાઇમ નિરીક્ષણ કરવામાં અને ઊંડી ખાણો, ઑફશૉર પ્રવૃત્તિઓ વગેરે જેવા જોખમી ઔદ્યોગિક કાર્યોમાં માનવીઓની ભૂમિકાને ઘટાડવામાં મદદ કરશે. પ્રવર્તમાન મોબાઇલ કમ્યુનિકેશન નેટવર્કથી વિપરીત, 5G નેટવર્ક્સ એક જ નેટવર્કમાં આ દરેક વિવિધ ઉપયોગના કિસ્સા માટે જરૂરિયાતોને અનુરૂપ બનાવવાની છૂટ આપશે.

આઈએમસી ૨૦૨૨ ૧ થી ૪ ઑક્ટોબર દરમિયાન “ન્યુ ડિજિટલ યુનિવર્સ”ના થીમ સાથે યોજાઈ રહ્યું છે. તે અગ્રણી ચિંતકો, ઉદ્યોગસાહસિકો, નવપ્રવર્તકો અને સરકારી અધિકારીઓને એકસાથે લાવશે અને ડિજિટલ ટેકનોલોજીના ઝડપી સ્વીકાર અને પ્રસારમાંથી ઊભી થયેલી અનન્ય તકો પર ચર્ચા કરશે અને તેનું પ્રદર્શન કરશે.

YP/GP/JD