Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

SCO સમિટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

SCO સમિટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન


મહાનુભાવો,

આ વર્ષના પડકારજનક વૈશ્વિક અને પ્રાદેશિક વાતાવરણમાં SCOના અસરકારક નેતૃત્વ માટે હું રાષ્ટ્રપતિ મિર્ઝિઓયેવને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.

આજે જ્યારે આખું વિશ્વ રોગચાળા પછી આર્થિક સુધારણાના પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે SCOની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. SCO સભ્ય દેશો વૈશ્વિક જીડીપીમાં લગભગ 30 ટકા યોગદાન આપે છે અને વિશ્વની 40 ટકા વસ્તી પણ SCO દેશોમાં રહે છે. ભારત SCO સભ્યો વચ્ચે વધુ સહયોગ અને પરસ્પર વિશ્વાસનું સમર્થન કરે છે. યુક્રેનમાં રોગચાળો અને કટોકટીએ વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં ઘણા વિક્ષેપો સર્જ્યા છે, જેના કારણે વિશ્વને અભૂતપૂર્વ ઊર્જા અને ખાદ્ય કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. SCO એ આપણા પ્રદેશમાં વિશ્વસનીય, સ્થિતિસ્થાપક અને વૈવિધ્યસભર પુરવઠા શૃંખલા વિકસાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આ માટે સારી કનેક્ટિવિટી જરૂરી છે, સાથે જ એ પણ મહત્વનું રહેશે કે આપણે બધા એકબીજાને ટ્રાન્ઝિટના સંપૂર્ણ અધિકારો આપીએ.

મહાનુભાવો,

અમે ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં પ્રગતિ કરી રહ્યા છીએ. ભારતનું યુવા અને પ્રતિભાશાળી કાર્યબળ આપણને કુદરતી રીતે સ્પર્ધાત્મક બનાવે છે. ભારતની અર્થવ્યવસ્થા આ વર્ષે 7.5 ટકાના દરે વૃદ્ધિ પામવાની ધારણા છે, જે વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ હશે. આપણા લોકો-કેન્દ્રિત વિકાસ મોડેલમાં ટેક્નોલોજીના યોગ્ય ઉપયોગ પર પણ ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે. અમે દરેક ક્ષેત્રમાં ઇનોવેશનને સમર્થન આપી રહ્યા છીએ. ભારતમાં આજે 70,000 થી વધુ સ્ટાર્ટ-અપ્સ છે, જેમાંથી 100 થી વધુ યુનિકોર્ન છે. અમારો આ અનુભવ અન્ય ઘણા SCO સભ્યો માટે પણ ઉપયોગી થઈ શકે છે. આ હેતુ માટે, અમે સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન પર નવા સ્પેશિયલ વર્કિંગ ગ્રુપની સ્થાપના કરીને SCO ના સભ્ય દેશો સાથે અમારો અનુભવ શેર કરવા તૈયાર છીએ.

મહાનુભાવો,

વિશ્વ આજે બીજા એક મોટા પડકારનો સામનો કરી રહ્યું છે – અને તે છે આપણા નાગરિકોની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવી. આ સમસ્યાનો એક સંભવિત ઉકેલ એ છે કે બાજરીની ખેતી અને વપરાશને પ્રોત્સાહન આપવું. બાજરી એ એક સુપરફૂડ છે જે હજારો વર્ષોથી ઉગાડવામાં આવે છે, માત્ર SCO દેશોમાં જ નહીં, પરંતુ વિશ્વના ઘણા ભાગોમાં, અને તે ખાદ્ય કટોકટી માટે પરંપરાગત, પૌષ્ટિક અને ઓછી કિંમતનો વિકલ્પ છે. વર્ષ 2023 યુએન ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે ઉજવવામાં આવશે. આપણે SCO હેઠળ મિલેટ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવાનું વિચારવું જોઈએ.

ભારત આજે વિશ્વમાં મેડિકલ અને વેલનેસ ટુરિઝમ માટે સૌથી વધુ પોસાય તેવા સ્થળોમાંનું એક છે. WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ગુજરાતમાં એપ્રિલ 2022માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ WHOનું પહેલું અને એકમાત્ર ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન હશે. આપણે SCO દેશો વચ્ચે પરંપરાગત દવા પર સહકાર વધારવો જોઈએ. આ માટે ભારત પરંપરાગત દવા પર નવા SCO વર્કિંગ ગ્રુપ પર પહેલ કરશે.

હું સમાપ્ત કરું તે પહેલાં, હું ફરી એકવાર રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવનો આજની મીટિંગના ઉત્તમ સંચાલન અને તેમના ઉષ્માભર્યા આતિથ્ય માટે આભાર માનું છું.

ખુબ ખુબ આભાર!

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com