Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ મંત્રીઓને રાષ્ટ્રીય શ્રમ પરિષદમાં સંબોધન કર્યુ

પ્રધાનમંત્રી શ્રીએ તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ મંત્રીઓને રાષ્ટ્રીય શ્રમ પરિષદમાં સંબોધન કર્યુ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન આપ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ શ્રી ભૂપેન્દ્ર યાદવ અને શ્રી રામેશ્વર તેલી તેમજ રાજ્યોના શ્રમ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆતમાં ભગવાન તિરુપતિ બાલાજીને વંદન કર્યા હતા. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમૃતકાળમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના આપણા સપના અને મહત્વાકાંક્ષાઓને સાકાર કરવામાં ભારતના શ્રમબળની ભૂમિકા ખૂબ જ વિશાળ છે અને આ વિચાર સાથે દેશ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કરોડો કામદારો માટે સતત કામ કરી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ સરકાર દ્વારા હાથ ધરવામાં આવતા વિવિધ પ્રયાસો જેમ કે, પ્રધાનમંત્રી શ્રમ-યોગી માનધન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વગેરેનો પુનરોચ્ચાર કર્યો જેના કારણે કામદારોને એક પ્રકારનું સુરક્ષા કવચ પ્રાપ્ત થયું છે. આ યોજનાઓએ શ્રમિકોને તેમની મહેનત અને યોગદાનની સ્વીકૃતિની ખાતરી આપી છે. પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, “એક અભ્યાસ મુજબ, ઇમરજન્સી ક્રેડિટ ગેરેન્ટી યોજનાના કારણે મહામારી દરમિયાન 1.5 કરોડ લોકોની નોકરી બચાવી શકાઇ છે.” તેમણે આગળ ઉમેર્યું હતું કે, “અમે જોઇ રહ્યા છીએ કે જે પ્રકારે દેશે પોતાના કામદારોને તેમની જરૂરિયાતના સમયમાં સહકાર આપ્યો હતો, એવી જ રીતે, કામદારોએ આ મહામારીમાંથી બહાર આવવા માટે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે.” પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે ભારત ફરી એકવાર આખી દુનિયામાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની ગયું છે, તેથી તેનો ઘણો મોટો શ્રેય આપણા કામદારોને જાય છે.

પ્રધાનમંત્રીએ એ બાબતે ધ્યાન દોર્યું હતું કે, શ્રમ દળને સામાજિક સુરક્ષાના પરિઘમાં લાવવા માટે ઇ-શ્રમ પોર્ટલ એક મુખ્ય પહેલ છે. માત્ર એક વર્ષના સમયમાં જ પોર્ટલ પર 400 ક્ષેત્રોમાંથી લગભગ 28 કરોડ કામદારોની નોંધણી કરવામાં આવી છે. આનાથી ખાસ કરીને બાંધકામ કામદારો, વિસ્થાપિત થતા શ્રમિકો અને ઘરેલું કામદારોને ફાયદો થયો છે. તેમણે તમામ મંત્રીઓને રાજ્યના પોર્ટલને ઇ-શ્રમ પોર્ટલ સાથે એકીકૃત કરવા માટે અનુરોધ કર્યો હતો.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા આઠ વર્ષ દરમિયાન સરકારે ગુલામીના સમયમાં લાગુ કરાયેલા અને ગુલામીની માનસિકતાને પ્રતિબિંબિત કરતા કાયદાઓને નાબૂદ કરવાની પહેલ હાથ ધરી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “દેશ હવે આવા શ્રમ કાયદાઓને બદલી રહ્યો છે, તેમાં સુધારા કરી રહ્યો છે, તેને સરળ બનાવી રહ્યો છે.”, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, “આ બાબતને ધ્યાનમાં રાખીને, 29 શ્રમ કાયદાઓને 4 સરળ શ્રમ સંહિતામાં કોડમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે”. આનાથી લઘુતમ વેતન, નોકરીની સુરક્ષા, સામાજિક સુરક્ષા અને આરોગ્ય સુરક્ષા દ્વારા કામદારોના સશક્તિકરણને સુનિશ્ચિત કરી શકાશે.

બદલાતા માહોલ મુજબ પરિવર્તન પણ જરૂરી છે તે બાબતનો પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે ઝડપથી નિર્ણયો લઇને તેમજ તેનો ઝડપથી અમલ કરીને ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો સંપૂર્ણ લાભ લેવાની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો. પ્લેટફોર્મ અને ગીગ ઇકોનોમી તેમજ ઑનલાઇન સુવિધાઓના પરિદૃશ્યમાં, પ્રધાનમંત્રીએ કામનાં ઉભરતા પરિમાણો પ્રત્યે જીવંત રહેવાની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, “આ ક્ષેત્રમાં યોગ્ય નીતિઓ ઘડવાથી અને સાચા પ્રયાસો કરવાથી ભારતને વૈશ્વિક નેતા બનાવવામાં મદદ મળી રહેશે.”

પ્રધાનમંત્રીએ એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, દેશનું શ્રમ મંત્રાલય અમૃતકાળમાં વર્ષ 2047 માટે તેનું વિઝન તૈયાર કરી રહ્યું છે. ભવિષ્યમાં અનુકૂળ કાર્યસ્થળો, ઘરેથી કામ કરવાની ઇકોસિસ્ટમ અને કામ કરવા માટેના કલાકોમાં અનુકૂલનતા વગેરેની જરૂર પડશે તે બાબતનો પુનરોચ્ચાર કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે અનુકૂળ કાર્યસ્થળો જેવી પ્રણાલીઓનો ઉપયોગ મહિલા શ્રમ દળની સહભાગીતા માટેના અવસરો તરીકે કરી શકીએ છીએ. 15 ઑગસ્ટે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને આપેલા પોતાના સંબોધનને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમણે દેશની નારી શક્તિની સંપૂર્ણ ભાગીદારી માટે આહ્વાન કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, “નારી શક્તિનો યોગ્ય ઉપયોગ કરીને, ભારત પોતાના લક્ષ્યોને ઝડપથી પ્રાપ્ત કરી શકે છે.” દેશમાં નવા ઉભરી રહેલા ક્ષેત્રોમાં મહિલાઓ માટે શું કરી શકાય તે દિશામાં વિચારવાની ખાસ જરૂરિયાત પર પણ પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો.

ભારતના ડેમોગ્રાફિક લાભ અંગે ટિપ્પણી કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 21મી સદીમાં ભારતની સફળતાનો આધાર આ ડેમોગ્રાફિક લાભનો કેટલો સારી રીતે ઉપયોગ થાય છે તેના પર નિર્ભર રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, “આપણે ઉચ્ચ-ગુણવત્તાપૂર્ણ કૌશલ્યવાન કાર્યબળનું નિર્માણ કરીને વૈશ્વિક તકોનો લાભ ઉઠાવી શકીએ છીએ.” પ્રધાનમંત્રીએ એ બાબતે પણ પ્રકાશ પાડ્યો હતો કે, ભારત દુનિયાના સંખ્યાબંધ દેશો સાથે વિસ્થાપન અને ગતિશીલતા ભાગીદારી કરારો પર હસ્તાક્ષર કરી રહ્યું છે અને દેશના તમામ રાજ્યોને આ અવસરોનો લાભ લેવા માટે વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આપણે આપણા પ્રયાસો વધારવા પડશે, એકબીજા પાસેથી આપણે શીખવું પડશે.

આપણા નિર્માણ અને બાંધકામ ક્ષેત્રના કામદારો એ આપણા કર્મચારી વર્ગનો જ અભિન્ન હિસ્સો છે તે હકીકતથી દરેકને વાકેફ કરતાં પ્રધાનમંત્રીએ, આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોને તેમના માટે ગોઠવવામાં આવેલા સેસનો સંપૂર્ણ ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મને જાણ કરવામાં આવી છે કે, આ સેસમાંથી, હજુ પણ લગભગ રૂ. 38,000 કરોડનો ઉપયોગ રાજ્યો દ્વારા કરવામાં આવ્યો નથી.” તેમણે દરેકને આયુષ્માન ભારત યોજના સાથે મળીને ESICને કેવી રીતે વધુને વધુ કામદારોને લાભ આપી શકે તેવી બનાવી શકાય તેના પર ધ્યાન આપવાની વિનંતી કરી હતી. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપન વખતે દરેકને ખાતરી આપી હતી કે, આપણા આ સામૂહિક પ્રયાસો દેશની સાચી સંભાવનાઓને ઉજાગર કરવામાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.

પૃષ્ઠભૂમિ

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 25-26 ઑગસ્ટ 2022ના રોજ આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે બે દિવસીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદનું આયોજન સહકારી સંઘવાદની ભાવનાથી શ્રમ સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે થઇ રહ્યું છે. તે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સારી નીતિઓ ઘડવા અને કામદારોના કલ્યાણ માટેની યોજનાઓના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવામાં વધુ તાલમેલ બનાવવામાં મદદરૂપ થશે.

આ પરિષદમાં સામાજિક સુરક્ષાનું સાર્વત્રિકરણ કરવા માટે સામાજિક સુરક્ષાની યોજનાઓને ઓનબોર્ડ લાવવા માટે ઇ-શ્રમ પોર્ટલને એકીકૃત કરવા પર ચાર વિષયો પર આધારિત સત્રો રહેશે, જેમાં; રાજ્ય સરકારો દ્વારા સંચાલિત ESI હોસ્પિટલો દ્વારા તબીબી સંભાળમાં સુધારો કરવા અને PMJAY સાથે એકીકરણ કરવા માટે સ્વાસ્થ્ય સે સમૃદ્ધિ; ચાર શ્રમ સંહિતા હેઠળ નિયમો ઘડવા અને તેમના અમલીકરણ માટે મોડલિટીઝ તૈયાર કરવી; કામની ન્યાયી અને સમાન શરતો, ગીગ અને પ્લેટફોર્મ કામદારો સહિત તમામ કામદારોને સામાજિક સુરક્ષા, કાર્યસ્થળ પર લૈંગિક સમાનતા અન્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને વિઝન ShramevJayate @ 2047 તૈયાર કરવું વગેરેનો સમાવેશ થાય છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com