Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સાહિબઝાદા અજીત સિંહ નગર (મોહાલી) ખાતે હોમી ભાભા કૅન્સર હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર દેશને સમર્પિત કર્યું

પ્રધાનમંત્રીએ સાહિબઝાદા અજીત સિંહ નગર (મોહાલી) ખાતે હોમી ભાભા કૅન્સર હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર દેશને સમર્પિત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોહાલીનાં સાહિબઝાદા અજિત સિંહ નગરમાં હોમી ભાભા કૅન્સર હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર દેશને સમર્પિત કર્યું હતું. આ પ્રસંગે પંજાબના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત, મુખ્યમંત્રી શ્રી ભગવંત માન, કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ દેશની સુધરેલી સ્વાસ્થ્ય સુવિધાઓને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે આ હૉસ્પિટલ પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના લોકોને સેવા પૂરી પાડશે. તેમણે હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા બદલ પંજાબની જનતાનો આભાર માન્યો હતો.

લાલ કિલ્લાની પ્રાચીર પરથી તેમણે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કરેલી પોતાની ઘોષણાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારતને વિકસિત બનાવવા માટે સ્વાસ્થ્ય સેવાઓનો વિકાસ કરવો પણ એટલો જ મહત્વપૂર્ણ છે.” પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે ભારતનાં લોકોને આધુનિક હૉસ્પિટલો સારવાર માટે આધુનિક સુવિધાઓથી ભરેલી મળશે, ત્યારે તેઓ વહેલાસર સાજા થઈ જશે અને તેમની ઊર્જાનો ઉપયોગ યોગ્ય દિશામાં થશે. પ્રધાનમંત્રીએ કૅન્સરની સારવાર માટે સુવિધાઓ ઊભી કરવાની સરકારની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, ટાટા મેમોરિયલ સેન્ટર હવે દર વર્ષે 1.5 લાખ નવા દર્દીઓની સારવાર માટે સજ્જ છે. તેમણે કહ્યું કે બિલાસપુરની નવી હૉસ્પિટલ અને એઈમ્સ પીજીઆઈ ચંદીગઢ પરનો ભાર ઘટાડશે અને દર્દીઓ અને તેમના પરિવારોને ઘણી રાહત આપશે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સારી હેલ્થકેર સિસ્ટમનો અર્થ માત્ર ચાર દિવાલોનું નિર્માણ જ નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ પણ દેશની હેલ્થકેર સિસ્ટમ ત્યારે જ મજબૂત બને છે, જ્યારે તે દરેક રીતે ઉકેલો આપે છે અને તેને એક પછી એક સમર્થન આપે છે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લાં આઠ વર્ષમાં સમગ્ર લક્ષી આરોગ્ય સેવાને દેશમાં ટોચની પ્રાથમિકતાઓમાં સ્થાન આપવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આજે છ મોરચે સાથે મળીને કામ કરીને દેશની સ્વાસ્થ્ય સુવિધાઓમાં સુધારો થઈ રહ્યો છે. આ તમામ છ મોરચે પ્રધાનમંત્રીએ છણાવટ કરી હતી કે, પહેલો મોરચો અટકાયતી હેલ્થકેરને પ્રોત્સાહન આપવાનો છે, બીજો મોરચો ગામડાઓમાં નાની અને આધુનિક હૉસ્પિટલો ખોલવાનો છે, ત્રીજો મોરચો શહેરોમાં મેડિકલ કોલેજો અને મોટી મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ ખોલવાનો છે. ચોથો મોરચો છે– દેશભરમાં ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફની સંખ્યા વધારવાનો છે. પાંચમો મોરચો દર્દીઓને સસ્તી દવાઓ, સસ્તા સાધનો પૂરા પાડવાનો છે, અને છઠ્ઠો મોરચો ટેકનોલોજીનો ઉપયોગ કરીને દર્દીઓને પડતી મુશ્કેલીઓને ઘટાડવાનો છે.

નિવારણાત્મક અભિગમ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જલ જીવન મિશનને કારણે પાણીજન્ય રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એ જ રીતે સ્વચ્છતા, યોગ, ફિટનેસ ટ્રેન્ડ, પોષણ અભિયાન, રાંધણ ગેસ વગેરે દર્દીઓની સંખ્યામાં ઘટાડો લાવી રહ્યા છે. બીજા મોરચે, ગુણવત્તાયુક્ત પરીક્ષણ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને 1.5 લાખથી વધુ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે. જેમાંથી 1.25 લાખની સ્થાપના થઈ ચૂકી છે. પંજાબમાં લગભગ 3000 કેન્દ્રો કાર્યરત છે. સમગ્ર દેશમાં 22 કરોડથી વધુ લોકોની કૅન્સરની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 60 લાખ લોકોનું સ્ક્રીનિંગ પંજાબમાં થયું હતું.

પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, એક વખત આ રોગની જાણ થઈ જાય પછી આ પ્રકારની અદ્યતન હૉસ્પિટલોની જરૂરિયાત ઊભી થાય છે, જ્યાં ગંભીર બિમારીઓની સારવાર યોગ્ય રીતે થઈ શકે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દેશનાં દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજનાં લક્ષ્યાંક પર કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અંતર્ગત આયુષ્યમાન ભારત યોજના 64,000 કરોડ રૂપિયાના ખર્ચે જિલ્લા સ્તરે આધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓ ઊભી કરી રહી છે. પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, એક સમયે દેશમાં ફક્ત 7 એઈમ્સ હતી, પણ અત્યારે આ સંખ્યા વધીને 21 થઈ ગઈ છે. સરકારે દેશભરમાં લગભગ 40 વિશેષ કૅન્સર સંસ્થાઓને મંજૂરી આપી છે, જેમાંથી ઘણી હૉસ્પિટલોએ સેવાઓ આપવાનું શરૂ કરી દીધું છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, હૉસ્પિટલનું નિર્માણ મહત્ત્વપૂર્ણ છે અને પર્યાપ્ત સંખ્યામાં સારાં ડૉક્ટર્સ અને અન્ય પેરામેડિક્સ હોવાં પણ એટલાં જ મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે, આ કામગીરી આજે દેશમાં મિશન મોડમાં હાથ ધરવામાં આવી રહી છે. 2014 પહેલા દેશમાં 400થી ઓછી મેડિકલ કૉલેજ હતી. એટલે કે 70 વર્ષમાં 400થી ઓછી મેડિકલ કૉલેજ. તે જ સમયે, છેલ્લાં 8 વર્ષમાં, દેશમાં 200થી વધુ નવી મેડિકલ કૉલેજોનું નિર્માણ થયું છે.” પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, સરકારે 5 લાખથી વધારે આયુષ ડૉક્ટર્સને એલોપેથિક ડૉક્ટર તરીકે માન્યતા આપી છે અને તેનાથી ભારતમાં ડૉક્ટર અને દર્દીનાં ગુણોત્તરમાં સુધારો કરવામાં મદદ મળી છે. આયુષ્માન ભારત દ્વારા ગરીબોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવી છે અને તેનાં પરિણામે અત્યાર સુધીમાં 3.5 કરોડ દર્દીઓને સારવાર મળી છે. પ્રધાનમંત્રીએ એમ પણ ઉમેર્યું હતું કે, આ 3.5 કરોડ દર્દીઓમાંથી ઘણાં દર્દીઓ કૅન્સરનાં દર્દી હતા. આયુષ્માન ભારત યોજનાથી દર્દીઓના લગભગ 40 હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે. તેમણે જાણકારી આપી હતી કે, કૅન્સરની સારવાર માટે 500થી વધારે દવાઓની કિંમતમાં 90 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી એક હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ વખત આટલાં મોટા પાયે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજીનો સમાવેશ થઈ રહ્યો છે. પોતાનાં સંબોધનનું સમાપન કરતાં પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન એ સુનિશ્ચિત કરે છે કે, દરેક દર્દીને ઓછામાં ઓછી મુશ્કેલી સાથે સમયસર ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહે. પ્રધાનમંત્રીએ મેડ ઇન ઇન્ડિયા 5જી સેવાઓના અપેક્ષિત પ્રારંભ પર પ્રકાશ પાડ્યો હતો, જે અંતરિયાળ-રિમોટ હેલ્થકેર ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે. તેમણે જણાવ્યું હતું કે, “આનાથી ગામના ગરીબ પરિવારોના દર્દીઓની મોટી હૉસ્પિટલોની વારંવાર મુલાકાત લેવાની મજબૂરીમાં ઘટાડો થશે.” પ્રધાનમંત્રીએ કૅન્સરને કારણે ઊભી થયેલી હતાશા સામે લડવામાં દર્દીઓ અને પરિવારજનોને મદદ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, “એક પ્રગતિશીલ સમાજ તરીકે માનસિક સ્વાસ્થ્ય વિશેની આપણી વિચારસરણીમાં પરિવર્તન અને નિખાલસતા લાવવાની પણ આપણી જવાબદારી છે. તો જ આ સમસ્યાનો સાચો ઉકેલ શોધી શકાશે.”

 

પશ્ચાદભૂમિકા

પંજાબ અને પડોશી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રહેવાસીઓને કૅન્સરની વૈશ્વિક કક્ષાની સારસંભાળ પ્રદાન કરવાનાં પ્રયાસનાં ભાગરૂપે પ્રધાનમંત્રીએ મોહાલીનાં મુલ્લાનપુર, ન્યૂ ચંદીગઢ, સાહિબઝાદા અજિત સિંહ નગર જિલ્લામાં હોમી ભાભા કૅન્સર હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ હૉસ્પિટલનું નિર્માણ ભારત સરકારનાં પરમાણુ ઊર્જા વિભાગ હેઠળ સહાય પ્રાપ્ત સંસ્થા ટાટા મેમોરિયલ સેન્ટર દ્વારા રૂ. 660 કરોડથી વધારેનાં ખર્ચે કરવામાં આવ્યું છે.

કૅન્સર હૉસ્પિટલ 300 બેડની ક્ષમતા ધરાવતી ટર્શરી કેર હૉસ્પિટલ છે. તે સર્જરી, રેડિયોથેરાપી અને મેડિકલ ઓન્કોલોજી – કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી દરેક ઉપલબ્ધ સારવાર પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમામ પ્રકારના કૅન્સરની સારવાર માટે આધુનિક સુવિધાઓથી સજ્જ છે.

આ હૉસ્પિટલ આ વિસ્તારમાં કૅન્સરની સારસંભાળ અને સારવારના હબની જેમ કામ કરશે, જેમાં સંગરુરની 100 પથારીવાળી હૉસ્પિટલ તેની સ્પોકતરીકે કામ કરશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com