Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના ભીમાવરમમાં સુપ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની વર્ષભરની 125મી જન્મજયંતિની ઉજવણીનો પ્રારંભ કર્યો

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના ભીમાવરમમાં સુપ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની વર્ષભરની 125મી જન્મજયંતિની ઉજવણીનો પ્રારંભ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આંધ્રપ્રદેશના ભીમાવરમમાં સુપ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની વર્ષભરની 125મી જન્મજયંતિની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે આંધ્રપ્રદેશના રાજ્યપાલ શ્રી બિશ્વભૂષણ હરિચંદન, મુખ્યમંત્રી શ્રી વાય એસ જગન મોહન રેડ્ડી, કેન્દ્રીય મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી ઉપસ્થિત રહ્યા હતા.

સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આટલા સમૃદ્ધ વારસા સાથે આંધ્રપ્રદેશની મહાન ભૂમિને સલામ કરવાનો અવસર મેળવીને તેઓ સૌભાગ્યની લાગણી અનુભવી રહ્યા છે. તેમણે આઝાદી કા અમૃત મહોત્સવ, અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિ અને રામ્પા વિદ્રોહના 100 વર્ષ જેવા મુખ્ય કાર્યક્રમોના સંગમની નોંધ લીધી. પ્રધાનમંત્રીએ મહાન માન્યમ વીરુડુ અલ્લુરી સીતારામ રાજુની સ્મૃતિને નમન કર્યા અને સમગ્ર દેશ વતી તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમણે મહાન સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારના સભ્યોને મળીને ખુશી પણ વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશની પરંપરામાંથી ઉભરી આવેલા ‘આદિવાસી પરમ્પરા’ અને સ્વાતંત્ર્ય સેનાનીને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે અલુરી સીતારામ રાજુ ગરુની 125મી જન્મજયંતિ અને રામપા ક્રાંતિની 100મી વર્ષગાંઠ આખા વર્ષ દરમિયાન ઉજવવામાં આવશે. પાંડરંગી ખાતે તેમના જન્મસ્થળનું પુનઃસ્થાપન, ચિંતપલ્લી પોલીસ સ્ટેશનનું નવીનીકરણ, મોગલ્લુ ખાતે અલુરી ધ્યાન મંદિરનું નિર્માણ, આ કાર્યો અમૃત મહોત્સવની ભાવનાના પ્રતિક છે, એમ તેમણે જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ પણ કહ્યું કે આજનો કાર્યક્રમ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરાક્રમી કાર્યોથી દરેકને જાગૃત કરવાના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે સ્વાતંત્ર્ય સંગ્રામ એ માત્ર અમુક વર્ષોનો, અમુક વિસ્તારોનો કે અમુક લોકોનો ઈતિહાસ નથી. આ ઈતિહાસ ભારતના ખૂણે ખૂણે ત્યાગ, મક્કમતા અને બલિદાનનો ઈતિહાસ છે. “આપણી સ્વતંત્રતા ચળવળનો ઈતિહાસ આપણી વિવિધતા, સંસ્કૃતિ અને એક રાષ્ટ્ર તરીકે આપણી એકતાની તાકાતનું પ્રતીક છે”, તેમ તેમણે ઉમેર્યું હતું.

અલુરી સીતારામ રાજુને ભારતની સંસ્કૃતિ, આદિવાસી ઓળખ, શૌર્ય, આદર્શો અને મૂલ્યોનું પ્રતીક ગણાવતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે સીતારામ રાજુ ગરુના જન્મથી લઈને તેમના બલિદાન સુધીની તેમની જીવનયાત્રા આપણા બધા માટે પ્રેરણારૂપ છે. તેમણે આદિવાસી સમાજના અધિકારો, તેમના સુખ-દુઃખ અને દેશની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. “અલ્લુરી સીતારામ રાજુ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે જે દેશને એકતાના એક દોરામાં જોડે છે”, એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતના અધ્યાત્મવાદે અલ્લુરી સીતારામ રાજુને કરુણા અને દયાની ભાવના, આદિવાસી સમાજ માટે ઓળખ અને સમાનતાની ભાવના, જ્ઞાન અને હિંમત આપી. અલુરી સીતારામ રાજુના યુવાનો અને રામ્પા વિદ્રોહમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા યુવાનોની નોંધ લેતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનું બલિદાન આજે પણ સમગ્ર રાષ્ટ્ર માટે ઊર્જા અને પ્રેરણાનો સ્ત્રોત છે. દેશના યુવાનોએ સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ કર્યું. આજે, યુવાનો માટે દેશના વિકાસ માટે આગળ આવવાની આ શ્રેષ્ઠ તક છે,” એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું. તેમણે ધ્યાન દોર્યું કે “આજે, નવા ભારતમાં નવી તકો, માર્ગો, વિચાર પ્રક્રિયાઓ અને શક્યતાઓ છે અને આપણા યુવાનો આ શક્યતાઓને સાકાર કરવાની જવાબદારી ઉપાડી રહ્યા છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું કે આંધ્રપ્રદેશ વીર અને દેશભક્તોની ભૂમિ છે. અહીં પિંગાલી વેંકૈયા જેવા આઝાદીના નાયકો હતા, જેમણે દેશનો ધ્વજ તૈયાર કર્યો હતો. આ કાનેગંતી હનુમંથુ, કંદુકુરી વીરેસાલિંગમ પંતુલુ અને પોટ્ટી શ્રીરામુલુ જેવા નાયકોની ભૂમિ છે. પ્રધાનમંત્રીએ આગ્રહ કર્યો કે આજે, આપણા બધા દેશવાસીઓની જવાબદારી છે કે અમૃતકાળમાં આ લડવૈયાઓના સપનાને સાકાર કરીએ. આપણું નવું ભારત તેમના સપનાનું ભારત હોવું જોઈએ. એક ભારત – જેમાં ગરીબો, ખેડૂતો, મજૂરો, પછાત, આદિવાસીઓ બધા માટે સમાન તકો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં 8 વર્ષો દરમિયાન, સરકારે દેશના આદિવાસી સમુદાયના કલ્યાણ માટે અવિરતપણે કામ કર્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આઝાદી બાદ પ્રથમ વખત દેશમાં આદિવાસી ગૌરવ અને વારસાને પ્રદર્શિત કરવા માટે આદિવાસી સંગ્રહાલયોની સ્થાપના કરવામાં આવી રહી છે. આંધ્ર પ્રદેશના લામ્બાસિંગીમાં “અલ્લુરી સીતારામ રાજુ મેમોરિયલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર્સ મ્યુઝિયમ” પણ બનાવવામાં આવી રહ્યું છે. એ જ રીતે 15 નવેમ્બર, ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ તરીકે સીમાંકિત કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિદેશી શાસકોએ આદિવાસી સમુદાય પર સૌથી વધુ અત્યાચારો કર્યા અને તેમની સંસ્કૃતિને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે સ્કીલ ઈન્ડિયા મિશન દ્વારા આદિવાસી કલા અને કૌશલ્યોને નવી ઓળખ મળી રહી છે. વોકલ ફોર લોકલઆદિવાસી કલા કૌશલ્યને આવકનું સાધન બનાવી રહ્યું છે. દાયકાઓ જૂના કાયદાઓ જે આદિવાસીઓને વાંસ જેવી વન પેદાશો કાપવાથી અટકાવતા હતા, અમે તેમને બદલ્યા અને તેમને વન પેદાશો પર અધિકાર આપ્યા, એમ તેમણે જણાવ્યું હતું. એ જ રીતે, એમએસપી પ્રાપ્તિ માટે વન ઉત્પાદનોની સંખ્યા 12 થી વધીને 90 થી વધુ થઈ છે. 3000 થી વધુ વન ગન વિકાસ કેન્દ્ર અને 50,000 થી વધુ વન ગણ સ્વસહાય જૂથો આદિવાસી ઉત્પાદનો અને કલાને આધુનિક તકો સાથે જોડે છે. મહત્વાકાંક્ષી જિલ્લા યોજનાઓ આદિવાસી જિલ્લાઓને ઘણો લાભ કરશે અને, શિક્ષણના મોરચે, 750 થી વધુ એકલવ્ય મોડલ શાળાઓની સ્થાપના કરવામાં આવી રહી છે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ માતૃભાષામાં શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું “માન્યમ વીરુડુ” અલ્લુરી સીતારામ રાજુએ અંગ્રેજો સાથેના સંઘર્ષ દરમિયાન બતાવ્યું કે – દમ હૈ તો મુઝે રોક લો‘- જો તમે રોકી શકો તો મને રોકો. આજે દેશ ઘણાં પડકારોનો પણ સામનો કરી રહ્યો છે. એ જ હિંમત સાથે, 130 કરોડ દેશવાસીઓ, એકતા અને શક્તિ સાથે, દરેક પડકારને કહી રહ્યા છે – દમ હૈ તો હમેં રોક લો‘, એમ કહી પ્રધાનમંત્રીએ સમાપન કર્યું હતું.

ઘટનાની પૃષ્ઠભૂમિ

આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે, સરકાર સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને યોગ્ય માન્યતા આપવા અને દેશભરના લોકોને તેમના વિશે જાગૃત કરવા પ્રતિબદ્ધ છે. પ્રયાસના ભાગરૂપે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભીમાવરમમાં સુપ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની વર્ષભરની 125મી જન્મજયંતિની ઉજવણીની શરૂઆત કરી. 4મી જુલાઈ 1897ના રોજ જન્મેલા અલ્લુરી સીતારામ રાજુને પૂર્વ ઘાટ ક્ષેત્રમાં આદિવાસી સમુદાયોના હિતોની રક્ષા કરવા માટે બ્રિટિશરો સામેની તેમની લડાઈ માટે યાદ કરવામાં આવે છે. તેમણે રામ્પા વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું, જે 1922 માં શરૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો દ્વારા તેમને “મન્યમ વીરુડુ” (જંગલનો હીરો) તરીકે ઓળખવામાં આવે છે.

સરકારે વર્ષભરની ઉજવણીના ભાગરૂપે શ્રેણીબદ્ધ પહેલ કરવાની યોજના બનાવી છે. વિઝિયાનગરમ જિલ્લાના પાંડરંગી ખાતે અલ્લુરી સીતારામ રાજુનું જન્મસ્થળ અને ચિંતપલ્લી પોલીસ સ્ટેશન (રામ્પા વિદ્રોહના 100 વર્ષ નિમિત્તે – આ પોલીસ સ્ટેશન પરનો હુમલો રામ્પા વિદ્રોહની શરૂઆત તરીકે ચિહ્નિત થયેલ છે) પુનઃસ્થાપિત કરવામાં આવશે. સરકારે ધ્યાન મુદ્રામાં અલુરી સીતારામ રાજુની પ્રતિમા સાથે મોગલ્લુ ખાતે અલ્લુરી ધ્યાન મંદિરના નિર્માણને પણ મંજૂરી આપી છે, જેમાં ભીંતચિત્રો અને AI-સક્ષમ ઇન્ટરેક્ટિવ સિસ્ટમ દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીની જીવનગાથા દર્શાવવામાં આવી છે.

***

SD/GP/

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com