Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જાપાનના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રીની મુલાકાત

જાપાનના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રીની મુલાકાત


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ફ્યુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. પ્રધાનમંત્રી શ્રી કિશિદાએ પ્રધાનમંત્રી શ્રી મોદી માટે ડિનરનું પણ આયોજન કર્યું હતું. તેઓએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધારવા તેમજ કેટલાક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર મંતવ્યોનું ઉત્પાદક આદાનપ્રદાન કર્યું હતું.

બંને નેતાઓ સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્ર સહિત દ્વિપક્ષીય સુરક્ષા અને સંરક્ષણ સહયોગને વધુ વધારવા સંમત થયા હતા. તેઓએ સંમતિ દર્શાવી કે આગામી 2+2 વિદેશ અને સંરક્ષણ મંત્રી સ્તરની બેઠક વહેલી તકે જાપાનમાં યોજવામાં આવી શકે છે.

બંને નેતાઓએ બંને દેશો વચ્ચે વધી રહેલા આર્થિક સંબંધોની પ્રશંસા કરી હતી. તેઓ સંમત થયા કે બંને પક્ષોએ આગામી પાંચ વર્ષમાં જાપાનથી ભારતમાં 5 ટ્રિલિયન યેન જાહેર અને ખાનગી રોકાણ અને ધિરાણના તેમના નિર્ણયને અમલમાં મૂકવા માટે સંયુક્ત રીતે કામ કરવું જોઈએ. પ્રધાનમંત્રીએ ગતિ શક્તિ પહેલ દ્વારા વ્યાપાર કરવાની સરળતા-ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ, લોજિસ્ટિક્સમાં સુધારો કરવા માટે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાં પર પ્રકાશ પાડ્યો અને પ્રધાનમંત્રી શ્રી કિશિદાને ભારતમાં જાપાની કંપનીઓ દ્વારા વધુ રોકાણને સમર્થન આપવા વિનંતી કરી. આવાં રોકાણો સ્થિતિસ્થાપક પુરવઠા શૃંખલા બનાવવામાં મદદ કરશે અને પરસ્પર ફાયદાકારક રહેશે. આ સંદર્ભમાં, પ્રધાનમંત્રી શ્રી મોદીએ પ્રશંસા કરી કે જાપાની કંપનીઓ ભારતમાં તેમનું રોકાણ વધારી રહી છે અને 24 જાપાનીઝ કંપનીઓએ વિવિધ PLI યોજનાઓ હેઠળ સફળતાપૂર્વક અરજી કરી છે.

બંને નેતાઓએ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટનાં અમલીકરણમાં થયેલી પ્રગતિની નોંધ લીધી હતી અને આ પ્રોજેક્ટ માટે ત્રીજા તબક્કાની લોનની નોંધોના વિનિમય પર હસ્તાક્ષરનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ માહિતી અને સંદેશાવ્યવહાર તકનીકોના વધતા મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને આ સંદર્ભે નેક્સ્ટ જનરેશન કોમ્યુનિકેશન ટેક્નોલોજીના વિકાસમાં બંને પક્ષોનાં ખાનગી ક્ષેત્રો વચ્ચે વધુ સહયોગને પ્રોત્સાહન આપવા સંમત થયા હતા. તેઓએ 5G, 5Gથી આગળ  અને સેમિ કન્ડક્ટર્સ જેવી નિર્ણાયક અને ઉભરતી તકનીકોમાં સહયોગની શક્યતાઓની પણ ચર્ચા કરી. બંને પ્રધાનમંત્રીઓ ગ્રીન હાઇડ્રોજન સહિત સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે સહકારને વધુ ગાઢ બનાવવા માટે પણ સંમત થયા હતા અને આ સંદર્ભે, વધુને વધુ વેપારથી વેપાર સહયોગને પ્રોત્સાહન આપ્યું હતું.

બંને નેતાઓ લોકો-થી-લોકોનાં જોડાણને વધુ વેગ આપવા સંમત થયા હતા. પ્રધાનમંત્રી શ્રી કિશિદાએ નોંધ્યું હતું કે આવાં જોડાણો દ્વિપક્ષીય સંબંધોની કરોડરજ્જુ બનવી જોઈએ. આ સંદર્ભમાં, તેઓએ સ્પેસિફાઈડ સ્કીલ્ડ વર્કર્સ (SSW) પ્રોગ્રામનાં અમલીકરણમાં પ્રગતિની નોંધ લીધી અને આ કાર્યક્રમને વધુ વધારવા માટે સંમત થયા. કોવેક્સિન અને કોવીશિલ્ડ રસીકરણ પ્રમાણપત્રો ધરાવનારા ભારતના પ્રવાસીઓ માટે જાપાનમાં ક્વોરેન્ટાઇન ફ્રી એન્ટ્રીની સુવિધા આપવા માટે પ્રધાનમંત્રી શ્રી મોદીએ મુસાફરી પ્રતિબંધોને વધુ હળવા કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. બંને નેતાઓએ સહમતિ દર્શાવી કે ભારત-જાપાન એક્ટ ઈસ્ટ ફોરમ ભારતના ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસને પ્રાથમિકતા આપવા માટે ઉપયોગી છે અને વાર્ષિક સમિટ દરમિયાન બંને પક્ષો દ્વારા ઓળખવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટનાં વહેલાં અમલીકરણ માટે આશાવાદી છે.

બંને નેતાઓએ તાજેતરના વૈશ્વિક અને પ્રાદેશિક વિકાસ પર વિચારોની આપ-લે કરી હતી. તેઓએ ઈન્ડો-પેસિફિક પ્રત્યેના પોતપોતાના અભિગમોમાં એકરૂપતાની નોંધ કરી અને મુક્ત, ખુલ્લાં અને સમાવેશી ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. આ સંદર્ભમાં, તેઓએ ક્વાડની સમકાલીન અને રચનાત્મક કાર્યસૂચિ જેમ કે રસી, શિષ્યવૃત્તિ, જટિલ તકનીકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રગતિનું સ્વાગત કર્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ મુલાકાત દરમિયાન તેમને અને તેમનાં પ્રતિનિધિમંડળના સભ્યોને આપવામાં આવેલી ઉષ્મા અને આતિથ્ય સત્કાર માટે પ્રધાનમંત્રી શ્રી કિશિદાનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી શ્રી કિશિદાએ પ્રધાનમંત્રી શ્રી મોદીને આગામી વાર્ષિક દ્વિપક્ષીય શિખર સંમેલન માટે જાપાનની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું, જેને આનંદ સાથે સ્વીકારવામાં આવ્યું.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com