Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ક્વાડ નેતાઓની શિખર મંત્રણામાં ભાગ લીધો

પ્રધાનમંત્રીએ ક્વાડ નેતાઓની શિખર મંત્રણામાં ભાગ લીધો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 મે 2022ના રોજ જાપાનના ટોક્યો ખાતે રૂબરૂ યોજવામાં આવેલી ક્વાડ નેતાઓની બીજી શિખર મંત્રણમાં ભાગ લીધો હતો. આ શિખર મંત્રણામાં જાપાનના પ્રધાનમંત્રી ફુમિઓ કિશિદા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બેનીઝ પણ જોડાયા હતા. માર્ચ 2021માં આ નેતાઓની પ્રથમ વર્ચ્યુઅલ બેઠક યોજાઇ ત્યારથી આજદિન સુધીમાં આ નેતાઓ વચ્ચે ચોથી વખત આ સંવાદ યોજાયો છે. અગાઉ સપ્ટેમ્બર 2021માં વૉશિંગ્ટન ડી.સી. ખાતે અને માર્ચ 2022માં વર્ચ્યુઅલ માધ્યમથી મંત્રણા યોજાઇ હતી.  

નેતાઓએ મુક્ત, ખુલ્લા અને સહિયારા ઇન્ડો-પેસિફિક અને સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતા અને વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણના સિદ્ધાંતોને ટકાવી રાખવાના મહત્વ માટે તેમની સહિયારી કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે ઇન્ડો-પેસિફિકમાં વિકાસ અને યુરોપમાં સંઘર્ષ અંગે પોતાના દૃષ્ટિકોણનું આદાનપ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, શત્રુતા ખતમ કરવા, મંત્રણાઓ ફરી શરૂ કરવા અને મુત્સદ્દીગીરીની જરૂરિયાત પર ભારતની સાતત્યપૂર્ણ અને સૈદ્ધાંતિક સ્થિતિ રહી છે. આ નેતાઓએ હાલમાં ચાલી રહેલા ક્વાડ સહયોગ અને ભવિષ્ય માટેના તેમની દૂરંદેશીની સ્થિતિ અંગે પણ માહિતી મેળવી હતી.

નેતાઓએ આતંકવાદ સામે લડવાની તેમની ઇચ્છાનો પુનરોચ્ચાર કર્યો હતો, આતંકવાદી પ્રોક્સીઓના ઉપયોગની ટીકા કરી હતી અને આતંકવાદી જૂથોને કોઇપણ લોજિસ્ટિકલ, આર્થિક અથવા લશ્કરી સમર્થનને નકારવાના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. આનો ઉપયોગ સરહદ પારના હુમલાઓ સહિત આતંકવાદી હુમલાઓને અંજામ આપવા અથવા તેનું આયોજન કરવા માટે થઇ શકે છે.

ક્વાડ દ્વારા હાલમાં કોવિડ-19 મહામારીને નાથવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની સમીક્ષા કરતા નેતાઓએ ભારતમાં બાયોલોજિકલ-ઇ સુવિધાની વિનિર્માણ ક્ષમતામાં કરવામાં આવેલી વૃદ્ધિને આવકારી હતી અને WHO દ્વારા EUL મંજૂરી આપવામાં વધુ ઝડપ આવે તે માટે આહ્વાન કર્યું હતું જેથી રસીની ડિલિવરી કરવાનું શરૂ થઇ શકે. નેતાઓએ ક્વાડ રસી ભાગીદારી હેઠળ એપ્રિલ 2022માં થાઇલેન્ડ અને કંબોડિયાને ભારત દ્વારા મેડ ઇન ઇન્ડિયા રસીના 525,000 ડોઝ ભેટ રૂપે આપવામાં આવ્યા તે કાર્યને આવકાર્યું હતું. તેઓ છેવાડાના માણસ સુધી રસી પહોંચાડીને અને વિતરણ સંબંધિત પડકારોનો ઉકેલ લાવીને, જીનોમિક સર્વેલન્સ દ્વારા અને તબીબી પરીક્ષણોમાં સહકાર દ્વારા પ્રાદેશિક આરોગ્ય સુરક્ષામાં વધારો કરીને તેમજ વૈશ્વિક આરોગ્ય સુરક્ષા માળખાને પ્રોત્સાહન આપીને મહામારીના નિયંત્રણ માટે એક સર્વગ્રાહી અભિગમ અપનાવવાનું ચાલુ રાખશે.

ક્વાડ આબોહવા કામગીરી અને શમન પેકેજ (Q-CHAMP)ની જાહેરાત કરવામાં આવી હતી. ગ્રીન શિપિંગ, ગ્રીન હાઇડ્રોજન અને આબોહવા અને આપદા પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની સ્વચ્છ ઊર્જા તરફના પ્રયાસોને મજબૂત કરવા માટે આ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ આબોહવા ફાઇનાન્સ અને ટેકનોલોજીના ટ્રાન્સફરની ગતિશીલતા દ્વારા તેમની COP26 કટિબદ્ધતાઓ સાથે આ પ્રદેશમાં આવેલા દેશોને મદદ કરવાના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો.

હાલમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ અને ઉભરી ટેકનોલોજી સંબંધિત કાર્યના ભાગરૂપે, મહત્વપૂર્ણ ટેકનોલોજી પુરવઠા શ્રૃંખલા પરના સિદ્ધાંતોનું ક્વાડનું સામાન્ય નિવેદન લોન્ચ કરવામાં આવ્યું હતું. ચારેય દેશો ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમોનું સંકલન કરશે જેથી આ પ્રદેશના મહત્વપૂર્ણ સાઇબર સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપી શકાય. પ્રધાનમંત્રીએ ભરોસાપાત્ર વૈશ્વિક પુરવઠા શ્રૃંખલાઓનું નિર્માણ કરવા માટે ક્વાડ દ્વારા સહયોગનું આહ્વાન કર્યું હતું અને ભારતમાં સેમી-કન્ડક્ટર ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે ભારતમાં અપનાવવામાં આવી રહેલા રાષ્ટ્રીય માળખા વિશે વાત કરી હતી.

આ નેતાઓ દ્વારા ઇન્ડો-પેસિફિક માટે માનવીય સહાયતા અને આપદા રાહત (HADR) અંગે ક્વાડ ભાગીદારીની જાહેરાત કરવામાં આવી હતી જેથી આ પ્રદેશમાં આપદાની સ્થિતિમાં વધુ અસરકારક અને સમયસર પ્રતિભાવ આપી શકાય.

આબોહવા સંબંધિત ઘટનાઓ, આપદાની તૈયારી અને સમુદ્રી સંસાધનોના ટકાઉ ઉપયોગને ટ્રેક કરવામાં મદદ કરવા માટે ક્વાડ સેટેલાઇટ ડેટા પોર્ટલ દ્વારા પૃથ્વીના અવલોકન ડેટા પર આ ક્ષેત્રના દેશોને સંસાધનો પૂરા પાડવા માટે નેતાઓએ સંમતિ દર્શાવી હતી. ભારત સહિયારા વિકાસ માટે અવકાશ આધારિત ડેટા અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં પોતાની લાંબા સમયથી ચાલતી ક્ષમતાઓને ધ્યાનમાં રાખતા આ પ્રયાસમાં સક્રિય ભૂમિકા ભજવશે.  

ક્વાડ નેતાઓએ નવી ઇન્ડો-પેસિફિક સમુદ્રી ક્ષેત્ર જાગૃતિ પહેલને આવકારી હતી. આ પહેલ દેશોને HADR ની ઘટનાઓને પ્રતિસાદ આપવા અને ગેરકાયદે માછીમારી સામે લડવા માટે તેમની ક્ષમતા વધારવામાં મદદ કરે છે.

નેતાઓએ ASEAN ની એકતા અને કેન્દ્રિયતા માટેના પોતાના અખંડ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો અને આ પ્રદેશમાં ભાગીદારો સાથે પારસ્પરિક સહકાર મજબૂત કરવા માટે તત્પરતા દર્શાવી હતી.

પ્રધાનમંત્રીએ ક્વાડના સકારાત્મક અને રચનાત્મક એજન્ડાને પહોંચાડવાના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો અને આ પ્રદેશ માટે તેના સાકાર લાભો દર્શાવ્યા હતા. નેતાઓએ તેમની વચ્ચે સંવાદ અને વિચારવિમર્શ ચાલુ રાખવા અને 2023માં ઓસ્ટ્રેલિયા દ્વારા યોજવામાં આવનારી આગામી શિખર મંત્રણા માટે પ્રતિક્ષા કરી રહ્યા હોવા અંગે પણ સંમતિ દર્શાવી હતી.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com