Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

LBSNAA ખાતે 96મા કોમન ફાઉન્ડેશન કોર્સના વેલેડિક્ટરી સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

LBSNAA ખાતે 96મા કોમન ફાઉન્ડેશન કોર્સના વેલેડિક્ટરી સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


આપ સૌ યુવા સાથીઓને ફાઉન્ડેશન અભ્યાસ પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આજે હોળીનો તહેવાર છે. હું તમામ દેશવાસીઓને, આપ સૌને, એકેડમીના લોકોને તથા આપના પરિવારજનોને હોળીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. મને આનંદ છે કે આજે તમારી એકેડમી દ્વારા, સરદાર વલ્લભભાઈ પટેલ જી, લાલ બહાદુર શાસ્ત્રી જીને સમર્પિત પોસ્ટલ સર્ટિફિકેટ પણ જારી કરવામાં આવ્યા છે.
આજે નવા સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું ઉદઘાટન અને હેપ્પી વેલી કોમ્પલેક્સનું લોકાર્પણ થયું છે. આ સવલતો ટીમ ભાવનાની, આરોગ્ય અને ફિટનેસની ભાવનાને મજબૂત કરશે. સિવિલ સેવાઓને વધુ સ્માર્ટ અને સક્ષમ બનાવવામાં મદદ કરશે.

સાથીઓ,
છેલ્લા કેટલાક વર્ષોમાં મેં ઘણી બેચમાં સિવિલ સેવાકર્મીઓ સાથે વાત કરી છે, મુલાકાતો પણ કરી છે અને તેમની સાથે મેં ઘણો સમય વીતાવ્યો છે. પરંતુ તમારી બેચ છે ને તે મારી દૃષ્ટિએ એક ખાસ બેચ છે. તમે ભારતની આઝાદીના 75મા વર્ષમાં આ અમૃત મહોત્સવના સમયે તમારી કામગીરી શરૂ કરી રહ્યા છો. આપણામાંથી ઘણા બધા લોકો એ સમયે નહીં હોય જ્યારે ભારત તેની આઝાદીના 100મા વર્ષમાં પ્રવેશ કરશે. પરંતુ તમારી આ બેચ એ વખતે પણ હશે. તમે પણ હશો. આઝાદીના આ અમૃતકાળમાં આગામી 25 વર્ષમાં દેશ જેટલો વિકાસ કરશે. તે  તમામમાં તમારી વાતો, તમારી આ ટીમની ઘણી મોટી ભૂમિકા રહેશે.

સાથીઓ,
21
મી સદીના જે મુકામ પર આજે ભારત છે, સમગ્ર દુનિયાની નજર આજે હિન્દુસ્તાન પર ચોંટેલી છે. કોરોનાએ જે પરિસ્થિતિઓ પેદા કરી છે તેમાં એક નવી વિશ્વ વ્યવસ્થા ઉભરી રહી છે.
આ નવી વિશ્વ વ્યવસ્થામાં ભારતે પોતાની ભૂમિકા વધારવાની છે અને ઝડપી ગતિથી પોતાનો વિકાસ કરવાનો છે. છેલ્લા 75 વર્ષોમાં આપણે જે ઝડપથી પ્રગતિ કરી છે તેના કરતાં હવે કેટલાક ગણી વધારે ઝડપથી આગળ ધપવાનો સમય છે. આવનારા વર્ષોમાં આપ ક્યાંક કોઈ જિલ્લાને સંભાળી રહ્યા હશો, કોઈ વિભાગનું સંચાલન કરી રહ્યા હશો. ક્યાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મોટો પ્રોજેક્ટ તમારી રાહબરી હેઠળ ચાલી રહ્યો હશે. ક્યાંક તમે નીતિ વિષયક સ્તરે તમારા સૂચનો કરી રહ્યા હશો
આ તમામ કાર્યોમાં તમારે એક ચીજનું હંમેશાં ધ્યાન રાખવાનું છે અને તે છે 21મી સદીના ભારતનું સૌથી મોટું લક્ષ્યાંક. આ લક્ષ્યાંક છે આત્મનિર્ભર ભારતનું, આધુનિક ભારતનું લક્ષ્યાંક. આ સમયને આપણે ગુમાવવાનો નથી અને તેથી જ આજે હું તમારી વચ્ચે ઘણી બધી અપેક્ષાઓ લઈને આવ્યો છું. આ અપેક્ષાઓ તમારા અસ્તિત્વ સાથે પણ સંકળાયેલી છે અને આપના કર્તવ્યો સાથે પણ સંકળાયેલી છે. તમારા કામ કરવાની પદ્ધતિઓ સાથે પણ અને કાર્ય પ્રણાલિ સાથે પણ જોડાયેલી છે. અને તેથી જ હું પ્રારંભ કરું છું એવી કેટલીક નાની નાની વાતોથી જે બની શકે છે કે તમારા વ્યક્તિત્વ માટે કામમાં આવી જાય.

સાથીઓ,
તાલીમ દરમિયાન તમને સરદાર પટેલજીના વિઝન, તેમના વિચારોથી માહિતગાર કરવામાં આવ્યા છે. સેવા ભાવ અને કર્તવ્ય ભાવ, આ બંનેનું મહત્વ તમારી તાલીમનો અભિન્ન હિસ્સો રહ્યો છે. તમે જેટલા વર્ષ પણ આ સેવામાં રહેશો તે દરમિયાન તમારી વ્યક્તિગત અને વ્યવસાયિક સફળતાના માપદંડ આ જ બાબતો રહેવી જોઈએ. ક્યાંક એવું તો નથી કે સેવા ભાવ ઓછો રહ્યો હોય, આ વાત, આ સવાલ દર વખતે પોતાની જાતને પૂછવો જોઇએ. સમીક્ષા કરવી જોઈએ અને ક્યાંક આ લક્ષ્યને આપણે અદૃશ્ય થતો તો જોઈ રહ્યા નથી ને, હંમેશાં આ લક્ષ્યાંકને સામે રાખજો. તેમાં ના તો ડાયવર્ઝન આવવું જોઇએ કે ના તો ધ્યાન ભટકવું જોઇએ. આ બાબત આપણે સૌએ જોઇ છે કે જે કોઈ વ્યક્તિમાં સેવા ભાવ ઘટ્યો, જે કોઈમાં સત્તા ભાવ હાવી થયો પછી તે વ્યક્તિ હોય કે વ્યવસ્થા, તે તમામને મોટું નુકસાન થયું છે. કોઈનું તરત જ થઈ જાય તો કોઈનું મોડેથી નુકસાન થાય પણ નુકસાન થવું તો નક્કી જ છે.

સાથીઓ,
હું માનું છું કે તમને અન્ય એક વાત કામ આવી શકે છે. આપણે જ્યારે ફરજના વિચારો અને હેતૂનો વિચારો સાથે કામ કરીએ છીએ તો ક્યારેય કોઈ કાર્ય આપણને બોજ લાગતું નથી. આપ સૌ પણ અહીં એક હેતુ સાથે આવ્યા છો. તમે સમાજ માટે, દેશ માટે એક પરિવર્તનનો હિસ્સો બનવા આવ્યા છો. આદેશ આપીને કામ કરાવવામાં અને અન્યને કર્તવ્ય બોધથી પ્રેરિત કરીને આ બંનેમાં કામ કરાવવાની આ બંને પદ્ધતિમાં આસમાનજમીનનો ફરક છે. ઘણો મોટો તફાવત છે. આ એક લીડરશીપના ગુણો છે. હું માનું છું કે આ બાબત તમને તમારી જાતમાં વિકસીત કરશે. ટીમ સ્પિરીટ માટે આ અનિવાર્ય છે. તેમાં કોઈ જાતના સમાધાન શક્ય નથી. તેને કરવું અત્યંત જરૂરી છે.

સાથીઓ,
અત્યારથી થોડા જ મહિનાઓ બાદ તમે ફિલ્ડમાં કામ કરવા જશો. તમારા ભવિષ્યના જીવનને, હવે તમને ફાઇલો અને ફિલ્ડ વચ્ચેનો ફરક સમજતા સમજતા કામ કરવાનું રહેશે. અને મારી આ વાત તમે જીવનભર યાદ રાખજો કે ફાઇલોમાં જે આંકડા હોય છે તે માત્ર સંખ્યા હોતી નથી. દરેક આંકડો, દરેક સંખ્યા એક જીવન હોય છે. તે જીવનના કેટલાક સપનાઓ હોય છે, તે જીવનની કેટલીક અપેક્ષાઓ હોય છે, એ જીવન સામે કેટલીક મુશ્કેલીઓ હોય છે, પડકારો હોય છે. અને તેથી જ તમારે એક સંખ્યા માટે નહીં પરંતુ પ્રત્યેક જીવન માટે કામ કરવાનું હોય છે. હું તમારી સમક્ષ મારા મનની અન્ય એક ભાવના રાખવા માગું છું. અને આ મંત્ર તમને નિર્ણય લેવાની હિંમત પણ આપશે અને તેને અનુસરશો તો તમારી ભૂલ કરવાની શક્યતા પણ ઓછી રહેશે.

સાથીઓ,
તમે જ્યાં પણ જશો, તમારામાં એક ઉત્સાહ હશે, ઉમંગ હશે, કાંઇક નવું કરવાનો જુસ્સો હશે, ઘણું બધું હશે, હું આમ કરી નાખીશ, હું તેમ કરી નાખીશ, હું આ બદલી નાખીશ, તેને ઉપાડીને પટકી દઇશ, તમારા મનમાં આ બધું જ હશે. પરંતુ હું તમને આગ્રહ કરીશ કે મનમાં આવો વિચાર જ્યારે પણ આવે કે હા, આ બરાબર નથી, પરિવર્તન થવું જોઇએ તો તમને વર્ષો અગાઉની આવી ઘણી પરિસ્થિતિઓ જોવા મળશે, એવા અનેક નિયમો, કાયદાઓ મળશે જે તમને અયોગ્ય, અસ્થાને લાગતા હશે, પસંદ નહીં આવતા હોય, તમને લાગશે કે આ તમામ બોજારૂપ છે. અને એ તમામ બાબતો ખોટી હશે તેવું હું નથી કહેતો, હશે. તમારી પાસે સત્તા હશે તો મન નહીં થાય કે આ નહી તે કરો, પેલું નહીં ફલાણું કરો, ફલાણી નહીં ફલાણી ચીજ કરો. આવું બધું થઈ જશે. પરંતુ થોડી ધીરજ રાખીને, થોડો વિચાર કરીને હુ જે માર્ગ દેખાડું છું તેની ઉપર ચાલી શકશો ખરા
એક સલાહ આપવા માગું છું, તે વ્યવસ્થા કેમ બની અથવા તો તે નિયમ શા માટે ઘડાયો, કેવી પરિસ્થિતિઓમાં ઘડાયો, કયા વર્ષમાં ઘડાયો, એ વખતની પરિસ્થિતિ, સંજોગો કેવા હતા. ફાઇલના એક એક શબ્દોને, એક એક પરિસ્થિતિને તમે કલ્પના કરી જૂઓ કે 20 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ અગાઉ શું બન્યું હશે તેના મૂળ હેતૂને સમજવાનો ચોક્કસ પ્રયાસ કરજો. અને પછી વિચારો કે એટલે કે સંપૂર્ણ અભ્યાસ કરજો કે આ વ્યવસ્થા અમલી બનાવવામાં આવી તેની પાછળ કોઈનેકોઈ તર્ક  હશે, કોઈ સમજ હશે, કોઈ વિચાર હશે, કોઈ જરૂરિયાત હશે. એ વાતના મૂળ સુધી જજો કે જ્યારે આ નિયમ બનાવવામાં આવ્યો તો તેની પાછળનું કારણ શું હતું. જ્યારે તમે અધ્યયન કરશો, કોઈ વાતના મૂળ સુધી જશો તો પછી તમે તે સમસ્યાનો કાયમી ઉકેલ પણ આપી શકશો. ઉતાવળમાં કરાયેલી બાબતો તમને તાત્કાલિક તો સારી લાગશે પરંતુ કાયમી ઉકેલ નહીં લાવી આપે. અને આ તમામ બાબતોના ઉંડાણમાં જવાથી એ ક્ષેત્રમાં તમારામાં સંચાલન શક્તિ મજબૂત પકડમાં આવી જશે. અને આ તમામ બાબતો કર્યા બાદ જ્યારે તમારે નિર્ણય લેવાનો આવે તો વધુ એક વાત યાદ રાખજો. મહાત્મા ગાંધી હંમેશાં કહેતા હતા કે જો તમારા નિર્ણયથી સમાજની છેલ્લામાં છેલ્લી હરોળની વ્યક્તિને લાભ થશે તો પછી તમે એ નિર્ણય લેવામાં સંકોચ રાખશો નહીં. ખચકાટ અનુભવતા નહીં. હું તેમાં વધુ એક બાબત ઉમેરવા માગું છું કે તમે જે કાંઈ પણ નિર્ણય લો, જે કોઈ પણ વ્યવસ્થામાં પરિવર્તન કરો તો સમગ્ર ભારતના સંદર્ભમાં જરૂર વિચારજો કેમ કે આપણે ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. આપણા દિમાગમાં નિર્ણય ભલે સ્થાનિક હશે પરંતુ સ્વપ્ન સમગ્ર દેશનું હશે.

સાથીઓ,
આઝાદીનો આ અમૃત મહોત્સવમાં આપણે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મને આગામી સ્તરે લઈ જવાનું છે. અને તેથી જ આજનું ભારત સૌના પ્રયાસની ભાવના સાથે આગળ ધફી રહ્યું છે. તમારે પણ તમારા પ્રયાસોની વચ્ચે એ સમજવાનું છે કે સૌનો પ્રયાસ, સૌની ભાગીદારીની તાકાત શું હોય છે. તમારા કાર્યોમાં તમે જેટલી વધારે વ્યવસ્થામાં જેટલા પણ ભાગ છે તે તમામને સાંકળવાનો પ્રયાસ કરો, દરેક તત્વોને જોડીને પ્રયાસ કરો, તો તે તો એક પ્રથમ પગલું હશે, પ્રથમ સર્કલ બની ગયું. પરંતુ મોટા સર્કલમાં સામાજિક સંગઠનોને આવરી લો, પછી સામાન્ય વ્યક્તિને સાંકળી લો. એક રીતે સૌનો  પ્રયાસમાં સમાજની છેલ્લામાં છેલ્લી વ્યક્તિ પણ તમારા પ્રયાસોનો હિસ્સો હોવી જોઇએ. તેની ઓનરશિપ હોવી જોઇએ. અને જો આ કાર્ય તમે કરો છો તો તમને કલ્પના નહીં હોય તેટલી તમારી તાકાત વધી જશે.
હવે ધારી લો કે કોઈ મોટા શહેરમાં આપણે ત્યાં નગર નિગમ છે જ્યાં તેની પાસે અનેક સફાઈ કર્મચારી હોય છે અને તેઓ એટલો પરિશ્રમ કરે છે. તેઓ પણ શહેરને સ્વચ્છ રાખવા માટે ભારે મહેનત કરે છે પરંતુ તેમના પ્રયાસો સાથે પ્રત્યેક પરિવાર જોડાઈ જાય, પ્રત્યેક નાગરિક જોડાઈ જાય તો ગંદકી નહીં થવા દેવાનો સંકલ્પ જન આંદોલન બની જાય તો મને કહો કે તે સફાઈ કરનારાઓ માટે પણ પ્રત્યેક દિવસ એક ઉત્સવ બની જશે કે નહીં બને. જે પરિણામ મળે છે તે અનેક ગણા વધી જશે કે નહીં વધે. કેમ કે સૌના પ્રયાસ એક સકારાત્મક પરિણામ લાવે છે. જ્યારે જન ભાગીદારી થાય છે ત્યારે એક વત્તા એક બરાબર બે નથી થતા પરંતુ એક અને એક મળીને 11 થઈ જાય છે.

સાથીઓ,
આજે હું તમને વધુ એક લક્ષ્યાંક આપવા માગું છું. આ લક્ષ્યાંક તમારે તમારી સમગ્ર કારકિર્દી દરમિયાન કરતા રહેવાનો ટાસ્ક છે. એક રીતે તેને તમારા જીવનનો એક હિસ્સો બનાવી દો, એક આદત બનાવી દો, અને સંસ્કારની મારી સીધે સીધી વ્યાખ્યા એ છે કે પ્રયત્નપૂર્વક વિકસીત કરાયેલી એક સારી આદતનો મતલબ છે સંસ્કાર.
તમે જ્યાં પણ કામ કરો, જે કોઈ પણ જિલ્લામાં કાર્ય કરો, તમે મનમાં નક્કી કરી લો કે આ જિલ્લામાં એટલી બધી મુશ્કેલીઓ છે. એટલી બધી પરેશાનીઓ છે, જ્યાં પહોંચવું જોઇએ ત્યાં નથી પહોંચતું તો તમારી સમીક્ષા થશે. તમારા મનમાં એમ પણ થશે કે અગાઉના લોકોએ શા માટે પણ કેમ આ ના કર્યું, પેલું ના કર્યું. બધુ જ થશે. શું તમે એ ક્ષેત્રમાં, પછી તે નાનું ક્ષેત્ર હોય કે મોટું ક્ષેત્ર હોયએ નક્કી કરી શકો છો કે જે પાંચ પડકાર છે તેને હું ઓળખી લઇશ. અને એવા પડકારો જે એ ક્ષેત્રના લોકોના જીવનમાં પરેશાની વધારે છે અને તેમના વિકાસમાં અવરોધ પેદા કરીને ઉભેલી છે. એવા પડકાર શોધવાના છે.
સ્થાનિક સ્તરે તમારા દ્વારા તેની ઓળખ અત્યંત જરૂરી છે. અને આ શા માટે જરૂરી છે તે પણ હું તમને કહું છું. જ્યારે અમે સરકારમાં આવ્યા તો અમે પણ આ પ્રકારના પડકારો શોધી કાઢયા હતા. એક વાર પડકારની ખબર પડી ગઈ તો અમે ઉકેલ તરફ આગળ ધપ્યાહવે આઝાદીના આટલા બધા વર્ષ થઈ ગયા તો ગરીબો માટે પાક્કા ઘર હોવા જોઇએ કે નહીં હોવા જોઇએ તે એક પડકાર હતો. અમે આ પડકારને ઝીલી લીધો. અમે તેમના પાક્કા મકાન આપવાનો નિર્ધાર કરી લીધો અને પીએમ આવાસ યોજનાનો ઝડપી ગતિથી વ્યાપ વધારી દીધો. દેશમાં આવા અનેક જિલ્લાઓમાં મોટા પડકાર હતા જે જિલ્લાઓ વિકાસની દોડમાં દાયકાઓથી પાછળ હતા. એક રાજ્ય છે જે ઘણું આગળ છે પરંતુ બે જિલ્લા ઘણા પાછળ છેએક જિલ્લો ઘણો આગળ છે પરંતુ બે બ્લોક ઘણા પાછળ છે. અમે રાષ્ટ્રના રૂપમાં, ભારતના રૂપમાં એક વિચાર રજૂ કર્યો કે આવા જિલ્લાઓ નિશ્ચિત કરવામાં આવે અને મહત્વાકાંક્ષી જિલ્લાઓનું એક અભિયાન ચલાવવામાં આવે અને તે જિલ્લાઓને રાજ્યોની સરેરાશ માનવામાં આવે. બની શકે તો નેશનલ એવરેજ સુધી લઈ જવામાં આવે.
આવી જ રીતે એક પડકાર હતો ગરીબોને વિજળીના જોડાણ આપવાનો, ગેસ કનેક્શન આપવાનો પડકાર. અમે સૌભાગ્ય યોજના શરૂ કરી, ઉજ્જવલા યોજના અમલી બનાવીને તેમને વિના મૂલ્યે ગેસ કનેક્શન આપવામાં આવ્યા. આઝાદી બાદ ભારતમાં પહેલી વાર એવું બની રહ્યું છે જ્યારે કોઈ એક સરકારે આ પ્રકારની વાત કરી છે અને તેના માટે યોજના પણ ઘડી છે. અમલી બનાવી છે.
હવે આ પરિપ્રેક્ષ્યમાં હું તમને વધુ એક ઉદાહરણ આપવા માગું છું. આપણે ત્યાં અલગ અલગ વિભાગોમાં તાલમેલના અભાવને કારણે પરિયોજનાઓ વર્ષોના વર્ષો સુધી અટકી પડેલી રહેતી હતી. આપણે એ પણ જોયું છે કે આજે માર્ગ બન્યો, તો કાલે ટેલિફોન વાળા આવીને તેને ખોદી ગયા, પરમ દિવસે ગટર વિભાગ વાળા આવીને તેને ખોદી ગયા, તાલમેલના અભાવને કારણે આ પડકારનો સામનો કરવા માટે અમે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન ઘડ્યો છે. તમામ સરકારી વિભાગોને, તમામ રાજ્યોને, તમામ સ્થાનિક એકમોને, તમામ હિસ્સેદારોને અગાઉથી જ જાણકારી હોય તે બાબત સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. એટલે કે તમે જ્યારે પડકારને ઓળખી લો છો તો ઉકેલ શોધીને તેની ઉપર કાર્ય કરવું પણ આસાન બની જશે.
મારો તમને આગ્રહ છે કે તમે પણ આવા 5, 7, 10 તમને જે યોગ્ય લાગે તેટલી સંખ્યામાં એવા કેટલા પડકાર છે કે જે તે ક્ષેત્રના લોકોને તેમાંથી મુક્તિ મળી જાય તો  આનંદને લહેર છવાઈ જશે. સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધી જશે. તમારા પ્રત્યેનો આદર વધી જશે. અને મનમાં નક્કી કરી લો કે મારા કાર્યકાળમાં આ ક્ષેત્રને  આ સમસ્યામાંથી મુક્ત કરીને જ રહીશ.
અને તમે સાંભળ્યું હશે કે આપણે ત્યાં શાસ્ત્રોમાં સ્વાંત સુખાયની વાત કહેવામાં આવી છે. ક્યારેક ક્યારેક જીવનમાં અનેક કામ કર્યા બાદ પણ જેટલો આનંદ મળતો નથી તેના કરતાં તમે એકાદ કામ નક્કી કરો અને તેને પૂર્ણઁ કરો તો સ્વતઃને સુખ મળે છે, આનંદ મળે છે અને જીવન ઉમંગોથી ભરાઈ જાય છે. ક્યારેય થાક લાગતો નથી. આવુ સ્વાંત સુખાય, તેની અનુભૂતિ એક પડકાર, બે પડકાર, પાંચ પડકાર ઉપાડીને તેને સંપૂર્ણપણે નાબૂદ કરી દેશો, તમારા તમામ સંસાધનોનો ઉપયોગ કરીને અથવા તો તમારા અનુભવનો ઉપયોગ કરીને, તમારી પ્રતિભાનો ઉપયોગ કરીને. તમે જો જો કે જીવન સંતોષથી, તે પડકારના સમાધાનથી સંતોષની જે તીવ્રતા હોય છે તે કેટલાય ઘણી શક્તિવાન હોય છે. તમારા કાર્યો પણ એવા હોવા જોઇએ જે મનને રાહત પહોંચાડે. અને જ્યારે તેનો લાભાર્થી તમને મળે તો લાગશે કે હા, આ સાહેબ હતા ને તો મારું સારું કામ થયું. આ ક્ષેત્ર છોડ્યાના 20 વર્ષ બાદ પણ ત્યાંના લોકો તમને યાદ કરે, અરે ભાઈ એ વખતે એક સાહેબ આવ્યા હતા ને આપણા વિસ્તારમાં તેઓ એક ઘણી જૂની સમસ્યાનું સમાધાન કરી ગયા હતા. ઘણું સારું કામ કરી ગયા હતા.
હું ઇચ્છીશ કે તમે પણ એવો વિષય શોધજો જેમાં તમે ગુણવત્તાસભર પરિવર્તન લાવી શકો. તેના માટે તમારે આંતરરાષ્ટ્રીય અભ્યાસના પાના ઉખેળવા પડે તો તેમ કરજો, કાનૂનનો અભ્યાસ કરવો પડે તો તમે કરજો, ટેકનોલોજીની મદદ લેવી પડે તો તેમ પણ કરજો તેમાં પણ પાછળ રહેતા નહીં. તમે વિચારો તમારા જેવા સેંકડો લોકોની શક્તિ  દેશના અલગ અલગ જિલ્લામાં એક સાથે કાર્યરત બનશે. તમે 300થી 400 લોકો છો તેનો અર્થ એ થયો કે દેશના અડધા જિલ્લામાં ક્યાંકને ક્યાંક તો તમારે પહોંચવાનું છે. તેનો અર્થ એ પણ થયો કે અડધા હિન્દુસ્તાનમાં તમે સાથે મળીને એક નવી આશાને જન્મ આપી શકો છો, તો કેટલું મોટું પરિવર્તન આવશે, તમે એકલા નથી પણ 400 જિલ્લામાં તમારા વિચારો, તમારા પ્રયાસો, તમારું આ ડગલું, તમારી શરૂઆત અડધા હિન્દુસ્તાનને પ્રભાવિત કરી શકે છે.

સાથીઓ,
સિવિલ સેવાના ટ્રાન્સફર્મેશનના આ યુગને અમારી સરકાર રિફોર્મ દ્વારા સપોર્ટ કરી રહી છે. મિશન કર્મયોગી અને આરંભ પ્રોગ્રામ તેનો જ એક હિસ્સો છે. મને કહેવામાં આવ્યું છે  તમારી એકેડમીમાં પણ તાલીમનો એક હિસ્સો મિશન કર્મયોગી પર આધારિત કરી દેવામાં આવ્યો છે. મને વિશ્વાસ છે કે તેનો પણ મોટો લાભ તમને સૌને મળશે. વધુ એક વાત તમારા ધ્યાનમાં લાવવા માગું છું. તમે આ પ્રાર્થના ચોક્કસ કરજો કે ભવિષ્યમાં તમને કોઈ આસાન કામ ના મળે. હું જોઈ રહ્યો છું કે હું આમ બોલ્યો તો તમારા ચહેરા ઉતરી ગયા. તમે એવી પ્રાર્થના કરો કે તમને કોઈ આસાન કાર્ય ના મળે. તમને લાગશે કે આ કેવા પ્રધાનમંત્રી છે જે આવી સલાહ આપી રહ્યા છે. તમે હંમેશાં શોધીને શોધીને પડકારજનક કામની રાહ જૂઓ. તમે પ્રયાસ કરો કે તમને પડકારજનક કામ મળે. પડકારજનક કામ કરવાનો આનંદ જ કાંઈ ઓર હોય છે. તમે જેટલા આસાન કાર્યો તરફ જવાનું વિચારશો તેટલું જ તમે તમારી પ્રગતિ અને દેશની પ્રગતિ રોકી દેશો. તમારા જીવનમાં એક અવરોધ આવી જશે. થોડા વર્ષો બાદ તમારું જીવન જ તમારા માટે બોજારૂપ બની જશેઅત્યારે તમે ઉંમરના એ પડાવ પર છો જ્યાં ઉંમર તમારી સાથે છે. જોખમ લેવાની ક્ષમતા સૌથી વધારે આ ઉંમરમાં હોય છે. તમે  છેલ્લા 20 વર્ષમાં જેટલું શીખ્યા છો તેના કરતાં વધારે બાબતો જો તમે પડકારજનક કાર્યોમાં જોડાઈ જશો તો આગામી 2 થી 4 વર્ષમાં શીખી જશો. અને તમને આ સબક મળશે જે આગામી 20 થી 25 વર્ષ સુધી તમારા કામમાં આવશે.

સાથીઓ,
તમે ભલે અલગ અલગ રાજ્યોમાંથી આવતો હોવ, અલગ અલગ સામાજિક પરિવેશમાં છો પરંતુ તમે એક ભારત શ્રેષ્ઠ ભારતને મજબૂત બનાવવાની કડી પણ છો. મને વિશ્વાસ છે કે તમારો સેવા ભાવ, તમારા વ્યક્તિત્વની વિનમ્રતા, તમારી ઇમાનદારી આવનારા વર્ષોમાં તમારી એક અલગ જ ઓળખ બનાવશે. અને સાથીઓ, તમે જ્યારે ક્ષેત્ર તરફ જવાના છો ત્યારે મેં અગાઉથી જ સૂચન કર્યું હતું કે મને ખબર નથી આ વખતે થયું છે કે નથી થયું પણ જ્યારે આપણે એકેડમીમાં આવીએ ત્યારે એક લાંબો નિબંધ લખો કે આખરે આ એકેડમીમાં આવવા પાછળ તમારા વિચારો શું હતા. સ્વપ્ન શું હતા, સંકલ્પ શું હતા. આખરે તમે આ ક્ષેત્રમાં શા માટે આવ્યા છો. તમે કરવા શું માગો છો. આ સેવાના માઘ્યમથી જીવનને તમે ક્યાં પહોંચાડવા માગો છો. તમારી સેવાનું જે ક્ષેત્ર છે તેને તમે ક્યાં પહોંચાડવા માગો છો. આવો એક લાંબો નિબંધ લખીને તમે એકેડમીમાં જાઓ. એ નિબંધને ક્લાઉડમાં મૂકી દેવામાં આવે. અને જ્યારે તમે નોકરીના 25 વર્ષ પૂરા કર્યા બાદ, 50 વર્ષપૂરા કર્યા બાદકદાચ તમારે ત્યાં 50 વર્ષ બાદ એક કાર્યક્રમ થતો હોય છે. દર વર્ષ જે 50 વર્ષ જેણે મસૂરી છોડ્યાને થતા હોય છે તેઓ 50 વર્ષ બાદ ફરીથી આવે છે. તમે 50 વર્ષ બાદ, 25 વર્ષ બાદ જે પહેલો નિબંધ લખ્યો હોય છે તેને વાંચી લો. જે સપનાઓ લઈને આવ્યા હતા, જે લક્ષ્યાંક નક્કી કરીને આવ્યા હતા, 25 વર્ષ બાદ એ નિબંધને ફરીથી વાંચીને હિસાબ કરો કે તમે ખરેખર જે કામ માટે આવ્યા હતા એ જ દિશામાં છો કે ક્યાંક અલગ જ ભટકી ગયા છો. બની શકે છે કે તમારા આજના વિચારો 25 વર્ષ બાદ તમારા જ ગુરુ બની જાય. અને તેથી જ એ અત્યંત જરૂરી છે કે જો તમે આ પ્રકારનો નિબંધ ના લખ્યો હોય તો અહી લખીને જ પછી જ કેમ્પસ છોડીને જજો.
આ ઉપરાંત આ કેમ્પસમાં અને ડાયરેક્ટર વગેરેને મારો એક આગ્રહ છે કે તમારી ટ્રેનિંગના ઘણા બધા પાસા છે, તમારે ત્યાં લાયબ્રેરી છે પરંતુ બે ચીજોને તમારી ટ્રેનિંગમાં સાંકળવી જોઇએ. એક તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એક સારી લેબોરેટરી આપણે ત્યાં હોવી જોઇએ અને આપણા તમામ અધિકારીઓની ટ્રેનિંગનો તે હિસ્સો હોવી જોઇએ. આ જ રીતે એક ડેટા ગવર્નન્સ એક થીમના રૂપમાં આપણા તમામ તાલીમાર્થીઓની તાલીમનો હિસ્સો હોવો જોઇએ. ડેટા ગવર્નન્સઆવનારા સમયમાં ડેટા એક મોટી શક્તિ બની જશે. આપણે ડેટા ગવર્નન્સની તમામ ચીજને શીખવી, સમજવી પડશે અને જ્યા જાઓ ત્યાં તમારે તેને લાગુ કરવી પડશે. આ બે ચીજોને પણ તમે સાંકળી લોઠીક છે આ લોકો તો જઈ રહ્યા છે તેમના નસીબમાં તો નથી પરંતુ આવાનારા લોકો માટે તે સારી બાબત હશે.
અને બીજું જો થઈ શકે તો તમારું કર્મયોગી મિશન ચાલે છે તેમાં ડેટા ગવર્નન્સ સર્ટિફિકેટ કોસ શરૂ થાય, લોકો ઓનલાઇન પરીક્ષા આપે અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એક સર્ટિફિકેટ કોર્સ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવે. તેમા ઓનલાઇન પરીક્ષા આપે. અમલદાર લોકો જ પરીક્ષા આપે અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરે. તો ધીમે ધીમે એક સંસ્કૃતિ જે આધુનિક ભારતનું સ્વપ્ન છે તેને પૂર્ણ કરવા માટે આ બાબત ઘણી કામમાં આવશે.

સાથીઓ,
મને સારું લાગ્યું હોત જો હું પ્રત્યક્ષરૂપે તમારી સમક્ષ આવ્યો હોત તો થોડો સમય તમારા લોકોની વચ્ચે પસાર કર્યો હોત, અને કાંઇ વાતો કરી હોત તો બની શકે છે કે વધુ આનંદ થયો હોત. પરંતુ સમયના અભાવને કારણે, હાલમાં સંસદનું સત્ર પણ ચાલી રહ્યું છે. આમ કેટલીક મુશ્કેલીઓને કારણે હું આવી શક્યો નથી. પરંતુ તેમ છતાં ટેકનોલોજી મદદ કરી રહી છે, હું તમારા સૌના દર્શન પણ કરી રહ્યો છું. તમારા ચહેરાના હાવ ભાવ વાંચી રહ્યો છું. અને મારા મનમાં જે વિચાર છે તે તમારી સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું.
આપ સૌને મારૂ ખૂબ ખૂબ શુભેચ્છા છે. ખૂબ ખૂબ અભિનંદન.
ધન્યવાદ.

 

Sd/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com