Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી વિયેતનામની મુલાકાતેઃ ચીનમાં હાંગ્ઝોમાં વાર્ષિક જી-20 લીડર્સ સમિટમાં સામેલ થશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 અને 3 સપ્ટેમ્બર, 2016 વિયેતનામની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 3 સપ્ટેમ્બર, 2016થી 5 સપ્ટેમ્બર, 2016 સુધી ચીનના હાંગ્ઝોમાં વાર્ષિક જી-20 લીડર્સ સમિટમાં પણ ભાગ લેશે.

પ્રધાનમંત્રીએ તેના ફેસબુક એકાઉન્ટ પર કરેલી વિવિધ પોસ્ટમાં કહ્યું હતું કેઃ

“વિયેતનામના નાગરિકોને તેમના રાષ્ટ્રીય દિનની શુભેચ્છા. વિયેતનામ મિત્ર રાષ્ટ્ર છે, જેની સાથે અમે મજબૂત સંબંધ ધરાવીએ છીએ.

આજે સાંજે હું વિયેતનામમાં હનોઈ પહોંચીશ. તેની સાથે અતિ મહત્ત્વપૂર્ણ મુલાકાતની શરૂઆત થશે, જે ભારત અને વિયેતનામ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે. મારી સરકાર વિયેતનામ સાથે આપણા દ્વિપક્ષીય સંબંધોને પ્રાથમિકતા આપે છે. ભારત-વિયેતનામ ભાગીદારીથી એશિયા અને સમગ્ર વિશ્વને ફાયદો થશે.

આ મુલાકાત દરમિયાન હું વિયેતનામના પ્રધાનમંત્રી શ્રી ન્ગુયેન ઝુઆન ફુક સાથે વિસ્તૃત ચર્ચા કરીશ. અમે આપણા દ્વિપક્ષીય સંબંધના તમામ પાસાઓની સમીક્ષા કરીશું.

હું વિયેતનામના રાષ્ટ્રપતિ શ્રી ટ્રાન દાઈ ક્વાંગ, વિયેતનામની કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી શ્રી ન્ગુયેન ફુ ટ્રોંગ અને વિયેતનામની રાષ્ટ્રીય ધારાસભાના અધ્યક્ષ શ્રીમતી ન્ગુયેન થી કિમ ન્ગાનને પણ મળીશ.

અમે વિયેતનામ સાથે મજબૂત આર્થિક સંબંધ સ્થાપિત કરવા ઇચ્છીએ છીએ, જેનાથી આપણા નાગરિકોને પારસ્પરિક લાભ થઈ શકે છે. વિયેતનામની મુલાકાત દરમિયાન મારો પ્રયાસ બંને દેશના નાગરિકો વચ્ચે સંબંધ મજબૂત કરવાનો પણ રહેશે.

વિયેતનામમાં મને 20મી સદીના મહાન નેતાઓ પૈકીના એક હો ચિ મિન્હને શ્રદ્ધાંજલિ આપવાની તક પણ મળશે. હું રાષ્ટ્રીય નાયકો અને શહીદોના સ્મારક પર પુષ્પમાળા અર્પણ કરીશ તેમજ ક્વાન સુ પગોડાની મુલાકાત લઇશ.

હું 3થી 5 સપ્ટેમ્બર, 2016 ચીનમાં હાંગ્ઝોમાં જી-20 લીડર્સની વાર્ષિક બેઠકમાં સામેલ થઈશ. વિયેતનામથી હું હાંગ્ઝો પહોંચીશ, જ્યાં હું મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય મુલાકાત પૂર્ણ કરીશ.

જી-20 સમિટ દરમિયાન મને દુનિયાના અન્ય નેતાઓ સમક્ષ આંતરરાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને પડકારો રજૂ કરવા તથા તેના પર ભાર મૂકવા ચર્ચાવિચારણા કરવાની તક મળશે. અમે વૈશ્વિક અર્થતંત્ર માટે સ્થાયી, સાતત્ય વૃદ્ધિ સુનિશ્ચિત કરવા તથા નવા સામાજિક, સુરક્ષા સંબંધિત અને આર્થિક પડકારોનો સામનો કરવાની વ્યૂહરચના બનાવવા અંગે મનોમંથન કરીશું.

આપણે આપણી સમસ્યાઓનું સમાધાન કરવા રચનાત્મક અભિગમ અપનાવીશું અને દુનિયાભરના લોકો, ખાસ કરીને વિકાસશીલ દેશોના લોકોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા આંતરરાષ્ટ્રીય આર્થિક સ્થિતિ મજબૂત કરવા, સર્વસમાવેશક પ્રક્રિયા આગળ ધપાવવા અને સ્થાયી વિકાસને વેગ આપવા સોલ્યુશન શોધવા કામ કરીશું.

હું બેઠકમાં ઉપયોગી અને અસરકારક પરિણામ મેળવવા આતુર છું.”

TR