Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

‘ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા’ લેક્ચર સીરિઝના ઉદ્ઘાટનમાં પ્રધાનમંત્રીનું વક્તવ્ય

‘ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા’ લેક્ચર સીરિઝના ઉદ્ઘાટનમાં પ્રધાનમંત્રીનું વક્તવ્ય


સિંગાપોરના નાયબ પ્રધાનમંત્રી શ્રી થરમન શાનમુગરત્નમ

મારા સાથી પ્રધાનો,

મુખ્યમંત્રીઓ,

આમંત્રિત વક્તાઓ અને મિત્રો,

એક સમયે એવું માનવામાં આવતું હતું કે વિકાસનો આધાર મૂડી અને મજૂરીના માપ પર છે. આજે આપણે બધા જાણીએ છીએ કે વિકાસનો ઘણો બધો આધાર સંસ્થાઓ અને વિચારોની ગુણવત્તા પર છે. ગયા વર્ષની શરૂઆતમાં એક નવી સંસ્થાની રચના થઈ હતી – નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા કે નીતિ. નીતિની રચના ભારતની કાયાપલટ કરવા માર્ગદર્શન મેળવવા પુરાવા આધારિત થિંક ટેન્ક તરીકે થઈ હતી.

નીતિની મુખ્ય કામગીરીઓ છેઃ

• રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો સાથે ચર્ચાવિચારણા કરીને સરકારી નીતિઓમાં બહારના વિચારોને સામેલ કરવા;

• બહારની દુનિયા, બહારના નિષ્ણાતો અને પ્રેક્ટિશનર્સ સાથે સરકારની કડી બનવું;

• નીતિનિર્માણમાં બહારના વિચારોને સામેલ કરવા માધ્યમ બનવું;

ભારત સરકાર અને રાજ્ય સરકારો વહીવટની લાંબી પરંપરા ધરાવે છે. આ પરંપરામાં સ્વદેશી અને ભારતના ભૂતકાળમાંથી બહારના વિચારોનો સમન્વય કરવામાં આવ્યો છે. વહીવટની આ પરંપરા ઘણી રીતે ભારત માટે ઉપયોગી છે. સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, આ પરંપરાએ દેશના ભવ્ય વૈવિધ્યપૂર્ણ વારસા સાથે ભારતમાં લોકશાહી અને સમવાયતંત્ર, એકતા અને અખંડતા જાળવી છે. આ કોઈ નાનીસૂની સિદ્ધિઓ નથી. તેમ છતાં આપણે અત્યારે એવા યુગમાં જીવીએ છીએ, જેમાં સતત પરિવર્તન થઈ રહ્યું છે અને આપણે પરિવર્તનનું માધ્યમ બની રહ્યા છીએ.

આપણે આંતરિક અને બાહ્ય બંને કારણો માટે બદલાવું જોઈએ. દરેક દેશ પોતાનો આગવો અનુભવ, આગવા સંસાધનો અને વિશિષ્ટ ક્ષમતાઓ ધરાવે છે. 30 વર્ષ અગાઉ કોઈ દેશ આત્મમંથન કરી શકવા અને પોતાની રીતે સોલ્યુશન શોધવા સક્ષમ હતો. અત્યારે દુનિયાના દેશો એકબીજા પર નિર્ભર થઈ ગયા છે અને એકબીજા સાથે જોડાઈ ગયા છે. કોઈ પણ દેશ લાંબો સમય એકલા હાથે વિકાસ કરી શકે તેમ નથી. દરેક દેશને પોતાની કામગીરી માટે વૈશ્વિક ધારાધારણો સ્થાપિત કરવા પડશે, નહીં તો તેનું પતન થશે.

વળી પરિવર્તન આંતરિક કારણોસર પણ જરૂરી છે. આપણા દેશમાં યુવા પેઢી અલગ રીતે વિચારે છે અને તેની આકાંક્ષા જુદી છે. એટલે સરકારને જૂની પરંપરાઓ જાળવી રાખવાનું ન પાલવે. અરે, પરિવારોમાં પણ જૂની અને નવી પેઢી વચ્ચેના સંબંધ બદલાય છે. એક સમયે કુટુંબમાં વડીલ પાસે યુવાનો કરતા વધારે જાણકારી હતી. અત્યારે નવી ટેકનોલોજીના પ્રસાર સાથે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. એટલે વધતી અપેક્ષાઓ પૂર્ણ કરવા અને નવી પેઢી સાથે જોડાણ સ્થાપિત કરવા સરકાર માટે પડકારો વધી રહ્યા છે.

જો ભારતે પરિવર્તનના પડકારનો સામનો કરવો હોય, તો ફક્ત પ્રગતિ પર્યાપ્ત નથી. આ માટે કાયાપલટની જરૂર છે.

આ કારણે ભારત માટે મારી દ્રષ્ટિ ઝડપથી બદલાઈ છે, નહીં કે તબક્કાવાર.

• શાસનની શૈલીમાં પરિવર્તન કર્યા સિવાય ભારતની કાયાપલટ નહીં થઈ શકે.

• શાસનની શૈલીમાં પરિવર્તન માનસિકતા બદલ્યા વિના ન થઈ શકે.

• માનસિકતામાં પરિવર્તન નવીન વિચારો વિના ન થઈ શકે.

આપણે કાયદા બદલવા પડશે, બિનજરૂરી પ્રક્રિયાઓ દૂર કરવી પડશે, પ્રક્રિયાઓ ઝડપથી હાથ ધરવી પડશે અને ટેકનોલોજીનો સ્વીકાર કરવો પડશે. આપણે 19મી સદીની વહીવટી વ્યવસ્થાઓ સાથે 21મી સદીમાં આગેકૂચ ન કરી શકીએ.

સામાન્ય રીતે વહીવટી માનસિકતામાં મૂળભૂત ફેરફારો કટોકટી કે એક ઝાટકે થાય છે. સદનસીબે ભારત સ્થિર લોકશાહી રાજ્યવ્યવસ્થા ધરાવે છે. આ પ્રકારના આંચકા વિના આપણે નવીન પરિવર્તનો કરવા વિશેષ પ્રયાસો કરવા પડશે.

વ્યક્તિ તરીકે આપણે પુસ્તકો કે લેખોનો અભ્યાસ કરીને નવા વિચારો ગ્રહણ કરી શકીશું. પુસ્તકો આપણા મનને ઉદાર બનાવે છે. જોકે જ્યાં સુધી આપણે સામૂહિકપણે મનોમંથન કરતા નથી, ત્યાં સુધી તે વિચારો વ્યક્તિ સુધી મર્યાદિત રહે છે. આપણે ઘણી વાર નવા વિચારો સાંભળીએ છીએ અને સમજીએ છીએ. પણ આપણે તેના પર કામ કરતા નથી, કારણ કે તે આપણી વ્યક્તિગત ક્ષમતાથી પર હોય છે. જો આપણે સાથે બેસીએ તો આપણા વિચારોને વ્યવહારિક સ્વરૂપ મળવામાં સામૂહિક બળ મળશે. આપણે આપણા મનને ઉદાર બનાવવાની જરૂર છે, નવા વિચારો, દ્રષ્ટિકોણો મેળવવાની જરૂર છે. આ માટે આપણે વ્યક્તિગત રીતે નહીં, પણ સામૂહિક રીતે નવા વિચારો ગ્રહણ કરવા પડશે. તે માટે સહિયારા પ્રયાસની જરૂર છે.

તમારામાંથી ઘણા લોકો જાણે છે, મેં પ્રધાનમંત્રીનો હોદ્દો સંભાળ્યા પછી બેંકર્સ, પોલીસ અધિકારીઓ અને સરકારના સચિવો સાથે સંયુક્તપણે ચિંતન શિબિરમાં ભાગ લીધો છે. આ સત્રોમાંથી પ્રાપ્ત થતા વિચારોને નીતિમાં સામેલ કર્યા છે.

આ પ્રયાસો અંદરથી આવેલા વિચારોનું જ પરિણામ છે. પછીનું કદમ બહારના વિચારોને સમાવવાનું છે. સાંસ્કૃતિક રીતે ભારતીયો હંમેશા ઉત્કૃષ્ટ વિચારોને દુનિયાના કોઈ પણ છેડેથી અપનાવવા તૈયાર હોય છે. ઋગ્વેદમાં કહેવાયું છે કે “आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः”એટલે ચાલો આપણે તમામ દિશાઓમાંથી પ્રાપ્ત થતા વિચારોને આવકારીએ.

આ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા લેક્ચર સીરિઝના હેતુસર છે. આ સીરિઝ છે, જેમાં આપણે વ્યક્તિ તરીકે નહીં, પણ એક ટીમ તરીકે સામેલ થઈશું અને બધા પરિવર્તનનો પવન ફૂંકવા સહિયારો પ્રયાસ કરીશું.

આપણે પ્રસિદ્ધ વ્યક્તિઓ, મહાપુરુષોના શાણપણ અને જ્ઞાનમાંથી શીખીશું, જેમણે પૃથ્વી પર તેમના દેશને મહાન બનાવવા પરિવર્તનનો પવન ફૂંક્યો હતો કે ઘણા લોકોના જીવનને પ્રભાવિત કર્યા હતા.

આ લેક્ચર સીરિઝમાં પ્રથમ હશે. તમને બધાને પ્રતિસાદ ફોર્મ આપવામાં આવ્યું છે. હું તમારી વિગત મેળવવા અને અમારી પ્રક્રિયા સુધારવા મદદ કરવા નિખાલસ પ્રતિસાદ મેળવવા તત્પર છું. હું તમને ભારતના અને ભારતની બહારના નિષ્ણાતો અને પેનલિસ્ટોના નામો સૂચવવા વિનંતી કરું છું. હું તમામ સરકારી સચિવોને તેમના મંત્રાલયોમાંથી સહભાગીઓ સાથે અઠવાડિયામાં ફોલો અપ ચર્ચા કરવા વિનંતી કરું છું. હેતુ આજના સત્રમાં જન્મેલા વિચારોને દરેક પ્રસ્તુત જૂથ માટે ચોક્કસ કાર્યમાં પરિવર્તિત કરવાનો છે. જ્યાં શક્ય હોય, ત્યાં હું પ્રધાનોને આ સત્રોમાં સામેલ થવા વિનંતી કરું છું.

આપણા સમયના એક મહાન સુધારક અને વહીવટકર્તા લી કુઆન યુ હતા, જેમણે સિંગાપોરની કાયાપલટ કરી હતી. આજે જે સિંગાપોર તમે જુઓ છો એ લી કુઆનની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે. એટલે આપણે આ સીરિઝની શરૂઆત સિંગાપોરના નાયબ પ્રધાનમંત્રી શ્રી થરમન શાનમુગરત્નમ સાથે કરીએ એ સંપૂર્ણપણે ઉચિત છે. તેઓ જાહેર નીતિઓ બનાવવામાં નિષ્ણાત છે. તેઓ નાયબ પ્રધાનમંત્રી હોવાની સાથે આર્થિક અને સામાજિક નીતિઓ માટેના સંકલન પ્રધાન, નાણાં પ્રધાન અને સિંગાપોરની નાણાકીય ઓથોરિટીના ચેરમેન પણ છે. અગાઉ તેમણે મેનપાવર પ્રધાન, ફાઇનાન્સના સેકન્ડ મિનિસ્ટર અને શિક્ષણપ્રધાન તરીકે કામ કર્યું છે.

શ્રી શાનમુગરત્નમનો જન્મ 1957માં થયો હતો અને તેઓ મૂળે શ્રીલંકન તમિળ છે. તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં બેચલર ડિગ્રી મેળવી છે. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં પણ માસ્ટર ડિગ્રી ધરાવે છે. હાર્વર્ડમાં તેમને તેમના ઉત્કૃષ્ટ પ્રદાન કરવા બદલ લિટાયર ફેલો તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.

શ્રી શાનમુગરત્નમ વિશ્વના અગ્રણી બૌદ્ધિકોમાં સામેલ છે. હું તમને તેમના વિચારોની રેન્જનું એક ઉદાહરણ આપું. અત્યારે સિંગાપોરનું અર્થતંત્ર ઘણું બધું ટ્રાન્સશિપમેન્ટ પર નિર્ભર છે. પણ જો ગ્લોબલ વોર્મિંગ ધ્રુવની હિમશિલાઓને ઓગાળી નાંખે, તો નવા માર્ગો ખુલી શકે છે અને તેના પગલે સિંગાપોરની પ્રસ્તુત ઘટી શકે છે. તેમણે આ વિશે વિચારવાનું અને તેના માટે આયોજન કરવાની શરૂઆત કરી દીધી છે.

મિત્રો, શ્રી શાનમુગરત્નમની સિદ્ધિઓ અને તેમણે મેળવેલા સન્માનોની યાદી ઘણી લાંબી છે. પણ આપણે બધા તેમને સાંભળવા આતુર છીએ. એટલે વધુ વિલંબ કર્યા વિના મને મંચ પર શ્રી થરમન શાનમુગરત્નમને આવકારતા આનંદ થાય છે અને હું તેમને વૈશ્વિક અર્થતંત્રમાં ભારત વિષય પર બોલવા વિનંતી કરું છું.

AP/TR/GP