Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઉત્તર પ્રદેશના ઉમરાહ ગ્રામમાં સ્વર્વેદ મહામંદિર ધામ ખાતે સદગુરુ સદાફલદેવ વિહંગમ યોગ સંસ્થાનની 98મી જયંતીની ઉજવણીમાં પ્રધાનમંત્રી ઉપસ્થિત રહ્યા

ઉત્તર પ્રદેશના ઉમરાહ ગ્રામમાં સ્વર્વેદ મહામંદિર ધામ ખાતે સદગુરુ સદાફલદેવ વિહંગમ યોગ સંસ્થાનની 98મી જયંતીની ઉજવણીમાં પ્રધાનમંત્રી ઉપસ્થિત રહ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ઉમરાહ ગ્રામમાં સ્વર્વેદ મહામંદિર ધામ ખાતે સદગુરુ સદાફલદેવ વિહંગમ યોગ સંસ્થાનની 98મી જયંતીની ઉજવણીઓ માટેના એક જનસમારોહમાં આજે હાજરી આપી હતી.

સમારોહને સંબોધન કરતા, પ્રધાનમંત્રીએ કાશીમાં ગઈકાલે મહાદેવનાં ચરણોમાં ભવ્ય ‘વિશ્વનાથ ધામ’ સમર્પિત કરવામાં આવ્યું એ યાદ કરાવ્યું હતું. તેમણે કહ્યું, “કાશીની ઊર્જા ન માત્ર અખંડ છે પણ એ નવાં પરિમાણો પણ લેતી રહે છે.” ગીતા જયંતીના પવિત્ર અવસરે તેમણે ભગવાન કૃષ્ણનાં ચરણોમાં નમન પણ કર્યાં હતાં. “આ દિવસે, જ્યારે કુરુક્ષેત્રનાં યુદ્ધનાં મેદાનમાં સેનાઓ આમને સામને હતી, માનવતાને યોગ, આધ્યાત્મ અને પરમાર્થનું પરમ જ્ઞાન મળ્યું હતું. આ અવસરે હું ભગવાન કૃષ્ણનાં ચરણોમાં નમન કરતા, આપ સૌને અને દેશવાસીઓને ગીતા જયંતીના અવસરે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું,” એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ સદગુરુ સદાફલદેવજીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. “હું એમની આધ્યાત્મિક ઉપસ્થિતિને નમન કરું છું. હું આ પરંપરાને જીવંત રાખી રહેલા અને એને નવો વિસ્તાર પ્રદાન કરી રહેલા શ્રી સ્વતંત્રદેવજી મહારાજ અને શ્રી વિજ્ઞાનદેવજી મહારાજનો પણ આભાર વ્યક્ત કરું છું” એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું. પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા સંગ્રામમાં એમના યોગદાન અને મુશ્કેલ સમયમાં સંતો આપવાના ભારતના ઉત્તમ ટ્રેક રેકોર્ડને યાદ કર્યો હતો. “આપણો દેશ એટલો અદભુત છે કે જ્યારે જ્યારે વિપરિત સમય હોય છે, સમયની ધારા બદલી નાખવા માટે કોઇ ને કોઇ સંત અવતરિત થાય છે. આ એ જ ભારત છે જેની સ્વતંત્રતાના સૌથી મોટા નાયકને વિશ્વ દ્વારા મહાત્મા કહેવામાં આવે છે” એમ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ કાશીની ભવ્યતા અને મહત્તા વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે કહ્યું કે બનારસ જેવાં શહેરો ભારતની ઓળખ, કલા સાહસિકતાનાં બીજ સૌથી મુશ્કેલ સમયમાં પણ સાચવી રાખ્યાં છે. “બીજ હોય ત્યારે વૃક્ષ અહીંથી વિસ્તરવાનું શરૂ કરે છે. અને એટલે જ, આજે આપણે જ્યારે બનારસના વિકાસની વાત કરીએ ત્યારે સમગ્ર ભારતના વિકાસ માટેનો રોડમેપ પણ બની જાય છે” એમ તેમણે કહ્યું હતું.

કાશીની બે દિવસની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રીએ ગત મોડી રાત્રે શહેરની મહત્વની વિકાસ પરિયોજનાઓનું નિરીક્ષણ કર્યું હતું. બનારસમાં થઈ રહેલા વિકાસ કામોમાં પોતાની સતત સામેલગીરીનો તેમણે પુનરોચ્ચાર કર્યો હતો. “ગત મધરાતે 12 વાગ્યા પછી, જેવી મને તક મળી, હું મારા કાશીમાં ચાલી રહેલાં, થઈ ગયેલાં કામ જોવા નીકળી પડ્યો” એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે ગૌદોલિયામાં જે સૌંદર્યીકરણનું કાર્ય થયું છે એ જોવાલાયક બન્યું છે. “મેં ત્યાં ઘણાં બધાં લોકો સાથે વાત કરી. મેં મંડુવાડીહમાં બનારસ રેલવે સ્ટેશન પણ જોયું. આ સ્ટેશનનો પણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. પુરાતન સાચવીને, નવીનતા ધારણ કરીને, બનારસ દેશને એક નવી દિશા આપી રહ્યું છે” એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

સ્વતંત્રતા સંગ્રામના સમયે એમણે આપેલો એ સદગુરુના સ્વદેશી મંત્રને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે એ જ ભાવના સાથે દેશે ‘’આત્મનિર્ભર ભારત મિશન” આરંભ્યું છે. “આજે સ્થાનિક ધંધા, રોજગાર અને દેશની વસ્તુઓને નવી તાકાત મળી રહી છે, લોકલ ગ્લોબલ થઈ રહ્યું છે” એમ તેમણે ઉમેર્યું હતું.

પોતાના સંબોધનમાં ‘સબ કા પ્રયાસ’ની ભાવના સાથે આગળ વધતા પ્રધાનમંત્રીએ દરેકને અમુક સંકલ્પો લેવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે આ સંકલ્પો એવા હોવા જોઇએ જેથી સદગુરુના સંકલ્પો પૂર્ણ થાય અને જેમાં દેશની આકાંક્ષાઓનો પણ સમાવેશ થાય. આગામી બે વર્ષોમાં ગતિ મળે, ભેગા મળીને સામૂહિક રીતે પૂરા કરી શકાય એવા આ સંકલ્પ હોવા જોઇએ. પહેલો સંકલ્પ, પ્રધાનમંત્રીએ અનુરોધ કર્યો, દીકરીઓને ભણાવવા વિશેનો અને એમનામાં કૌશલ્ય વિકાસનો હોવો જોઇએ. “એમનાં પરિવારોની સાથે સમાજમાં જવાબદારી લઈ શકે એવાએ એક કે બે ગરીબ દીકરીઓનાં કૌશલ્ય વિકાસની જવાબદારી લેવી જોઇએ” એવો આગ્રહ તેમણે રાખ્યો હતો. અન્ય એક સંકલ્પ, તેમણે કહ્યું કે જળ સંરક્ષણનો હોઇ શકે. “આપણે આપણી નદીઓ, ગંગાજી અને આપણાં તમામ જળસ્ત્રોતોને સ્વચ્છ રાખવા જ રહ્યા” એમ પ્રધાનમંત્રીએ સમાપન કર્યું હતું.

SD/GP/JD