Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બૅન્ક ડિપોઝીટ ઈન્સ્યોરન્સ કાર્યક્રમમાં થાપણદારોને પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

બૅન્ક ડિપોઝીટ ઈન્સ્યોરન્સ કાર્યક્રમમાં થાપણદારોને પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ


મંચ પર બિરાજમાન મંત્રીજી, નાણાં રાજ્ય મંત્રીજી, આરબીઆઇના ગવર્નર, નાબાર્ડના ચૅરમેન, ડિપોઝીટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગૅરન્ટી કૉર્પોરેશન અને દેશના વિશાળ બૅન્કિંગ સમૂહોના અધિકારીગણ, અલગ અલગ રાજ્યોમાં અનેક સ્થળોએ ઉપસ્થિત મંત્રીપરિષદના મારા સાથી, ત્યાંના સાંસદ, ધારાસભ્ય અને ત્યાં રહેતા તમામ થાપણદારો, અમારા સૌ થાપણદાર ભાઇઓ અને થાપણદાર ભાઇઓ અને બહેનો,

આજે દેશ માટે બૅન્કિંગ ક્ષેત્ર માટે દેશના કરોડો બૅન્ક ખાતાધારકો માટે બહુ મહત્વપૂર્ણ દિવસ છે. દાયકાઓથી ચાલતી આવતી એક મોટી સમસ્યાનો કેવી રીતે ઉકેલ લાવવામાં આવ્યો છે, આજનો દિવસ એનું સાક્ષી બની રહ્યો છે. આજના આયોજનને જે નામ આપવામાં આવ્યું છે એમાં, ડિપોઝીટર્સ ફર્સ્ટ, થાપણદારો સૌથી પહેલાંની ભાવનાને સૌથી પહેલા મૂકવી અને એને વધારે યોગ્ય બનાવી રહી છે. વીતેલા કેટલાંક દિવસોમાં, એક લાખથી વધુ થાપણદારોને વર્ષોથી ફસાયેલા એમના પૈસા એમનાં ખાતામાં જમા થઈ ગયા છે. અને આ રકમ લગભગ 1300 કરોડ રૂપિયા કરતા વધારે છે. અત્યારે આજે અત્રે આ કાર્યક્રમમાં અને એના પછી પણ 3 લાખ એવા વધુ થાપણદારોને બૅન્કોમાં ફસાયેલા એમના પૈસા એમનાં ખાતામાં જમા થવાના છે, પૈસા એમને મળવાનાં છે. આ પોતાની રીતે કઈ નાનીસૂની વાત નથી અને હું ખાસ કરીને આપણા દેશના આપણા જે મીડિયાના સાથી છે. આજે હું એમને એક વિનંતી કરવા માગું છું. અને મારો અનુભવ છે કે જ્યારે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું હતું, મીડિયાના મિત્રોને વિનંતી કે આજે પણ તેઓ બરાબર મારી મદદ કરી રહ્યા છે. આજે ફરીથી હું એમને એક વિનંતી કરી રહી રહ્યો છું. આપણે જાણીએ છીએ કે બૅન્ક ડૂબી જાય ત્યારે ઘણાં દિવસો સુધી ખબર ફેલાયેલી રહે છે, ટીવી પર, અખબારોમાં, સ્વાભાવિક પણ છે, ઘટના જ એવી હોય છે. મોટી મોટી હેડલાઇન્સ પણ બની જાય છે. બહુ જ સ્વાભાવિક છે. જુઓ, આજે જ્યારે દેશે એક બહુ મોટો સુધારો કર્યો, એક બહુ મોટી મજબૂત વ્યવસ્થા શરૂ કરી છે. થાપણદારોને, જમાકર્તાઓને એમના પૈસા પરત અપાવાઇ રહ્યા છે. હું ઇચ્છું છું કે એની પણ એટલી જ ચર્ચા મીડિયામાં થાય, વારંવાર થાય. એટલા માટે નહીં કેમ કે મોદીએ કર્યું છે એટલે કરી રહ્યા છે. આ એટલા માટે પણ જરૂરી છે કેમ કે દેશના થાપણદારોમાં વિશ્વાસ પેદા થાય. બની શકે કે અમુક લોકોનાં ખોટાં કારણોથી, ખોટી આદતોથી બૅન્ક ડૂબે, બની શકે છે, પણ જમાકર્તાના પૈસા ડૂબશે નહીં. જમાકર્તાના પૈસા સુરક્ષિત રહેશે. આ મેસેજથી દેશના જમાકર્તામાં વિશ્વાસ પેદા થશે. બૅન્કિંગ વ્યવસ્થા પર ભરોસો બનશે, અને આ બહુ જરૂરી છે.

ભાઇઓ અને બહેનો,

કોઇ પણ દેશ સમસ્યાઓનો સમય પર ઉકેલ લાવીને જ એને વિકરાળ થતાં બચાવી શકે છે. પણ આપ સારી રીતે જાણો છો. વર્ષો સુધી આપણે ત્યાં એક જ પ્રવૃત્તિ રહી કે ભાઇ સમસ્યા છે, ટાળી દો. જાજમની નીચે નાખી દો. આજનું નવું ભારત, સમસ્યાઓનાં સમાધાન પર ભાર આપે છે, આજે ભારત સમસ્યાઓને ટાળતું નથી. આપ જરા યાદ કરો, કે એક સમય હતો જ્યારે કોઇ બૅન્ક તકલીફમાં આવતી હતી તો ડિપોઝીટર્સને-જમાકર્તાને પોતાના જ પૈસા, આ પૈસા એના પોતાના છે, જમાકર્તાના પૈસા છે. તેણે પોતાના પૈસા મેળવવામાં નાકે દમ આવી જતો હતો. કેટલી પરેશાની વેઠવી પડતી હતી. અને ચારે બાજુ જાણે હાહાકાર મચી જતો હતો. અને એ બહુ સ્વાભાવિક પણ છે. કોઇ પણ વ્યક્તિ  બહુ વિશ્વાસની સાથે બૅન્કમાં પૈસા જમા કરાવે છે. ખાસ કરીને આપણા મધ્યમ વર્ગના પરિવાર, જે ફિક્સ્ડ સેલેરીવાળા લોકો છે એ, ફિક્સ્ડ આવકવાળા લોકો છે, એ લોકોનાં જીવનમાં તો બૅન્ક જ એમનો આશરો હોય છે. પરંતુ કેટલાંક લોકોની ખોટી નીતિઓને કારણે જ્યારે બૅન્ક ડૂબતી હતી, ત્યારે ન માત્ર આ પરિવારોના પૈસા જ નહોતા ફસાઇ જતા હતા પણ એક રીતે એમની આખી જિંદગી જ ફસાઇ જતી હતી. સમગ્ર જીવન, જાણે એક રીતે અંધકાર જેવું લાગતું હતું. હવે શું કરીશું. દીકરા-દીકરીની કૉલેજની ફીઝ ભરવાની છે-ક્યાંથી ભરીશું? દીકરા-દીકરીનાં લગ્ન કરવાનાં છે- ક્યાંથી પૈસા આવશે? કોઇ વડીલનો ઇલાજ કરાવવાનો છે-ક્યાંથી પૈસા આવશે? હમણાં બહેનજી મને કહી રહી હતાં, કે એમના પરિવારમાં હાર્ટનું ઓપરેશન કરાવવાનું હતું. કેવી મુશ્કેલીઓ આવી અને હવે આ કેવી રીતે કામ થઈ ગયું. આ સવાલોનો પહેલા કોઇ જવાબ ન હતો. લોકોને બૅન્કમાંથી પોતાના પૈસા મેળવવામાં, કઢાવવામાં વર્ષો લાગી જતા હતા. આપણાં ગરીબ ભાઇ-બહેનોએ, નિમ્ન મધ્યમ વર્ગનાં લોકોએ, આપણા મધ્યમ વર્ગે દાયકાઓ સુધી આ સ્થિતિને વેઠી છે, સહન કરી છે. ખાસ કરીને કૉ-ઓપરેટિવ બૅન્કોના કિસ્સામાં સમસ્યાઓ વધારે રહેતી હતી. આજે જે લોકો અલગ અલગ શહેરોમાં આ કાર્યક્રમ સાથે જોડાયા છે, તેઓ આ દર્દ, આ તકલીફને બહુ સારી રીતે સમજે છે. આ સ્થિતિને બદલવા માટે જ, અમારી સરકારે બહુ સંવેદનશીલતા સાથે નિર્ણય કર્યા, સુધારા કર્યા, કાયદામાં ફેરફાર કર્યા. આજનું આ આયોજન, એ નિર્ણયોનું જ પરિણામ  છે. અને મને બરાબર યાદ છે, હું મુખ્યમંત્રી રહ્યો છું અને બૅન્કમાં ઉકળાટ આવતો તો લોકો અમારું જ ગળું પકડતા હતાં. ક્યાં તો નિર્ણય ભારત સરકારે કરવાનો હતો ક્યાં એ બૅન્કવાળાએ લેવાનો હતો પણ પકડતા હતા મુખ્યમંત્રીને. અમારા પૈસાનું કંઇક કરો, એ સમયે મને ઘણી મુશ્કેલીઓ રહેતી હતી અને એમનું દર્દ પણ બહુ સ્વાભાવિક હતું. અને હું એ સમયે ભારત સરકારને વારંવાર વિનંતી કરતો હતો, કે એક લાખ રૂપિયાની રકમ આપણે વધારીને પાંચ લાખ કરવી જોઇએ જેથી મહત્તમ પરિવારોને આપણે સંતોષી શકીએ. પરંતુ, ખેર મારી વાત માનવામાં ન આવી. એમણે ન કર્યું તો લોકોએ જ કર્યું, મને મોકલી આપ્યો અહીંયા. મેં કરી પણ દીધું.

સાથીઓ,

આપણા દેશમાં બૅન્ક થાપણદારો માટે ઈન્સ્યોરન્સની વ્યવસ્થા 60ના દાયકામાં બનાવાઇ હતી. એટલે એમાં પણ લગભગ 60 વર્ષો થઈ ગયાં. પહેલા બૅન્કમાં જમા રકમમાંથી માત્ર 50 હજાર રૂપિયા સુધીની રકમ પર જ ગૅરન્ટી હતી. પછી એને વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી હતી. એટલે જો બૅન્ક ડૂબે તો ડિપોઝીટર્સને, જમાકર્તાને માત્ર એક લાખ રૂપિયા સુધી જ મળતા હતા પણ એ પણ ગૅરન્ટી નહીં કે ક્યારે મળશે. 8-8 અને 10-10 વર્ષો સુધી મામલો લટકતો રહેતો હતો. કોઇ સમયમર્યાદા જ ન હતી. ગરીબની ચિંતાને સમજતા, મધ્યમ વર્ગની ચિંતાને સમજતા અમે આ રકમને 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. એટલે કે આજની તારીખમાં કોઇ પણ બૅન્ક સંકટમાં આવે છે, તો ડિપોઝીટર્સને, જમાકર્તાઓને, 5 લાખ રૂપિયા સુધી તો ચોક્કસ પાછા મળશે. અને આ વ્યવસ્થાથી લગભગ 98 ટકા લોકોનાં ખાતાં સંપૂર્ણ રીતે કવર થઈ ચૂક્યાં છે. એટલે કે 2%ને જ થોડું થોડું રહી જશે. 98% લોકોનાં જેટલા પૈસા છે એ તમામ કવર થઈ રહ્યા છે. અને આજે ડિપોઝીટર્સના લગભગ, એ આંકડો પણ બહુ મોટો છે. આઝાદીનાં 75 વર્ષ ચાલી રહ્યાં છે. અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે. આ જે અમે  નિર્ણય કરી રહ્યા છે. એનાથી 76 લાખ કરોડ રૂપિયા સમગ્ર રીતે ઇન્સ્યોર્ડ છે. આટલું વ્યાપક સુરક્ષા કવચ તો વિકસિત દેશોમાં પણ નથી.

સાથીઓ,

કાયદામાં સુધારા કરીને, સુધારાઓ કરીને વધુ એક સમસ્યાનું સમાધાન કરવાની કોશીશ કરી છે. અગાઉ, પૈસા પરત કરવાની કોઇ સમયમર્યાદા ન હતી, હવે અમારી સરકારે એને 90 દિવસની અંદર એટલે કે 3 મહિનાની અંદર એ કરવાનું કાયદેસર રીતે નક્કી કરી લીધું છે. એટલે કે અમે તમામ બંધનો અમારાં પર નાખ્યાં છે. કારણ કે આ  દેશના સામાન્ય માનવી, આ દેશના મધ્યમ વર્ગની, આ દેશના ગરીબની અમને ચિંતા છે. એનો અર્થ એ થયો કે જો કોઇ બૅન્ક નબળી પડી જાય છે. બૅન્ક જો ડૂબવાની સ્થિતિમાં પણ છે, તો 90 દિવસની અંદર જમાકર્તાઓને એમના પૈસા પરત મળી જશે. મને ખુશી છે કે કાયદામાં સુધારાના 90 દિવસની અંદર જ હજારો થાપણદારોનાં ક્લેમ સેટલ પણ કરી દેવાયા છે.

સાથીઓ,

આપણે બધાં મોટા વિદ્વાનો, બુદ્ધિમાન, અર્થશાસ્ત્રી તો વાત પોત-પોતાની રીતે બતાવે છે. હું મારી સીધી સરળ ભાષામાં કહું છું. દરેક દેશ પ્રગતિ ઇચ્છે છે, દરેક દેશ વિકાસ ઇચ્છે છે. પરંતુ આપણે એ વાત યાદ રાખવી પડશે. દેશની સમૃદ્ધિમાં બૅન્કોની મોટી ભૂમિકા છે. અને બૅન્કોની સમૃદ્ધિ માટે થાપણદારોના પૈસા સુરક્ષિત હોવા પણ એટલું જ જરૂરી છે. આપણે બૅન્ક બચાવવી હોય તો થાપણદારોને સુરક્ષા આપવી જ પડશે. અને અમે આ કામ કરીને બૅન્કોને પણ બચાવી છે, થાપણદારોને પણ બચાવ્યા છે. આપણી બૅન્ક, જમાકર્તાઓની સાથે સાથે આપણી અર્થવ્યવસ્થા માટે પણ વિશ્વાસનું પ્રતીક છે. આ જ ભરોસા, આ જ વિશ્વાસને સશક્ત કરવા માટે વીતેલાં વર્ષોથી અમે નિરંતર પ્રયાસ કરી રહ્યા છીએ. વીતેલાં વર્ષોમાં અનેક નાની સરકારી બૅન્કોને મોટી બૅન્કો સાથે વિલિન કરીને, એની ક્ષમતા, સક્ષમતા અને પારદર્શિતાને દરેક રીતે સશક્ત કરવામાં આવી છે. જ્યારે આરબીઆઇ, સહકારી બૅન્કોની દેખરેખ રાખશે તો એનાથી પણ એના પ્રત્યે સામાન્ય જમાકર્તાનો વિશ્વાસ વધુ વધશે. અમે કૉ-ઓપરેટિવની એક નવી વ્યવસ્થા કરી છે, નવું મંત્રાલય બનાવ્યું છે. એની પાછળ પણ સહકારી સંસ્થાઓને શક્તિશાળી બનાવવાનો ઇરાદો છે. સહકારિતા મંત્રાલયનાં સ્વરૂપમાં વિશેષ વ્યવસ્થા બનવાથી પણ સહકારી બૅન્કો વધુ સશક્ત બનવાની છે.

સાથીઓ,

દાયકાઓનાં દાયકાઓ સુધી દેશમાં એ ધારણા બની ગઈ હતી કે બૅન્કો માત્ર વધારે પૈસાવાળા માટે જ હોય છે. એ અમીરોનો વંશ હોય એમ લાગતું હતું. જેમની પાસે વધારે પૈસા હોય એ જ જમા કરાવે છે. જેની પાસે મોટો બિઝનેસ હોય, એને જ ઝડપથી અને વધારે લોન મળે છે. એમ પણ માની લેવાયું હતું કે પેન્શન અને વીમા જેવી સુવિધાઓ પણ એમના માટે જ છે જેમની પાસે પૈસા છે, ધન છે. દુનિયાનાં સૌથી મોટાં લોકતંત્ર માટે આ યોગ્ય ન હતું. ન એ વ્યવસ્થા યોગ્ય છે, ન એ વિચાર યોગ્ય છે. અને એને બદલવા માટે પણ અમે નિરંતર પ્રયાસ કરી રહ્યા છીએ. આજે ખેડૂત, નાના દુકાનદાર, ખેતમજૂર, બાંધકામ અને ઘરોમાં કામ કરતા શ્રમિક સાથીઓને પણ પેન્શનની સુવિધા સાથે જોડવામાં આવી રહ્યા છે. આજે દેશના કરોડો ગરીબોને 2-2 લાખના દુર્ઘટના અને જીવન વીમાના સુરક્ષા કવચની સુવિધા મળી છે. પીએમ જીવન જ્યોતિ વીમા યોજના અને પીએમ સુરક્ષા વીમા યોજના હેઠળ લગભગ 37 કરોડ દેશવાસી આ સુરક્ષા કવચ હેઠળ આવી ચૂક્યા છે. એટલે કે એક રીતે હવે છેક દેશનાં નાણાકીય ક્ષેત્રનું, દેશના બૅન્કિંગ ક્ષેત્રનું ખરા અર્થમાં લોકશાહીકરણ થયું છે.

સાથીઓ,

આપણે ત્યાં સમસ્યા માત્ર બૅન્ક ખાતાની જ ન હતી, પણ દૂર-સુદૂર સુધી ગામોમાં બૅન્કિંગ સેવાઓ પહોંચાડવાની પણ હતી. આજે દેશના લગભગ લગભગ દરેક ગામમાં 5 કિલોમીટરના ક્ષેત્રમાં બૅન્ક શાખા કે બૅન્કિંગ કૉરસ્પોન્ડન્ટ્સની સુવિધા પહોંચી ચૂકી છે. સમગ્ર દેશમાં આજે લગભગ સાડા 8 લાખ બૅન્કિંગ ટચ પોઇન્ટ્સ છે. ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી અમે દેશમાં બૅન્કિંગ અને નાણાકીય સમાવેશને નવી ઊંચાઇ આપી છે. આજે ભારતનો સામાન્ય નાગરિક ક્યારેય પણ, ક્યાંય પણ, સાતેય દિવસ, 24 કલાક, નાનામાં નાની લેવડદેવડ પણ ડિજિટલી કરી શકે છે. થોડાં વર્ષો અગાઉ સુધી તો આ વિશે વિચારવું તો દૂર, ભારતનાં સામર્થ્ય પર અવિશ્વાસ કરતા લોકો એ વાતની મજાક ઉડાવતા હતા.

સાથીઓ,

ભારતની બૅન્કોનું સામર્થ્ય, દેશના નાગરિકોનું સામર્થ્ય વધે એ દિશામાં અમારી સરકાર સતત કામ કરી રહી છે. શું કદી કોઇએ વિચાર્યું હતું કે લારી, પાથરણા, ફેરીવાળાને પણ, સ્ટ્રીટ વૅન્ડર્સને પણ બૅન્કમાંથી લોન મળી શકે છે? ન કદી એમણે વિચાર્યું ન આપણે પણ વિચારી શક્તા હતા. પરંતુ આજે મારે બહુ સંતોષની સાથે કહેવું છે. આજે એવા લોકોને સ્વનિધિ યોજનાથી ઋણ મળી રહ્યું છે અને તેઓ પોતાનો વેપાર પણ વધારી રહ્યા છે. આજે મુદ્રા યોજના, દેશના એ વિસ્તારોમાં, એ પરિવારોને પણ સ્વરોજગારથી જોડી રહી છે, જેમણે કદી એ વિશે વિચાર્યું સુદ્ધાં ન હોય. આપ સૌ એ પણ જાણો છો કે આપણે ત્યાં, નાની જમીન ધરાવતા ખેડૂત, આપણા દેશમાં 85 ટકા ખેડૂત નાના ખેડૂત છે, એમની પાસે બહુ નાનો જમીનનો ટુકડો છે. આટલી બૅન્કો હોવાં છતાં પણ આપણા નાના ખેડૂતોએ બજારમાંથી કોઇ ત્રીજા પાસે, મોંઘાં વ્યાજ પર ઋણ લેવા મજબૂર હતા. અમે એવા કરોડો નાના ખેડૂતોને પણ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધાથી જોડ્યા અને એનો વ્યાપ પશુપાલક અને માછીમારો સુધી અમે વધારી દીધો છે. આજે બૅન્કોમાંથી મળેલ લાખો કરોડો રૂપિયાનું સરળ અને સસ્તું ઋણ, એ સાથીઓનું જીવન સરળ બનાવી રહ્યું છે.

સાથીઓ,

વધુ ને વધુ દેશવાસીઓને બૅન્કો સાથે જોડવાના હોય, બૅન્ક લોન સરળતાથી સુલભ કરાવવાની હોય, ડિજિટલ બૅન્કિંગ, ડિજિટલ પેમેન્ટ્સનો ઝડપથી વિસ્તાર કરવાનો હોય, એવા અનેક સુધારા છે જેણે 100 વર્ષની સૌથી મુશ્કેલ આપદામાં પણ ભારતની બૅન્કિંગ વ્યવસ્થાને સારી રીતે ચલાવવામાં મદદ કરી છે. હું બૅન્કના દરેક સાથીને અભિનંદન આપું છું કે આ કામ માટે, આ સંકટની ઘડીમાં તેમણે લોકોને અસહાય છોડ્યા નથી. જ્યારે દુનિયાના સમર્થ દેશ પોતાના નાગરિકોને મદદ પહોંચાડવામાં સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે ભારતે ઝડપી ગતિથી દેશના લગભગ લગભગ દરેક વર્ગ સુધી સીધી મદદ પહોંચાડી. દેશનાં બૅન્કિંગ ક્ષેત્રમાં જે સામર્થ્ય અમે વીતેલાં વર્ષોમાં વિકસિત કર્યું છે, એ જ આત્મવિશ્વાસને લીધે દેશવાસીઓનું જીવન બચાવવા માટે સરકાર મોટા નિર્ણયો લઈ શકી. આજે આપણી અર્થવ્યવસ્થા ઝડપથી સુધરી તો છે જ બલકે, ભવિષ્ય માટે ઘણાં સકારાત્મક સંકેત આપણે સૌ જોઇ રહ્યા છીએ.

ભાઇઓ અને બહેનો,

નાણાકીય સમાવેશતા અને સૌને સુલભ ધિરાણનો સૌથી મોટો લાભ જો કોઇને થયો હોય તો આપણી બહેનોને થયો છે, આપણી માતાઓને, આપણી દીકરીઓને થયો છે. દેશનું એ દુર્ભાગ્ય હતું કે આઝાદીનાં આટલા દાયકાઓ સુધી આપણી મોટા ભાગની બહેનો-દીકરીઓ આ લાભથી વંચિત રહી. સ્થિતિ એ હતી કે માતાઓ-બહેનો પોતાની નાની બચતને રસોડામાં રાશનના ડબ્બામાં રાખતી હતી. એમનાં માટે પૈસા રાખવાની જગા એ જ હતી, અનાજની અંદર મૂકવા, કેટલાંક લોકો તો એને પણ સેલિબ્રેટ કરતાં હતાં. જે બચતને સુરક્ષિત રાખવા માટે બૅન્કો બનાવાઇ છે, એનો ઉપયોગ અડધી વસ્તી ન કરી શકે એ અમારા માટે બહુ મોટી ચિંતા હતી. જનધન યોજનાની પાછળ આ ચિંતાના સમાધાનની પણ મહત્વની ભૂમિકા રહી છે. આજે એની સફળતા સૌની સમક્ષ છે. જનધન યોજના હેઠળ ખુલેલાં કરોડો બૅન્ક ખાતામાંથી અડધાથી વધુ બૅન્ક ખાતાં આપણી માતાઓ-બહેનોનાં છે, મહિલાઓનાં છે. આ બૅન્ક ખાતાઓની મહિલાઓનાં આર્થિક સશક્તીકરણ પર જે અસર થઈ છે એ આપણે તાજેતરમાં આવેલા રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણમાં પણ જોઇ છે. જ્યારે એ સર્વે કરવામાં આવ્યો હતો ત્યાં સુધીમાં દેશમાં લગભગ 80 ટકા મહિલાઓ પાસે પોતાનું બૅન્ક ખાતું હતું. સૌથી મોટી વાત એ છે કે જેટલાં બૅન્ક ખાતા શહેરી મહિલાઓ માટે ખુલ્યાં છે, લગભગ એટલાં જ ગ્રામીણ મહિલાઓ માટે પણ થઈ ચૂક્યાં છે. એ બતાવે છે કે જ્યારે સારી યોજનાઓ ફળ આપે છે ત્યારે સમાજમાં જે અસમાનતા છે એને દૂર કરવામાં પણ બહુ મોટી મદદ મળે છે. પોતાનું બૅન્ક ખાતું હોવાથી મહિલાઓમાં આર્થિક જાગૃતિ તો વધી છે, પરિવારમાં આર્થિક નિર્ણયો લેવાની એમની ભાગીદારીમાં પણ વિસ્તાર થયો છે. જ્યારે પરિવાર કંઇક નિર્ણય લે છે તો મા, બહેનોને બેસાડે છે, એમનો અભિપ્રાય લે છે.

સાથીઓ,

મુદ્રા યોજનામાં પણ લગભગ 70 ટકા લાભાર્થી મહિલાઓ છે. આપણો એ પણ અનુભવ રહ્યો છે કે જ્યારે મહિલાઓને ઋણ મળે છે તો એને પરત કરવામાં પણ એમનો ટ્રેક રેકોર્ડ બહુ જ પ્રશંસનીય છે. એમને જો બુધવારે પૈસા જમા કરાવવાની આખરી તારીખ હોય તો સોમવારે જઈને આપી આવે છે. એવી જ રીતે સ્વ સહાય જૂથો, સ્વંય સહાયતા સમૂહોનો દેખાવ, એ પણ બહુ જ સરસ છે. એક રીતે પાઇએ પાઇ જમા કરાવી દે છે આપણી માતાઓ-બહેનો. મને વિશ્વાસ છે કે સૌનાં પ્રયાસથી, સૌની ભાગીદારીથી, આર્થિક સશક્તીકરણનું આ અભિયાન બહુ ઝડપથી આગળ વધવાનું છે. અને આપણે સૌ એને આગળ વધારવાના છીએ.

સાથીઓ,

આજે સમયની માગ છે કે ભારતનું બૅન્કિંગ ક્ષેત્ર, દેશનાં લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં અગાઉ કરતા વધારે સક્રિયતાથી કામ કરે. આઝાદીના અમૃત મહોત્સવમાં દરેક બૅન્ક, દરેક શાખા, 75 વર્ષોમાં એમણે જે કર્યું છે, એ તમામ રેકોર્ડ્સને પાછળ રાખીને એને દોઢ ગણું, બે ગણું કરવાનું લક્ષ્ય રાખીને ચાલે. જુઓ, સ્થિતિ બદલે કે ન બદલે, જૂનાં અનુભવોને કારણે, ઋણ આપવામાં આપને જે પણ ખચકાટ રહ્યો છે, એમાંથી હવે બહાર નીકળવું જોઈએ. દેશનાં દૂર-સુદૂરનાં વિસ્તારોમાં, ગામોમાં, કસ્બાઓમાં મોટી સંખ્યામાં દેશવાસી પોતાનાં સપનાં પૂરાં કરવા માટે બૅન્કો સાથે જોડાવા માગે છે. આપ જો આગળ આવીને, લોકોની મદદ કરશો તો વધુ ને વધુ લોકોની આર્થિક શક્તિ પણ વધશે અને એનાથી આપની પોતાની તાકાતમાં પણ વૃદ્ધિ થશે. આપનો આ પ્રયાસ, દેશને આત્મનિર્ભર બનાવવામાં, આપણા લઘુ ઉદ્યમીઓ, મધ્યમ વર્ગના યુવાનોને આગળ વધવામાં મદદ કરશે. બૅન્ક અને જમાકર્તામાં એક નવો વિશ્વાસ ભરતો આ અવસર છે. અને એનાથી બૅન્કોની જોખમ લેવાની ક્ષમતા અનેક ગણી વધી શકે છે. હવે બૅન્કો માટે પણ તક છે, થાપણદારો માટે પણ તક છે. આવા આ શુભ અવસરે મારી આપ સૌને ઘણી ઘણી શુભકામનાઓ છે, ઘણી ઘણી શુભેચ્છાઓ!  ધન્યવાદ!

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com