Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મન કી બાત (81મી કડી)-પ્રસારણ તારીખઃ 26-09-2021


મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. તમે જાણો છો કે એક જરૂરી કાર્યક્રમ માટે મારે અમેરિકા જવું પડી રહ્યું છે તો મેં વિચાર્યું કે એ સારું રહેશે કે અમેરિકા જતાં પહેલાં જ હું મન કી બાત રેકોર્ડ કરી દઉં. સપ્ટેમ્બરમાં જે દિવસે મન કી બાત છે, તે જ તારીખે એક મહત્વપૂર્ણ દિવસ હોય છે. આમ તો આપણે ઘણાં બધા દિવસો યાદ રાખીએ છીએ, વિવિધ પ્રકારના દિવસો મનાવીએ છીએ અને જો આપણા ઘરમાં નવયુવાન દિકરા-દિકરી હોય, જો તેમને પૂછો તો આખા વર્ષ દરમિયાન કયા દિવસો ક્યારે આવે છે તેની આખી યાદી સંભળાવી દેશે, પરંતુ એક દિવસ એવો છે જે આપણે સહુ એ યાદ રાખવો જોઈએ અને એ દિવસ એવો છે જે ભારતની પરંપરાઓ સાથે બહુ જ સુસંગત છે. સદીઓથી જે પરંપરાઓ સાથે આપણે જોડાયેલા છીએ તેને જોડનારો છે. તે છે વર્લ્ડ રિવર ડે એટલે કે વિશ્વ નદી દિવસ. આપણે ત્યાં કહેવાયું છે –

       “પિબન્તિ નદ્યઃ સ્વય-મેવ નામ્ભઃ

         

એટલે કે નદીઓ પોતાનું જળ પોતે જ નથી પીતી, પરંતુ પરોપકાર માટે આપે છે. આપણે માટે નદીઓ એક ભૌતિક વસ્તુ નથી, આપણે માટે નદી એક જીવંત એકમ છે, અને એટલે જ, એટલે જ આપણે નદીઓને માં કહીએ છીએ. આપણા કેટલાય પર્વ હોય, તહેવાર હોય, ઉત્સવ હોય, ઉમંગ હોય, આ બધા આપણી આ માતાઓના ખોળામાં જ તો હોય છે.

તમે બધા જાણો જ છો – મહા મહિનો આવે છે તો આપણા દેશમાં ઘણાં લોકો આખા એક મહિનો મા ગંગા અથવા કોઈ બીજી નદીના કિનારે કલ્પવાસ કરે છે. હવે તો એ પરંપરા નથી રહી પરંતુ પહેલાના જમાનામાં તો પરંપરા હતી કે ઘરમાં સ્નાન કરીએ છીએ તો પણ નદીઓનું સ્મરણ કરવાની પરંપરા આજે ભલે લુપ્ત થઈ ગઈ હોય અથવા ક્યાંક બહુ જ અલ્પમાત્રામાં બચી હોય, પરંતુ એક બહુ જ મોટી પરંપરા હતી જે પ્રાતઃ માં જ સ્નાન કરતા સમયે જ વિશાળ ભારતની એક યાત્રા કરાવી દેતી હતી, માનસિક યાત્રા! દેશના ખૂણે-ખૂણેથી જોડાવાની પ્રેરણા બની જાતી હતી. અને એ શું હતું ભારતમાં સ્નાન કરતી વખતે એક શ્લોક બોલવાની પરંપરા રહી છે –

 

ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતિ

નર્મદે સિન્ધુ કાવેરી જલે અસ્મિન્ સન્નિધિં કુરૂ.

 

પહેલા આપણાં ઘરોમાં પરિવારના વડિલો આ શ્લોક બાળકોને યાદ કરાવતા હતા અને તેનાથી આપણા દેશમાં નદીઓ ને લઈને આસ્થા ઉભી થતી હતી. વિશાળ ભારતનું એક માનચિત્ર મનમાં અંકિત થઈ જતું હતું. નદીઓ પ્રત્યે જોડાણ બની જતું હતું. જે નદીને મા ના રૂપમાં આપણે જાણીએ છીએ, જોઈએ છીએ, જીવીએ છીએ, તે નદી પ્રત્યે એક આસ્થાનો ભાવ પેદા થતો હતો. એક સંસ્કાર પ્રક્રિયા હતી.

સાથીઓ, જ્યારે આપણે દેશમાં નદીઓના મહિમા પર વાત કરી રહ્યા છીએ તો સ્વાભાવિક રૂપથી દરેક એક પ્રશ્ન ઉઠાવશે અને પ્રશ્ન ઉઠાવવાનો હક પણ છે અને તેનો જવાબ આપવો તે આપણી જવાબદારી પણ છે. કોઈપણ સવાલ પૂછશે કે ભાઈ, તમે નદીના આટલા ગાણાં ગાઈ રહ્યા છો, નદીને મા કહી રહ્યા છો તો આ નદી પ્રદૂષિત કેમ થઈ જાય છે? આપણા શાસ્ત્રોમાં તો નદીઓમાં જરા સરખું પણ પ્રદૂષણ કરવું ખોટું દર્શાવવામાં આવ્યું છે. અને આપણી પરંપરાઓ પણ એવી રહી છે, તમે તો જાણો જ છો આપણા હિન્દુસ્તાનનો જે પશ્ચિમી ભાગ છે, ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાન, ત્યાં પાણીની ઘણી જ અછત છે. કેટલીયે વખત દુકાળ પડે છે. તેથી હવે ત્યાંના સમાજ જીવનમાં એક નવી પરંપરા વિકાસ પામી છે. જેવી ગુજરાતમાં વરસાદની શરૂઆત થાય ત્યારે ગુજરાતમાં જલ-જીલણી એકાદશી મનાવાય છે. મતલબ કે આજના યુગમાં આપણે જેને કહીએ છીએ, ‘Catch the Rain’ એ આ જ વાત છે કે જળના એક એક ટીપાંને પોતાનામાં સમાવી લેવું, જલ-જીલણી. તેવી જ રીતે વરસાદ પછી બિહાર અને પૂર્વના ભાગોમાં છઠનું મહાપર્વ મનાવવામાં આવે છે. મને આશા છે કે છઠ પૂજાને જોતાં નદીઓના કિનારે, ઘાટની સફાઈ અને સમારકામની તૈયારી શરૂ કરી દેવામાં આવી હશે. આપણે નદીઓને સફાઈ અને તેને પ્રદૂષણથી મુક્ત કરવાનું કામ સહુના પ્રયાસ અને સહુના સહયોગથી જ કરી શકીએ છીએ. નમામિ ગંગે મિશન પણ આજે આગળ વધી રહ્યું છે, તો તેમાં બધા લોકોને પ્રયાસ, એક પ્રકારથી જન-જાગૃતિ, જન આંદોલન, તેની બહુ મોટી ભૂમિકા છે.

સાથીઓ, જ્યારે નદીની વાત થઈ જ રહી છે, મા ગંગાની વાત થઈ રહી છે તો વધુ એક વાત તરફ આપનું ધ્યાન આકર્ષિત કરવાનું મન થાય છે.  વાત જ્યારે નમામિ ગંગે ની થઈ રહી છે તો ચોક્કસ એક વાત પર આપનું ધ્યાન ગયું હશે અને આપણા નવયુવાનોનું તો ચોક્કસ ગયું હશે. આજકાલ એક વિશેષ ઈ-ઓક્શન, ઈ-હરાજી ચાલી રહી છે. આ ઈલેક્ટ્રોનિક -હરાજી તે ભેટ-સોગાદોની થઈ રહી છે જે મને સમય સમય પર લોકોએ આપી હતી. આ હરાજી થી જે પૈસા આવશે, તે નમામિ ગંગે અભિયાન માટે જ સમર્પિત કરવામાં આવે છે. આપ જે આત્મિય ભાવનાથી મને ભેટ આપો છો, તે જ ભાવનાને આ અભિયાને વધુ મજબૂત કરી છે.

સાથીઓ, દેશભરમાં નદીઓને પુનઃજીવિત કરવા માટે, પાણીની સ્વચ્છતા માટે સરકાર અને સમાજસેવી સંગઠન નિરંતર કંઈક ને કંઈક કરતા રહે છે. આજ થી જ નહીં, દાયકાઓથી આ ચાલી રહ્યું છે. કેટલાક લોકો તો આવા કામો માટે પોતાને સમર્પિત કરી ચૂક્યા હોય છે. અને આ જ પરંપરાએ, આ જ પ્રયત્નએ, આ જ આસ્થાએ, આપણી નદીઓને બચાવી રાખી છે અને હિન્દુસ્તાનના કોઈપણ ખૂણામાંથી જ્યારે એવી ખબર મારા કાને આવે છે તો આવા કામ કરનારાઓ પ્રત્યે એક મોટો આદરનો ભાવ મારા મનમાં જાગે છે અને મારું પણ મન કરે છે કે તે વાતો આપને જણાવું. તમે જુઓ, તમિલનાડુના વેલ્લોર અને તિરૂવન્નામલાઈ જિલ્લાનું એક ઉદાહરણ આપવા માગું છું. અહીં એક નદી વહેતી હતી, નાગાનધી. હવે આ નાગાનધી વર્ષો પહેલાં સૂકાઈ ગઈ હતી. તેને જ કારણે ત્યાંના જળસ્તર પણ બહુ જ નીચે ચાલ્યા ગયા હતા. પરંતુ ત્યાંની મહિલાઓએ બીડું ઝડપ્યું કે તેઓ તેમની નદીને પુનઃજીવિત કરશે. પછી તો શું હતું, તેમણે લોકોને જોડ્યાં, જનભાગીદારીથી નહેર ખોદી, ચેકડેમ બનાવ્યા, રિચાર્જ કૂવા બનાવ્યાં.આપને પણ જાણીને ખુશી થશે સાથીઓ કે આજે તે નદી પાણીથી ભરાઈ ગઈ છે. અને જ્યારે નદી પાણીથી ભરાઈ જાય છે ને તો મનને એટલી શાંતિ મળે છે, મેં પ્રત્યક્ષ તેનો અનુભવ કર્યો છે.

તમારામાંથી ઘણાં લોકો જાણતા હશે કે જે સાબરમતીના તટ પર મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમ બનાવ્યો હતો, ગત કેટલાક દાયકાઓમાં આ સાબરમતી નદી સૂકાઈ ગઈ હતી. વર્ષમાં 6-8 મહિના પાણી નજરે જ નહોતું પડતું, પરંતુ નર્મદા નદી અને સાબરમતી નદીને જોડી દીધી, તો જો આજે તમે અમદાવાદ જશો તો સાબરમતી નદીનું પાણી એવું મનને પ્રફૂલ્લિત કરી દે છે. આવી જ રીતે ઘણાં કામો જેવા કે તમિલનાડુની આપણી આ બહેનો કરી રહી છે, દેશના અલગ અલગ ખૂણાઓમાં ચાલી રહ્યા છે. હું તો જાણું છું કેટલાય આપણા ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલા સંત છે, ગુરુજન છે, તેઓ પણ તેમની આધ્યાત્મિક યાત્રાની સાથે-સાથે પાણી માટે, નદી માટે ઘણું બધું કરી રહ્યા છે, કેટલાયે નદીના કિનારે વૃક્ષ લગાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે. તો ક્યાંક નદીઓમાં વહી રહેલા ગંદા પાણીને રોકવામાં આવી રહ્યું છે.

સાથીઓ, વર્લ્ડ રિવર ડે, જ્યારે આજે મનાવી રહ્યા છીએ તો આ કામ પ્રત્યે સમર્પિત દરેકની હું પ્રશંસા કરું છું, અભિનંદન પાઠવું છું. પરંતુ દરેક નદીની પાસે રહેતા લોકોને, દેશવાસીઓને હું આગ્રહ કરીશ કે ભારતમાં ખૂણે-ખૂણામાં વર્ષમાં એકવાર તો નદી ઉત્સવ મનાવવો જ જોઈએ.

મારા પ્રિય દેશવાસીઓ, ક્યારેય પણ નાની વાતને, નાની વસ્તુને નાની માનવાની ભૂલ ન કરવી જોઈએ. નાનાં-નાનાં પ્રયત્નોથી ક્યારેક ક્યારેક બહુ મોટા-મોટા પરિવર્તન આવે છે, અને જો મહાત્મા ગાંધીજીના જીવનની તરફ આપણે જોઈશું તો આપણે દરેક પળે અનુભવશું કે નાની-નાની વાતોનું તેમના જીવનમાં કેટલું મોટું મહત્વ હતું અને નાની-નાની વાતોને લઈને, મોટા-મોટા સંકલ્પોને કેવી રીતે તેમણે સાકાર કર્યા હતા. આપણા આજના નવયુવાનોએ એ જરૂર જાણવું જોઈએ કે સાફ-સફાઈના અભિયાને કેવી રીતે આઝાદીના આંદોલનને એક નિરંતર ઉર્જા આપી હતી. એ મહાત્મા ગાંધી જ તો હતા, જેમણે સ્વચ્છતા ને જન-આંદોલન બનાવવાનું કામ કર્યું હતું. મહાત્મા ગાંધીએ સ્વચ્છતાને સ્વાધિનતાના સપના સાથે જોડી દીધી હતી. આજે આટલા દાયકાઓ પછી, સ્વચ્છતા આંદોલને ફરી એકવાર દેશને નવા ભારતના સપનાં સાથે જોડવાનું કામ કર્યું છે. અને તે આપણી આદતોને બદલવાનું પણ અભિયાન બની રહ્યું છે અને આપણે તે ન ભૂલીએ કે સ્વચ્છતા એ માત્ર એક કાર્યક્રમ છે. સ્વચ્છતા એ પેઢી દર પેઢી સંસ્કાર ફેલાવવાની એક જવાબદારી છે અને પેઢી દર પેઢી સ્વચ્છતાનું અભિયાન ચાલે છે, ત્યારે સંપૂર્ણ સમાજજીવનમાં સ્વચ્છતાનો સ્વભાવ બને છે. અને તેથી જ વર્ષ-બે વર્ષ, એક સરકાર – બીજી સરકાર એવા વિષય નથી, પેઢી દર પેઢી આપણે સ્વચ્છતાના સંબંધમાં સજાગ પણે અવિરત રૂપથી થાક્યા વગર, રોકાયા વગર, એકદમ શ્રદ્ધા સાથે જોડાઈ રહેવાનું છે અને સ્વચ્છતાના અભિયાનને ચલાવતા રહેવાનું છે. અને મેં તો પહેલાં પણ કીધું હતું, કે સ્વચ્છતા એ પૂજ્ય બાપૂને આ દેશની બહુ મોટી શ્રદ્ધાંજલિ છે અને આ શ્રદ્ધાંજલિ આપણે દરેક વખતે આપતા રહેવું છે, સતત આપતા રહેવું છે.

સાથીઓ, લોકો જાણે છે કે સ્વચ્છતાના સંબંધમાં બોલવાનો મોકો હું ક્યારેય છોડતો નથી અને કદાચ તેથી જ આપણી મન કી બાત ના એક શ્રોતા શ્રીમાન રમેશ પટેલજીએ લખ્યું, આપણે બાપૂ પાસેથી શીખીને આ આઝાદીના અમૃત મહોત્સવમાં આર્થિક સ્વચ્છતાનો પણ સંકલ્પ લેવો જોઈએ. જેવી રીતે શૌચાલયોના નિર્માણે ગરીબોને ગરિમા વધારી, તેવી જ રીતે આર્થિક સ્વચ્છતા, ગરીબોને અધિકાર સુનિશ્ચિત કરે છે, તેમનું જીવન સરળ બનાવે છે. હવે તમે એ જાણો છો, જનધન ખાતાને લઈને દેશે જે અભિયાન શરૂ કર્યું છે. તેને કારણે આજે ગરીબોના, તેમના હકના પૈસા સીધાસીધા તેમના ખાતામાં જઈ રહ્યા છે, જેના કારણે ભ્રષ્ટાચાર જેવા અવરોધોમાં ઘણો મોટી માત્રામાં ઘટાડો થયો છે. એ વાત સાચી છે આર્થિક સ્વચ્છતામાં ટેક્નોલોજી બહુ જ મદદ કરી શકે છે. આપણા માટે ખુશીની વાત છે આજે પછાત ગામડાંઓમાં પણ fin-tech UPIથી ડિજીટલ લેણ-દેણ કરવાની દિશામાં સામાન્ય મનુષ્ય પણ જોડાઈ રહ્યો છે, તેનું વલણ પણ વધી રહ્યું છે. આપને હું એક આંકડો જણાવું છું, આપને ગર્વ થશે, ગત ઓગસ્ટ મહિનામાં એક મહિનામાં UPIથી 355 કરોડ transaction થયા, એટલે કે લગભગ-લગભગ 350 કરોડથી પણ વધુ transaction, એટલે કે આપણે કહી શકીએ છીએ કે ઓગસ્ટ મહિનામાં 350 કરોડથી વધારે વખત ડિજીટલ લેણ-દેણ માટે UPI નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આજે એવરેજ 6 લાખ કરોડ રૂપિયાથી પણ વધુનું ડિજીટલ પેમેન્ટ UPI થી થઈ રહ્યું છે. તેનાથી દેશની અર્થવ્યવસ્થામાં સ્વચ્છતા, પારદર્શિતા આવી રહી છે અને આપણે જાણીએ છીએ, હવે fin-tech નું મહત્વ ઘણું જ વધી રહ્યું છે.

સાથીઓ, જેવી રીતે બાપૂએ સ્વચ્છતાને સ્વાધિનતા સાથે જોડ્યું તેવી જ રીતે ખાદીને આઝાદીની ઓળખ બનાવી દીધી હતી. આજે આઝાદીના 75માં વર્ષમાં આપણે જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવને મનાવી રહ્યા છીએ, આજે આપણે સંતોષપૂર્વક કહી શકીએ છીએ કે આઝાદીના આંદોલનમાં જે ગૌરવ ખાદીનું હતું, આજે આપણી યુવા પેઢી ખાદીને તે ગૌરવ આપી રહી છે. આજે ખાદી અને હેન્ડલૂમનું ઉત્પાદન કેટલાય ગણું વધ્યું છે અને તેની માગ પણ વધી છે. આપ પણ જાણો છો કે એવી કેટલીયે તકો આવી છે, જ્યારે દિલ્હીના ખાદીના શો-રૂમમાં એક દિવસમાં એક કરોડથી પણ વધારેનો વેપાર થયો છે. હું પણ ફરીથી તમને યાદ અપાવવા માગું છું કે 2 ઓક્ટોબર, પૂજ્ય બાપૂની જન્મ-જયંતિ પર આપણે બધા ફરીથી એક વખત એક નવો રેકોર્ડ બનાવીએ. આપ આપના શહેરમાં જ્યાં પણ ખાદી વેચાતી હોય, હેન્ડલૂમ વેચાતું હોય, હેન્ડીક્રાફ્ટ વેચાતું હોય અને દિવાળીનો તહેવાર સામે છે, તહેવારોની મોસમ માટે ખાદી, હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગથી જોડાયેલી તમારી દરેક ખરીદી, Vocal For Local’ આ અભિયાનને મજબૂત કરનારી હોય, જૂના બધા રેકોર્ડ તોડનારી હોય.

સાથીઓ, અમૃત મહોત્સવના આ સમયમાં દેશમાં આઝાદીના ઈતિહાસની ન કહેવાયેલી ગાથાઓ ને જન-જન સુધી પહોંચાડવાનું એક અભિયાન પણ ચાલી રહ્યું છે અને તેને માટે નવા લેખકોને, દેશના અને દુનિયાના યુવાનોને આહ્વાન કરાવામાં આવ્યું હતું. આ અભિયાન માટે અત્યાર સુધી 13 હજાર થી પણ વધુ લોકોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને તે પણ 14 અલગ-અલગ ભાષાઓમાં. અને મારા માટે ખુશીની વાત એ પણ છે કે 20 થી વધુ દેશોમાં કેટલાય અપ્રવાસી ભારતીઓએ પણ આ અભિયાન સાથે જોડાવા માટે પોતાની ઈચ્છા દર્શાવી છે. વધુ એક રસપ્રદ જાણકારી છે, લગભગ 5000થી વધુ નવા ઉભરતા લેખક આઝાદીની જંગની કથાઓને શોધી રહ્યા છે. તેમણે જે Unsung Heroes છે, જેઓ અનામી છે, ઈતિહાસના પાનાંઓ પર જેના નામ નામ નજરે નથી આવતાં, તેવા Unsung Heroesની થીમ પર, તેમના જીવન પર, તે ઘટનાઓ પર કંઈક લખવાનું બીડું ઉપાડ્યું છે એટલે કે દેશના યુવાનોએ નક્કી કરી લીધું છે, એ સ્વતંત્રતા સેનાનીઓના ઈતિહાસને પણ દેશની સામે લાવશે જેમની ગત 75 વર્ષમાં કોઈ ચર્ચા પણ નથી થઈ. બધા શ્રોતાઓને મારો આગ્રહ છે, શિક્ષણ જગત સાથે જોડાયેલા બધાને મારો આગ્રહ છે. આપ પણ યુવાનોને પ્રેરિત કરો. આપ પણ આગળ આવો અને માને પાક્કો વિશ્વાસ છે કે આઝાદીના અમૃત મહોત્સવમાં ઈતિહાસ લખવાનું કામ કરનારા લોકો ઈતિહાસ બનાવવાના પણ છે.

મારા પ્રિય દેશવાસીઓ, સિયાચિન ગ્લેશિયર વિશે તો આપણે બધા જાણીએ છીએ. ત્યાંની ઠંડી એવી ભયાનક છે, જેમાં રહેવું સામાન્ય માણસ માટે સરળ વાત નથી. દૂર-દૂર સુધી બરફ જ બરફ અને છોડ કે ઝાડનું તો નામોનિશાન નથી. અહીંયાનું તાપમાન માઈનસ 60 ડિગ્રી સુધી પણ જાય છે. થોડા દિવસો પહેલાં જ સિયાચિનના આ દુર્ગમ વિસ્તારમાં 8 દિવ્યાંગજનોની ટીમે જે કમાલ કરીને દેખાડ્યો છે, તે દરેક દેશવાસી માટે ગર્વની વાત છે. આ ટીમે સિયાચિન ગ્લેશિયરની 15 હજાર ફીટથી પણ વધુની ઉંચાઈ પર સ્થિત કુમાર પોસ્ટ પર પોતાનો ઝંડો લહેરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. શરીરના પડકારો છતાં પણ આપણા આ દિવ્યાંગોએ જે કાર્ય કરી દેખાડ્યું છે તે આખા દેશ માટે પ્રેરણા છે અને જ્યારે આ ટીમના સભ્યો વિશે જાણશો તો તમે પણ મારી જેમ હિંમત અને ઉત્સાહથી છલકાઈ જશો. આ બહાદુર દિવ્યાંગોના નામ છે –  મહેશ નેહરા, ઉત્તરાખંડના અક્ષત રાવત, મહારાષ્ટ્રના પુષ્પક ગવાંડે, હરિયાણાના અજય કુમાર, લદ્દાખના લોબ્સાંગ ચોસ્પેલ, તમિલનાડુના મેજર દ્વારકેશ, જમ્મુ-કાશ્મીરના ઈરફાન અહમદ મીર અને હિમાચલ પ્રદેશની ચોન્જિન એન્ગમો. સિયાચીન ગ્લેશિયર પર જીત મેળવવાનું આ ઓપરેશન ભારતીય સેનાના વિશેષ દળોના veterans ની મદદથી સફળ થયું છે. હું આ ઐતિહાસિક અને અભૂતપૂર્વ ઉપલબ્ધિ માટે ટીમની પ્રશંસા કરું છું. તે આપણા દેશવાસીઓના “Can Do Culture”, “Can Do Determination”  “Can Do Attitude” સાથે દરેક પડકારનો સામનો કરવાની ભાવનાને પણ પ્રગટ કરે છે.

સાથીઓ આજે દેશમાં દિવ્યાંગજનોના કલ્યાણ માટે કેટલાય પ્રયત્નો થઈ રહ્યા છે. મને ઉત્તરપ્રદેશમાં થઈ રહેલા એવા જ એક પ્રયત્ન One Teacher, One Call વિશે જાણવાનો મોકો મળ્યો. બરેલીમાં આ અનોખો પ્રયત્ન દિવ્યાંગ બાળકોને નવો માર્ગ દેખાડી રહ્યો છે. આ અભિયાનનું નેતૃત્વ કરી રહી છે ડભૌરા ગંગાપુરમાં એક સ્કૂલની પ્રિન્સિપાલ દીપમાલા પાંડેજી. કોરોનાકાળમાં આ અભિયાનને કારણે ન માત્ર મોટી સંખ્યામાં બાળકોનું એડમિશન શક્ય બની શક્યું પરંતુ તેનાથી લગભગ 350 થી વધુ શિક્ષક પણ સેવા-ભાવ સાથે જોડાઈ ચૂક્યા છે. આ શિક્ષકો ગામે-ગામ જઈને દિવ્યાંગ બાળકોને બોલાવે છે, શોધે છે અને પછી તેમની કોઈ ને કોઈ સ્કૂલમાં ભરતી સુનિશ્ચિત કરે છે. દિવ્યાંગ જનો માટે દીપમાલા જી અને સાથી શિક્ષકોના આ નેક પ્રયત્નોની હું ખૂબ-ખૂબ પ્રશંસા કરું છું. શિક્ષણના ક્ષેત્રમાં આવો દરેક પ્રયત્ન આપણા દેશના ભવિષ્યને સુધારનારો છે.

મારા પ્રિય દેશવાસીઓ, આજે આપણા લોકોની જિંદગીની હાલત એ છે કે એક દિવસમાં સેંકડો વખત કોરોના શબ્દ આપણા કાને પડે છે, સો વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારી, કોવિડ-19 એ દરેક દેશવાસીઓને ઘણું બધું શિખવાડ્યું છે. હેલ્થકેર અને વેલનેસ ને લઈને આજે જિજ્ઞાસા પણ વધી છે અને જાગૃતિ પણ. આપણા દેશમાં પારંપરિક રૂપથી આવા નેચરલ પ્રોડક્ટ્સ મોટી માત્રામાં ઉપલબ્ધ છે જે વેલનેસ એટલે કે સ્વાસ્થ્ય માટે ઘણાં જ ફાયદાકારક છે. ઓડિશાના કાલાહાંડીના નાંદોલમાં રહેતા પતાયત સાહૂજી આ ક્ષેત્રમાં વર્ષોથી એક અનોખું કાર્ય કરી રહ્યા છે. તેમણે દોઢ એકર જમીન પર મેડિસીનલ પ્લાન્ટ્સ લગાવ્યા છે. એટલું જ નહીં સાહૂજીએ તો આ મેડિસીનલ પ્લાન્ટ્સનું ડોક્યુમેન્ટેશન પણ કર્યું છે.  મને રાંચીના સતીશ જીએ પત્રના માધ્યમથી આવી જ વધુ એક જાણકારી વિશે જણાવ્યું. સતીજ જીએ ઝારખંડના એક એલો વેરા વિલેજ તરફ મારું ધ્યાન દોર્યું છે. રાંચી પાસે જ દેવરી ગામની મહિલાઓએ મંજૂ કચ્છપ જી ના નેતૃત્વમાં બિરસા કૃષિ વિદ્યાલયથી એલોવેરાની ખેતીનું શિક્ષણ લીધું હતું. ત્યારબાદ તેમણે એલોવેરાની ખેતી શરૂ કરી. આ ખેતીથી ન માત્ર સ્વાસ્થ્યના ક્ષેત્રમાં લાભ મળ્યો, પરંતુ આ મહિલાઓની આવક પણ વધી ગઈ છે. કોવિડ મહામારી દરમિયાન પણ તેમને સારી આવક થઈ છે. તેનું એક મોટું કારણ એ હતું કે સેનિટાઈઝર બનાવનારી કંપનીઓ સીધા આ લોકો પાસેથી જ એલોવેરા ખરીદી રહી હતી. આજે આ કાર્યમાં લગભગ ચાલીસ મહિલાઓની ટીમ જોડાયેલી છે. અને કેટલાય એકરમાં એલોવેરાની ખેતી થાય છે. ઓડિશાના પતાયત સાહૂ જી હોય કે પછી દેવરીમાં મહિલાઓની આ ટીમ, તેમણે ખેતીને જેવી રીતે સ્વાસ્થ્યના ક્ષેત્ર સાથે જોડી છે, તે પોતાનામાં જ એક મોટું ઉદાહરણ છે.

સાથીઓ, આવનારા 2 ઓક્ટોબરે લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મજયંતિ હોય છે. તેમની સ્મૃતિમાં, આ દિવસ આપણને ખેતીમાં નવા નવા પ્રયોગો કરનારાઓની જાણકારી પણ આપે છે. મેડિસીનલ પ્લાન્ટના ક્ષેત્રમાં સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન આપવા માટે Medi-Hub TBI ના નામથી એક ઈન્ક્યૂબેટર, ગુજરાતના આણંદમાં કામ કરી રહ્યા છે. Medicinal અને Aromatic Plants સાથે જોડાયેલું આ ઈન્ક્યૂબેટર બહુ જ ઓછા સમયમાં જ 15 entrepreneurs ના બિઝનેસ આઈડિયાને સપોર્ટ કરી ચૂક્યું છે. આ ઈન્ક્યૂબેટરની મદદ લઈને જ સુધા ચેબ્રોલૂ જીએ પોતાનું સ્ટાર્ટ-અપ શરૂ કર્યું છે. તેમની કંપનીમાં મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે અને તેમના પર innovative herbal formulations ની પણ જવાબદારી છે. વધુ એક entrepreneur સુભાશ્રી જી છે જેને પણ આ Medicinal અને Aromatic Plants Incubator થી મદદ મળી છે. સુભાશ્રી જીની કંપની હર્બલ રૂમ અને કાર ફ્રેશનર ના ક્ષેત્રમાં કામ કરી રહી છે. તેમણે એક હર્બલ ટેરેસ ગાર્ડન પણ બનાવ્યું છે જેમાં 400 થી વધારે Medicinal Herbs છે.

સાથીઓ, બાળકોમાં Medicinal અને Herbal Plants પ્રત્યે જાગૃતિ વધારવા માટે આયુષ મંત્રાલયએ એક રસપ્રદ પહેલ કરી છે અને તેનું બીડું ઝડપ્યું છે આપણા પ્રોફેસર આયુષ્યમાનજીએ. એવું બની શકે કે,  તમે એ વિચારો કે આ પ્રોફેસર આયુષ્યમાન છે કોણ? ખરેખર તો પ્રોફેસર આયુષ્યમાન એક કોમિક બુકનું નામ છે. તેમાં અલગ-અલગ કાર્ટૂન પાત્રોની મદદથી નાની-નાની વાર્તાઓ તૈયાર કરવામાં આવી છે. સાથે જ એલોવેરા, તુલસી, આમળાં, ગિલોય, નીમ, અશ્વગંધા અને બ્રાહ્મી જેવા સ્વાસ્થ્યપ્રદ Medicinal Plantની ઉપયોગીતા વિશે જણાવવામાં આવ્યું છે.

સાથીઓ, આજના સંજોગોમાં જે પ્રકારે Medicinal Plant અને હર્બલ ઉત્પાદનોને લઈને દુનિયાભરમાં લોકોનું વલણ વધ્યું છે, તેમાં ભારત પાસે અપાર શક્યતાઓ છે. વિતેલા સમયમાં આયુર્વેદિક અને હર્બલ પ્રોડક્ટના exportમાં પણ ઘણી વૃદ્ધિ જોવા મળી છે.

હું Scientists, Researchers અને Start-upની દુનિયા સાથે જોડાયેલા લોકોને, આવા પ્રોડક્ટની તરફ ધ્યાન આપવાનો આગ્રહ કરું છું, જે લોકોની વેલનેસ અને ઈમ્યૂનિટી તો વધારે જ, આપણા ખેડૂતો અને નવયુવાનોની આવકને પણ વધારવામાં મદદરૂપ સાબિત થાય.

સાથીઓ, પરંપરાગત ખેતીથી આગળ વધીને, ખેતીમાં થઈ રહેલા નવા પ્રયોગ, નવા વિકલ્પ, સતત સ્વરોજગારના નવા સાધનો બનાવી રહ્યા છે. પુલવામાના બે ભાઈઓની વાત પણ તેનું જ એક ઉદાહરણ છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં બિલાલ અહેમદ શેખ અને મુનિર અહેમદ શેખે જે પ્રકારથી પોતાના માટે નવા માર્ગો શોધ્યા, તે ન્યૂ ઈન્ડિયા નું એક ઉદાહરણ છે. 39 વર્ષના બિલાલ અહેમદ જી Highly Qualified છે, તેમણે કેટલીયે ડિગ્રીઓ મેળવી છે. પોતાના ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા અનુભવોનો ઉપયોગ આજે તેઓ ખેતીમાં પોતાનું સ્ટાર્ટ-અપ બનાવીને કરી રહ્યા છે. બિલાલ જીએ પોતાના ઘરે જ વર્મી કમ્પોસ્ટનું યુનિટ લગાવ્યું છે. આ યુનિટથી તૈયાર થનારા બાયો ફર્ટિલાઈઝરથી ન માત્ર ખેતીમાં ઘણો લાભ થયો, પરતું તે લોકો માટે રોજગારની તક પણ લઈને આવ્યું છે. દર વર્ષે આ ભાઈઓના યૂનિટથી ખેડૂતોને લગબગ ત્રણ હજાર ક્વિંટલ વર્મી કમ્પોસ્ટ મળી રહ્યું છે. આજે તેમની આ વર્મી કમ્પોસ્ટિંગ યુનિટમાં 15 લોકો કામ પણ કરી રહ્યા છે. તેમના આ યુનિટને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે અને તેમાંથી મોટાભાગે એવા યુવાનો હોય છે જે ખેતીના ક્ષેત્રમાં કંઈક કરવા માંગે છે.  પુલવામાના શેખ ભાઈઓએ Job Seeker બનવાની જગ્યાએ Job Creator બનવાનો સંકલ્પ લીધો અને જે તેઓ જમ્મુ-કાશ્મીર જ નહીં, પરંતુ આખા દેશભરમાં લોકોને નવો માર્ગ દેખાડી રહ્યા છે.

મારા પ્રિય દેશવાસીઓ, 25 સપ્ટેમ્બરે દેશના મહાન સંતાન પંડિત દીનદયાલ ઉપાધ્યાય જીની જન્મજયંતિ હોય છે. દીનદયાલજી ગત સદીના સૌથી મોટા વિચારકોમાંનાં એક છે. તેમનું અર્થ-દર્શન, સમાજને સશક્ત કરવા માટે -તેમની નીતિઓ, તેમના દ્વારા દેખાડવામાં આવેલો અંત્યોદયનો માર્ગ, આજે પણ એટલો પ્રાસંગિક છે, તેટલો જ પ્રેરણાદાયી પણ છે. ત્રણ વર્ષ પહેલાં 25 સપ્ટેમ્બરે તેમની જન્મ-જયંતિ પર જ દુનિયાની સૌથી મોટી Health Assurance Scheme – આયુષ્યમાન ભારત યોજના લાગુ કરવામાં આવી હતી. આજે દેશના બે-સવા બે કરોડથી પણ વધુ ગરીબોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી ચૂકી છે. ગરીબો માટે આટલી મોટી યોજના, દીનદયાળ જીના અંત્યોદય દર્શનને જ સમર્પિત છે. આજના યુવાનો જો તેમના મૂલ્યો અને આદર્શોને તેમના જીવનમાં ઉતારે તો તે તેમને ઘણું જ કામ આવી શકે છે. એક વખત લખનૌમાં દીનદયાળ જીએ કહ્યું હતું, – કેટલી સારી સારી વસ્તુઓ, સારા-સારા ગુણ છે – તે બધું આપણને સમાજ પાસેથી જ પ્રાપ્ત થાય છે. આપણે સમાજનું ઋણ ચૂકવવાનું છે, આવી રીતનો વિચાર કરવો જ જોઈએ. એટલે કે દીનદયાળ જીએ શિખામણ આપી કે આપણે સમાજ પાસેથી, દેશ પાસેથી એટલું બધું લઈએ છીએ, જે કંઈ પણ છે, તે દેશને કારણે જ તો છે, તેથી દેશ પ્રત્યે આપણું ઋણ કેવી રીતે ચૂકવીશું, તેના વિશે વિચારવું જોઈએ. તે આજના યુવાનો માટે એક બહુ મોટો સંદેશ છે.

સાથીઓ, દીનદયાળજીના જીવનમાંથી, આપણને ક્યારેય હાર ન માનવાની શીખ પણ મળે છે. વિપરિત રાજનીતિક અને વૈચારિક પરિસ્થિતીઓ હોવા છતાં, ભારતના વિકાસ માટે સ્વદેશી મોડલના વિઝન થી તેઓ ક્યારેય ડગ્યા નથી. આજે ઘણાં બધાં યુવાનો પહેલેથી બનેલા માર્ગથી, અલગ થઈને, આગળ વધવા માંગે છે. તેઓ વસ્તુઓને પોતાની રીતે કરવા માગે છે. દીનદયાળજીના જીવનથી તેમને ઘણી જ મદદ મળી શકે છે. તેથી યુવાનોને મારો આગ્રહ છે કે તેઓ તેમના વિશે જરૂરથી જાણે.

મારા પ્રિય દેશવાસીઓ, આપણે આજે ઘણાં વિષયો પર ચર્ચા કરી. જેમ આપણે વાત પણ કરી રહ્યા હતા, આવનારો સમય તહેવારોનો છે. આખો દેશ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ના, અસત્ય પર વિજયનું પર્વ પણ મનાવવાનો છે. પરંતુ આ ઉત્સવમાં આપણે વધુ એક લડાઈ વિશે યાદ રાખવાનું છે – તે છે દેશની કોરોના સાથેની લડાઈ. ટીમ ઈન્ડિયા આ લડાઈમાં રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. Vaccination માં દેશે કેટલાયે એવા રેકોર્ડ બનાવ્યા છે જેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. આ લડાઈમાં દરેક ભારતવાસીની મહત્વની ભૂમિકા છે. આપણે આપણો વારો આવતાં જ વેક્સિન તો લગાવવાની જ છે પણ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે કોઈ આ સુરક્ષા ચક્રથી છૂટી ન જાય. પોતાની આસપાસ જેને વેક્સિન નથી લાગી તેમને પણ વેક્સિન સેન્ટર સુધી લઈ જવાના છે. વેક્સિન લાગ્યા પછી પણ જરૂરી પ્રોટોકોલનું પાલન કરવાનું છે. મને આશા છે કે આ લડાઈમાં ફરી એકવાર ટીમ ઈન્ડિયા પોતાનો ઝંડો લહેરાવશે. આપણે આવતા વખતે કેટલાક અન્ય વિષયો પર મન કી બાત કરીશું. આપ બધાને, દરેક દેશવાસીને, તહેવારોની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ…

ધન્યવાદ….