Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સરદારધામ ભવનના લોકાર્પણ અને સરદારધામ ફેઝ-2ના ભૂમિપૂજન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

સરદારધામ ભવનના લોકાર્પણ અને સરદારધામ ફેઝ-2ના ભૂમિપૂજન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


આ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત રહેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન વિજય ભાઈ રૂપાણીજી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રી પુરૂષોત્તમ રૂપાલાજી, શ્રી મનસુખ માંડવિયાજી, બહેન અનુપ્રિયા પટેલજી, લોકસભામાં સંસદમાં મારા સાથી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રીમાન સી. આર પાટીલજી, ગુજરાત સરકારના તમામ મંત્રી, અહીં ઉપસ્થિત તમામ સહયોગી સાંસદ સાથીદારો, ગુજરાતનો ધારાસભ્ય સમુદાય, સરદારધામના તમામ ટ્રસ્ટી, મારા મિત્ર ભાઈશ્રી ગાગજી ભાઈ, ટ્રસ્ટના તમામ સન્માનિત સભ્યો, આ પવિત્ર કાર્યને આગળ ધપાવવામાં યોગદાન આપનારા મારા તમામ સાથીદારો, ભાઈઓ અને બહેનો!

કોઈપણ શુભ કામ કરતાં પહેલાં આપણે ત્યાં ગણેશ પૂજનની પરંપરા છે અને સદ્દનસીબે ગણેશ પૂજનના પવિત્ર તહેવાર પ્રસંગે સરદારધામ ભવનના શ્રી ગણેશ પણ થઈ રહ્યા છે. ગઈકાલે શ્રી ગણેશ ચતુર્થી હતી અને અત્યારે સમગ્ર દેશ ગણેશોત્સવ ઉજવી રહ્યો છે. હું આપ સૌને ગણેશ ચતુર્થી અને ગણેશોત્સવની હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આજે ઋષિપંચમી પણ છે. ભારત તો ઋષિ પરંપરાનો દેશ છે. ઋષિઓના જ્ઞાન, વિજ્ઞાન અને દર્શનથી આપણી ઓળખ થઈ રહી છે. આપણે આ વારસાને આગળ ધપાવીશું. આપણાં વૈજ્ઞાનિકો, આપણાં ચિંતક સમગ્ર માનવ જાતને માર્ગદર્શન આપે તેવી ભાવના સાથે આપણે મોટા થયા છીએ. આવી ભાવના સાથે ઋષિ પંચમીની પણ આપ સૌને શુભેચ્છા પાઠવું છું.

ઋષિ મુનિઓની પરંપરા આપણને બહેતર મનુષ્ય બનવાની ઉર્જા પૂરી પાડે છે. આવી ભાવના સાથે પર્યુષણ પર્વ પછી જૈન પરંપરામાં આપણે ક્ષમાવાણી દિવસ મનાવીએ છીએ અનેમિચ્છામી દુક્કડમકરીએ છીએ. મારા તરફથી આપને તથા દેશના તમામ નાગરિકોનેમિચ્છામી દુક્કડમ‘. આ એક એવું પર્વ છે, એવી પરંપરા છે કે જેમાં પોતાની ભૂલોનો સ્વિકાર કરવાની, તેમાં સુધારો કરવાની અને બહેતર કામગીરી કરવાનો સંકલ્પ લેવાય છે. આ બાબત આપણાં જીવનનો એક હિસ્સો બનવી જોઈએ. હું તમામ દેશવાસીઓને અને તમામ ભાઈબહેનોને આ પવિત્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ભગવાન મહાવીરના શ્રીચરણોમાં નમન કરૂં છું.

આપણાં પ્રેરણાસ્રોત લોખંડી પુરૂષ સરદાર સાહેબના ચરણોમાં હું નમન કરૂં છું અને તેમને મારી શ્રધ્ધાંજલિ અર્પણ કરૂં છું. સરદાર ધામ ટ્રસ્ટ સાથે જોડાયેલા તમામ સભ્યોને પણ હું અભિનંદન પાઠવું છું, જેમણે પોતાના સમર્પણથી સેવાના આ અદ્દભૂત પ્રોજેકટને આકાર આપ્યો છે. આપ સૌનું સમર્પણ, તમારો સેવા સંકલ્પ એ સ્વયં એક ઉદાહરણ છે. તમારા પ્રયાસોથી આજે સરદાર ધામના આ ભવ્ય ભવનના લોકાર્પણની સાથે સાથે ફેઝ-2 કન્યા છાત્રાલયનું ભૂમિ પૂજન પણ કરવામાં આવ્યુ છે.

સ્ટેટ ઓફ આર્ટ બિલ્ડીંગ‘, આધુનિક સાધનો ધરાવતું કન્યા છાત્રાલય, આધુનિક ગ્રંથાલય, આ તમામ વ્યવસ્થાઓ અનેક યુવાનોને સશક્ત બનાવશે. એક તરફ તમે ઉદ્યોગસાહસિકતા વિકાસ કેન્દ્ર મારફતે ગુજરાતની સમૃધ્ધ વેપારી ઓળખને મજબૂત કરી રહ્યા છો, તો બીજી તરફ સિવીલ સર્વિસ સેન્ટર મારફતે જે યુવાનો સિવીલ સર્વિસીસમાં અથવા સંરક્ષણ અથવા તો ન્યાયપાલિકાની સર્વિસીસમાં આગળ વધવા માંગે છે તેમને નવી દિશા મળી રહી છે.

પાટીદાર સમાજના યુવાનોની સાથે સાથે ગરીબો અને ખાસ કરીને મહિલાઓના સશક્તિકરણ ઉપર તમે જે ભાર મૂકી રહ્યા છો તે સાચે જ પ્રશંસાપાત્ર છે. હોસ્ટેલની સુવિધા પણ અનેક દિકરીઓને આગળ આવવામાં મદદ કરશે.

મને પૂરો વિશ્વાસ છે કે સરદાર ધામ માત્ર દેશના ભવિષ્ય નિર્માણનું એક અધિષ્ઠાન બનવાની સાથે સાથે આવનારી પેઢીઓને સરદાર સાહેબના આદર્શો મુજબ જીવવાની પ્રેરણા પણ પૂરી પાડશે. અને હું એક વાત એ કહેવા માંગુ છું કે આજે જ્યારે આપણે આઝાદીનોઅમૃત મહોત્સવમનાવી રહ્યા છીએ ત્યારે આઝાદીના 75 વર્ષ જેવા અવસરે આજે આપણે દેશની આઝાદીના જંગને યાદ કરીને પ્રેરણા મેળવી રહ્યા છીએ, પરંતુ આ છાત્રાલયમાં જે દિકરાદિકરીઓ ભણવાના છે અને આજે જે 18, 20, 25 વર્ષની ઉંમરના નવયુવાનો છે, 2047માં જ્યારે દેશની આઝાદીને 100 વર્ષ પૂરાં થશે ત્યારે આ તમામ લોકો દેશમાં નિર્ણાયક ભૂમિકામાં હશે. આજે તમે જે સંકલ્પ કરશો, 2047મા જ્યારે આઝાદીના 100 વર્ષ થશે ત્યારે ભારત કેવું હશે તેના સંસ્કાર આ પવિત્ર ધરતી પરથી જ મળવાના છે.

સાથીઓ,

સરદાર ધામનું આજે જે તારીખે લોકાર્પણ થઈ રહ્યું છે તે તારીખ પણ એટલી જ મહત્વની છે અને એટલો જ મોટો સંદેશ તેની સાથે જોડાયેલો છે. આજે 11 સપ્ટેમ્બર એટલે કે 9/11 છે! દુનિયાના ઈતિહાસની એક એવી તારીખ કે જેને માનવતા પર પ્રહાર માટે પણ ઓળખવામાં આવે છે, પરંતુ આ તારીખે સમગ્ર વિશ્વને ઘણું બધુ શિખવ્યુ પણ છે!

એક સદી પહેલાં 11 સપ્ટેમ્બર, 1893નો દિવસ હતો કે જ્યારે શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદનું આયોજન થયું હતું. આજના જ દિવસે સ્વામી વિવેકાનંદે તે વૈશ્વિક મંચ પર ઉભા થઈને દુનિયાને ભારતના માનવીય મૂલ્યોનો પરિચય આપ્યો હતો. આજે દુનિયા એવું અનુભવી રહી છે કે 9/11 જેવી કરૂણાંતિકા કે જેને આજે 20 વર્ષ પૂરાં થયા છેસદીઓનું સ્થાયી સમાધાન, માનવતાના એ મૂલ્યોથી જ થશે. એક તરફ આપણે આ આતંકી ઘટનાઓ તરફથી મળતો બોધપાઠ યાદ રાખવાનો છે અને સાથે સાથે માનવીય મૂલ્યો માટે સંપૂર્ણ આસ્થા સાથે પ્રયત્ન પણ કરતાં રહેવાનો છે.

સાથીઓ,

આજે 11 સપ્ટેમ્બર એ વધુ એક મોટો અવસર છે. આજે ભારતના મહાન વિદ્વાન, દાર્શનિક અને સ્વાતંત્ર્ય સેનાની સુબ્રમણ્ય ભારતી ની 100મી પુણ્યતિથી પણ છે. સરદાર સાહેબ જે રીતે એક ભારતશ્રેષ્ઠ ભારતનું વિઝન લઈને ચાલી રહ્યા હતા, તેવી જ વિચારધારા ધરાવતા મહાકવિ ભારતીની તામિલ કલમ સંપૂર્ણ દિવ્યતા સાથે નિખરી રહી હતી. જ્યારે તે કહેતા હતા કે હિમાલય આપણો છેતે તામિલનાડુમાં રહેતા હતા અને તેમની વિચારધારા પણ કેવીઅને તે કહેતા હતા કે હિમાલય આપણો છે, જ્યારે તે કહેતા હતા કે ગંગાની આવી ધારા બીજે ક્યાં મળશે, જ્યારે તે ઉપનિષદોના મહિમાનું વર્ણન કરતા હતા તો ભારતની એકતાને, ભારતની શ્રેષ્ઠતાને વધુ ભવ્યતા આપતા હતા. સુબ્રમણ્ય ભારતીએ સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા મેળવી હતી. શ્રી અરવિંદથી તે પ્રભાવિત થયા હતા અને કાશીમાં રહીને પોતાના વિચારોને તેમણે નવી ઉર્જા આપી અને નવી દિશા આપી છે.

સાથીઓ,

આજે આ પ્રસંગે હું એક મહત્વની જાહેરાત પણ કરી રહ્યો છું. બનારસ હિંદુ યુનિવર્સિટીમાં સુબ્રમણ્ય ભારતીના નામથી એક ચેર તામિલ સ્ટડીઝ સ્થાપિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તામિલ ભાષા સમૃધ્ધ ભાષા છે. વિશ્વની સૌથી પુરાતન ભાષા છે અને આપણે સૌ ભારતવાસીઓ માટે એ ગર્વની વાત છે કે તામિલ સ્ટડીઝ અંગેની સુબ્રમણ્ય ભારતી ચેર બનારસ હિંદુ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટસમાં સ્થાપિત કરાશે. તે વિદ્યાર્થીઓને, રિચર્ચ ફેલોઝને જેનું સપનું ભારતીજીએ જોયું હતું તેવા ભવ્ય ભારતના નિર્માણમાં જોડાયેલા રહેવાની નિરંતર પ્રેરણા આપશે.

સાથીઓ,

સુબ્રમણ્ય ભારતીજી હંમેશા ભારતની એકતા અંગે, માનવ માત્રની એકતા ઉપર વિશેષ ભાર મૂકતા હતા. તેમનો આ આદર્શ ભારતના વિચાર અને દર્શનનો અભિન્ન હિસ્સો છે. આપણે ત્યાં પૌરાણિક કાળથી દધિચ અને કર્ણ જેવા દાનવીર હોય કે મધ્ય કાળમાં મહારાજા હર્ષવર્ધન જેવા મહાપુરૂષ હોય, સેવા માટે સર્વસ્વ અર્પણ કરવાની આ પરંપરામાંથી ભારત આજે પણ પ્રેરણા મેળવી રહ્યું છે. એક રીતે આ એવો જીવન મંત્ર છે કે જે આપણને શિખવે છે કે આપણે જેટલું જ્યાંથી પણ લઈએ, તેનાથી અનેકગણું પરત કરવું જોઈએ. આપણ જે કંઈપણ મેળવ્યું છે તે આ ધરતી પાસેથી મેળવ્યું છે. આપણે જે પણ પ્રગતિ કરી છે તે આ સમાજની વચ્ચે રહીને જ કરી છે, સમાજને કારણે કરી છે. એટલા માટે આપણને જે મળ્યું છે તે માત્ર આપણું જ નથી, તે આપણાં સમાજનું પણ છે, આપણાં દેશનું પણ છે. જે સમાજનું છે તે સમાજને પરત કરવાનું છે અને સમાજ તેને અનેકગણું વધારીને પછી આપણને અને આપણી આગળની પેઢીઓને પરત કરે છે. આ એક એવું ઉર્જા ચક્ર છે, એવી એનર્જી સાયકલ છે કે જે દરેક પ્રયાસની સાથે સાથે ગતિ પ્રાપ્ત કરે છે. આજે આપણે આવા ઉર્જા ચક્રને ગતિ આપી રહ્યા છીએ.

સાથીઓ,

જ્યારે આપણે સમાજ માટે કોઈ સંકલ્પ કરીએ છીએ ત્યારે તેની સિધ્ધિ માટે સમાજ જ આપણને સામર્થ્ય પૂરૂં પાડે છે. એટલા માટે જ આજે એક એવા કાલખંડમાં કે જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ ત્યારે દેશને સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસની સાથે સાથે સબ કા પ્રયાસનો મંત્ર મળ્યો છે. ગુજરાત તો ભૂતકાળથી માંડીને આજ સુધી સહિયારા પ્રયાસોની ધરતી રહી છે. આઝાદીની લડતમાં ગાંધીજીએ અહીંથી જ દાંડી યાત્રાની શરૂઆત કરી હતી, જે આજે પણ દેશ માટે સંગઠીત પ્રયાસોનું પ્રતિક છે, પ્રેરણા છે.

આવી રીતે ખેડા આંદોલનમાં સરદાર પટેલના નેતૃત્વમાં ખેડૂત, નવયુવાન અને ગરીબોએ સંગઠીત બનીને અંગ્રેજી હકુમતને ઝૂકવા માટે મજબૂર કરી હતી. તે પ્રેરણા, તે ઉર્જા આજે પણ ગુજરાતની ધરતી પર સરદાર સાહેબની ગગનચૂંબી પ્રતિમાસ્ટેચ્યુ ઓફ યુનિટીસ્વરૂપે આપણી સામે ઉભી છે. એ બાબતને કોણ ભૂલી શકે તેમ છે કે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિચાર ગુજરાતની સામે મૂકવામાં આવ્યો હતો ત્યારે જે રીતે સમગ્ર દેશ આ પ્રયાસનો હિસ્સો બની ગયો હતો અને દેશના ખૂણે ખૂણેથી ખેડૂતોએ લોખંડ મોકલ્યું હતું. આ પ્રતિમા આજે સમગ્ર દેશના સંગઠીત પ્રયાસોનું પ્રેરણા સ્થળ છે, પ્રતિક છે.

ભાઈઓ અને બહેનો,

સહકારીથી સફળતાની જે રૂપરેખા ગુજરાતે રજૂ કરી છે તેમાં દેશ પણ ભાગીદાર બન્યો છે અને આજે દેશને તેનો લાભ પણ મળી રહ્યો છે. મને આનંદ છે કે સરદારધામ ટ્રસ્ટે પણ સામુહિક પ્રયાસોથી પોતાના માટે હવે પછીના પાંચ અને દસ વર્ષના લક્ષ્યાંકો નક્કી કર્યા છે. આજે દેશ પોતાની આઝાદીના 100 વર્ષના સપનાં પૂરા કરવા માટે આવા જ લક્ષ્ય સાથે આગળ ધપી રહ્યો છે.

હવે સરકારમાં અલગ સહકાર મંત્રાલયની રચના કરવામાં આવી છે. ખેડૂતોનવયુવાનોની સહકારની શક્તિનો પૂરો લાભ મળી શકે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સમાજનો જે વર્ગ, જે લોકો પાછળ રહી ગયા છે તેમને આગળ લાવવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આજે એક તરફ દલિતો, પછાતોના અધિકારો માટે જવાબદારી સાથે અનેક કામ કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ આર્થિક ધોરણ મુજબ પાછળ રહી ગયેલા સવર્ણ સમાજના લોકોને પણ 10 ટકા અનામત આપવામાં આવી છે. આ નીતિઓનું એ પરિણામ છે કે આજે સમાજમાં એક નવો આત્મવિશ્વાસ પેદા થઈ રહ્યો છે.

સાથીઓ,

આપણે ત્યાં કહેવામાં આવે છે કે સત્ વિદ્યા યદિ કા ચિન્તા, વરાકોદર પૂરણેનો અર્થ એવો થાય છે કે જેની પાસે વિદ્યા છે, જ્ઞાન અને કૌશલ્ય છે તેને પોતાની આજીવિકા માટે, જીવનની પ્રગતિ માટે ચિંતા કરવી પડતી નથી. સક્ષમ વ્યક્તિ પોતાની પ્રગતિ માટે જાતે જ રસ્તો બનાવી લે છે. મને આનંદ છે કે સરદાર ધામ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ અને કૌશલ્ય ઉપર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ આ બાબત ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે આપણું શિક્ષણ કૌશલ્ય વધારનારૂં હોવું જોઈએ. ભવિષ્યના બજારમાં કેવા કૌશલ્યની માંગ હશે, ભવિષ્યની દુનિયાની આગેવાની લેવા માટે આપણાં યુવાનોએ શું કરવું જોઈએ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓને પ્રારંભથી જ વિશ્વની આ વાસ્તવિકતાઓ માટે તૈયાર કરશે. ‘સ્કીલ ઈન્ડીયા મિશનપણ દેશની મોટી અગ્રતા છે. આ મિશન હેઠળ લાખો યુવાનોને અલગ અલગ કૌશલ્ય શિખવાની તક પ્રાપ્ત થઈ છે અને તે આત્મનિર્ભર બની રહ્યા છે. નેશનલ એપ્રેન્ટીસશીપ પ્રમોશન સ્કીમ હેઠળ યુવાનોને અભ્યાસની સાથે સાથે કૌશલ્ય વિકાસની પણ તક મળી રહી છે અને તેમને આવક પણ થઈ રહી છે.

માનવ કલ્યાણ યોજનાઅને એવી જ અન્ય અનેક યોજનાઓ મારફતે ગુજરાત પણ આ દિશામાં ઝડપથી પ્રયાસ કરી રહ્યું છે અને તેના માટે હું ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવુ છું. અનેક વર્ષોના સતત પ્રયાસોનું એ પરિણામ આવ્યું છે કે ગુજરાતમાં આજે શાળા છોડવાનો દર 1 ટકાથી પણ ઓછો થયો છે. અહીં અલગ અલગ યોજનાઓમાં લાખો યુવાનોને કૌશલ્ય વિકાસના માધ્યમથી નવુ ભવિષ્ય મળી રહ્યું છે. ગુજરાતના યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા તો સ્વાભાવિકપણે હોય જ છે. સ્ટાર્ટઅપ ઈન્ડીયા જેવા અભિયાનથી આજે ગુજરાતના યુવાનોને એક નવી ઈકોસિસ્ટમ મળી રહી છે.

મને કહેવામાં આવ્યું છે કે સરદારધામ ટ્રસ્ટ પણ આપણાં યુવાનોને ગ્લોબલ બિઝનેસ સાથે જોડવા માટે અનેક પ્રયાસ કરી રહ્યુ છે. વાયબ્રન્ટ ગુજરાત સમીટના માધ્યમથી જે શરૂઆત ગુજરાતે ક્યારેક કરી હતી તે લક્ષ્યોને ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ આગળ ધપાવશે. પાટીદાર સમાજની તો ઓળખ પણ એવી રહી છે કે તે જ્યાં પણ જાય છે ત્યાં વેપારને નવી ઓળખ આપે છે. તમારો આ હુન્નર હવે માત્ર ગુજરાત અને દેશમાં જ નહીં, પણ સમગ્ર દુનિયામાં ઓળખ ઉભી કરી રહ્યો છે, પરંતુ પાટીદાર સમાજની વધુ એક ખૂબી પણ છે. તે જ્યાં પણ જાય છે ત્યાં ભારતનું હિત તેમના માટે સર્વોપરી રહે છે. આપણાં દેશની આર્થિક ઉન્નતિમાં તેમણે જે યોગદાન આપ્યું છે તે અદ્દભૂત છે અને પ્રેરણાદાયક પણ છે.

સાથીઓ,

કપરામાં કપરો સમય હોય, જ્યારે પોતાના કર્તવ્યને સમજીને સમગ્ર દેશ વિશ્વાસની સાથે કામ કરી રહ્યો હોય તો પરિણામો પણ મળે છે. કોરોનાની મહામારી આવી અને સમગ્ર દુનિયાની અર્થ વ્યવસ્થાને પણ આંચ આવી. ભારત ઉપર પણ તેની ઘણી અસર થઈ, પરંતુ આપણી અર્થવ્યવસ્થા મહામારીને કારણે જેટલી અટકી છે તેનાથી અનેકગણી વધુ ઝડપથી રિકવર થઈ રહી છે. જ્યારે મોટા મોટા અર્થતંત્રો બચાવની પરિસ્થિતિમાં હતા ત્યારે આપણે સુધારા કરી રહ્યા હતા. જ્યારે ગ્લોબલ સપ્લાય ચેઈન્સને ખલેલ થઈ રહી હતી તે સમયે આપણે નવી પરિસ્થિતિને ભારતની તરફેણમાં વળાંક આપવા માટે પીએલઆઈ સ્કીમ શરૂ કરી હતી. હમણાં પીએલઆઈ સ્કીમથી ટેક્ષટાઈલ ક્ષેત્રની વૃધ્ધિને આગળ ધપાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. તેનો ઘણો મોટો લાભ ટેક્ષટાઈલ ક્ષેત્રને અને સુરત જેવા શહેરોને થશે.

સાથીઓ,

21મી સદીમાં ભારત પાસે તકની કોઈ તંગી નથી. આપણે પોતાને ગ્લોબલ લીડર તરીકે જોવા માંગીએ છીએ. આપણે સર્વશ્રેષ્ઠ આપવા માંગીએ છીએ અને સર્વશ્રેષ્ઠ કરવાનું પણ છે. મને પૂરો વિશ્વાસ છે કે દેશની પ્રગતિમાં ગુજરાતનું જે યોગદાન રહ્યું છે તેને આપણે વધુ સશક્ત સ્વરૂપે આગળ લાવીશું. આપણાં પ્રયાસોથી સમાજને નવી ઉંચાઈ તો મળશે જ, પણ સાથે સાથે દેશને પણ વિકાસની નવી ઉંચાઈ સુધી લઈ જઈ શકીશું.

આવી શુભેચ્છા સાથે,

આપ સૌનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર!