Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ 70મી સ્વતંત્રતા વર્ષની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી

પ્રધાનમંત્રીએ 70મી સ્વતંત્રતા વર્ષની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના અલીરાજપુરમાં ભાબરામાં ચંદ્રશેખર આઝાદના જન્મસ્થળે આ મહાન સ્વાતંત્ર્ય સેનાનીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. પ્રધાનમંત્રીએ શહીદ ચંદ્રશેખર આઝાદની પ્રતિમાને પુષ્પાર્પણ કર્યા હતા અને તેમના જન્મસ્થળે આઝાદ સ્મારકની મુલાકાત લીધી હતી.

અહીં જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ આઝાદીની લડાઈને યાદ કરતા જણાવ્યું હતું કે આ જ દિવસે મહાત્મા ગાંધીએ બ્રિટિશરોને ભારત છોડોનું આહવાન કર્યું હતું. તેમણે લોકોને દેશની આઝાદી કાજે શહીદ થનાર લોકોને હંમેશા યાદ રાખવા અપીલ કરી હતી, જેમના બલિદાનના કારણે આપણે અત્યારે સ્વતંત્રતાની મહેંક માણી શકીએ છીએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ચંદ્રશેખર આઝાદના જન્મસ્થળના દર્શન કરીને હું ગૌરવની લાગણી અનુભવું છું. આ પ્રકારની મુલાકાતથી મને દેશ માટે કામ કરવાની પ્રેરણા મળે છે, તેવું પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણને દેશની આઝાદી માટે શહીદ થવાની તક મળી નથી, પણ આપણે દેશ માટે જીવવાની, કશું કરી છૂટવાની તક ઝડપી લેવી જોઈએ. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ પણ રાષ્ટ્ર પોતાના લોકોના ચારિત્ર્ય, દેશ માટે કશું કરી છૂટવાના જુસ્સાને બળે આગળ વધે છે, તેમની મહેનતના બળે પ્રગતિ કરે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દરેક ભારતીય કાશ્મીરને ચાહે છે અને કાશ્મીરની મુલાકાત લેવા ઇચ્છે છે. તેમણે કહ્યું હતું કે, કેટલાક ગેરમાર્ગે દોરાયેલા તત્ત્વો કાશ્મીરની મહાન પરંપરાઓનો નાશ કરવા ઇચ્છે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર કાશ્મીરના યુવાનો માટે રોજગારીની તકોનું સર્જન કરવા ઇચ્છે છે. તેમણે કાશ્મીરના યુવાનોને આગળ આવવા અને કાશ્મીરને ખરા અર્થમાં ધરતી પરનું સ્વર્ગ બનાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, કાશ્મીર શાંતિ ઇચ્છે છે અને કાશ્મીરના લોકો પ્રવાસન મારફતે વધુ કમાણી કરવા માંગે છે.

તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીરની સરકાર વિકાસ મારફતે તમામ સમસ્યાઓનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીનું ઇન્સાનિયત (માનવતા), જમહૂરિયત, કાશ્મિરિયતનું વિઝન રાજ્યને પ્રગતિના પંથે દોરી જશે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, અત્યારે આપણે બધાએ દેશને નવી ઊંચાઈએ લઈ જવા સામાન્ય સમાધાન શોધીને સંયુક્તપણે કામ કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય તિરંગો આપણને બધાને એકતાંતણે બાંધે છે અને આપણને ભારતની નિયતિને નવેસરથી લખવા માટે પ્રેરિત કરે છે.

ત્યારબાદ પ્રધાનમંત્રીએ 70મા સ્વતંત્રતા વર્ષની ઉજવણી શરૂ કરવાના ભાગરૂપે તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી હતી.

AP/J.Khunt/TR/GP