Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સોમનાથમાં બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા

પ્રધાનમંત્રીએ સોમનાથમાં બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા


 

PM India

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના સોમનાથમાં બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યું હતું. જે પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એમાં સોમનાથ સહેલગાહ, સોમનાથ એક્ઝિબિશન સેન્ટરઅને જૂનાં સોમનાથના પુન:નિર્મિત મંદિર પરિસરનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમ્યાન શ્રી પાર્વતી મંદિરનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રીની સાથે શ્રી લાલ કૃષ્ણ અડવાણી, કેન્દ્રીય ગૃહ મંત્રી, કેન્દ્રીય પર્યટન મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વભરના ભક્તોને અભિનંદન આપતા પ્રધાનમંત્રીએ ભારતની પ્રાચીન ભવ્યતાને સજીવન કરવા માટે અટલ ઇચ્છા શક્તિ દર્શાવનારા સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સરદાર પટેલે સોમનાથ મંદિરને સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ભાવના સાથે જોડ્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે “એ આપણું સદનસીબ કે આઝાદીના 75મા વર્ષે આપણે સરદાર સાહેબનાં પ્રયાસોને આગળ ધપાવી રહ્યા છીએ અને સોમનાથ મંદિરને નવી ભવ્યતા આપી રહ્યા છીએ.” પ્રધાનમંત્રીએ લોકમાતા અહિલ્યાબાઈ હોલ્કરને પણ યાદ કર્યાં હતાં જેમણે વિશ્વનાથથી સોમનાથ સુધી ઘણાં મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. દેશ એમનાં જીવનમાંથી આધુનિકતા અને પરંપરાના મિશ્રણમાંથી પ્રેરણા લઈને આગળ વધી રહ્યો છે એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી અને કચ્છની કાયાપલટ જેવી પહેલો આધુનિકતાને પર્યટન સાથે જોડતા પરિણામ તરીકે બહુ નિકટતાથી જોવાયાં છે. ‘એ દરેક સમયગાળાની માગ રહી છે કે આપણે ધાર્મિક પર્યટનની નવી શક્યતાઓ શોધીએ અને યાત્રા અને સ્થાનિક અર્થતંત્ર વચ્ચેનાં  સંબંધોને મજબૂત બનાવીએ’એમ પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભગવાન શિવ નાશ અને સંહારની વચ્ચે વિકાસ અને સર્જનશીલતાને ઉદય આપે છે. શિવ અનંત છે, એ અભિવ્યક્ત ન થઈ શકે અને શાશ્વત-અનાદિ છે. ‘શિવમાં આપણી શ્રદ્ધા આપણને સમયની મર્યાદાથી આગળ આપણા અસ્તિત્વનું ભાન કરાવે છે, સમયના પડકારોનો સામનો કરવાની શક્તિ આપે છે’એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

PM India

 

પવિત્ર મંદિરના ઇતિહાસનું પ્રતિબિંબ પાડતા પ્રધાનમંત્રીએ મંદિરના વારંવારના વિનાશને યાદ કર્યો હતો અને દરેક હુમલા પછી કેવી રીતે મંદિર ઊભું થયું એ યાદ કર્યું હતું. આ એ માન્યતાનું પ્રતીક છે કે જૂઠાણાંથી સત્ય પરાજિત ન થઈ શકે અને આતંકથી શ્રદ્ધા કચડાઇ ન શકે.’“વિધ્વંસક શક્તિઓ, આતંકના આધારે સામ્રાજ્ય સ્થાપવાની કોશીશ કરતી વિચારધારા હંગામી રીતે વર્ચસ્વ ઊભું કરે પણ એનું અસ્તિત્વ કદી કાયમી નથી, એ લાંબો સમય સુધી માનવતાને દબાવી શકે નહીં. કેટલાંક હુમલાખોરો સોમનાથને તોડી રહ્યા હતા ત્યારે આ સાચું હતું અને આજે જ્યારે વિશ્વ આવી વિચારધારાઓથી ભયભીત છે ત્યારે પણ એટલું જ સાચું છે.” એમ પ્રધાનમંત્રીએ આગ્રહ રાખ્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સોમનાથ મંદિરનું પુન:નિર્માણ ભવ્ય જીર્ણોદ્ધાર એ સદીઓની મજબૂત ઇચ્છા અને વૈચારિક સાતત્યના કારણે છે. ‘રાજેન્દ્ર પ્રસાદજી, સરદાર પટેલ અને કે એમ મુન્શી જેવા મહાન માણસોએ સ્વતંત્રતા બાદ પણ આ અભિયાન માટે મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. તેમ છતાં, આખરે 1950માં આધુનિક ભારતના દિવ્ય સ્તંભ તરીકે સોમનાથ મંદિર સ્થાપિત થયું. દેશ વિવિધ સમસ્યાઓના મૈત્રીપૂર્ણ ઉકેલ તરફ આગળ વધી રહ્યો છે. આધુનિક ભારતની ભવ્યતાનો એક તેજસ્વી સ્તંભ રામ મંદિરના સ્વરૂપમાં આવી રહ્યો છે’એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું કે આપણી વિચારધારા આપણા વર્તમાનને સુધારવા અને નવું ભવિષ્ય સર્જવા માટે ઈતિહાસમાંથી શીખવાની હોવી જોઇએ. પોતાના ‘ભારત જોડો આંદોલન’ના મંત્રનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે આ કઈ માત્ર ભૌગોલિક જોડાણ જ નથી પણ વિચારોનું પણ જોડાણ છે. ‘આપણા ભૂતકાળ સાથે ભાવિ ભારતને જોડતા નિર્માણ માટેની પ્રતિજ્ઞા છે’એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ‘આપણા માટે ઈતિહાસ અને શ્રદ્ધાનું સત્વ સબ કા સાથ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસ છે.”પ્રધાનમંત્રી ભારતની એક્તાના જોરમાં શ્રદ્ધા અને માન્યતાની ભૂમિકાને ઉજાગર કરી જતી. તેમણે કહ્યું ‘પશ્ચિમમાં સોમનાથ અને નાગેશ્વરથી પૂર્વમાં વૈદ્યનાથ, ઉત્તરમાં બાબા કેદારનાથથી લઈને ભારતના એકદમ દક્ષિણ છેડે શ્રી રામેશ્વર સુધી, આ 12 જ્યોતિર્લિંગ સમગ્ર દેશને જોડવાનું કાર્ય કરે છે. એવી જ રીતે, આપણા ચાર ધામોની વ્યવસ્થા, શક્તિપીઠોની વિભાવના, દેશના વિવિધ ખૂણે વિવિધ યાત્રાધામોની સ્થાપના, આપણી શ્રદ્ધાની આ રૂપરેખા હકીકતમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાની અભિવ્યક્તિ છે.’

દેશની એક્તાને મજબૂત કરવામાં આધ્યાત્મિકતાની ભૂમિકા સાથે આગળ વધતા પ્રધાનમંત્રી પર્યટન અને આધ્યાત્મિક પર્યટનની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંભાવના વિશે વિસ્તારથી બોલ્યા હતા. તેમણે કહ્યું કે દેશ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરીને પ્રાચીન ભવ્યતાને સજીવન કરી રહ્યો છે. તેમણે રામાયણ સર્કિટનું ઉદાહરણ આપ્યું હતું જે રામભક્તોને ભગવાન રામ સંબંધી નવાં સ્થળોથી અવગત કરાવે છે અને કેવી રીતે ભગવાન રામ સમગ્ર ભારતના રામ છે એની અનુભૂતિ કરાવે છે. એવી જ રીતે બુદ્ધ સર્કિટ વિશ્વભરના શ્રદ્ધાળુઓને સુવિધાઓ પૂરી પાડે છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી કે પર્યટન મંત્રાલય સ્વદેશ દર્શન યોજના હેઠળ 15 વિષયો પર ટુરિસ્ટ સર્કિટ્સ વિક્સાવી રહ્યું છે અને ઉપેક્ષિત વિસ્તારોમાં પર્યટનની તકો સર્જી રહ્યું છે. કેદારનાથ જેવા પર્વતીય ક્ષેત્રોમાં વિકાસ, ચાર ધામ માટે ટનલ અને હાઇ વેઝ, વૈષ્ણોદેવીમાં વિકાસ કાર્ય, ઉત્તરપૂર્વમાં હાઈ ટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર ઓછું કરી રહ્યા છે. એવી જ રીતે, 2014માં જાહેર થયેલી ‘પ્રસાદ’યોજના હેઠળ યાત્રાના 40 મુખ્ય સ્થળો વિક્સાવાઇ રહ્યા છે એમાંથી 15 સંપૂર્ણ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં, રૂ. 100 કરોડના ત્રણ પ્રોજેક્ટ્સ પર કાર્ય ચાલી રહ્યું છે. યાત્રાધામોના સ્થળોને જોડવા માટે ધ્યાન અપાઇ રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશ પર્યટન દ્વારા સામાન્ય નાગરિકોને જ નથી જોડતો પણ આગળ પણ વધી રહ્યો છે. ‘2013માં દેશ પ્રવાસ અને પર્યટન સ્પર્ધાત્મકતા સૂચકાંકમાં 65મા સ્થાને હતો તે 2019માં 34મા સ્થાને આવી ગયો છે.’

 

PM India

 

સોમનાથ સહેલગાહ પગથી પ્રસાદ (પિલ્ગ્રિમિજ રિજૂવેશન એન્ડ સ્પિરિચ્યુઅલ, હૅરિટેજ ઑગ્મેન્ટેશન ડ્રાઇવ) યોજના હેઠળ રૂ. 47 કરોડથી વધુના કુલ ખર્ચે વિક્સાવવામાં આવી છે. ‘ટુરિસ્ટ ફેસિલિટેશન સેન્ટર’પરિસરમાં વિક્સાવાયેલ સોમનાથ એક્ઝિબિશન કેન્દ્ર  જૂનાં સોમનાથ મંદિરના અલગ થઈ ગયેલાં ભાગોને અને જૂના સોમનાથની નગર શૈલીના મંદિર સ્થાપત્યના શિલ્પોને દર્શાવે છે.

જૂના સોમનાથના પુન:નિર્મિત મંદિર પરિસર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કુલ રૂ. 3.5 કરોડના ખર્ચે પૂર્ણ કરાયું છે. આ જૂનું મંદિર જર્જરિત અવસ્થામાં માલમ પડતા એ સમયે  ઇન્દોરનાં મહારાણી અહિલ્યાબાઇએ બંધાવ્યું હોવાથી તે અહિલ્યાબાઇ મંદિર તરીકે પણ ઓળખાય છે. સમગ્ર જૂનું મંદિર પરિસર સાકલ્યવાદી રીતે યાત્રાળુઓની સલામતી અને વધારાયેલી ક્ષમતા માટે ફરી વિક્સાવાયું છે.

શ્રી પાર્વતી મંદિર કૂલ રૂ. 30 કરોડના ખર્ચે બાંધવાની દરખાસ્ત છે. એમાં સોમપુરા સલાટ પદ્ધતિએ મંદિર નિર્માણ, ગર્ભગૃહ અને નૃત્ય મંડપનો વિકાસ સામેલ છે.